(પડદો ઉપડે છે ત્યારે માયા રૂમમાં આંટા મારતી મારતી વાંચે છે. રૂમમાં એક બાજુ પલંગ અને બે ખુરશીઓ તથા ટેબલ છે. ચારુલતા કચરો વાળતી વાળતી રુમમાં પ્રવેશે છે.)
માયાઃ (પુસ્તક બંધ કરીને) કૂતરાની પાછળ સસલાને દોડતું જોઇને અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું. શહેરમાં પોળો વસાવી અને પોળોમાં આપણને વસાવ્યા. ભાભી, સાંભળો છો?
ચારૂલતાઃ તમે તમારે બોલ્યે રાખો! અહમદશાહે આપણને વસાવ્યાં ત્યારે કાનમાં પૂમડાં નહોતાં નાંખ્યાં…. તમ તમારે દીધે રાખો…
માયાઃ ભાભી, સાચું કહું તો આ હિસ્ટ્રી બહુ બોર કરે છે.
ચારૂલતાઃ હાસ્તો, જ્યાં પાણી ના હોય ત્યાં બોર તો કરવા જ પડે ને!
માયાઃ હવે હું એ બોરની વાત નથી કરતી… ભાભી, તમને ખબર છે અહમદશાહે એક કૂતરાને સસલાથી ગભરાઇને ઊભી પૂંછડીએ ભાગતો જોયો એટલે એને વિચાર આવ્યો કે જે જગ્યાનું સસલું આટલું બહાદૂર હોય એ જગ્યાએ શહેર વસાવ્યું હોય તો એના લોકો કેટલા બહાદૂર હોય!
ચારૂલતાઃ હાસ્તો, કૂતરા જેવા કાયર પણ હોય ને!
માયાઃ એ ભાભી, અમદાવાદીઓને કાયર ન કહેવાય! કોઇ પણ આંદોલન કે હુલ્લડ હોય એમાં અમદાવાદીઓ ભલભલાને પાણી પીતા કરી દે છે!
ચારૂલતાઃ લો, હવે અંદર જઇને તૈયાર થવા માંડો, નણંદ બા! નહિતર થોડીવારમાં તમારું ને મારું બેયનું હુલ્લડ થઇ જશે!
માયાઃ કેમ? કેમ? શાનું હુલ્લડ?
ચારૂલતાઃ (માયાનો હાથ પકડીને) તમારા ભાઇ કહેતા હતા કે તમને જોવા માટે આજે છોકરો આવવાનો છે.
માયાઃ બાપ રે! સાચે સાચ હુલ્લડ!
ચારૂલતાઃ માયાબહેન, એમ તે કંઇ ચાલવાનું છે? તમારી ઉંમરે તો….
માયાઃ પણ ભાભી… હું અત્યારથી પરણીને શું કરીશ?
ચારુલતાઃ એવું મને ના પૂછાય!
માયાઃ ભાભી, હું મૂંઝાઉં છું…
ચારુલતાઃ હું પણ મૂંઝાઉં છું..
માયાઃ પણ હું અકળાઉં છું
ચારુલતાઃ હું પણ અકળાઉં છું..
માયાઃ મને આપઘાત કરવાનું મન થાય છે.
ચારુલતાઃ મને પણ એવું જ લાગે છે.
માયાઃ શું?
ચારુલતાઃ એ જ કે તમને આપઘાત કરવાનું મન થાય છે!
માયાઃ ભાભી, પ્લીઝ, મારી વાત તમે તો સાંભળો.. તમારા વગર મારું કોણ છે?
ચારુલતાઃ લગન કર્યા પછી આવું નહીં બોલો!
માયાઃ ભાભી, સાંભળો ને, પ્લીઝ!
ચારુલતાઃ બોલોને, પ્લીઝ!
માયાઃ ભાભી, મારે આ લગ્ન નથી કરવાં!
ચારુલતાઃ તો ક્યાં લગ્ન કરવા છે?
માયાઃ હું મારી સાથે ભણતા એક છોકરા સાથે પ્રેમમાં પડી છું..
ચારુલતાઃ વાગ્યું તો નથી ને!
માયાઃ ના, પણ તમે સાથ નહીં આપો તો હવે વાગશે!
ચારુલતાઃ હું શું સાથ આપું?
માયાઃ ગમે તેમ કરીને આ લગ્ન ન થવા જોઇએ.
ચારુલતાઃ એ તો તમારા હાથની વાત છે. લગ્ન મારે થોડા કરવાના છે?
માયાઃ ભાભી, તમે મારી જગ્યાએ હોત તો તમે જ કહો તમે આ લગ્ન માટે તૈયાર થાત ખરાં?
ચારુલતાઃ તમારી જગ્યાએ નથી એટલે જ પૂછો છો ને! પણ કંઇ નહીં, તમારે એટલી બધી ચિંતા નહીં કરવાની. છોકરો જોઇ લેવાનો અને પછી કંઇક ખેલ પાડવાનો… છોકરો જ સામે ચાલીને ના પાડે એવું કંઇક પરાક્રમ કરજો ને!
માયાઃ પણ….
ચારૂલતાઃ હવે પણ અને બણ કર્યા વગર અંદર જાવ અને તૈયાર થાવ!
(માયા અંદર જાય છે. ચારૂલતા રૂમ વ્યવસ્થિત કરીને ચાદર ખંખેરતાં ખંખેરતાં બબડે છે)
ચારૂલતાઃ બાપુજીનો તડબૂચ પ્રેમ અદ્ભુત છે. રોજ ચાદર પર તડબૂચના ડાઘા…. ને રોજ ચાદર ધોવાની!
ઘનશ્યામઃ ( હાથમાં તડબૂચ લઇને પ્રવેશે છે.) ચા…રૂ…. ઓ…. ચા….રૂ ક્યાં ગઇ?
ચારૂલતાઃ લો! આવી ગયા તડબૂચ પ્રેમીબાપના તડબૂચપ્રેમી દીકરા….. એ હું અહીં તમારી સામે મરી છું… આંખ સામેથી તડબૂચ હઠાવો તો દુનિયા દેખાય!
ઘનશ્યામઃ ચા….રૂ… મને તો આ તડબૂચ કોઇક ભવિષ્યવેત્તાના કાચના ગોળા જેવું દેખાય છે. એમાં મને મારા પરમ પૂજ્ય પિતાશ્રી ગટુલાલ અમથાલાલ શાહ જ દેખાય છે. ક્યાં છે બાપુજી?
ચારૂલતાઃ હમણાં બૂમો પાડતા હતા ચા..રૂ… અને હવે પૂછે છે ક્યાં છે બાપુજી!
ઘનશ્યામઃ અરે, એમ નહીં! ચા…રૂ… આજે જરા બાપુજીને પટાવવાના છે, એટલે એમના માટે તડબૂચ લઇને આવ્યો છું…
ચારૂલતાઃ તમે ગમે તેટલા તડબૂચ ધરાવો તો ય તમારા બાપા તેમની અઢી લાખની મૂડીમાંથી આનો ય આપવાના નથી.
એ તો માયાબહેનના કરિયાવર માટે સાચવી રાખ્યા છે, સમજ્યા! તમ તમારે ફ્લેટનાં સપનાં જ જોયા કરજો!
ઘનશ્યામઃ ચા…રૂ… તું સમજ તો ખરી… આપણાં પડોશી પેલાં હાલતીબહેન ઉર્ફે માલતીબહેન માંગણિયાં ખરાં ને… એમના….
માલતીઃ (ડોકું હલાવતી ) ચારૂબહેન! ઓ ચારૂબહેન!
ચારૂલતાઃ બોલો! એક વાડકી ખાંડ આપું ને?
માલતીઃ લો, ભૈશા’બ તમને તો તરત જ ખબર પડી જાય છે. પડોશ હોય તો આવો! આ હમણાં મહેમાન આવ્યા અને ખાંડ ખલાસ થઇ ગઇ.
ચારૂલતાઃ વાંધો નહીં! અમે તમારા ભાગની ખાંડ દર મહિને ભરી જ લઇએ છીએ!
માલતીઃ પછી તમારા ફ્લેટનું શું થયું? (બેસી જાય છે.)
ઘનશ્યામઃ ફ્લેટનું ફીટ!
ચારૂલતાઃ હેં? કેવી રીતે? તમે તો કશી વાત જ કરતા નથી ને!
ઘનશ્યામઃ ચા…. રૂ… હું તને એ જ કહેતો હતો ત્યાં હાલતીબહેન, સોરી, માલતીબહેન આવી ગયાં.
ચારૂલતાઃ એમની હાજરીમાં ના કહેવાય એવું હોય તો પછી કહેજો!
માલતીઃ ના, ના, હું તો જાઉં છું. ઘેર ચાનું પાણી મૂકીને આવી છું. (ઊભી નથી થતી.)
ઘનશ્યામઃ એવું કંઇ નથી… જો સાંભળ! માલતીબહેનના હસબંડે મને આઇડ્યા આપ્યો. આપણે આ ઠોચરું મકાન વેચી દઇએ અને એના પૈસા ફ્લેટમાં ફીટ કરી દઇએ.
ચારૂલતાઃ પણ તમારા બાપા આ ઠોચરું મકાન વેચતાં પહેલાં તમને વેચી ના મારે!
ઘનશ્યામઃ તું સમજતી નથી.. આ મકાન તો એમણે ક્યારનું મારે નામે કરી આપ્યું છે! હવે આ મકાનમાં એમનો કોઇ હક્ક, હિસ્સો, લાગો, વળતર કશું જ નથી.
માલતીઃ હાસ્તો, પછી ગટુકાકાને શાનું કળતર? ધનશ્યામભાઇ, તમતમારે વેચી મારો.
ઘનશ્યામઃ ધનશ્યામ નહીં, ઘનશ્યામ!
માલતીઃ ભૂલ થઇ ગઇ, ધનશ્યામભાઇ!
ઘનશ્યામઃ બરાબર છે! મારે મારું નામ બદલીને ધનશ્યામ કરવું પડશે. હં.. ચારૂ.. હું કહેતો હતો કે કદાચ બાપુજી આનાકાની કરે તો તડબૂચ ધરી દેવાનું! બોલ, અક્કલ બડી કે ભેંસ?
માલતીઃ ભેંસ જ બડી હોય ને? લો, ત્યારે હું જાઉં! (જાય છે અને પાછી આવે છે.) હું તો ભૂલી જ ગઈ! ચારૂબહેન,ખાંડ!
(પાછી બેસી જાય છે.)
ચારૂલતાઃ એ આપું! (વાટકો લઇ લે છે) તમે આ ઠોચરું મકાન વેચવાની વાત કરો છો, પણ એ ખરીદશે કોણ? તમારા બાપા કે મારા બાપા?
ઘનશ્યામઃ તને ખબર નથી. ઘણા લોકોને પોળના મકાનનો મોહ હોય છે. હુલ્લડની મજા નવરંગપુરિયા અને બોપલિયાઓને ક્યાંથી મળે? જો સાંભળ, મારી ઓફિસમાં એક મિત્ર મકાનોની દલાલીનું કામકાજ કરે છે. એણે કહ્યું કે તમારું મકાન જોવા આજે જ હું એક – બે પાર્ટીને મોકલીશ. એટલે જ તો વહેલો આવી ગયો. પણ બાપુજી ક્યાં છે?
ચારૂલતાઃ બાપુજી પેલા ચીમનકાકાને ત્યાં ગયા છે… કહેતા હતા કે મારો ઘનુ મારું પેન્શન પણ લાવી આપતો નથી. એટલે ચીમનના છોકરાને મોકલીશ. છેક જાન્યુઆરીથી પેન્શન લવાયું નથી.
માલતીઃ ધનશ્યામભાઇ, ગટુકાકાનું આટલું કામ તો તમારે કરવું જ જોઇએ. એ બિચારા આ ઉંમરે ક્યાં ક્યાં ભટકે?
ચારૂલતાઃ એ તો કહેવું છે માલતીબહેન, એમને ટાઇમ પણ મળવો જોઇએ ને?
માલતીઃ હાસ્તો વળી, સવારના નોકરીએ જાય તે છેક સાંજના આવે!
ઘનશ્યામઃ ચા…રૂ…. તું માલતીબહેનને ખાંડ આપ, એમનું ચાનું પાણી ઉકળી ગયું હશે! (ચારૂ ખાંડ લેવા અંદર જાય છે.)
માલતીઃ ધનશ્યામભાઇ!
ઘનશ્યામઃ ઘનશ્યામ…..
માલતીઃ હા, એ જ! હું કે’તી’તી કે ગટુકાકા બહાર ગયા છે તો આવશે એટલે તડબૂચ લેતા જ આવશે ને!
ઘનશ્યામઃ હા, પણ અમે બંને તડબૂચ ખાઇશું. લો, આ ખાંડ આવી ગઇ.
માલતીઃ લો. ત્યારે હું જાઉં! ચાનું પાણી પણ ઉકળી ગયું હશે.
ઘનશ્યામઃ અને મહેમાન પણ જતા રહ્યા હશે.
(માલતી જાય છે.)
ચારૂલતાઃ હવે તમે જરા હાથ- પગ મોં ધૂઓ.. હમણાં પેલા મકાન જોવા અને પછી તમે કે’તા’તા તે માયાબહેનને જોવા પણ આવશે! (ગટુકાકા પ્રવેશે છે, હાથમાં તડબૂચ છે.) લો, આ બાપુજી તો આવી ગયા.
ઘનશ્યામઃ બાપુજી! તમે કેમ આવી ગયા?
ગટુકાકાઃ લે, કર વાત! આ મારું ઘર નથી?
ઘનશ્યામઃ ના ના! એમ નહીં! હું તો કહેતો હતો કે તમે બહુ જલ્દી આવી ગયા… પેન્શનનું શું થયું?
ગટુકાકાઃ ટેન્શન!
ઘનશ્યામઃ કેમ?
ગટુકાકાઃ મારું કામ કરવાનો તને તો ટાઇમ ના મળે! એટલે મેં મારા ભાઇબંધ ચીમનલાલના દીકરા જશવંતને મોક્લ્યો… પણ આ મારા દીકરા પેન્શનવાળા!
ઘનશ્યામઃ કેમ, ના આપ્યું?
ગટુકાકાઃ આપ્યું તો ખરું, પણ માર્ચ મહિનાનું જ આપ્યું. જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું ના આપ્યું.
ઘનશ્યામઃ કેમ?
ગટુકાકાઃ હું જીવું છું એવું દાક્તરનું સર્ટિફિકેટ જોઇએ.
ઘનશ્યામઃ તે તમે કાલે સર્ટિફિકેટ લાવ્યા તો હતા.
ગટુકાકાઃ પેન્શનવાળા કહે છે કે માર્ચ મહિનાની દસમી તારીખનું સર્ટિફિકેટ છે એટલે ગટુલાલ માર્ચ મહિનામાં તો જીવતા છે, પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ એ જીવતા જ હતા એવું સાબિત કરવા માટે જુદું સર્ટિફિકેટ કેમ નથી લાવ્યા?
ઘનશ્યામઃ પછી?
ગટુકાકાઃ પછી શું? આ મહિને હું જીવતો હોઉં પણ ગયે મહિને ય હું જીવતો હતો એવું સર્ટિફિકેટ લઇને ફરીથી જવું પડશે.
ઘનશ્યામઃ કંઇ નહીં, તમે ચિંતા ના કરો. હું કાલે જ જઇને તમારું આગલા બે મહિનાનું પેન્શન પણ લઇ આવીશ.
ગટુકાકાઃ કેમ ભઇ, આજે સૂરજ મારા ઘરમાં ક્યાંથી ઊગ્યો? તું સામે ચાલીને મારું કામ કરવા તૈયાર થઇ ગયો ને કંઇ?
ઘનશ્યામઃ ચા…રૂ… બાપુજી માટે આ તડબુચ કાપીને લઇ આવ!
ગટુકાકાઃ દાળમાં કંઇ કાળું લાગે છે.
ઘનશ્યામઃ તડબૂચનાં બી!
ગટુકાકાઃ અરે! હા, ઘનુ, પેલો તારો ભાઇબંધ છે ને બટુક, એને ફ્રેક્ચર થયું છે અને તને બોલાવે છે. એને દવાખાને લઇ ગયા છે.
ઘનશ્યામઃ લે, બટુકને શું થયું?
ગટુકાકાઃ એની વહુ શીલા દાદર પરથી ગબડી પડીને એટલે…
ઘનશ્યામઃ બાપુજી! તમારું ઠેકાણે તો છે ને? શીલા દાદર પરથી ગબડી પડી અને બટુકને ફ્રેક્ચર થયું એ વચ્ચે પ્રાસ બેસતો નથી.
ગટુકાકાઃ અલ્યા, આ તો નવા જમાનાની કવિતા જેવું છે… એમાં પ્રાસ ના હોય, ત્રાસ જ હોય!
ઘનશ્યામઃ પણ બટુકને…?
ગટુકાકાઃ બહુ સીધી વાત છે. તારો ભાઇબંધ બટુક એના નામ પ્રમાણે બટુક જ છે. અને એની વહૂ શીલા એના નામ પ્રમાણે શીલા જ છે. શીલા ગબડીને બટુક પર પડી એટલે બટુકને ફ્રેક્ચર થયું. એમ કહેને કે ચગદાઇ મર્યો નહીં!
ઘનશ્યામઃ બાપુજી, તો તો મારે જવું જ જોઇએ! પણ..
ગટુકાકાઃ પણ શું? ઊભો રહે, વહુ, તડબૂચ લાવજો! એક ચીરી ખાઇને જા!
ઘનશ્યામઃ બાપુજી! મારે તો જવું પડશે.. પણ બાપુજી! આજનો દિવસ તમે તડબૂચ … જવા દો! તમને શું કહું? કેવી રીતે કહું? તમે….
ગટુકાકાઃ કહી નાંખ….
ઘનશ્યામઃ છૂટકો ય નથી. જુઓ બાપુજી! મારે તમારી સાથે થોડી મહત્વની વાત કરવી છે.
ગટુકાકાઃ એ તો તડબૂચ લાવીને મસ્કો માર્યો ત્યારથી મને ખબર હતી. કહી નાંખ!
ઘનશ્યામઃ (બાજુમાં બસીને) બાપુજી! તમને ખબર છે ને કે આપણી માયાને જોવા એક છોકરો આવવાનો છે?
ગટુકાકાઃ હાસ્તો! મને કે તને જોવા કોણ આવવાનું હતું?
ઘનશ્યામઃ બાપુજી! બીજી વાત. આ ઘર તમે મને લખી આપ્યું છે ને?
ગટુકાકાઃ હા, તેનું અત્યારે શું છે?
ઘનશ્યામઃ બાપુજી! હવે મને આ પોળની જિંદગી નથી ગમતી. મેં નક્કી કરી નાખ્યું છે કે આપણું આ ઠોચરું મકાન વેચીને નારણપુરામાં ફ્લેટ લઇ લેવો. મકાનના પૈસા આવે એમાં ઑફિસની લોન અને થોડા મિત્રો પાસેથી ઉછીના લઈશું એટલે ફ્લેટ ખરીદી લેવાશે. આજે એકાદ પાર્ટી આપણું મકાન જોવા પણ આવવાની છે. તમને બે હાથ જોડું છું. બટુકની ખબર જોવા હું જાઉં એ દરમ્યાનમાં એ આવે તો…..
ગટુકાકાઃ (વિચારમાં પડી જઇને) ભલે! તું તારે જા. નિરાંતે જા! નિરાંતે આવજે!
ઘનશ્યામઃ બાપુજી! જાઉં ને!
ગટુકાકાઃ તું ફીકર ન કરીશ. જે આવશે એને હું બરાબર તડબૂચ ખવડાવી દઇશ. ઊભો રહે.. તડબૂચ ખાતો જા!
ઘનશ્યામઃ બાપુજી! મોડું થશે! હું જાઉં! (જાય છે).
ગટુકાકાઃ વાહ! દીકરા વાહ! જોયું? મારો દીકરો મને તડબૂચ ખવડાવવા નીકળ્યો છે. પણ હું તમને બધાંને તડબૂચ ખવડાવીને જંપીશ. મારા બાપાના બાપાએ ઘર બંધાવીને વારસામાં આપ્યું. મેં દીકરાને આપ્યું તો હવે એને આ ઘર ઠોચરું લાગે છે. કાલે ઊઠીને હું ય એને ઠોચરો લાગીશ. મને ય વેચીને તડબૂચ ખાજો! પણ એમ હું આ ઘર નહીં વેચવા દઉં. હું એક વાર ફ્લેટ થઇ જઉં પછી આ ઘર વેચીને ફ્લેટ લેવો હોય તો લેજો. જોઉં છું કોણ આવે છે ખરીદવા!
ચારૂલતાઃ બાપુજી! લો આ તડબૂચ કાપીને લાવી છું. એમણે તમને કશી વાત કરી?
ગટુકાકાઃ વહુ, સાચું કહેજો, તમને ય આ ઘર હવે ઠોચરું લાગે છે?
ચારૂલતાઃ બાપુજી, લાગતું હોય તો ય મારાથી તમને એવું કેવી રીતે કહેવાય?
ગટુકાકાઃ સાચી વાત છે, વહુ! તમને ય તડબૂચ ખાતાં અને ખવડાવતાં આવડી ગયું છે! કંઇ વાંધો નહીં! માયા શું કરે છે?
ચારૂલતાઃ માયામાં વળગવાની તૈયારી!
ગટુકાકાઃ એ છોકરીનું ઠેકાણું પડી જાય એ પછી મારે ફ્લેટ જ થઇ જવું છે. પછી તમે ખરીદજો ફ્લેટ!
ચારૂલતાઃ બાપુજી, તમે એવું ન બોલો!
ગટુકાકાઃ બોલો નહીં, પણ કરો એમ જ ને!
(માલતી પ્રવેશે છે. પાછળ કૃષ્ણપ્રસાદ શાસ્ત્રી બે હાથ જોડીને પ્રવેશ કરે છે.)
માલતીઃ ગટુકાકા, આ ભાઇ તમારા ધનશ્યામભાઇનું ઘર પૂછતા પૂછતા આવતા હતા.
ગટુકાકાઃ એટલે તમે એમને મૂકવાં જ આવ્યાં?
માલતીઃ હાસ્તો, થયું કે લાવ, ચારુબહેન પાસેથી મેળવણ લેતી જાઉં! (માલતી અને ચારૂ અંદર જાય છે.)
કૃષ્ણપ્રસાદઃ નમસ્કાર! મહોદય! આપનું જ શુભ નામ ઘનશ્યામભાઇ?
ગટુકાકાઃ ના, મહોદય! મારું શુભનામ ગટુલાલ અમથાલાલ નાથાલાલ મણિલાલ શંભુલાલ દયાળજી શાહ છે.. અને મારા સુપુત્રનું નામ ઘનશ્યામલાલ છે.
કૃષ્ણપ્રસાદઃ આપના દર્શનથી મુજ જીવન ધન્ય બન્યું. આપના પુત્ર મહોદય ઘનશ્યામભાઇ આ આવાસનો વિક્રય કરવા અતિ ઉત્સુક છે એવા સમાચાર મને પ્રાપ્ત થયા છે.
ગટુકાકાઃ ક્યા અખબારમાં છપાયા છે?
કૃષ્ણપ્રસાદઃ મહોદય! આપના પુત્ર ઘનશ્યામભાઇની મુલાકાત શક્ય બનશે ખરી?
ગટુકાકાઃ અલબત્ત, નહીં.
કૃષ્ણપ્રસાદઃ કેમ, વારુ?
ગટુકાકાઃ મુજ પુત્ર ઘનશ્યામ તડબૂચના ભક્ષણાર્થે ગમન કરી ગયો છે.
કૃષ્ણપ્રસાદઃ જી?
ગટુકાકાઃ લો, આપ પણ આ તડબૂચ યાને વૉટરમેલનસ્ય ભક્ષણ કરો! આરોગો, મહોદય ! આરોગો !
કૃષ્ણપ્રસાદઃ મને રુચિ નથી. છતાં આપનો દુર્દાંત આગ્રહ હશે તો હું એક અંશ અવશ્ય ગ્રહણ કરીશ. (ચીરી ઉપાડે છે.)
ગટુકાકાઃ કોઇ આગ્રહ નથી. (ચીરી પાછી લઇ લે છે.)
કૃષ્ણપ્રસાદઃ મારા અત્રે ઉપસ્થિત થવાના પ્રયોજનથી હું આપને જ્ઞાત કરવા અતિ ઉત્સુક છું.
ગટુકાકાઃ આગળ વધો.
કૃષ્ણપ્રસાદઃ આપના પુત્ર ઘનશ્યામને આ આવાસના વિક્રયની ઉત્સુકતા છે તો મારે એની આવશ્યક્તા છે.
ગટુકાકાઃ મહોદય! આપ પરીણિત છો?
કૃષ્ણપ્રસાદઃ અવશ્ય! સર્વશક્તિમાન અને સર્વવ્યાપક ઇશ્વરની અસીમ કૃપાથી હું છ પુત્રો અને પાંચ પુત્રીઓનો પિતા પણ છું.
ગટુકાકાઃ આખી ક્રિકેટ ટીમ ઊભી કરી દીધી લાગે છે. અમ્પાયર પણ બહારના નહીં!
કૃષ્ણપ્રસાદઃ પરંતુ હે મહોદય! આપની આવી પૃચ્છાનું પ્રયોજન?
ગટુકાકાઃ મહોદય! આપ જ્ઞાની છો, મહાન છો, વિભૂતિ છો. આ વિશ્વના એક પ્રખર જ્યોતિર્ધર છો અને ઇશ્વરની અસીમ કૃપાથી એક પત્નીના પતિ પણ છો. એટલે હું આપને અંધકારમાં અથડાવા અને કૂટાવા નહીં દઉં!
કૃષ્ણપ્રસાદઃ મને આપના કથનનો અર્થબોધ ન થયો!
ગટુકાકાઃ મહેરબાન! આ ઘર લેવું હોય તો લેજો! પણ અહીં રહેવા આવનારની પત્નીનું એક જ મહિનામાં મોત થાય છે. આ ઘર પર પૂર્વજોનો અભિશાપ છે.
કૃષ્ણપ્રસાદઃ અરરર! દુઃખદ! અતિ દુઃખદ!
ગટુકાકાઃ છતાં તમારે ખરીદવું હોય તો…
કૃષ્ણપ્રસાદઃ ના મહોદય, એવા અભિશાપ્ત આવાસની મને કોઇ ખેવના નથી.
ગટુકાકાઃ તો પછી જેવા આવ્યા હતા તેવા સીધાવો!
કૃષ્ણપ્રસાદઃ અલબત્ત, હું પ્રયાણ કરીશ. પરંતુ આપ મહોદયનો સૌ પ્રથમ તો હું આભાર માનવા ચાહું છું.
ગટુકાકાઃ માની લો!
કૃષ્ણપ્રસાદઃ આપે મને આવા ગમખ્વાર સત્યથી જ્ઞાત ન કર્યો હોત તો મારા જીવનમાં અકાળે પાનખર ઋતુનું ગમખ્વાર આગમન થયું હોત.
ગટુકાકાઃ મહોદય, સત્ય હંમેશા ગમખ્વાર જ હોય છે. ઋતુની તો ખબર નથી, પણ તમારું અહીં આગમન તો ગમખ્વાર જ છે. માટે હવે આપ અહીંથી પધારો.
કૃષ્ણપ્રસાદઃ અલબત્ત, હું હવે પધારીશ. પ્રભુ આપની આજ્ઞા ઝંખુ છું.
ગટુકાકાઃ આપી, મારા એક હજારને આઠ મહામંડેલેશ્વર, તમને ૧૦૧ વખત આજ્ઞા આપી. હવે પધારો.
કૃષ્ણપ્રસાદઃ મહોદય, અત્રેથી વિદાય થતાં પૂર્વે હું આપનો પ્રસાદ ગ્રહણ કરવા ચાહું છું.
ગટુકાકાઃ અરે વહુ, મારી લાકડી લાવજો, આ ચંબુપ્રસાદને મારો પ્રસાદ જોઇએ છે.
(કૃષ્ણપ્રસાદ તડબૂચની એક ચીરી ઉપાડીને રવાના થઇ જાય છે.)
ગટુકાકાઃ મારો દીકરો તડબૂચની એક ચીરી ઓછો કરતો ગયો… પણ કંઇ નહીં. ધોયેલા મૂળા જેવો પાછો ગયો એ બહુ છે. ઘનુ પણ આવા ને આવા ચંબુઓને ક્યાંથી પકડી લાવે છે ! આજે માયા માટે છોકરો આવવાનો છે અને ઘનુએ મકાનનું તોસ્તાન ઊભું કર્યું છે.
ભાસ્કરઃ (પ્રવેશીને ) ઘનશ્યામભાઇ ઘરમાં છે?
ગટુકાકાઃ કોણ? ઓ હો હો! પધારો! ઘનશ્યામ તો ઘરમાં નથી, પણ અમારું ઘર તો ઘરમાં જ છે. આવો!
ભાસ્કરઃ મુરબ્બી, આપ કી તારીફ?
ગટુકાકાઃ તારીફ પછી કરજો, બેસો… અમે તમારી જ રાહ જોતા હતા.તડબૂચ ખાશો?
ભાસ્કરઃ તડબૂચ? મને નથી ભાવતું.
ગટુકાકાઃ નથી ભાવતું? બહુ ખરાબ! નહીં ચાલે! વાંધો નહી. ચાલો ચલાવી લઇશું. પણ તમે એકલા જ આવ્યા?
ભાસ્કરઃ હાજી ! મારા પિતાજી મોંકાણમાં ગયા છે!
ગટુકાકાઃ મોંકાણમાં? એટલે? પોપટ તો નથી થઇ ગયા ને?
ભાસ્કરઃ ના મુરબ્બી, તમે ઊંધું સમજો છો. અમારા એક સગા ગુજરી ગયા છે એટલે મોંકાણે ગયા છે. મને કહ્યું કે તું એકલો જઇને જોઇ આવ. પછી બધું ફાઇનલ કરીશું.
ગટુકાકાઃ મેં તમને જોઇ લીધા એટલે બધું ફાઇનલ જ સમજો. તમારામાં એક જ ખામી છે. તમને તડબૂચ નથી ભાવતું. પણ હવે એકાદ ખામી તો ચલાવી લેવી જોઇએ. ખરું ને?
ભાસ્કરઃ મુરબ્બી, સાચું કહું તો મારી ખુદની બહુ ઇચ્છા જ નહોતી. હજુ ય નથી. પણ મારા પિતાજીનો આગ્રહ છે. મને કહે કે જો તને ગમે તો વાત આગળ ચલાવીશું. પૈસા બહુ મહત્વના નથી.
ગટુકાકાઃ તમારા બાપુજી બહુ સમજદાર લાગે છે. છોકરાને છોકરી ગમે એટલે પત્યું.
ભાસ્કરઃ પણ મુરબ્બી તમે કંઇક..
ગટુકાકાઃ ભલા માણસ, પૈસા બહુ ગૌણ ચીજ છે. જો તમારા પિતા જેવા બધા જ માણસો સમજદાર હોય તો આટલી બધી છોકરીઓ કુંવારી બેઠી હોય ખરી?
ભાસ્કરઃ પણ મુરબ્બી તમે….
ગટુકાકાઃ તમે હવે એક શબ્દ પણ બોલશો નહીં. જ્યાં બધું મંજૂર હોય ત્યાં વચ્ચે પણ અને બણ લવાય જ નહીં. હમણાં ઘનશ્યામ આવતો જ હશે. તમે તડબૂચ ન ખાવ તો કંઇ નહીં. ચા મૂકાવું, નાસ્તો મંગાવું…
ભાસ્કરઃ વડીલ મારે નાસતો, ભાગતો, દોડતો, કૂદતો કંઇ જોઇતું નથી. તમે પહેલાં મારી વાત તો સાંભળો… જુઓ, મારું નામ ભાસ્કર છે અને હું….
ગટુકાકાઃ આ હા હા ! ભાસ્કર શું નામછે? ભાસ્કર એટલે સૂર્ય. ભલા આદમી, હવે વાતમાં સાંભળવા જેવું શું છે? ઘનશ્યામ આવે એટલે માયાને બહાર બોલાવી લઉં છું. પછી બધું પાકું જ સમજો. તમારા બાપુજી છોડે પછી નક્કી કરી લઇશું.
ભાસ્કરઃ હે ભગવાન! આ શું થવા બેઠું છે?
ગટુકાકાઃ હવે બરાબર ! લગ્ન પહેલાં બધા જ પુરૂષો આવું જ બોલતા હોય છે. પણ મનમાં તો હરખાતા જ હોય છે. લગ્ન પછી જ સમજાય છે કે શું થવા બેઠું હતું. પણ મારી માયા માટે ચિંતા કરવા જેવું નથી.
ભાસ્કરઃ વડીલ, તમે મને શાંતિથી નહીં જ સાંભળો, ખરું ને? હું તમને હાથ જોડું છું…
ગટુકાકાઃ ભાઇલા, તમે જુવાન છો અને દર સેકંડે તમારું લોહી કદાચ ચાર-પાંચ ફૂટનો હાઇ-જમ્પ કરતું હશે. પણ તમારા બાપુજી તો જમાનાનાં તડબૂચ ખાઇ ચૂકેલા હોય. એમણે ઘનશ્યામ સાથે સમજીને જ વાત કરી હશે.
ભાસ્કરઃ એ જ તો મોંકાણ છે.
ગટુકાકાઃ શુભ કામમાં મોંકાણ ન બોલાય.
ભાસ્કરઃ પથરાનું શુભ કામ? હવે એક મિનિટ મને સાંભળો.
ગટુકાકાઃ ઘનશ્યામ આવે એટલે તમે તમારે જે કહેવું હોય એ કહેજો. હમણાં અદબ-પલાંઠી, મોં પર આંગળી.
ભાસ્કરઃ આ ડોસો એક નંબરનો માસ્તર લાગે છે.
ગટુકાકાઃ ઘનશ્યામ આવે ત્યાં સુધી આપણે કંઇક તો કરવું જ પડશે ને? હું તમને તડબૂચનો મહિમા સમજાવું.
ભાસ્કરઃ (રડમસ અવાજે) મારે નથી સાંભળવું. મુરબ્બી, હવે જો તમે એક પણ અક્ષર બોલશો તો હું અહીં ને અહીં મારી ભર જુવાનીમાં ગુજરી જઇશ.
ગટુકાકાઃ ના, ના, એવું કંઇ નહીં થઇ જાય. એ પહેલાં તમે એક વાર મારી માયાને જોઇ લો. પછી આપોઆપ ગુજરી જવાનો વિચાર વાળશો. હું હમણાં જ બોલાવું છું. ઘનશ્યામ તો મને લાગે છે કે પેલા બટુકિયાના કારજ-પાણી પતાવીને જ આવશે!
(વહુ-માયાની બૂમ પાડતા ગટુકાકા અંદર જાય છે.)
ભાસ્કરઃ તમારી આટલી માયા તો જોઇ લીધી. હવે બીજી કેટલી માયા બતાવવી છે? આ ડોસાનો સ્ક્રૂ ઢીલો થઇ ગયો લાગે છે. મારી વાત સાંભળતો નથી. દુનિયા આખી પોળો છોડીને નદીની પેલે પાર રહેવા વસવા જાય છે ત્યારે મારા બાપને અહીં પોળમાં મકાન લેવાનું સૂઝે છે. એમાં વળી આજે જ એમને મોંકાણે જવાનું થયું. મને અહીં મકાન જોવા મોકલ્યો ને આ ડોસુમલ એમ સમજ્યો કે હું છોકરી જોવા આવ્યો છું. એલા એ…ય… હું તો પરણેલો છું અને પા ડઝન છોકરાંઓનો બાપ છું. આ ડોસુમલ બીજો કંઇક ગોટાળો મારે એ પહેલાં મારે અહીંથી ફૂટાશ થઇ જવું જોઇએ….
(ભાસ્કર રવાના થઇ જાય છે. ગટુલાલ તથા ચારુ પ્રવેશે છે. ચારુના હાથમાં ચા-નાસ્તાની ટ્રે છે. પાછળ ધીમા પગલે ચાલતી માયા આવે છે. એણે લાંબો ઘૂમટો તાણેલો છે.)
ગટુકાકાઃ અરે! ક્યાં ગયો? ભૂલ્યો, ક્યાં ગયા? ભલા આદમી તમારું નામ તો ભાસ્કર છે અને તમે પોતે ક્યા અંધારામાં ખોવાઇ ગયા?
માયાઃ હાશ! કાશ છૂટી! (ઘૂમટો ઉતારી નાખે છે)
ચારૂલતાઃ બાપુજી! તમારે એમને એકલા મૂકીને અંદર આવવા જેવું નહોતું. છોકરો ના પાડે એના કરતાં આપણે ના પાડીએ તો આપણું નાક ઊંચું રહે…
ગટુકાકાઃ વહુ, એ તો બિચારો પહેલેથી જ કહેતો હતો કે એની ઇચ્છા નથી. એના બાપાએ એને મારી મચડીને મોક્લ્યો હતો.
ચારૂલતાઃ હશે ત્યારે, મોંઘવારીમાં ચા-નાસ્તો બચ્યાં.
ગટુકાકાઃ અને મારું તડબૂચ પણ બચ્યું….
ચારૂલતાઃ માયાબહેન, હું તમને નહોતી કહેતી કે સાડીમાં તમે બહુ જ સરસ ઢીંગલી જેવા લાગો છો ! મારું માનો તો આજે હવે સાડી પહેરી જ રાખો.
માયાઃ ભાભી, મને આ છેડા ને પાલવ ને પાટલીના ચકરડાં ગમતાં જ નથી.
ચારૂલતાઃ એમ તે કંઇ ચાલે! થોડી ટેવ પાડો, આજનો દિવસ તો પહેરી રાખો.. ચાલો, હવે રસોઇની તૈયારી કરવા માંડું. પાછા પેલા આવશે તો ભૂખ ભૂખ કરતા આવશે.
ગટુકાકાઃ ના રે, એ તો ચા….રૂ… કરતો કરતો જ આવશે!
(ચારુ અને માયા અંદર જાય છે. ગટુકાકા તડબૂચ લઇને બેસી જાય છે.)
ગટુકાકાઃ મકાન જોનારો ય આવી ગયો અને છોકરી જોનારો પણ આવી ગયો. બેને તો તડબૂચ ખવડાવી દીધું. હવે કોઇ મકાન જોવા ન આવે તો સારું. નહીં તો એને ય તડબૂચ ખવડાવી દેવું પડશે.
લક્ષ્મીશંકરઃ (પ્રવેશીને) જય હો! મકાન તો આ જ લાગે છે. અરે છે કોઇ?
ગટુકાકાઃ છે ને! માંકડ, મચ્છર, વંદા, ગરોળી, કીડીઓ, ઉધઇ બધું જ છે.
લક્ષ્મીશંકરઃ જય હો! એ બધાં તો આખા ય અમદાવાદમાં છે. મ્યુનિસિપાલીટીની દયાથી અમારે ત્યાં પણ એ બધાં પૂરતા પ્રમાણમાં છે!
ગટુકાકાઃ તે જય હો, તમારે શું કામ છે?
લક્ષ્મીશંકરઃ જય હો! ઘનશ્યામભાઇનું મકાન તો આ જ છે ને!
ગટુકાકાઃ હા, જય હો, આ જ મકાન ઘનશ્યામભાઇનું છે. બોલો, શું ફોડવા આવ્યા છો?
લક્ષ્મીશંકરઃ જય હો! કેમ આમ બોલો છો? વારુ, આ મારો દીકરો….
ગટુકાકાઃ તમારા દીકરાને મારે મધ મૂકીને ચાટવો છે?
લક્ષ્મીશંકરઃ જય હો! ઘર તો ઘણું સારું છે. (બેસે છે.) બેટા, સારું ઘર બહુ મુશ્કેલીથી મળે છે.
ગટુકાકાઃ આનો ડોળો મકાન પર જ લાગે છે. મારા દીકરાને આ ઘર ઠોચરું લાગે છે અને આ જય હો ને મારું ઘર સારું લાગે છે. ડૂબી મરો!
લક્ષ્મીશંકરઃ આપે મને કંઇ કહ્યું?
ગટુકાકાઃ ના તમને નથી કહ્યું… પણ તમારે એમ કરવું હોય તો મને જરાય વાંધો નથી!
લક્ષ્મીશંકરઃ બેટા, તું કંઇક તો બોલ! તને ઠીક લાગે તો હું પૈસામાં થોડી બાંધ છોડ કરીશ. થોડી હોં, બહુ નહીં!
(સિધ્ધાર્થ પિતા સામે આંખો કાઢીને જુએ છે.) જય હો! તે ઘનશ્યામભાઇ કયારે આવવાના છે?
ગટુકાકાઃ આવવાના જ નથી. તમે રાહ ના જુઓ. બજારમાંથી તડબૂચ ખરીદીને ઘેર પહોંચી જાઓ.
લક્ષ્મીશંકરઃ આ હા હા હા! તડબૂચ! જય હો! અદ્ભુત ચીજ છે તડબૂચ! જગતમાં સર્જનહારે તડબૂચ જેવું બીજું કંઇ બનાવ્યું જ નથી.
ગટુકાકાઃ મારો બેટો મને પટાવવા માંગે છે. ઘનિયાએ એને ચાવી ચડાવી લાગે છે. પણ એમ હું એની જાળમાં ફસાનારી માછલી, અરે માછલો નથી. (લક્ષ્મીશંકર તરફ ફરીને) જય હો, મારે મકાન વેચવું નથી. તમતમારે સીધા ઘેર જાવ!
(હાથ પકડીને એમને ઊઠાડીને રવાના કરવા માંડે છે.)
સિધ્ધાર્થઃ ચાલો, પપ્પા! આવી બેઇજ્જતી સહન કરવાની શી જરૂર છે?
ઘનશ્યામઃ (પ્રેવેશીને) ચા…રૂ…. ચા…રૂ… અરે! લક્ષ્મીશંકરભાઇ તમે? ઓ હો! ક્યાં ચાલ્યા? બેસો, બેસો!
ગટુકાકાઃ પત્યું! હવે આ આવી ગયો.. મોટો મકાન વેચનારો થયો છે. હવે મારે કંઇક જુદો જ ખેલ પાડવો પડશે.
(આ દરમ્યાનમાં ઘનશ્યામ લક્ષ્મીશંકરને બેસાડે છે અને ધીમેથી વાતચીત કરે છે.)
ઘનશ્યામઃ હવે સમજ્યો! બાપુજી તમે ગોટાળો કર્યો ને? આ લક્ષ્મીશંકરભાઇ છે. મારા મિત્ર હરેન્દ્રના કાકા અને આ એમના સુપુત્ર છે. છોકરી જોવા આવ્યા છે.
ગટુકાકાઃ તો તો બહુ સારું થયું. પેલો ભાસ્કર છોકરી જોવા નહીં, મકાન જોવા જ આવેલો! (લક્ષ્મીશંકર તરફ) જય હો! વાત જરા ગોટાળે ચડી ગઇ. પણ તમે ચિંતા ના કરો. લો, તડબૂચ ખાઇ લો !
ઘનશ્યામઃ મારા એક મિત્રને અકસ્માત થયો હતો. એટલે મારે જવું પડ્યું. પરંતુ.. તમે બેસો, હું અબ ઘડી આવું. (અંદર જાય છે.)
ગટુકાકાઃ ભાઇ લક્ષ્મીશંકર! આ અમારું બાપદાદાનું ઘર મારા ઘનશ્યામને વેચી મારવું છે. હું એમ સમજ્યો કે તમે મકાન જોવા આવ્યા છો. એટલે જ તમને ઝટ પાર્સલ કરી દેવાની તૈયારીમાં હતો. તમે આ તડબૂચ જમો. હું આવું. (એ પણ અંદર જાય છે.)
લક્ષ્મીશંકરઃ બેટા, તું આમ અતડો ના રહીશ. તું છોકરી જોઇ લે. આપણને તો ઘરરખ્ખુ, ગુણિયલ અને સુશીલ છોકરી જોઇએ. અને હા, ઘનશ્યામ કહેતા હતા કે એમના બાપુ પાસે અઢી લાખ રુપિયા છે. પણ હું ચાર લાખની જ વાત કરવાનો છું છેવટે ત્રણ લાખનો કરિયાવર ના કરે તો માનવાનું નથી.
સિધ્ધાર્થઃ પપ્પા, તમારી ધનલાલસા મને પસંદ જ નથી. આ તો દહેજ કહેવાય.
લક્ષ્મીશંકરઃ તું ના સમજે! આ તો દુનિયાનો રિવાજ છે. તારી બહેન માટે મારે બે લાખનો કરિયાવર નહોતો કરવો પડ્યો?
જય હો ! આવી ગયા?
(ગટુલાલ, ઘનશ્યામ, ચારુ તથા પાછળ ઘૂમટો તાણીને માયા આવે છે.)
ગટુકાકાઃ મારી દીકરી બહુ ગુણિયલ, સુશીલ અને આદર્શ છે. તમારા ઘરને ઉજાડવામાં કશી કસર નહીં રાખે.
ઘનશ્યામઃ બાપુજી! બાફો છો! ઉજાડવામાં નહીં, અજવાળવામાં !
લક્ષ્મીશંકરઃ બેટા, અમારા ઘરમાં લાજ કાઢવાનો રિવાજ નથી. પણ કંઇ નહીં, ચાલશે! ઘનશ્યામભાઇ, ચાલો આપણે જરા બીજી વાતચીત કરી લઇએ.
ઘનશ્યામઃ હા હા, બંનેને એકલાં જરીક વાત કરી લેવા દઇએ. (બધાં અંદર જાય છે. જતાં જતાં ચારૂ માયાને ચૂંટી ખણતી જાય છે. બધાંના ગયા પછી થોડીવાર મૌન પથરાયેલું રહે છે. માયા અને સિધ્ધાર્થ એકબીજા તરફ પૂંઠ ફેરવીને બેસે છે.)
માયાઃ મું તો સાર સોપડી ભણી સું. ગોમડામાં ઉસરી સું. મારી હંગાથે પયણીન કશો કાંદો નહીં કાઢવાનો હમજ્યા? તમતારે હોમે ચાલીને ના પાડો કે મને સોકરી નહીં ગમતી. નકર હું આપઘાત કરેશ ન અસ્ત્રિહત્યાનું પાપ તમારા ગળે પડહે. હમજ્યા કંઈ?
સિધ્ધાર્થઃ અહીં કોને પરણવું છે? દેવી, તમે જ ના પાડો તો તમારો ઉપકાર !
માયાઃ (ઘૂમટો ખોલી નાંખીને) અરે! સિધ્ધાર્થ તું?
સિધ્ધાર્થઃ અરે, માયા, તું?
માયાઃ મને ખબર હોત તો… પણ તેં મને વાત કેમ ન કરી કે તારે છોકરી જોવા જવાનું છે?
સિધ્ધાર્થઃ તું આજે કોલેજ કેમ નહોતી આવી? નક્કી તો કાલે થયું !
માયાઃ લે, આ તો ભાવતું હતું ને ભાઇએ કર્યું !
સિધ્ધાર્થઃ પણ મારા બાપા…. એ તો કરિયાવરના પૂજારી છે.
માયાઃ તું ફિકર ના કર! મારા બાપુજી અઢીલાખ જેવા તો આપશે જ.
સિધ્ધાર્થઃ નહીં માયા! અકસ્માત આ રીતે તું મળી ગઇ છે તો હવે મારે મારા પપ્પા સામે બગાવત કરવી પડશે… જો સાંભળ!
(અંદરથી લક્ષ્મીશંકરનો અવાજ આવે છે. “નહીં નહીં, ચાર લાખથી ઓછું કશું જ નહીં! તમારે જે કરવું હોય તે કરો. જય હો! અઢી લાખમાં તે કંઇ સોદો થતો હશે?”
ગટુકાકાઃ લક્ષ્મીશંકર, દીકરાનો તે કંઇ સોદો થતો હશે? તમેય ખરા છો ને? અમે તો રાજીખુશીથી અઢીલાખનો કરિયાવર કરવા માગીએ છીએ.
લક્ષ્મીશંકરઃ મારે તમારો પૈસો ય નથી જોઇતો. તમારે તમારી દીકરીને જ આપવાનું છે. એમાં ય આવી કંજૂસાઇ કરો છો? ચાર લાખમાં પોસાય તો કહેવાડવજો.)
(બહાર આવીને)
લક્ષ્મીશંકરઃ દીકરા સિધ્ધાર્થ, ચાલો! અહીં તો કંજૂસાઇની વાતો થાય છે. આપણું અહીં કામ નથી. જય હો!
સિધ્ધાર્થઃ ઊભા રહો, પપ્પા! મને આ છોકરી પસંદ છે.
લક્ષ્મીશંકરઃ તું ચિંતા ના કર! હું છોકરીઓની લાઇન લગાડી દઇશ. એક કરતાં અગિયાર છોકરીઓ તારે માટે ગોતી દઇશ. જય હો! હવે ચાલો!
સિધ્ધાર્થઃ પપ્પા, આજે હવે મારી વાત તમારે સાંભળવી જ પડશે. હું અને માયા એક જ કૉલેજમાં સાથે ભણીએ છીએ અને એકબીજાને ચાહીએ છીએ. અમે બીજે ક્યાંય લગ્ન નહીં કરીએ.
લક્ષ્મીશંકરઃ પણ દીકરા, પૈસાનો વિચાર તો કરવો પડે ને!
સિધ્ધાર્થઃ તમે વિચાર્યા કરો. માયા સાથે જ લગ્ન થશે એ નક્કી વાત છે. અને એ ય નક્કી છે કે મારે કોઇ પણ જાતનો કરિયાવર નથી જોઇતો. હું અને માયા એકબીજાને પસંદ છીએ એ એક વાત છે, પરંતુ કોઇ પણ જાતનો કરિયાવર ન લેવો એ મારી માણસાઇનો સવાલ છે..
લક્ષ્મીશંકરઃ આજે તું બહુ બોલે છે.
ગટુકાકાઃ લો, બેટા, તડબૂચ ખાવ!
સિધ્ધાર્થઃ નહીં, વડીલ ! આજે મને બોલી લેવા દો! હું કોઇ સમાજ સુધારક નથી. પરંતુ આવો પ્રસંગ ઊભો થાય અને હું ચૂપ રહું તો હું નમાલો કહેવાઉં.
ઘનશ્યામઃ વડીલ, એમની વાત સાચી છે. તમે પણ હવે માની જાઓ. રાજાને ગમે તે રાણી!
લક્ષ્મીશંકરઃ તમે લોકોએ મારા માટે બોલવા જેવું કંઇ રાખ્યું જ નથી. એમ કરો, તમને જે ઠીક લાગે તેમ કરો. એમ કરો, તમને જે ઠીક લાગે તે આપજો! બસ! જય હો!
સિધ્ધાર્થઃ નહીં, પપ્પા! આ વાત સાથે પણ હું સંમત નથી. મારે તો કંકુ અને કન્યા જ જોઇએ. જો તમને એ મંજૂર ન હોય તો મને જિંદગીભર કુંવારા રહેવાનું મંજૂર છે. આજે મારી મા જીવતી હોત તો….
લક્ષ્મીશંકરઃ દીકરા એવું ન બોલ! તને જેમ ગમ્યું એમ જ થશે.. આવ દીકરી અહીં આવ…
ગટુકાકાઃ લો ત્યારે, લક્ષ્મીશંકર, તડબૂચ ખાવ!
ઘનશ્યામઃ બાપુજી! જરા આમ આવો! માયાનો કરિયાવરનો પ્રશ્ન તો ઉકલી ગયો. હવે પેલા અઢી લાખનું શું કરશો? મારું માનો તો મને આપો, હું ફ્લેટમાં ભરી દઉં.
ગટુકાકાઃ એક શરતે! આ મકાન નહીં વેચવાનું!
ઘનશ્યામઃ કબૂલ!
(ગટુલાલ અંદર જાય છે.)
માલતીઃ (પ્રવેશીને) ચારૂબહેન, અડધી વાડકી ચણાનો લોટ આપો ને, કઢી બનાવવી છે. અરે, અહીં તો મેળો જામ્યો છે…
ચારૂલતાઃ આવો આવો, માલતીબહેન! તમારી જ ખોટ હતી. અમારાં માયાબહેનનું આમની સાથે નક્કી કરી નાંખ્યું. અને હવે મકાન પણ વેચવાનું નથી.
માલતીઃ એટલે ધનશ્યામભાઇ, તમે અમારી સાથે ફ્લેટમાં નહીં આવો?
ચારૂલતાઃ આવીશું !
માલતીઃ તો ઠીક ! તમારા જેવા સારા પડોશી તો મને સાતે ય જનમ મળજો!
ઘનશ્યામઃ આ હા, સાતેય જનમ અમે તમારા માટે ખાંડ, ચા અને ચણાનો લોટ ભરીશું ને ચારૂ દહીં પણ મેળવશે.
ગટુકાકાઃ (હાથમાં આખું તડબૂચ અને કાગળ લઇને) લે, ઘનશ્યામ, આ અઢી લાખનો ચેક! અને લક્ષ્મીશંકર, આ મારા તરફથી કરિયાવરમાં – અસ્સલ ઘીમાં તળેલું તડબૂચ છે, સમજ્યા?
માલતીઃ લો, ત્યારે હવે હું જાઉં.. (પાછું પગલું ભરીને ચારૂ તરફ ફરે છે.) પણ ચણાનો લોટ…!
(પડદો પડે છે.)