જીવનની પ્રત્યેક ક્ષણ એક બીજા સાથેનું અનુસંધાન છે. આ ક્ષણ ભૂતકાળ અને ભવિષ્યકાળ સાથેનું અનુસંધાન છે. એ સંદર્ભમાં આપણું જીવન અત્યાર સુધીની ક્ષણોના અનુસંધાનનો સરવાળો માત્ર છે.

આપણા સંબંધો એક બીજા સાથેની લાગણીઓ અને વિચારોનું અનુસંધાન છે. ક્યારેક આપણે તેને ૠણાનુબંધ પણ કહેતા હોઇએ છીએ, અને ત્યારે આપણે તેને આપણા પૂર્વજન્મો સાથેના અનુસંધાનમાં જ વ્યક્ત કરતા હોઇએ છીએ.

જીવનના જેટલા પણ આયામો છે, ત્યાં જો સુદ્રઢ અનુસંધાન હોય તો જીવન વિધાયક લાગે છે, અને જ્યાં અનુસંધાન જામતું નથી ત્યાં કશુંક ખૂટ્યા જેવું લાગે છે. અહીં આપણે શબ્દોની એક લાગણીસભર દુનિયા સાથે અનુસંધાન સાધવાનું છે.

દિવ્યેશ ત્રિવેદી મારા પતિ કરતાં વિશેષ મારા સખા, પથદર્શક અને મારી ચેતનયાત્રાના રાહબર રહ્યા છે. તેઓએ જીવનલીલાને બહુ જ વહેલી સંકેલી લીધી, પણ અક્ષરદેહના એક શાશ્વત સામ્રાજ્યનું ચિરંજીવ સર્જન કરતા ગયા. આ સર્જયયાત્રા સાથે આપ સર્વના આત્મિક અનુસંધાન અર્થે ઉપસ્થિત થયા છીએ. લેખન અને વાચન એમના અંતિમ સમય સુધી સાથી બની રહ્યા હતા. વિષય પસંદગીની સીમાઓ તેઓ માટે ક્યારેય મર્યાદા બની જ નહીં. કોઇ એમના રસિક વિષયો અંગે પૃચ્છા કરે તો તેઓ કહેતા કે, ‘સેક્સ ટુ સાયકોલોજી અને ગઝલ ટુ ગાયનેકોલોજી’. એમની સર્જનયાત્રામાં અધ્યાત્મ, મનોવિજ્ઞાન, શિક્ષણ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, પર્યાવરણ, મેનેજમેન્ટ, આરોગ્ય અને વૈદકશાસ્ત્ર, રાજકારણ, શેરબજાર, રમત-ગમત, વિજ્ઞાન  અને સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાવ્ય/ગઝલ/ટૂંકીવાર્તા/નવલકથા/નિબંધ/સમીક્ષા વગેરેનો સમાવેશ થાય છે. આ સમગ્ર અક્ષરદેહને આપ સહુ સમક્ષ પ્રસ્તુત કરીને હું ઋણમુક્ત બનીશ એવો ભાવ નિઃસંદેહ નથી, પણ દેવામુક્ત બની શકીશ એવી શ્રદ્ધા ચોક્કસ છે.

અમારા પૂજ્ય પપ્પાજી, પ્રો. વિ. કે. શાહના નામે જ પ્રખ્યાત. એમની વિદાયને ૪૦ વર્ષ વીતી ગયા, પણ સાથ બિલકુલ છોડ્યો નથી. એમના વિશે લખવાની પાત્રતા કે સામર્થ્ય તો ક્યાંથી હોય? બસ, અમે ત્રણેય ભાઇ બહેનો સ્મિતા(શીતલ), મલય અને સોનિયાના અસ્તિત્ત્વના રોમેરોમમાં તેઓની હસ્તી અને વસ્તી છે. અમે એમને સ્વસ્થ કરતાં નાદુરસ્ત જ વધારે જોયા છે. પણ નાદુરસ્તી એમની મર્યાદા ક્યારેય નહોતી, કૉલેજમાં સી.એલ. તો લેવાની જ નહીં, બધી જ સી.એલ. વર્ષના અંતે ય બાકી જ બોલતી હોય! સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટક રંગભૂમિ પર ભજવતા હોય અને ખબર ન પડે તેમ સ્ટેજ પાછળ જઇને વચ્ચે ઉધરસના હુમલાઓને સહન પણ કરી આવતા હોય. બાળપણની તો એ જ સ્મૃતિઓ છે કે, પપ્પાજી કૉલેજથી ઘરે આવે, કાગળ-પત્રો પહેલાં જુએ, જમીને તરત જવાબો લખવા બેસી જવાનું અને પછી વિદ્યાર્થીઓની મુલાકાતો શરૂ થાય અને સમયનો પ્રવાહ અટકી જાય. અમે તેઓને સતત સંવાદ કરતા જોયા છે. દિવ્યેશ પણ આ સંવાદના પ્રત્યક્ષ ભાગીદાર. એમના લેખન કાર્યને પણ અહીં પ્રસ્તુત કરીને તેઓના સંવાદ સાથે પુનઃ અનુસંધાન સાધવું છે.

મારી સાથેના અનુસંધાનને પણ અવકાશ આપ્યો છે! અધ્યયનના મારા અનુભવો અને અધ્યાપન દરમ્યાનની વિવિધ શિક્ષણ પદ્ધતિઓ અજમાવતાં જે સર્જન થયું છે, તેને પણ અભિવ્યક્ત કરીશ. એમાં મારું પોતીકું કશું જ નથી. એ સહિયારું છે, અનેક લેખકો, સર્જકો, સંશોધકોના પરિશ્રમનો એમાં સહયોગ છે. આમ તો મારી શિક્ષણયાત્રાને આપ સહુ વધુ વિકસિત કરો એવી ખેવના છે.

મારો ભાઇ મલય, આમ તો ટેલી કન્સલ્ટન્ટ, પૈસાની આવન જાવન અને જમા ઉધાર સાથે જ વધુ લેવા દેવા. પણ એનું પઠન અદ્ભુત છે, ક્યાંય પણ બે જણ ભેગાં થયા હોય તો વાતાવરણ હાસ્યતરંગોથી લહેરાઇ જાય. તદ્દન ગંભીર વાતને પણ આળોટીને હસવું પડે તેવી રીતે રજૂ કરવાની એની આવડત બેનમૂન છે. પારિવારિક મેળવાડાઓ એના વગર સૂના જ હોય! નાનકડા સમારંભો એના સંચાલનથી રોમાંચક બની જાય!  એની સાથે પણ અહીં અનુસંધાન થશે.

આપ સહુ પણ કેમ બાકી રહી જાઓ! આપના પ્રતિભાવો અને પ્રતિક્રિયાઓથી જ તો અનુસંધાન મજબૂત અને તાકતવર બનવાનું છે. બસ, આ આદાનપ્રદાન થકી આપણે સતત મળતાં રહીએ, વિકસતા રહીએ અને એકાત્મ હોવાનું અનુસંધાન બનાવતાં રહીએ.

અંતમાં શબ્દના નંદનવનમાં વહીને નિઃશબ્દની ચેતના સાથે અનુસંધાન સાધતાં રહીએ એ જ શુભેચ્છાઓ સહિત!!!!  

સ્મિતા ત્રિવેદી અને મલય શાહના વંદન


જીવનનો ઉજાસ અને સંવેદનાનું સાંનિધ્ય એ જ પરમ અનુસંધાન
જીવનનો ઉજાસ અને સંવેદનાનું સાંનિધ્ય એ જ પરમ અનુસંધાન

%d bloggers like this: