હું કૃષ્ણની વાંસળીના લહેરાતા સૂર,
અને પરશુરામના ખડગ પરની તીખી ધાર.
હું જ મૉરનો કેકારવ અને
હું જ દેડકાઓનું ડ્રાઉં ડ્રાઉં પણ.
ખાલીખમ વાસણોનું ખાલીપણું હું,
અને સ્તનમાંથી છલકાતું માતૃત્વ પણ.
ભીડોમાં ડોકાતી એકલતા પણ હું,
અને એકલતામાં પડઘાતી ભીડ પણ.
આંખોમાં ઘૂઘવતો દરિયો પણ હું,
ને વેરાન હ્રદયના રણોની તપ્તી આગ પણ.
હું જ મીરાં, બુધ્ધ ને મહંમદ,
અને દુર્યોધન, દુઃશાસન અને મંથરા પણ.
અનંત વિસ્તરતું આકાશ પણ હું,
અને કણ કણમાં વ્યાપ્ત વિસ્ફોટક ઊર્જા પણ.
હું જ મારું પ્રગટતું જ્ઞાન,
અને પ્રગાઢ, પ્રચ્છન્ન અજ્ઞાન પણ.