સાગરના મોજાં, ફૂલોનું સદાબહાર નર્તન,
ને પક્ષીઓના કલરવમાં કોણે મજાને માણી છે?
તારી કૃપાનો અહેસાસ પળવાર પણ જો મળી જાય,
સમગ્ર અસ્તિત્વ મારું સદા પાણી પાણી છે.
‘હું’ ના ટંકારમાં જ જન્મો વીતી ગયા,
મીટી ગયો જ્યાં ‘હુંકાર’ કેવળ તેની વાણી છે.
સપનાઓના ફેલાવમાં રેખાઓનું બજાર છે,
એક પછી એક દુઃખમાં પણ આશાઓ જ તાણી છે.
તેં તો ધરી દીધાં સૂરજ, ચંદ્ર ને તારાં,
શું કરું નજરું મારી સાવ કાણી છે.
હોય જ્યાં બે, ત્યાં વળી સંવાદ કેવો?
વાદ-વિવાદમાં ફટાફટ ફૂટતી ધાણી છે.
છે સફળતાના માપદંડો કેવા અહીં?
પૈસા, સત્તા ને વાહ વાહમાં તેને નાણી છે.
તાશના મહેલને પણ પવનનો ખૉફ નથી,
જ્યાં બાજીમાં મળી હૂકમની રાણી છે.