૨૧ મારું મહાભિનિષ્ક્રમણ ક્યારે?

ભીતરના વલોપાતને ઉલેચવો પડશે!

તમારે ય થોડું સહન તો કરવું પડશે!

આ સજ્જનતા સો ટચની રાખ અને પ્રેમ નરી મુર્ખામી છે,

સરળતા જો હોય તો સો મણના પથ્થર સાથે દરિયામાં ડૂબાડી દો,

શાણપણને તો આ જ ક્ષણે દફન કરી દો,

નમ્રતાને ચિતા પર સળગાવી દો,

સંવેદનાઓને ખીણમાં ફેંકી દો,

જવાબદારીના ભાનની હત્યા કરી દો!

બીજાના આત્મગૌરવને સાચવવાને મારો ગોળી!

કરૂણાને તો ઉગતી જ ડામી દો!

જતું કરવાની ભાવનાને પૂળો મૂકો!

સમજદારીને ભંડકિયામાં પૂરી દો!

સહનશીલતાને ઢાંકણીમાં ડૂબાડી દો!

ઉદારતાની તો હોળી જ કરી દો!

જુઓ! આમાનું મારામાં કંઇ પણ નથી,

હું, હું હું……..

એક નંબરની મુર્ખી,

એક નંબરની બુદ્ધુ,

એક નંબરની ભોઠ,

સાવ જ મંદબુદ્ધિ,

સાવ ગમાર,

એક નંબરની ડફોળ,

બુડથલ, દાધારંગી, મૂઢ,

એક નંબરની બાઘી,

એક નંબરની બેવકૂફ

અને લાગતું વળગતું બધું જ છું!!

કેમ કે, મને સમજાઇ ગયું છે કે,

જીવવા માટે આમાંનું કંઇ જ કામમાં આવતું નથી.

બિલકુલ કામમાં આવતું નથી.

સંબંધો પાખંડ સિવાય કંઇ જ નથી.

કોઇપણ સંબંધ… હા, હા, હા,

કોઇપણ સંબંધ..

ગણતરીના જ પાયા પર રચાયેલો છે,

ભલે દેખાય નહીં, કેમ કે મને જોતાં આવડતું નથી,

કાં તો હું મીઠાં ભ્રમમાં રાચું છું.

કોઇપણ બે જણ (વ્યક્તિ ન જ કહેવાય!) વચ્ચેનો સંબંધ

કોઇપણ સંબંધ…

જન્મતાની સાથે મળેલો કે

પછી કેળવાયેલો… કહેવાતી રીતે કેળવાયેલો….

એ સ્વાર્થના પાયા પર ધ્વસ્ત થયેલી ઇમારત સિવાય કશું જ નથી,

રેત પર રચાયેલા પત્તાના મહેલ સિવાય કશું જ નથી.

માત-પિતા- સંતાનો, ભાઇ-બહેન, પતિ-પત્ની, સગાં-સંબંધીઓ, મિત્રો,

તમામ, તમામ, તમામ,

બધું જ, બધું જ, બધું જ….

ઢોંગ, ઘકોસલો અને દંભ છે.

સઘળું સર્વથા મિથ્યા છે.

સાવ મિથ્યા!!!!

એને ખેલ પણ શું સમજું!!

હવે આવે છે મને યાદ!!!

માત્ર બુદ્ધ!! માત્ર બુદ્ધ, એક માત્ર બુદ્ધ!!

વાહ!! બુદ્ધ વાહ!!

તારા ચરણોમાં સાક્ષાત્ દંડવત્ પ્રણામ!!

કોટિકોટિ વંદન!!

માત્ર ચાર જ બાબતો જોઇ…..અને દર્શન થઇ ગયું!!!

બીમાર માણસ, વૃદ્ધ માણસ, શબ અને સંન્યાસી….

એ રાતે જ… તમે….

યશોધરા અને નવજાત રાહુલને છોડીને નીકળ્યા,

એને લોકો મહાભિનિષ્ક્રમણ કેમ કહે છે?

ફરી પૂછું છું…

એને લોકો મહાભિનિષ્ક્રમણ કેમ કહે છે?

તમે તો સાચા અર્થમાં સુખી થઇ ગયા!!!

તમે તો સાચા અર્થમાં મુક્ત થઇ ગયા!

ખરેખર તો!! ખરેખર તો!!

યશોધરા અને રાહુલ સાથે રહેવું મહાભિનિષ્ક્રમણ છે!!!

આ શરીરમાં હોવું મહાભિનિષ્ક્રમણ છે!

શ્વાસ લેવો અને કાઢવો મહાભિનિષ્ક્રમણ છે!!

પ્રેમના વહેમમાં જીવવું મહાભિનિષ્ક્રમણ છે!

મારું, તારું અને આપણું માનીને જીવવું મહાભિનિષ્ક્રમણ છે!

બળતા ઘરમાં દિવાસળી બનીને રહેવું મહાભિનિષ્ક્રમણ છે!

તમારી જેમ સુખી થવા, મુક્ત થવા,

મારું મહાભિષ્ક્રમણ ક્યારે?

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: