૧૯ એ માણસ એક પ્રશ્નાર્થ ચિહ્ન???

એ માણસ (માણસ જેવો દેખાય છે એટલે?)

છાતીએ ગુસ્સાનો ટાઇમ બૉમ્બ

અને એનું રિમોટ પોતાના હાથમાં  રાખીને,

ચહેરો એકદમ ચુસ્ત અને તંગ રાખીને,

ચોવીસ કલાક ફરે

હા, હા, ઊંઘમાં ય આ જ સ્થિતિ હોય!.

મજાલ છે તમારી કે,

એની સામે તમે હસી શકો?

દબાયેલા, નરમ ઘેંસ જેવા,

પોદળા જેવા, હાજી હા, નીચી મૂંડી રાખીને

ગુલામ જેવા રહેવાનું!

એ જ એમના બચાવનું અમોઘ શસ્ત્ર!

જો પૂછો ભૂલથી,

કેમ છો? તો જવાબ મળે…

૧૨ ભાગ્યા ૨!

ત્રણ ગુણ્યા ૨!

કંઇક આવો જવાબ મળે તો,

આપણે તો ફૂલ વેરાયા હોય,

એમ એમની સામે હસવાનું!

એમની સાથે સંવાદ કરવાની તો

સાત જન્મ સુધી કલ્પના પણ

ન કરાય!!

ઉડાઉ, બેઢંગા, બેકાબુ, બેતુકા

જવાબ આપવાનો એમનો જોડો

દુનિયામાં ન જડે!

એ જ એમની ખાસિયત!

એ ખાસિયત પર એ એવા મુસ્તાક કે,

તમારી બુદ્ધિને બહેર મારવાનો

એમણે પરવાનો ન લીધો હોય!

ભૂલથી ઘરમાં બને જો

પિક્ચર જોવાનો પ્રોગ્રામ!!

તો કોઇની ખેર નથી!

બધા રહે એકે એક ઘડી ઘાંઘા ઘાંઘા!

તાળું મારવાની ઘડી આવે ને કરે

પ્રોગ્રામ કેન્સલ!

તાકાત છે કે તમે સામનો કરી શકો!

તો ય પાછા રહેવાનું હસતા!

મોઢું બિલકુલ ચઢાવવાનું નહીં!!

કેમ? એમની મરજી!!

તમે તો માણસ છો કે,

તમારી કોઇ મરજી ય હોય!!

એમની મરજી એટલે

વિધિના લેખ, ટળ્યા નવ ટળે!

તમારી સ્વતંત્રતા! (ઓહ!! આ શું બોલ્યા?)

એટલે કહેવાનું એમ કે,

પોપટનો જીવ પેલા શિકારી પાસે હોય તેમ…

તમારે માત્ર કપાયેલી પાંખોના પંખીની જેમ

કેદ રહેવાનું!! પણ હા, હસતાં હસતાં,

કેમ કે એ તમારા માલિક અને તમે એમના

ગુલામ છો!

પણ એવું એ નથી માનતા!!

જો કદાચ સહેજ પરાજિત થયા છે એવું એમને લાગે,

એવી લાગણી કે અણસાર પણ આવે તો!!

તબિયત લથડી જ સમજો!!

અને તમને કરે લાચાર, પરવશ, દીનહીન, પાપી!

અને ન જાણે શું શું!!

તમારે તો પછી સેવામાં સતત (હા! હા! હસતે મોંઢે..)

હાજર જ રહેવાનું!! ગુનેગારની જેમ!!

મજાની વાત તો એ કે,

તમને એમ જ લાગે કે,

એ તો તમારા માટે ભગવાન છે,

કેમ કે તમને પાળેપોષે છે,

તમારી ચિંતા (કરવાનો દેખાવ) કરે છે.

એમની સુખ સાહ્યબીમાં તો સહેજ પણ ગાબડું ન જ પડવું જોઇએ!

તમારે હંમેશાં ખડે પગે હાજર જ રહેવાનું!

તમે માંડ પરવારીને પગ લાંબા કરીને,

જરાક હાશકારો ખાઇને મોબાઇલ જોવા બેઠાં,

કે પછી ટી.વી. જોવાં બેઠાં,

એટલે……

પાણિયારે જઇને મોટેથી બૂમ પાડે!

પાણી મારે જાતે લેવાનું છે?

તમારે તરત હાંફળાં ફાંફળાં થઇને

પાણી આપવા દોડી જવાનું (હા, હા, હસતાં હસતાં)

એમના જવાના સમયને તો તમારે

ઊભા પગે સાચવવાનો!

બે મિનિટ મોડું શેનું થાય?

જો ભૂલેચૂકે જતી વખતે

ગાડીની ચાવી (એમણે જ આડી અવળી મૂકી હોય) ના મળે!!!

તો આખા ઘર પર પસ્તાળ!!

મોટે મોટેથી પ્રવચન કરવાનો અવસર મળી જાય!

કોઇનામાં ઠેકાણા નથી!! કહી કહીને થાક્યો,

કોઇને હખણાં રહેવું નથી, અને બોલું તો મરચાં લાગે છે!! વગેરે વગેરે!!

તમારી હિંમત છે કે, સામે તમે ચૂં કે ચાં કરો!!

ચાવી વળી એમણે જ મૂકી હોય ત્યાંથી મળે!!

પણ ‘સૉરી’ એવું એમનાથી તો બોલાય જ નહીં!!

કોઇ નજરથી પણ કહી ના શકે કે, તમે જ મૂકી હતી!!

ભીતરનું આવું ખોખલાપણું!

પોતે જીરવતા કેવી રીતે હશે?

મારી પાસે આનો કોઇ જ જવાબ નથી.

પણ એવું લાગે છે કે,

અપવાદને બાદ કરતાં પત્નીઓ

આ વાંચીને જરૂર ખુશ થશે!!

બરાબરને!!!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: