૨ પારિજાત

ફોન મૂક્યા પછી સુધા ક્યાંય સુધી ખુરશીમાં બેસી રહી. આ વખતે વ્યોમ એકદમ મક્કમ હતો. હવે સુધા પાસે પણ કોઈ બહાનું નહોતું. એ કોઈ બહાનું કાઢે તો પણ વ્યોમ એ માનવાનો નહોતો. ફોન પર એણે સ્પષ્ટ કહી દીધું હતું કે તા. ૩૧ ડિસેમ્બરે ત્યાં આવીને દસ જ દિવસમાં પાછા જવાનું છે. એણે તા. ૧૧ જાન્યુઆરીની રિટર્ન ટિકીટ પણ બુક કરાવી દીધી હતી. આમ તો વ્યોમ છેલ્લાં આઠ વર્ષથી સુધાને લઈ જવાનું કહેતો હતો. પરંતુ સુધા ટાળતી હતી. અત્યાર સુધી તો એણે રિટાયર થવા સુધીની મુદત નાખી હતી. ગયા માર્ચ મહિનામાં એ રિટાયર થઈ ગઈ હતી. છતાં પી.એફ. અને ગ્રેજ્યુઈટીનું સેટલમેન્ટ તથા બીજી વિધિઓના બહાને બીજા આઠ-દસ મહિના ખેંચી કાઢ્યા હતા. પરંતુ હવે કદાચ વ્યોમની ધીરજ ખૂટી ગઈ હતી. એથી જ એણે સુધાની ઔપચારિક મંજૂરી માગ્યા વિના જ પોતાની રીતે કાર્યક્રમ બનાવી નાખ્યો હતો. સુધાને પણ ખાતરી થઈ ગઈ હતી કે હવે એનું કોઈ બહાનું ચાલશે નહીં અને વ્યોમ એને પોતાની સાથે અમેરિકા લઈ જ જશે.

કેટલીય વાર પછી સુધા મહાપરાણે ખુરશીમાંથી ઊભી થઈ. હજુ માંડ સવાર પડી હતી. સૂરજ હજુ આકાશનો ઘૂંઘટ હટાવીને પૂરેપૂરો બહાર આવ્યો નહોતો. વાતાવરણમાં સહેજ ઠંડી હતી. સુધાએ સાડીનો પાલવ ગળા ફરતો વીંટાળીને કવર કર્યો. ધીમે રહીને બારણું ખોલ્યું અને વરંડામાં આવી. પવનની આછી લહેરખી એને સહેજ ધ્રૂજાવી ગઈ. વરંડાની ડાબી બાજુએ આવીને એ પાળી પર હાથ મૂકીને ઊભી રહી. બંગલાના નાનકડા ચોગાનમાં વચ્ચોવચ પારિજાતનું વૃક્ષ ઊભું હતું. સુધા એ વૃક્ષને જોઈ રહી. અત્યારે એના પર ફૂલો નહોતાં. સુધાને પારિજાતનું એ વૃક્ષ આજે એકદમ ઉદાસ ઊભું હોય એવું લાગ્યું. એનાથી એક ઊંડો નિસાસો નંખાઈ ગયો. એના કાનમાં સોમદત્તના શબ્દો એકાએક ગૂંજી ઊઠ્યા, “પારિજાતના ફૂલોએ તને પરી બનાવી દીધી છે. તારા વિશેની મારી કલ્પના આવી જ હતી. મને એવું લાગે છે કે જાણે હું જ પારિજાતનું ફૂલ બનીને તારા દેહ પર વરસી રહ્યો છું. તું જ્યારે પણ આ ઝાડ નીચે આવીને ઊભી રહીશ ત્યારે હું તારા પર પારિજાતના ફૂલોની જેમ જ અનરાધાર વરસીશ…”

સુધાના આખા શરીરમાંથી એક કંપન પસાર થઈ ગયું. એને પારિજાતના વૃક્ષ નીચે જઈને બેસી જવાની ઈચ્છા થઈ આવી. પણ એને ખબર હતી કે ડિસેમ્બર મહિનામાં પારિજાતના ફૂલ નહીં વરસે. પારિજાતના ફૂલ એટલે એના માટે સોમદત્ત. અઠ્ઠાવીસ વર્ષથી સોમદત્ત નથી, છતાં પારિજાતના ફૂલ છે તો સોમદત્ત છે. સોમદત્તનું આખું અસ્તિત્વ એનામાં ઓળઘોળ છે. એ સોમદત્તથી વિખૂટી પડી જ નથી.

વ્યોમને આવવાને હવે માંડ છ દિવસ બાકી રહ્યા હતા. વ્યોમ આવીને એને લઈ જ જશે. સુધાને થડકાર એ વાતનો હતો કે એણે આ ઘર, એમાં સોમની સૂક્ષ્મ હાજરી અને પારિજાત થકી સોમદત્તનું સાનિધ્ય છોડવું પડશે. એનું મન હજુ આ માટે તૈયાર નહોતું. પરંતુ હવે કદાચ કોઈ ઉપાય પણ નહોતો. વ્યોમ પાસે અત્યારે સુધી એણે માત્ર બહાના જ કાઢ્યા હતાં. એ વ્યોમની લાગણી પણ સમજતી હતી. છતાં અત્યાર સુધી એને અવગણતી હતી.

        વ્યોમ એને કહેતો હતો કે મારા માટે તો માતા અને પિતા બન્ને તું જ છે. સાચું જ હતું. સોમદત્ત પોતાના પુત્ર વ્યોમનું મોં પણ જોઈ શક્યો નહોતો. એ ગોઝારો દિવસ યાદ આવતાં સુધા ધ્રૂજી ઊઠી. સુધાની નાની બહેન કરુણા અમેરિકાથી આવી હતી. થોડા દિવસ એ અને એનો પતિ કૌશલ ફરવા ગયાં હતાં. એમને અમેરિકા પાછા જવાનું હતું ત્યારે સોમ ગાડી લઈને એમને મુંબઈ મૂકવા જવા તૈયાર થયો. આમ તો સોમને પણ મુંબઈ થોડું કામ હતું અને પાછા ફરતાં સુરત તથા વડોદરા રોકાવું પડે એમ હતું. સુધાએ કરુણા અને કૌશલને મૂકવા મુંબઈ સાથે આવવા આગ્રહ કર્યો ત્યારે સોમે એને ખૂબ પ્રેમથી સમજાવી હતી, “સુધા, તું જીદ ન કરે અને મારી વાત સમજે તો સારું! તું તો જાણે છે કે આઠ વર્ષના આપણા લગ્નજીવનમાં બાળક ન હોવાનું દુઃખ મેં નથી લગાડ્યું પરંતુ અચાનક આપણને લોટરી લાગી છે. હજુ તને માંડ ત્રીજો મહિનો જાય છે. આવે વખતે આટલી લાંબી મુસાફરી કદાચ નુકસાન કરે… અને કરુણા તો મારી એકની એક સાળી છે. એને મૂકવા જવાની મારી ફરજ ખરી કે નહીં?”

કરુણા અને કૌશલને અમેરિકાના પ્લેનમાં બેસાડયા પછી ત્રીજા દિવસે મુંબઈથી પાછા ફરતાં વલસાડ અને સુરત વચ્ચે સોમદત્તની કાર એક ટેન્કર સાથે અથડાઈ. સોમદત્ત ફરી અમદાવાદ પાછો ન ફરી શક્યો.

સુધા માટે સોમદત્ત વિનાના જીવનની કલ્પના જ શક્ય નહોતી. સુધાએ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કરવો પડ્યો ન હોત, એ એમને એમ જ મરી ગઈ હોત, પરંતુ એને સોમદત્તની લાગણીઓ અને ભીના શબ્દોએ જીવી લેવા મજબૂર કરી. એ વાત એને હજુય શબ્દશઃ યાદ હતી.

સોમદત્ત બહાર વરંડામાં ખુરશી નાખીને બેઠો બેઠો વાંચતો હતો. બહાર ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો. સોમદત્તે આવા વરસાદમાં ભજિયાંની ફરમાઈશ કરી. સુધા ગરમ ગરમ બટાકાના ભજિયાં ઉતારવા રસોડામાં ગઈ, થોડી વારમાં સોમદત્તે બૂમ પાડી, “સુધા, એક મિનિટ અહીં આવ તો!”

થોડી વારમાં સુધા બહાર આવી. એના હાથ પર ચણાના લોટનું ખીરું હતું. એ આવીને બારણામાં ઊભી રહી એટલે સોમદત્તે કહ્યું, “આ પુસ્તકમાં આચાર્ય રજનીશે સ્વામી રામકૃષ્ણ પરમહંસના જીવનનો એક પ્રસંગ ટાંક્યો છે. જો સાંભળ…” એમ કહી સોમદત્તે આખો પ્રસંગ વાંચી સંભળાવ્યો. એ પ્રસંગમાં એવી વિગત હતી કે રામકૃષ્ણ પરમહંસ મરણપથારીએ હતા અને એમને આ સ્થિતિમાં જોઈને એમના પત્ની શારદાદેવી ઉદાસ તથા રડમસ થઈ ગયાં હતાં. રામકૃષ્ણ પરમહંસે એમને ઉદાસ નહીં થવા સમજાવ્યાં અને કહ્યું, “કે હું મરતો નથી અને મરી શકતો નથી. મારો દેહ માત્ર વસ્ત્રો બદલે છે. હું તો હંમેશાં તમારી સાથે જ રહીશ. માત્ર તમારે મને જોવા માટેની આંખ કેળવવી પડશે.” એ પછી પરમહંસ તો પરમધામ સિધાવ્યા. પરંતુ રામકૃષ્ણનો દેહ હયાત જ છે એવી અનુભૂતિ સાથે શારદાદેવી જીવ્યાં. એમણે રંગીન વસ્ત્રો અને ચૂડી ચાંદલો પણ ઉતાર્યા નહીં. તેઓ સતત રામકૃષ્ણની હાજરી અનુભવતાં રહ્યાં. લોકો એમ માનતા હતા કે શારદાદેવીનું ખસી ગયું છે, પરંતુ શારદાદેવી માનતાં હતાં કે રામકૃષ્ણ તો હાજર જ છે. માત્ર એમને જોવાની આંખનો જ અભાવ છે.

સોમદત્તે આખી વાત વાંચી અને તેની આંખના ખૂણા ભીના થઈ ગયા. કોણ જાણે એને શું સૂઝ્યું કે એ ઊભો થઈને સુધાના ગળામાં હાથ નાખીને કહેવા લાગ્યો, “સુધા, ભૂલે ચૂકે કાલે ઊઠીને હું ન હોઉં તો પણ માનજે કે હું તારી સાથે જ છું. તારી આસપાસ છું. એનું કારણ એ છે કે હું આ ભવમાં કે પેલા ભવમાં, માનવયોનિમાં કે પ્રેતયોનિમાં, સંસારમાં કે મોક્ષમાં તારા વિના રહી જ શકું એમ નથી.”

સુધાએ કૃત્રિમ ગુસ્સો કર્યો, “અંદર તેલ બળે છે અને તને આવી વાતો ક્યાંથી સૂઝે છે? આવું બધું વાંચીને મગજ શું કામ ખરાબ કરે છે?

        અને પાંચમાં મહિને એક વાર સુધા અચાનક ઊંઘમાંથી જાગી ગઈ. એને લાગ્યું કે પેટમાં બાળક હલનચલન કરી રહ્યું છે. એણે સાંભળ્યું હતું કે પાંચમાં મહિનાની આસપાસ બાળકમાં જીવ આવે છે. એનું મન કહેતું હતું કે એના પેટમાંના બાળકમાં સોમદત્તનો જ જીવ પ્રવેશ્યો છે.

        આમ તો સોમદત્ત વિનાનું એનું જીવન અકારું જ હતુ. એ દિવસ-રાત રડીને અને કકળીને પસાર કરતી હતી. આઠ વર્ષ પછી બાળક માટેની ઝંખના તૃપ્ત થઈ રહી હતી ત્યારે એ જ બાળક જીવન માટે બોજ લાગવા માંડ્યું હતું. પરંતુ એ બાળકમાં સોમદત્ત જ પુનર્જીવન પામી રહ્યો છે એવા ખ્યાલ અને એવી કલ્પનાએ એના જીવનને જાણે એક જુદું મકસદ આપી દીધું. હવે એ સોમદત્તની હાજરીને માત્ર બહાર જ નહીં, પોતાની અંદર પણ અનુભવતી હતી. ક્યારેક તો એ પેટ પર હાથ મૂકીને સોમદત્ત સાથે ગાંડીઘેલી વાતો પણ કરતી.

        સોમદત્ત અતિ પ્રેમાળ હતો. લાગણીશીલ હતો. વણિક ઉદ્યોગપતિ પિતાનો પુત્ર હોવા છતાં એના લોહીમાં અને એના શ્વાસમાં કવિતા ધબકતી હતી. એની આંખો પ્રેમના જામ છલકાવતી હતી. કોલેજ કાળમાં પહેલી વાર સુધાને મળીને એણે પોતાની લાગણી વ્યક્ત કરી ત્યારે જ સુધા જાણે ભવોભવ એની બની ગઈ હતી. સોમ જેવા પ્રેમના દરિયામાં સુધા સતત નહાતી રહી હતી. એથી જ સોમ વિનાનું પોતાનું અસ્તિત્વ એને અસંગત લાગતું હતું. સોમ કોલેજમાં હતો ત્યારથી એની ઈચ્છા અમેરિકા જઈને એમ.બી.એ. કરવાની હતી. પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતને કારણે એની એ મહેચ્છા અધૂરી રહી હતી.   એથી જ એણે પુત્રને અમેરિકા જવા દીધો હતો. વ્યોમ એના માટે સોમ જ હતો. કરુણાએ જ્યારે એને અમેરિકા લઈ જઈને ભણાવવાનું કહ્યું ત્યારે સુધાએ ખચકાટ દબાવીને હા ભણી દીધી હતી. વ્યોમ આજે એમ.બી.એ. થઈ ગયો હતો અને એણે પોતાની કમ્પ્યુટર સોફ્ટવેર કંપની શરૂ કરી હતી. પુષ્કળ પૈસા કમાયો હતો.

        વ્યોમ જન્મ્યો ત્યારે જ લગભગ બધાએ કહ્યું હતું કે એ સોમ જેવો જ દેખાય છે. આથી વ્યોમમાં સોમ જ છે એવી સુધાની શ્રદ્ધા દ્રઢ થઈ હતી. એમ તો કરુણાએ પણ સુધાને અમેરિકા આવવા બહુ આગ્રહ કર્યો હતો. પરંતુ સુધાએ એના આગ્રહને ટાળી દીધો હતો. કોલેજમાં લેક્ચરર તરીકેની નોકરી ઉપરાંત સોમના કારોબાર અને સંપત્તિનો વહીવટ એણે જ કરવાનો હતો. સોમનો કારોબાર તો એણે ખૂબ જલ્દી આટોપી લીધો. પરંતુ એ પોતાની લાગણીઓ અને એ થકી સર્જાયેલા વળગણોને આટોપી શકે તેમ નહોતી.

        ઘણી વાર એને પોતાને જ પોતાની જાત સમજાતી નહોતી. એ મનોવિજ્ઞાન ભણી હતી અને કોલેજમાં ભણાવતી પણ હતી. ક્યારેક એનું મનોવિજ્ઞાનનું જ્ઞાન એને કહેતું કે સોમ એના જીવનમાં વ્યોમ બનીને પાછો આવ્યો છે એ વાત જ અવૈજ્ઞાનિક છે અને એ નાહક ભાવનાઓમાં તણાઈને ગૂંગળાઈ રહી છે. પરંતુ એનું મન તરત જ જવાબ આપતું કે ભાવનાઓ અને તર્કને કોઈ સંબંધ નથી અને તર્ક કરતાં ભાવના સાથેનું જીવન વધુ સાર્થક છે. વ્યોમ આજે લગભગ અઠ્ઠાવીસ વર્ષનો થયો છે. છતાં એની આવી લાગણીઓ અકબંધ જ રહી છે.

        એને યાદ આવ્યું, લગ્નનાં ચારેક વર્ષ પછી પણ સંતાન નહોતું અને એના આગ્રહથી સોમ એને ડોક્ટર પાસે લઈ ગયો ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે કોઈ દેખીતું કારણ નથી. માત્ર ઈશ્વર પર ભરોસો રાખો. આપણાથી બને તે ઉપચાર આપણે કરવાનો. તો ય સોમને કહ્યા વિના એણે એક જાણીતા જ્યોતિષીનો સંપર્ક સાધ્યો હતો. જ્યોતિષીએ સોમ અને સુધાની કુંડળી જોઈને કહ્યું હતું કે તમને બન્ને નાડી-દોષ હોવાથી સંતાનની શક્યતા નથી. છતાં થોડીક વિધિ કરવાથી કદાચ કોઈક પરિણામ આવે પણ ખરું. સુધાએ સોમને આ અંગે વાત કરી ત્યારે સોમે એને પ્રેમથી સમજાવતાં કહ્યું હતું, “એક સ્ત્રી તરીકે તને સંતાનની ઝંખના થાય એ હું સમજી શકું છું. પરંતુ સંતાન એ આપણું જ વિસ્તરણ છે. તો પછી આપણે જ આપણામાં શા માટે ન વિસ્તરીએ?”

        સુધા એની સામે મૂંઝવણના ભાવ સાથે જોઈ રહી એટલે એણે આગળ ચલાવ્યું હતું, “જો સુધા, આપણે બન્ને એક બીજામાં રમમાણ થઈને જીવીએ એમાં જ આપણા જીવનની સાર્થકતા છે. અત્યારે આપણે બન્ને પતિ-પત્ની છીએ. પરંતુ એ પહેલાં આપણે બન્ને પ્રેમી છીએ અને એ પછી આપણે માતા-પિતા છીએ… તું મારી માતા અને હું તારું બાળક…. હું તારો પિતા અને તું મારી પુત્રી… સંબંધોનાં નામમાં શું છે? જે છે ને તે સંબંધમાં જ છે, પ્રેમના સંબંધમાં બધું જ સમાઈ જાય છે!”

        આટલાં વર્ષો દરમ્યાન સુધાને સોમની એ વાત નિરંતર વધુ ને વધુ સાચી લાગી હતી. વ્યોમ નાનો હતો અને એના ખોળામાં રમતો કે સ્તનપાન કરતો ત્યારે ય એને સોમના જ સ્પર્શનો રોમાંચ અનુભવાતો હતો. એટલે જ એ દિવસ જાય તેમ સોમની સૂક્ષ્મ હાજરી સાથે વધુ ને વધુ તાદાત્મ્ય સાધી રહી હતી.

        વચ્ચે એક વાર કરુણા અને કૌશલ ભારત આવ્યા ત્યારે કરુણાએ સુધાને અમેરિકા આવવા બહુ સમજાવી હતી. પરંતુ કદાચ એ દિવસે સુધાએ દિલ ખોલીને વાત કરી હતી. એણે પોતાના મનની વાત કરુણાને સમજાવતાં કહ્યું હતું કે, “કરુણા, સોમ મારા જીવનમાં વણાઈ ગયો છે. એ નથી છતાં હું સતત એની હાજરી અનુભવવું છું. આ વાતાવરણ, આ ઘર, આ પલંગ, આ વરંડો અને પારિજાતનું આ વૃક્ષ મને સતત એની હાજરીનો અહેસાસ કરાવે છે. એટલે હું આ જગ્યા બને તો જીવનભર છોડવા માંગતી નથી!”

       
        “પણ બહેન, જે નથી એના માટે તું આટલું તડપે છે અને સ્થગિત થઈને જીવે છે તો જે છે એનો તું કેમ વિચાર કરતી નથી?” કરુણાએ તર્કથી સમજાવવાનો પ્રયાસ કર્યો.

        “એટલે તું કોની વાત કરે છે?”

        “તારી…તું તો છે જ ને… અને વ્યોમની… એ પણ છે ને?” કરુણાએ આંખો ઝીણી કરતાં કહ્યું હતું.

        “હું છું અને વ્યોમ પણ છે, પણ તું એમ કેમ ધારી લે છે કે તારા જીજાજી નથી? મારા માટે તો સોમ પણ અહીં જ છે, મારી આસપાસ…”

        “તું છોકરાંને મનોવિજ્ઞાન ભણાવે છે અને તું જ આવી અવૈજ્ઞાનિક વાત કરે છે?” કરુણાએ અણગમો દર્શાવ્યો.

        “મનોવિજ્ઞાન ભણાવવું એ મારી વ્યવસાયિક બાબત છે અને મારી ભાવના એ મારી અંગત બાબત છે…” આટલું કહીને એ સહેજ અટકી. પણ મૂળ વાત પર આવતાં કહ્યું, “કરુણા, તને સાચી વાત કહું… મારી દ્રઢ આસ્થા છે કે વ્યોમ એ સોમનું જ સ્વરૂપ અને વિસ્તરણ છે. એથી હું એનાથી દૂર રહેવા નથી માંગતી અને એને મારી પાસે પણ રાખવા માંગતી નથી. હું વિરોધાભાસી લાગણીના દ્વંદ્વમાં ભીંસાયેલી છું… અને મને એની ખબર છે કે વ્યોમને આજ સુધી હું ટાળતી આવી છું, પરંતુ હવે કદાચ એ શક્ય નહીં બને…”

        “પણ હવે તું જીદ છોડે એ જરૂરી છે એનું કારણ એ છે કે જ્યાં સુધી વ્યોમ તને અમેરિકા નહીં લઈ આવે ત્યાં સુધી એ લગ્ન નહીં કરે એવું એણે મને કહ્યું છે!”

         “હું પણ એટલા જ માટે નથી આવવા માંગતી. હું ઈચ્છું છું કે એને મારું કોઈ જ વળગણ ન હોય. કદાચ એમ કહીશ કે મારું કોઈ વળગણ એને અવરોધરૂપ ન બને. તો જ એ સુખી થઈ શકશે. મારે એને, મારા વ્યોમને અને મારા સોમને સુખી જોવા છે!” આટલું કહેતાં સુધાની આંખ ભીની થઈ ગઈ હતી.

        વ્યોમ પાસે હોય અને દૂર પણ હોય એવા દ્વંદ્વનો હવે વિસ્ફૉટ થવાની ક્ષણ નજીક આવી રહી હતી. કદાચ સુધાની આ જ સોથી મોટી વ્યથા હતી. સોમ સાથેના પ્રેમના તંતુને એણે આટલાં વર્ષો જતનપૂર્વક જાળવી રાખ્યો હતો. એથી જ એ તૂટી જવાનો અંદેશો પણ એના માટે પીડા બની જતો હતો.

        છેવટે એ દિવસ પણ આવી ગયો. ૩૧ ડિસેમ્બરની સવારે વ્યોમ આવ્યો. સુધા સ્તબ્ધ બનીને એને જોઈ રહી. વ્યોમે આવતાંની સાથે સુધાને રીતસર ઊંચકી લીધી અને એને બાથમાં લઈ એના ગાલ ચુંબનોથી ભીંજવી દીધા. સુધા આંખ બંધ કરીને જાણે મૂર્છામાં સરી ગઈ. એને એવું જ લાગ્યું કે જાણે એ પારિજાતના વૃક્ષ નીચે બેઠી છે અને સોમ એના પર ફૂલ બનીને વરસી રહ્યો છે. વ્યોમ બોલી રહ્યો હતો, “મમ્મી, આઈ હેવ મિસ્ડ યુ એ લોટ… બટ નાવ આઈ ડોન્ટ વોન્ટ ટુ….” સુધાએ એને હાથ પકડીને પલંગ પર બેસાડ્યો. વ્યોમની આંખ પણ ભીની હતી. એ આંખમાં સોમની આંખો જેવી જ ભીનાશ તરવરતી દેખાતી હતી. વ્યોમે સુધાનો હાથ પકડી લઈને ખૂબ જ ભાવપૂર્વક કહ્યું, “મમ્મા, પપ્પા તને જેટલો પ્રેમ કરતા હતા એટલો જ પ્રેમ હું તને કરું છું. પણ તું પપ્પાને જેટલો પ્રેમ કરતી હતી એટલો મને કરે છે ખરી?” સુધાને શું જવાબ આપવો એ સૂઝ્યું નહીં. આ પ્રશ્નનો જવાબ એના માટે સાચા-ખોટાથી પર બની ગયો હતો. એણે માત્ર વ્યોમ સામે પ્રેમાળ સ્મિત કર્યું.

         જેમ જેમ દિવસ પસાર થતો હતો તેમ સુધાનું મન વધુ ને વધુ ઉચાટ બનતું જતું હતું. હમણાં હમણાં એ દરરોજે સવારે વહેલી ઊઠીને વરંડામાં આવીને ઊભી રહેતી હતી અને પારિજાતના વૃક્ષને ટગર ટગર જોયા કરતી હતી. પારિજાતને હવે ફૂલ આવવાં બંધ થઈ ગયાં હતા, એકાદ ફૂલ પણ નીચે પડે તો એ માથા પર ઝીલી લેવાની એને તીવ્ર ઈચ્છા થતી હતી. સોમે જાતે પારિજાતનું વૃક્ષ વાવ્યું હતું અને એ વખતે એણે સુધાને કહ્યું હતું, “તને ખબર છે કે પારિજાતનું વૃક્ષ શ્રીકૃષ્ણ એમની માનીતી રૂક્ષ્મણી માટે સમુદ્રમંથન વખતે સ્વર્ગમાંથી લાવ્યા હતા? હું પણ એમ જ આ વૃક્ષ તારા માટે લાવ્યો છું. એને ફૂલ આવે ત્યારે જો જે… રીતસર અહીં સ્વર્ગ ઊતરશે,”

        “પણ પારિજાતને ફૂલ તો માત્ર શિયાળામાં જ આવે ને? મારે તો બારેમાસ ફૂલ જોઈએ!” સુધાએ કદાચ એને અકળાવવા માટે જ આમ કહ્યું હતું.  પરંતુ સોમે એટલા જ પ્રેમથી જવાબ આપ્યો હતો, “આ પારિજાતને ભલે એની સિઝન હોય, મારા પ્રેમને કોઈ સિઝન નથી. એ બારેમાસ છે અને સદાબહાર છે. આઈ મીન ઈટ!”

        એને સોમના એ શબ્દો યાદ આવ્યા અને એથી જ એનાથી નિસાસો નંખાઈ ગયો. એક વાર પારિજાતનાં ફુલો એના પર સોમ બનીને વરસે… એવી ઝંખનાથી એ આંદોલિત થઈ ગઈ.

        હવે બસ ચોવીસ કલાક રહ્યા હતા. ચોવીસ કલાક પછી આ સ્થળ છોડવાનું હતું. આટલા દિવસ દરમ્યાન એક પણ વખત એ વ્યોમ સમક્ષ અમેરિકા જવાનો ઈન્કાર કરી શકી નહોતી. દસમી તારીખે સવારે એ ખૂબ વહેલી જાગી ગઈ હતી. હજુ સવાર પડવાને ઘણી વાર હતી. એણે જોયું કે વ્યોમ ઘસઘસાટ ઊંઘતો હતો. એ ધીમે રહીને બહાર નીકળી. બહાર પવન હતો અને ઠંડક પણ હતી. વાતાવરણ ભીનું છતાં ઉષ્માભર્યું લાગતું હતું. આછા અંધારામાં એ વરંડામાં આવીને પાળી પાસે ઊભી રહી. એને એવું લાગ્યું કે પારિજાતના વૃક્ષ પર કળીઓ બેઠી હતી. પછી એણે વિચાર્યું કે જાન્યુઆરીમાં વળી પારિજાતને ફૂલ કેવાં? કદાચ એનો વહેમ હતો. ના, પણ સોમ કહેતો હતો ને એની તો સદાબહાર સિઝન છે અને આ વૃક્ષમાં પણ સોમ જ છે ને! કાશ, એની આ કલ્પના સાચી હોત.

        થોડી વાર એમ જ ઊભા રહ્યા પછી એની આંખો આંસુથી છલકાઈ ગઈ. છાતીમાં ડૂમો ભરાઈ ગયો અને કોઈ અદ્રશ્ય વેદના એને ઘેરી વળી. પાળીને પકડીને ટેકે ટેકે એ ચોગાનમાં ઊતરી અને પારિજાતના નાજૂક થડને અઢેલીને ઝાડ નીચે પલાંઠી વાળીને બેસી ગઈ. આંખ બંધ કરીને એ જાણે સોમ અને વ્યોમને એક સાથે જોઈ રહી.

        સૂરજે વાદળોનાં ઘૂંઘટમાંથી મોં બહાર કાઢ્યું હતું. વ્યોમ એકાએક જાગી ગયો. પલંગ પર સુધા નહોતી. એ હળવે રહીને ઊઠ્યો અને રસોડામાં જોઈ આવ્યો. સુધા ત્યાં પણ નહોતી. એની નજર પડી તો દીવાનખંડનું બારણું ખુલ્લું હતુ. એ બહાર વરંડામાં આવ્યો અને અચાનક નજર પડી તો સુધા આંખો બંધ કરીને પારિજાતના વૃક્ષ નીચે બેઠી હતી અને એના પર કેસરી દાંડીવાળાં સફેદ ફૂલો ઢગલો થઈને વેરાયાં હતા. વ્યોમ એને જોતો જ રહ્યો. ત્રણ વખત એણે સાદ પાડ્યો, “મમ્મા… મમ્મા…. મમ્મા….” પણ જવાબ ના મળ્યો. વ્યોમે પાળી પરથી કૂદકો માર્યો અને સુધાને વળગી પડ્યો.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

1 comment

  1. ટુંકીવાર્તા “પારિજાત” વાંચીને આનંદ થયો….
    ખુબજ સરસ છે. Good luck mem..

    Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: