૨૦ શોધ

        દિવસભરની દોડધામને કારણે ખોલી ઉપર આવતાં જ બગાસાં આવવા માંડ્યા હતાં. બે ચાર તપેલાં ઊંચાનીચાં કરીને જ્યારે ઉંદર ન મળતાં બિલાડી ઘૂરકિયાં કરી અવાજ કરતી ચાલી જાય તેમ એ તપેલાં ખાલી જોઈને અજ્ઞાત રોષ રાખી ખૂણામાં પડેલી પથારી ખુલ્લી કરી ટૂંટીયું વાળીને સૂતો. ભૂખ લાગી હતી, પરંતુ ઠંડીમાં બહાર નીકળવાનું મન ન હોતું થતું – ચૂપચાપ સૂઈ જ રહ્યો. ઊડી ગયેલો અને ફિલામેન્ટ અડાડીને બે વાર ચાલુ કરેલો પંદરનો લેમ્પ બંધ કરી લગભગ ફાટવા આવેલી ગોદડી ઓઢીને આંખો બંધ કરી દીધી. થોડીક વારમાં ઊંઘ આવી જશે એમ હતું – પરંતુ ભૂલ પીછો છોડે એમ નહોતી. એણે ન જ ઊંઘવા દીધો. તરેહ તરેહના વિચારો આવવા લાગ્યા… મન બેઠું થયું… ધીમે ધીમે ઊભું થઈને ચાલવા લાગ્યું, અરે, દોડ જ લગાવી અને પલભરમાં ઉડવા પણ લાગ્યું…

        આજે એક મહિનો થયો. બેમાંથી એકેને જોયાં નથી. એક મિત્ર હતો. એને મન હું દિલોજાન દોસ્ત હતો. મારે મન… એક વિચિત્ર સ્વભાવનો મારા વિચારોથી તદ્દન અસંગત તરંગી અને ભાવનાશીલ – બીજી ભૂતકાળના ભાવિની જીવનસહચરી હતી. જેણે ભવિષ્યના ભૂતકાળની આરસીના ટૂકડે ટૂકડા કરી નાંખ્યા હતા. એક એક ટૂકડામાં મારી જાતને હું નિહાળતો. મન કહેતું – વાહ, તારાં કેટલાં પ્રતિબિંબ? કેટલાં સ્વરૂપ? અને આત્મા વિરોધ કરતો રહેવા દે એ તો ભ્રમ! તું તો એક જ છે! અને શાંત થઈ જતો. અનિચ્છિત શાંતિ બે આંસુમાં પલટાઈ જતી…

        કેટલા બધાં સ્વપ્નો જોયાં હતા એની સાથે – ના – એની સાથે નહીં – એની આંખે — અને કદાચ એથી જ સ્વપ્નો પર મારો અધિકાર નહીં હોય! ક્યારેક વિચારતો – આ સાધન સંપન્ન ઘરની પૂતળી જેવી છોકરી મારા જેવા ગરીબને ઘેર કેમ જીવશે? ત્યારે એ અટકાવી દેતી. માત્ર એટલું જ કહેતી. સમય માણસને બધું જ શીખવે છે અને એક દિવસ એ જ સમયની શિષ્યા રાત્રે હાંફળી થઈને આવી – હું ગઈકાલના પાઉં ચામાં બોળીને મોમાં મૂકવા જતો હતો. ખભા ઉપર માથું મૂકી રડી પડી. માત્ર એટલું જ બોલી.

        “હું તને આ ભવે નહીં પામી શકું! પરંતુ આવતે ભવે તો જરૂર મેળવીશ. જરૂર મેળવીશ- જરૂર મેળવીશ..” કહીને ચાલવા માંડી – હું એને કેમ કરીને બોલાવું. સમજી શક્યો નહીં – “સુ….” બાકીના શબ્દો મોંમાં જ રહી ગયા. સામે જ એ ઊભો હતો. મારો મિત્ર હતો ને! હસતો હતો મારી જાત ઉપર મને કહે – “ચાલ, અંદર ચાલ, દિલ ખાટું ન કર!”

        હું ચૂપચાપ અંદર ચાલ્યો ગયો. એ મારી પાછળ આવ્યો મને કહે, “આશિષ, મને ખાતરી હતી જ! એક દિવસ તું પછડાઈશ!”

        “કેમ?”

        “તેં અરમાનોની માયાજાળ રચી હતી ને! તું એમાં જ ફસાઈ ગયો હતો. મને ખાતરી હતી કે અને છે કે તું કરોળિયાની પેઠે એ તૂટેલા જાળાં પુનઃ કદાપિ નહીં બનાવી શકે. તારી એ શક્તિ નથી.

        “રાજુ, મને ક્યારેય ખ્યાલ નહીં કે મારા બાંધેલા આ મહેલો હવાઈ છે.” બે આંસુ આવી ગયાં.

        “આશુ, સારું છે કે એ મહેલો હવાઈ હતા. હવામાં જ બંધાયા – હવામાં જ તૂટ્યા અને હવામાં જ વિખેરાઈને હવામાં જ મળી ગયા. જો એ નાપાયાદાર મહેલો જમીન પર હોત – અને આજે જમીનદોસ્ત થયા હોત તો એની ચોટ તને ખૂબ ગહેરી પહોંચી હોય – શક્ય છે કે કોક રાહદારીને પણ એમાં લઈ લીધો હોત!”

        “રાજુ, હું સમજી નથી શકતો કે આમ કેમ બન્યું? મને શંકા હતી જ કે એ એક દિવસ આવું જ કરશે- કારણ – કારણ – કારણ આ અગાઉ એણે મને કહેલું કે મારી સામે કેટલાક બંધનો અને મજબૂરીઓ છે. જો હું તેમને પાર કરી જઈશ પરંતુ જો એ તને કદાચ નહીં પામી શકે – પણ – આશિષ જો હું તને આ ભવે ન પામી શકી તો પણ આવતા ભવે તો તારી જ છું. અને તારી જ બનીને તારી પાસે જ રહીશ અને રાજુ મેં એને હિંમત આપતા કહેલું કે કાંઈ જ નહી થાય અને …” એક ઊંડી આહ ભરી રાજીવની સામે જોયું. એ કાંઈ જ બોલ્યો નહીં. માત્ર મૂછમાં હસતો જ રહ્યો. મેં આગળ ચલાવ્યું – “રાજુ, આજે હું જાણવા માંગતો હતો કે એની શું મજબૂરી છે? અને ક્યા બંધનો રોકે છે? પરંતુ કદાચ મન કહે છે હવે એ ફરી કદી નહીં મળે. રાજુ, એને શું મજબૂરી હશે? ક્યાં બંધનો એને અટકાવતા હશે? મારે એ જાણવું છે!” મેં એનો હાથ પકડી લીધો.

        ધીમા અવાજે એણે કહ્યું, “આશુ, તારે હવે કદી એને નથી મળવું ને?”

        “ના”

        “કદી નહીં?”

        “ના, કદી નહીં.”

        “તો પછી એની મજબૂરી અને એને રોકતાં બંધનો અરે એના વિશેની નાની સરખી વાત પણ યાદ કરીને કે જાણીને તું શું કરીશ? આશુ, જીવનની પળે પળમાં કોઈક રહસ્ય છૂપાયેલું જ હોય છે અને એ રહસ્યોને શોધવાની વ્યર્થ ચિંતામાં આપણે જે ક્ષણો ગુમાવીએ છીએ, એનું નામ જ કદાચ જિંદગી છે. શા માટે આપણે અગણિત રહસ્યમય પળની પાછળ પડીને સમય વ્યતીત કરીએ? અનેક રહસ્યોમાંથી કેટલાક હાથ લાગે અને કેટલાક ન લાગે ત્યારે આપણું મન હાથ લાગેલા રહસ્યોનો આનંદ મનાવવા કરતાં ન હાથ લાગેલા રહસ્યોનો અફસોસ વધુ કરતું હોય છે અને છતાં એના કરતાં એક જ રહસ્યની પાછળ પડ્યા હોઈએ તો અન્ય તરફ આપણને કોઈ જ ચિંતા નથી હોતી. જો એ નક્કી કરેલું રહસ્ય એ નિયત પળનું રહસ્ય હાથ લાગે તો ખુશ થવાનું અથવા એની પાછળ જીવન ખલાસ થઈ જવાનું એની ચિંતા કે દુઃખ તો નથી જ કરવાનું રહેતું ને! કારણ જીવનનો ત્યાં અંત….”

“તારી વાત કદાચ સાચી છે, રાજુ!” મેં નિશ્વાસ નાંખતા કહ્યું. મનોમન નિશ્ચય કરી લીધો કે શેક્સપીયર કહે છે તેમ આ દુનિયાની રંગભૂમિ ઉપર એક નાટક પૂરું થઈ ગયું. નાયિકાઓ અન્યત્ર ચાલી ગઈ નાયકે હવે નિવૃત્તિ લઈ લીધી. નાયક અને નાયિકાએ છૂટાં પડવાનું દુઃખ ન લગાડવું જોઈએ. હું હવે એને કદી પણ યાદ નહીં કરું – ના – ના એને યાદ રાખીને ભૂલી જઈશ અને ભૂલી જઈને યાદ રાખીશ. ત્યાર પછીની કેટલીય ક્ષણો મૌનની સરિતા ઉપર લટકતા પુલની માફક ઝૂલતી રહી અંતે એ પુલને વેરવિખેર કરતો રાજુનો દીર્ઘ અવાજ કાનમાં પેઠો. હું ચોંકી ગયો, કારણ એ શબ્દોએ મને બેબાકળો બનાવી દીધો હતો. મેં રાજીવને એ શબ્દો ફરી ઉચ્ચારવા કહ્યું – તો એક અટ્ટહાસ્ય કહીને જે મને કારમું લાગ્યું – ધીમા અવાજે કાન પાસે મેં લાવીને કહ્યું, “આશુ, હું કાલે સવારે અહીંથી જાઉં છું. એક કડવા સત્યની શોધમાં!”

        “રાજુ, તું…તું…તું… પણ જાય છે? અને તે પણ શોધમાં? એક સત્યની? કડવા સત્યની?”

        “હા, આશુ મેં તને ના કહ્યું કે અગણિત રહસ્યમય પળોમાંથી એકાદ અતિ રહસ્યમય પળની પાછળ લાગી જવું જોઈએ. ભૂતકાળમાં લાગેલા કારમા ઘા પછી હું પણ એક એવી જ ક્ષણને પકડી લાવ્યો છું. એની શોધમાં હું નીકળવાનો છું!”

        “કઈ ક્ષણ છે એ?”

        “એ હજુ આવી નથી. પરંતુ આવવાની છે. હું મૃત્યુની એક ક્ષણની શોધમાં જઈ રહ્યો છું. જે મને ખાતરી છે કે હું ઘાર્યા મુજબ મેળવી શકીશ. એનું રહસ્ય જાણીશ અને જો એમાં હું અસફળ થઈશ… ના…   નહીં જ થાઉં!”

        “રાજુ મરવું છે તારે? તો જા, પાટા નીચે સૂઈ જા. ચાર માળથી કૂદી પડ. કોઈક મોટર નીચે સૂઈ જા પેટમાં ચપ્પુ ખોસી દે ઊંઘની ગોળીઓ ખાઈ લે.” મેં ગુસ્સાથી કહેવા માંડ્યું.

        એ ઊભો થઈ ગયો અને ગંભીર ચહેરો કરી બોલવા લાગ્યો, “ના, આશુ, ના, હું એ મૃત્યુ નથી માંગતો – કારણ કદાચ એ પ્રકારની શોધમાં હું અસફળ રહી જાઉં – મૃત્યુ ન પણ મળે અને જો હું જીવી જાઉં – તો આ દુનિયા આ સમાજ મારી હાંસી ઉડાવશે. મારા વિચારોને – મારા મનમાં કશુંક અધૂરું રહી જાય – શોધ અધૂરી રહી જાય!”

        “તો તું કેવું મૃત્યુ માંગે છે?”

        “સફળ”

        “સફળ?”

        “હા! આશુ, સફળ મૃત્યુ અને શોધ બંને સફળ જે મને મારી શોધમાં કામયાબ બનાવે. એવું મૃત્યુ જે મને મારા એ અસફળ મૃત્યુ અને અસફળ શોધનો અફસોસ કરવાનો મોકો ન આપે.”

        “તું પાગલ છે.” મેં ગુસ્સામાં જ કહ્યું –

        “આશુ, તું પાગલ કહે છે? આશુ, મને એમ કે, હજુ કોઈક એવું છે કે જે મને પાગલથી પર સમજે છે પણ…” કહી એ ચાલવા માંડયો. હું જોતો જ રહ્યો. એના બહાર નીકળી ગયા બાદ મેં બહાર જઈ બૂમ પાડી, પણ જવાબ ના મળ્યો. માત્ર ધૂનમાં જતો હોય એમ લાગ્યું. મેં બૂમ મારીને કહ્યું, “સવારે મળીને જજે – રાજુ!.” અને રાજુ રસ્તાની ઓછી લાઈટમાં એના પડછાયા સાથે દૂર દૂર જતો રહ્યો.

       એ આખી રાત ઊંઘ ન આવી. રાજુ … અને એ…. એ… રાજુ….. બસ એ બે જ મારાં વિચારોનાં પાત્રો હતાં. અને આમ મહિના પહેલાંના ભૂતકાળને વિચારતો હતો અને ક્યારે આંખ મીંચાઈ ગઈ ખ્યાલ ન આવ્યો, કદાચ આજ પૂરતું…. વિચારોનું ભૂખ ઉપર આધિપત્ય જામી ગયું હતું કે એ ભૂખ છતાં મારી આંખ મીંચાઈ શકી. પરંતુ મુશ્કેલીથી દસ-પંદર મિનિટ નિંદ્રા ભોગવી હશે ત્યાં ખોલીનું બારણું ખખડ્યું – ઉઠવાના કંટાળાથી ગોદડીમાં જ મોં રાખીને પૂછ્યું, “કોણ?”

        “હું”

        “હું કોણ?” પરિચિત અવાજ હતો છતાં પૂછ્યું.

        “એ તો હું રાજીવ!” – અને સફાળો બેઠો થઈ ગયો. બત્તી કરી અને બારણું  ખોલ્યું. દાઢી વધી ગયેલી, વાળ પણ અને નિસ્તેજ ચહેરો વચ્ચે બે તેજસ્વી આંખો અને હસતા હોઠ –

        “આશુ” – કહીને ગળે વળગી પડ્યો.

        બારણું બંધ કરી અમે અંદર આવ્યા. મેં ઉપરાઉપરી સવાલો પૂછી નાંખ્યા, “ક્યાં હતો આટલા બધા દિવસ? ક્યાં ક્યાં ફરી આવ્યો? શું કરી આવ્યો?” અને છેલ્લા બે સવાલ હતા, “શું શોધી લાવ્યો? અને …. અને એ મળી હતી…?”

        ઉત્તરમાં એ જોરથી હસ્યો, કહેવા લાગ્યો, “રાજુ ખૂબ ફરી આવ્યો. શોધમાં નીકળ્યો હતો. કંઈક શોધી લાવ્યો. કહે એ શોધની નજીક પહોંચી ગયો. હવે હાથવેંતમાં જ છે.” હું એકીટસે એની સામે જોઈ રહ્યો.

         મેં પૂછ્યું, “અલ્યા. કંઈક સીધી વાત કર – સમજાય તેવી!”

        “આશુ – પહેલાં કહે – તેં ખાધું?”

        “ના”

        “ચાલ કાંઈક ખાઈએ-“

        “ઘરમાં કશું જ નથી.”

        “બહાર”

        “અમે બહાર નીકળ્યા કારણ હવે ભૂખ વધી હતી. ઠંડી હોવા છતાં રાજુના મિલને ઠંડી પળભર વિસરાઈ ગઈ. લગભગ સાડા બાર થયા હશે. અમે પાસે જ શંભુની હોટલમાં જઈને બેઠા – લગભગ બે વાગ્યા સુધી શંભુની હોટલ ચાલુ રહેતી. સવારે ૫.૦૦ વાગે પાછી ચાલુ થતી. અમે પાંઉને ચા મંગાવી. ખાવા લાગ્યા.

        ખાઈ લીધા પછી મેં એને પૂછ્યું, “રાજુ કહે – માંડીને હવે વાત કર!”

        “આશુ – હું જે શોધમાં ગયો હતો. એ મેળવી આવ્યો. હું શું લાવ્યો ખબર છે તને?”

        “શું?”

        “પોટેશિયમ સાઈનાઈડ.”

        હું જોતો જ રહી ગયો. એણે આગળ ચલાવ્યું. “આશુ, તને ખબર છે એ એવું કાતિલ ઝેર છે જેની એક બુંદ મોંમાં મૂક્યા બાદ માણસ એક સેકન્ડ પણ….”

        “જીવવા પામતો નથી.” મેં પૂરું કર્યું.—

        “હા” એણે હસીને કહ્યું, “એ જ ઝેર મેં મેળવ્યું છે”

        “રાજુ, હજુ કહું છું છોડી દે આ વિચાર – જરા સમજ કોઈકની પરવા કર.” – મેં સમજાવતાં કહ્યું

        “અરે, મારા યાર, હવે આપણી પરવા કરનાર છે પણ કોણ? હતું ને ન હતું થઈ ગયું-“

        “રાજુ – આ તું શું કહે છે? મને એમ કે કોઈક મને પોતાનો સમજે છે. અફસોસ! આજે તું પણ મને પરાયો માને છે!”

        “ના આશુ – એમ નહિ.”

        “તો શું?”

        “તારો મનનો તરંગ.” કહી એણે મારી સામે જ જોયા કર્યું. પછી આગળ ચલાવ્યું, “રાજુ એ તારા મનનો એક માત્ર તરંગ છે. તું નથી જાણતો કે તારા મનમાં કેટલી શક્તિ છે. કેટલું ઊંડે છે એ! છતાંય ક્યાંય ટકરાય છે?

        “અરે મારા ભાઈ, ટકરાય છે ત્યારે તો એવું ટકરાય છે કે એના ફૂરચા ઊડી જાય છે.” મેં કહ્યું.

        “ના આશુ – તારો ખોટો ખ્યાલ છે. એ કદી ટકરાતું નથી. કદાચ સંઘર્ષ અનુભવે છે. પણ જો માનવી સમજે તો એ સંઘર્ષ દ્વારા એને કોઈક અનોખું બળ પ્રાપ્ત થતું હોય છે. એ કદી તૂટતું નથી. એ હંમેશાં મજબૂત થાય.” પછી જરા ઢીલો થઈને બોલ્યો, “આશુ, મારા મૃત્યુનો એ ઘા તું સહી શકીશ? મન મજબૂત કરજે. સંઘર્ષમાંથી મળેલા બળથી તું એ સહી લે જે.” કહી એણે મારા હાથ પર હાથ મૂક્યો.

        આવી કંઈ કેટલીય વાતો થઈ – શંભુએ બૂમ મારી.

        “બાબુજી. દો બજે, ઘર જાના હૈ!”

        અમે બન્ને ઊઠ્યા, મેં કહ્યું, “રાજુ ચાલ ખોલી ઉપર.”

        “ના આશુ, આજે તો હું કોઈક બીજી જગ્યાએ જઈશ. કાલે મારી શોધનો છેલ્લો તબક્કો છે.” કહી આંખમાં ઝળઝળિયાં સાથે ચાલવા માંડ્યો. એને દૂર જતો જોઈને મેં બૂમ મારી. “રાજુ સવારે મળજે.” રસ્તાની બત્તીના આછા પ્રકાશમાં એ એના પડછાયા સાથે દૂર ચાલ્યો ગયો.

         બરાબર પાંચ મહિને …. એ જ રીતે…

        અને હું ઘરે આવી. ખોલી બંધ કરી. પંદરનો ગોળો બૂઝવી મેલી ફાટેલી ગોદડી ઊંચી કરી ઘબ્બ કરતો પથારીમાં પડ્યો…..

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: