આવા બીજા બે ત્રણ પ્રશ્નો પૂછવા જેવા છે.
બે વત્તા બે બરાબર ચાર થાય – એ આધુનિક યુગમાં સાચું છે ખરું?
સૂર્ય પૂર્વમાં ઊગી પશ્ચિમમાં આથમે છે – એ આધુનિક યુગમાં સાચું છે ખરું?
આવા સનાતન સત્યો કદી ખોટા હોઇ શકે ખરા?
ભૌતિક સમૃદ્ધિ સુખ શાંતિનો સાચો માર્ગ નથી – એ આવું સનાતન સત્ય છે જે ત્રણે કાળ માટે અને સર્વ સ્થળ માટે સાચું છે.
ભૌતિક સમૃદ્ધિનું કાર્ય સગવડ આપવાનું છે. સરળતા આપવાનું છે. ક્યારેક અગવડ પણ ઉભી કરી દે અને જટીલતા વધારી પણ દે. બંગલામાં ફ્રીઝ હોય, દિવાન પલંગો હોય, તિજોરી હોય, ટેબલ ખુરશી હોય અને નોકરીમાં બદલી થાય, નાનું ક્વાર્ટર મળે તો ફ્રીઝ-ટેબલ-ખુરશી-તિજોરી અને દિવાન પલંગો ઘડીભર આપણને દિવાના કરી દે કે આને અંદર મૂકી હું બહાર રહું કે હું અંદર રહી આને બહાર મુકું?
આજનો જમાનો પાંચ ‘એફ’ નો ગણાય છે- ફોક્સ વેગન કાર – ફ્લેટ – ફોન – ફ્રીઝ અને ફિનાન્સ જેની પાસે આ પાંચ ‘એફ’ હોય તેને દુનિયા સુખી કહે છે. પણ જેની પાસે છે તેને તો પૂછો કે તું સુખી છે— તું શાંતિમાં છે? ઇચ્છા પ્રાપ્તિનુ સુખ ક્ષણિક છે. ઇચ્છાના અભાવનું સુખ શાશ્વત છે.
એક રાજાનો રોગ કોઇ હકીમ મટાડી શક્યો નહીં. એક વિચક્ષણ વૈદ્યરાજે ઉપાય સૂચવ્યો. આને કોઇ સુખી માણસનું પહેરણ પહેરાવો તો રોગ જાય. પ્રધાનને ય ઉપાધી થઇ પડી. શેઠની પત્ની ગાંડી નીકળી, નાણાંમંત્રીનો પૂત્ર વંઠેલ હતો. પ્રધાન આખું નગર ફરી વળ્યો. છેવટે એક જંગલમાં એક મસ્ત માણસ ગીત ગાતો હતો—ઝરણાંમાં પગના છબછબિયા કરતો હતો. પ્રધાન આશાપૂર્ણ રીતે ત્યાં ગયો – પૂછ્યું – ‘ભાઇ તમે સુખી છો?’ ‘ હા-હા સંપૂર્ણ સુખી છુ.’ પ્રધાન પ્રસન્ન થઇ ગયા – કહ્યું, “તમારું પહેરણ આપશો? રાજાને સાજા કરવા છે” – મર્માળા સ્મિતથી પેલા મસ્તરામે જવાબ આપ્યો – અરે પ્રધાનજી મારી પાસે તો પહેરણ છે જ નહીં.
બસ, આ જ વાત છે.
જેની પાસે બધું જ છે તેની પાસે સુખ શાંતિ નથી. કારણ કે સુખ-શાંતિ બાહ્ય વસ્તુ નથી—આંતરિક સંપત્તિ છે.
मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ।
बन्धाय विषयासक्तं मुक्त्यै निर्विषयं स्मृतम् ॥
સુખ દુઃખનું કારણ મન છે. જો આસક્ત થાય તો બંધન બને છે અને નિર્વિષયી બને તો મુક્તિ અપાવે છે. સામાન્યજન એવી ભ્રમણામાં રાચે છે કે ભૌતિક સામગ્રીઓ અને ભૌતિક શક્તિનો ખડકલો એ જ સુખ છે.
જહાંગીર રાજા નીલમ-માણેકની પ્યાલીમાં મદ્યપાન કરતો હતો. ફત્તેહપુર સીક્રીમાં નવરંગ વસ્ત્રધારી રમણીઓને ચોપાટના ખાનાંમાં પ્યાદારૂપે ફેરવી રાજા ચોપાટ રમતો હતો. આ કહેવાતા શક્તિશાળી મહારાજાઓ ઇતિહાસના પાને કહોવાય છે. તેઓ કદી પ્રાતઃ વંદનીય બની શક્યા નથી. ઉપરના માનવીઓએ અને પ્રાણીઓએ કામચલાઉ ઇન્દ્રિય સુખો પ્રાપ્ત કર્યા હશે પણ તેનાથી પણ ધરાઇ ગયા હશે પણ નિરાંતની નિંદર ભાગ્યે જ પામ્યા હશે.
એક યુગમાં મોગાથિરિયમ નામનુ પક્ષી એક જ ડગલે બે ફલાંગ અંતર કાપતું અને વિશાળકાય પક્ષી ઇથ્યોસોરસ વિરાટ પાંખ પ્રસારી સૂર્યપ્રકાશને ઠાંકી દેતું. તે આજે ક્યાં છે? મ્યુઝિયમમાં ફોસાઇલ્સ રૂપે જ.
સુખ અને આનંદમાં તફાવત છે.
ભોતિક સ્મૃદ્ધિ સુખ આપે તે પહેલાં અજંપો આપે – ઇચ્છા તૃપ્ત થતાં કામચલાઉ રાહત મળે વળી પાછી ઇચ્છા જાગે—અજંપો જાગે એમ ઇચ્છા-અજંપો-તૃપ્તિ-સુખનું વિષચક્ર ચાલ્યા જ કરે. જ્યારે આનંદ અમાપ હોય છે. શાશ્વત હોય છે અને વિરોધાભાસ તો એ છે કે દુન્યવી દુઃખોને નિમંત્રી આ યુગપુરુષો આનંદનો અનુભવ કરે છે.
નૈતિક અને આધ્યાત્મિક ભાવનાના ઉદયથી વ્યક્તિમાં ધ્યેયની સર્વોપરિતા (Supremacy of Purpose) પ્રગટે છે. અને તેમાંથી જન્મે છે અમાપ સંકલ્પબળ જે વાસ્તવિક શક્તિ છે. આવી શક્તિ વિનાનો ધર્મ માત્ર મંદિરોમાં ધર્મના બજાર જ ઊભા કરે છે.
આવી શક્તિમાંથી સમતા જાગે છે. ગીતામાં સાચા યોગની વ્યાખ્યા આપતા ભગવાન કૃષ્ણે ગાયું છે કે – समत्वं योगमुच्यते। ડચ કલાકાર રેમ્બ્રાડર ઘોષણા કરીને કહે છે આવી સમતાની ક્ષમતા ધરાવનાર કલાકાર જ સીત્તેર વર્ષની બુઢ્ઢી કે વીસ વર્ષની વિનસને સરખા આનંદના આવેગથી ચીતરી શકે છે.
એવું ચોક્કસ લાગે છે જે રાષ્ટ્રની પ્રજામાં આવી મહાનશક્તિ પાગરશે તે ઇલિયડની વિશ્વસુંદરી હેલનના રૂપ માટે નહીં પણ રામાયણની સીતાના શીલની રક્ષા માટે મરી ફીટશે. આ શક્તિથી જ માણસ પૂર્ણમાણસ અથવા કહો કે ઇશ્વરરૂપે વ્યક્ત થઇ રહેશે અને આ શક્તિ વિના માણસ એક રાસાયણિક દ્રવ્ય (Chemical Substance) જ બની રહેશે. આ શક્તિના કારણે જ સંત ફ્રાસીસ રક્તપિત્તિયાની હોસ્પિટલમાં દર્દીઓના ઘાને ધોતા અને તેમના કપાળે ચૂમતા અને બોલતા- “God bless you my son.”
આવા આત્મબળના કારણે જ કોરડાના ફટકાથી જેનો બરડો ચીરાઇ ગયો અને જેમાં પોતે જ જડાઇ જવાનું છે તે વજનદાર –ક્રોસના ભારથી જે બેવડ વળી ગયા તે ઇસુ વિલાપ કરતાં ભક્તજનોને કહે છે – “મારા માટે નહીં – તમારા માટે રડો” – એવા દેવવંદિત જિસસને ભૂલવા મથે તો પણ શું જગત ભૂલી શકે? આવા આત્માઓ સતત સંતોષમાં હોય છે. ‘સંતોષ’ નૈસર્ગિક સંપત્તિ છે— ‘વૈભવ’ કૃત્રિમ દરિદ્રતા છે. Contentment is natural wealth – Luxury is artificial poverty. આવા મહાનુભાવો માટે સુકૃત્ય ફરજ નથી હોતી પણ સાક્ષાત પ્રસન્નતા હોય છે. માટે સુકૃત્યોના ફળ માટે પરલોક સુધી રાહ નથી જોવી પડતી.
તો સવાલ એ થાય કે સુખ-શાંતિનો સાચો માર્ગ કયો?
વાસનાનું સાત્વિકગુણમાં રૂપાંતર (Sublimation) એ જ સુખ શાંતિનો સાચો માર્ગ છે. કારણકે તેના થકી વાસના મહેંકી ઊઠે છે અન્યથા બહેકી ઊઠે છે. ભૌતિક સુખ સમૃદ્ધિના ઢગને સાપ કાંચળી ઉતારે તેમ ઉતારી બુધ્ધ-મહાવીરે યાતનાઓ અને ઉપસર્ગો સ્વેચ્છાએ સ્વીકાર્યા અને જ્યાં જંગલી કૂતરાં કરડે, કીડી-મંકોડા-સાપના સતત પરિતાપ વચ્ચે અડગ સ્વસ્થતાથી એ મહાત્મા ધ્યાનસ્થ રહ્યા. ભગવાનના કાનમાં ખીલા ઠોકવાના પ્રસંગે પણ તેઓની આંખમાં આંસુ આવી ગયા- પોતાની વેદનાના કારણે નહીં – અનાર્યો જે કર્મ કરે છે તેમની શી ગતિ થશે તેની ચિંતાના એ અશ્રુબિંદુ હતા. યાતના પરાકાષ્ટાએ પહોંચી ત્યારે કૈવલ્યના મિલનની પ્રસન્નતા પ્રાપ્ત થઇ. ભગવાન મહાવીર ત્યાગી હતા જ નહીં કારણકે તેમણે કશું સ્વીકાર્યું હતું જ નહીં.
સાચો આનંદ સ્વૈચ્છિક પરાજયમાં છે. અશોકનો સાત્વિક આનંદ કલિંગના વિજયથી નહીં પણ નૈતિક પરાજયથી મળ્યો.
આજનો માનવી માત્ર સુખી થવા નથી ઇચ્છતો, તે અન્યથી વધુ સુખી થવા ઇચ્છે છે. આનો કોઇ અંત ખરો? વધુ સુખી, વધુ આબરૂદાર થવા તે કાવાદાવા કરે છે, ભેળસેળ કરે છે, છેતરપીંડી કરે છે અને બાહ્યસુખો-ભૌતિક સ્મૃધ્ધિ તે મેળવે છે પણ અંતરનો કીડો તેને કોતરી ખાય છે – માટે જ સાત માળની હવેલીમાં સવા મણની તળાઇમાં શેઠ પાસાં ઘસે છે જ્યારે ફૂટપાથ પર ખુલ્લો મજૂર આકાશી રજાઇ નીચે નિરાંતે ઊંઘે છે.
ટૂંકમાં જેનું મન કેળવાયું નથી – બુદ્ધિ પરિપક્વ બની નથી – શરીર ભલે મોટું હોય પણ મન બાળક જેવું અણવિકસિત છે તે જેમ બાળક ધાવણ કે ઢીંગલીથી ખુશખુશાલ થઇ જાય તેમ દુન્યવી સંપત્તિથી નાચી ઉઠશે પણ સ્વસ્થ મન વાળો અને પરિપક્વ બુદ્ધિવાળો આ ઉપરછલ્લા માર્ગને સુખ શાંતિનો માર્ગ નહીં માને – તેની ક્ષણિકતા ઓળખીને ઉપભોગ કરશે પણ સાચા સુખનો માર્ગ તો નૈતિક અને આધ્યાત્મિક ભાવનાની પરિપૂર્ણતામાં છે. – જરૂર છે માત્ર તે શક્તિને ઓળખવાની અને વિકસાવવાની. “सबको सन्मति दे भगवान” એમ ગાંધીજી કદાચ આ અર્થમાં ગાતા હતા.