૨ હું પૂજનીય કોને ગણું છું?

પ્રથમ એક રમૂજ કરી લઉં કે – આવા અંગત પ્રશ્નને જાહેર ચર્ચાનો વિષય ન બનાવવો જોઇએ, હું જેને પૂજનીય ગણતો હોઉં તે મારી પર્સનલ, પ્રાઇવેટ અને કોન્ફીડેન્શીયલ બાબત હોઇ શકે. જો કે તેવું નથી. તેથી જ આ વિષય પસંદ કર્યો છે. વ્યક્તિ કોને પૂજનીય ગણે છે તે પહેલાં વ્યક્તિએ કોને પૂજનીય ગણવા જોઇએ, તેની ચર્ચા કરીએ તો જ ફલિત તારણો તર્કસંગત બની શકે.

વ્યક્તિ બચપણથી જેને પગે લાગે છે, તે આજ્ઞા, સૂચનો અને અનુકરણનું પરિણામ છે. આ તારા દાદાની છબી છે તેને પગે લાગ, બાળક બે હાથ જોડી માથું ઝૂકાવે છે. કદાચ રોજ પગે લાગે છે, તે જ રીતે કદાચ ઇષ્ટ દેવ, માતા પિતા, ગુરૂજનો અને વડીલો પ્રત્યેનો આદરભાવ આરોપવામાં આવે છે અને વ્યક્તિ તેને પૂજે છે. રાજાશાહીમાં King word was as law. રાજા તરફ પૂજ્યભાવ શાળામાંથી, ઘરમાંથી અને પાઠ્યપુસ્તકો દ્વારા બાળકમાં ઠસાવવામાં આવતો. જેણે ગાંધી બાપુ જોયા નથી, સરદાર પટેલ કે નહેરૂ નજરે નિહાળ્યા નથી તેમના તરફ આજના બાળકને નૈસર્ગિક રીતે પૂજ્યભાવ જન્મે જ નહિ, પણ રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રીય નેતાઓ તરફ તેવો ભાવ શિક્ષણ દ્વારા, સાહિત્ય દ્વારા, ચલચિત્રો દ્વારા પ્રજામાં રેડવામાં આવે છે. આ છે પૂજ્યભાવનું મનોવિજ્ઞાન.

એક ઉગતો ભાવનાશીલ લેખક પોતાની રીતે એક નાટક લખી એક વિવેચક પાસે તેની પ્રસ્તાવના લખાવવા ગયો, પેલા વડીલે ભારેખમ મુખારવિંદ કરી વાંચ્યું. પછી પૂછ્યું, “ભાઇ શેક્સપિયર, કાલિદાસ, બર્નાડ શોના નાટકો વાંચ્યા છે?” પેલાએ પૂછ્યું, “શા માટે?” વિવેચક મહાશય ઊકળી ઉઠ્યા, “તો પછી સારા નાટકો લખશો કેવી રીતે?” પેલા નિર્ભિક યુવકે કહ્યું, “કાલિદાસ, શેક્સપિયર કે બર્નાડ શોએ કોને વાંચીને નાટકો લખ્યા હતા? વિવેચકની બોબડી બંધ!

આરોપાયેલા કે લદાયેલા પૂજ્યભાવની ઇમારતનો પાયો કાચો હોય છે. માના ઉપકારની, પિતાના ત્યાગની, સંતોના બલિદાનની જેણે સાક્ષી અનુભવી છે તેના માટે પૂજ્યભાવ આપોઆપ જન્મે છે અને તે પાકા પાયાની ઇમારત છે. જેના તરફ પૂજ્યભાવ લાદવામાં આવ્યો છે તે વ્યક્તિ સ્વસુખ માટે જ બધું કરે છે. પોતાના પિતાનું ખૂન કરાવી કાકા સાથે પરણી જનાર જનેતાનો પુત્ર હેમ્લેટ मातृदेवो भव! સૂત્ર શી રીતે સ્વીકારશે? પોતાને ઇદના ધેટાની માફક એટલા માટે હ્રુષ્ટપુષ્ટ બનાવવામાં આવી રહ્યો છે કે પિતાનું ભાવિ સુખ, શાંતિ અને ચેનથી પસાર થાય, તેવા સ્વાર્થી પિતા તરફ પુત્રને પૂજ્યભાવ ક્યાંથી ટકવાનો છે?

જ્યારે નદી, સૂર્ય, અગ્નિ, પવન એ કુદરતી ઘટકો છે તેવો ખ્યાલ જ્યારે હતો ત્યારે આપણાં પૂર્વજો તેને દેવતા સમજી સ્તુતિ અને પૂજા કરતા, કારણકે તે જીવન ધારક ઘટકો હતા. વિજ્ઞાનની સૂઝ જેમ કેળવાતી ગઇ તેમ પૂજ્યભાવ ઓગળતો ગયો છે.

બુદ્ધિશાળી લોકો કદી કોઇના ચમત્કારો કે લોભામણી વાતોથી અંજાઇ તેમને ગુરૂપદે સ્થાપતા નથી અને દરેકને પૂજ્ય ગણતા નથી. અખો અને વિવેકાનંદ ગુરૂની કસોટી કરે પછી તેમને ગુરૂપદે સ્થાપે છે.

મૂળ મુદ્દો હું કોને પૂજનીય ગણું છે તે છે. શાસ્ત્રોમાં એક મહત્વની વાત કહી છે, કે કોઇપણ કાર્ય ચાર કૃપાથી સિધ્ધ થાય છે, ઇશ્વર કૃપા, શાસ્ત્ર કૃપા, ગુરૂ કૃપા અને ચોથી મહત્ત્વની તે આત્મ કૃપા.

Man proposes & God disposes એ ન્યાયે બધું બરાબર હોય તો પણ છેલ્લી ક્ષણે બધું ચોપટ થઇ જાય તેવો અનુભવ ન થાય માટે ઇશ્વરને પૂજ્ય માનું છું. તેની પૂજા કરું છું કે બધું સઘળું પાર ઉતારે.

શાસ્ત્રો મારામાં એકાકાર થયા, જેનાથી હું જગતને, વાસ્તવિક્તાને અને સત્યને સમજવા લાગી તે સર્વ શાસ્ત્રોને હું જીવનમાં પૂજ્ય ગણું છું.

ગુરુ વિના જ્ઞાન ન લાધે. સદગુરૂની કૃપા મારા જીવનમાં હંમેશાં રહી છે, જો કે જીવનના સૌથી મોટા ગુરૂ જેમને practically જીવીને જીવન જીવવાનો માર્ગ સમજાવ્યો, ઉપદેશ દ્વારા નહિ પણ ઉદાહરણ દ્વારા – તે મારા માતા – પિતા – મારા જીવનના સદા ધ્રુવ તારક રહેશે.

પણ જેના વિના બધું જ એકડા વિનાના મીંડા જેવું છે, તે આત્મકૃપા. મેં પોતે પરિશ્રમવાળું, સંયમી અને સફળતાને વરે તેવી રીતનું જીવન જીવવાનો રાહ અપનાવ્યો ના હોત તો ઉપરની બધી જ કૃપા પર પાણી ફરી વળત. ઉત્તમ વૈદ્ય, ઉત્તમ દવા આપે પણ દર્દી પોતે પરેજી ન પાળે તો ? માટે મારી જાતને પૂજ્ય ગણતાં જરા ક્ષોભ તો થાય પણ અંગ્રેજી ભાષામાં ‘હું’ માટેનો ‘I’ સદા કેપીટલ હોય છે અને વેદાંતિક સત્ય ‘अहं ब्रहास्मि’ નું સ્મરણ થાય છે કે તરત ક્ષોભ ચાલ્યો જાય છે. ટૂંકમાં હું ઇશ્વર, ગુરૂ, શાસ્ત્ર અને મને પોતાને પૂજનીય ગણું છું.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

2 comments

  1. લેખ સરસ છે. કોને અને શા માટે પૂજનીય ગણવા જોઇએ તે સરસ રીતે સમજાવ્યું છે.
    જ્યારથી પ્રકૃતિ પ્રત્યેનો પૂજ્યભાવ ઓગળતો થયો ત્યારથી પર્યાવરણીય સંતુલન ખોરવાવાની શરૂઆત થઇ અને આજે એનાં પરિણામો દેખાઇ રહ્યા છે.

    Like

    1. તમારા પ્રતિભાવો કાયમ વાંચવા ગમે છે, મજાની વાત એ છે કે, સંવાદનો સિલસિલો બદલાયો છે, નવા સ્વરૂપે, નવા માધ્યમમાં, પણ બધું મજાનું લાગે છે.

      Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: