૩. કૃષ્ણ એટલે પ્રેમ, પ્રજ્ઞા અને પરાક્રમની પરાકાષ્ઠા

         આકાશમાં ઊગેલા પૂર્ણિમાના ચંદ્રને ઉત્તર ધ્રુવ જઈને જુઓ કે, દક્ષિણ ધ્રુવ જઈને જુઓ, ચંદ્ર તો એક જ છે. પરંતુ એ જ ચંદ્રના અનેક પ્રતિબિંબો ઠેર ઠેર જોવા મળે છે. સાગરનાં ઉછળતાં પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ ઉછળે છે, નદીના વહેતાં પાણીમાં વહેતું દેખાય છે. શાંત સરોવરમાં સ્થિર દેખાય છે અને ખાબોચિયાની  ગંદકીને ઢાંકીને સૌંદર્યનો આભાસ ઊભો કરે છે. પ્રતિબિંબમાં પણ ચંદ્ર તો છે જ. ક્યાંક વૃક્ષની ડાળી પર તો ક્યાંક પર્વતના શિખરો પર અને ક્યાંક સપાટ જમીન પર ચંદ્રની ચાંદનીના ફેલાવ સ્વરૂપે મોજૂદ રહે છે.  પૂર્ણિમાની રાતનો ચંદ્ર આમ સર્વવ્યાપક છે, એના બધાં જ ગુણ લક્ષણો સાથે! 

           દરેક સંસ્કૃતિને પોતાના આગવા ચાંદા-સૂરજ હોય છે. ક્યાંક ને ક્યાંક કોઇક ને કોઇક સ્વરૂપે એ પ્રતિબિંબિત થાય છે. ભારતીય સંસ્કૃતિનો આવો ચંદ્ર એટલે કૃષ્ણ. ક્યાં નથી કૃષ્ણનું પ્રતિબિંબ? સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, કલા, સાહિત્ય, રાજકારણ, સમાજજીવન, નીતિશાસ્ત્ર અને અધ્યાત્મ, યુદ્ધ શાસ્ત્ર અને રણનીતિ, રૂપ અને સૌંદર્ય, પ્રેમ અને ભક્તિ તથા સંસાર અને મોક્ષ સહિત બધે જ કૃષ્ણ પ્રતિબિંબિત થાય છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં કૃષ્ણનું વ્યક્તિત્વ વિરલ છે. પ્રેમ, પ્રજ્ઞા અને પરાક્રમની આવી પરાકાષ્ઠાનું એક જ વ્યક્તિત્વમાં સંયોજન શોધવું હોય તો છેવટે નજર કૃષ્ણ પર જ આવીને અટકે. કૃષ્ણ દરેક ક્ષેત્રમાં સર્વોચ્ચ ઊંચાઈનું પ્રતીક હતા. કૃષ્ણના વ્યક્તિત્વમાંથી વહેતી પ્રાણધારા આજે ય એટલી જ જીવંત છે. ઉપનિષદો પરમાત્માને રસરૂપ કહે છે. કૃષ્ણ રૂંવે રૂંવે રસરૂપ હતા અને એથી જ એ પરમાત્મા બની રહે છે.

          ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ અને સમાજજીવન પર હજારો વર્ષ પછી પણ કૃષ્ણનો પ્રભાવ અકબંધ છે. કૃષ્ણના જીવનનું વૈવિધ્ય આશ્ચર્ય પમાડે એવું છે. એક જ વ્યક્તિમાં આટલાં બધાં લક્ષણો હોઈ શકે એ વાત જ કલ્પનામાં આવે તેવી નથી. એટલે જ કૃષ્ણના જીવનને લીલા કહ્યું છે. કૃષ્ણ પોતે લીલામય હતા અને સંસારને પણ લીલામય થઈ જવાની એમની શિખામણ હતી. એ શિખામણ પૂરેપૂરી આત્મસાત્ થઈ નથી એથી જ જગત આખું સંતાપથી ત્રસ્ત છે. અહમ્, વર્ચસ્વ, રાગદ્વેષ અને હિસાબ-કિતાબ ગંભીર અભિગમના જ પરિણામો છે. લીલા એટલે નિર્ભેળ આનંદ અને જે કંઈ કરીએ તેનો પરમ સંતોષ.

              કૃષ્ણના વ્યક્તિત્વને વિરોધાભાસી અને સાતત્ય વગરનું કહેનારા પણ ઘણા છે. પરંતુ સાચી વાત એ છે કે, કૃષ્ણના વ્યક્તિત્વમાં તંત્ર-શાસ્ત્રનું સારસૂત્ર સમાયેલું હતું. સામાન્ય નજરથી કોઈ પણ ચીજને એના પૂર્ણ સ્વરૂપે જોઈ શકાતી નથી. પરંતુ તંત્ર દરેક વસ્તુને એના પૂર્ણ સ્વરૂપે જોવાની જ વિદ્યા છે. કૃષ્ણના વ્યક્તિત્વની સૌથી મોટી ખૂબી એ હતી કે ગમે તે ખૂણેથી જોતાં એમાં પૂર્ણતાના દર્શન થાય. કદાચ એ જ કારણે સાચા અર્થમાં આપણે એમને પુર્ણ-પુરુષોત્તમ કહ્યા હશે. કૃષ્ણ પાસે જે અપ્રતીમ બાહુબળ અને કૃષ્ણ બુદ્ધિબળ હતું. એને અલૌકિક જ કહેવું પડે. કૃષ્ણ રાજવી તરીકે વિચક્ષણ પુરવાર થયા હતા. એમના સમયમાં સમગ્ર ભારતવર્ષ નાના નાના ટુકડાઓમાં વિભાજિત હતું. બધે જ મત્સ્ય – ન્યાય પ્રવર્તતો હતો. મોટાભાગના રાજવીઓ પ્રજાપીડક, અન્યાયી, શોષણખોર અને એશઆરામી હતા.

             રામરાજ્યની પરિકલ્પના મિથ્યાભિમાન અને નિરંકુશ શાસકોના હાથમાં ગૂંગળાઈ રહી હતી. શ્રીકૃષ્ણનો જન્મ અંધકારભરી મધરાતે કારાવાસમાં થયો એ ઘટનાનું પ્રતીકાત્મક મહત્ત્વ છે. જન્મથી કિશોરાવસ્થા સુધી ગોકુળમાં માતા-પિતાથી દૂર રહીને ઉછરતાં કૃષ્ણ પર મથુરાના રાજા અને સગા મામા કંસનો કાળ-પડછાયો સતત રહ્યો હતો. જન્મનાં લગભગ એંસી વર્ષ પછી એમણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પોતાના પૃથ્વી પરના આગમનનું કારણ જણાવતાં કહ્યું હતું, ‘પરિત્રાણાય સાધુનામ્ .. સંભાવામિ યુગે યુગે.’ પરંતુ કૃષ્ણ તો ગળથૂથીમાંથી જ હેતુ લઈને આવ્યા હતા.

        કૃષ્ણના બાળપણથી માંડીને અંતકાળ સુધીની દરેક કથા અદ્ભુત અને રોમહર્ષક છે. એટલે જ આટલાં વર્ષેય કૃષ્ણના જીવનની મીમાંસા નિત નવી લાગે છે. એ કાળમાં માતા-પિતા કે આચાર્ય દેવો ભવની ભાવના વિલુપ્ત થઈ રહી હતી અને ચરિત્ર વિકૃત થઈ રહ્યું હતું. કૃષ્ણના મામા કંસે પોતાના પિતા ઉગ્રસેનને સત્તા પરથી ઉથલાવીને એમને બંદી બનાવ્યા હતા અને મથુરાની ગાદી પડાવી લીધી હતી. કંસને એની ચાલબાજીઓમાં એના સસરા મગધ-નરેશ જરાસંઘ અને સાઢુ છેદી-નરેશ શિશુપાલનું પીઠબળ હતું. એક માત્ર મથુરાનું અંધક-વૃષ્ણિ ગણરાજ્ય અને હસ્તિનાપુરના કુરુ રાજ્યને બાદ કરતાં સર્વત્ર જરાસંઘની આણ વર્તાતી હતી. આ અંધકારને ભેદવાનું મહત્ત્વનું કાર્ય કૃષ્ણના હાથે થયું હતું. કંસને ભોંય ભેગો કરીને એમણે જરાસંઘનો ડાબો હાથ તોડી નાંખ્યો અને પછી ભીમના હાથે જરાસંઘનો વધી કરીને અત્યાચારી શાસન – પ્રણાલિ પર જીવલેણ પ્રહાર કર્યો. છેવટે શિશુપાલનો સ્વયં અંત આણીને એક મહાકર્તવ્ય પૂરું કર્યું.

          રામ અને કૃષ્ણની આજે ય આપણે ભારતભાગ્યવિધાતા તરીકે પ્રતિષ્ઠા કરીએ છીએ. ભારતના ભૌગોલિક વ્યક્તિત્વના તેઓ શિલ્પી હતા અને સંસ્કૃતિનાં ગૌરવનું બીજારોપણ કરીને એને ઉચ્ચ ચારિત્ર્ય, પરાક્રમો અને પ્રેમ વડે એમણે જ ઉછેર્યું. આજે આ માટીમાં જે સુગંધ અનુભવાય છે એનાં મૂળમાં કૃષ્ણ જ છે. કૃષ્ણ એક દૂરંદેશી રાજનેતા અને લોક-આગેવાન હતા. યુધિષ્ઠિર પાસે રાજસૂય યજ્ઞ કરાવીને અનેક રાજ્યોનું સિફતપૂર્વક એકસૂત્રીકરણ કરવામાં એમની મુત્સદ્દીગીરીએ જ ભાગ ભજવ્યો હતો. ‘મહાભારત’ના ‘સભાપર્વ’માં રાજસૂય યજ્ઞનું રોચક વર્ણન વાંચતાં કૃષ્ણની વીરતા, ઉદારતા, તેજસ્વીતા અને ઉચ્ચ ચારિત્ર્યનો અદ્ભુત પરિચય થાય છે. યજ્ઞશાળામાં દિગ્ દિગંત અને પ્રતિષ્ઠિત એવા સંખ્યાબંધ રાજવીઓ અને સન્માન્ય મહાનુભાવોની હાજરી હોવા છતાં પૂજાનો પ્રારંભ કરવા માટે ભીષ્મપિતામહે કૃષ્ણના નામની જ દરખાસ્ત કરી હતી. શિશુપાલે આ દરખાસ્તનો વિરોધ કર્યો. કૃષ્ણ અને ભીષ્મપિતામહે એને મણ મણની સંભળાવી. શિશુપાલે બીજા રાજાઓને યજ્ઞભંગ માટે ઉશ્કેર્યા અને છેવટે એણે કૃષ્ણનો રોષ વહોરી લઈને જીવ ગુમાવવો પડ્યો.

           રાજસૂય યજ્ઞ કરાવવા પાછળની કૃષ્ણની ગણતરી બહુ જુદી હતી. તેઓ પાંડવોને સમગ્ર દેશના સામૂહિક સૈન્યના સૂત્રધાર બનાવવા માગતા હતા. કૃષ્ણે એમનો આ હેતુ પાર પાડ્યો. પાંડવોના નેતૃત્ત્વ હેઠળ એમણે અનેક શક્તિશાળી રાજ્યોનો મહાસંઘ રચ્યો. મહાભારતના નિર્ણાયક યુદ્ધની એ પૂર્વતૈયારી જ હતી. મહાભારતનું યુદ્ધ કૃષ્ણની નજરમાં ઈષ્ટ અને અનિષ્ટ તથા ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું. આતતાઈઓને હણવામાં પાપ નથી એવી એમની ફિલસીફીને વૈશ્વિક ત્રાસવાદ સાથેની લડાઈમાં આજે ય પ્રસ્તુત માનવી પડે છે. વિશ્વના અનેક દેશો કૃષ્ણની આ ફિલસૂફીને અનુસરતા આવ્યા છે. અન્યાયને ઉખાડી ફેંકવો એ જ ન્યાયની સ્થાપના કરવા સમાન છે, એવા ‘ચાણક્ય નીતિ’ના વચનનાં મૂળ કૃષ્ણની આ ફિલસૂફીમાં જ છે.

           કૃષ્ણના વ્યક્તિત્વને સમજવામાં અનેક વાર અડચણ ઊભી થાય છે એનું ખરું કારણ એ નથી કે કૃષ્ણનું વ્યક્તિત્વ જટિલ હતું. પરંતુ સાચું કારણ એ છે કે, કૃષ્ણ પોતાના બહુઆયામી વ્યક્તિત્વના પ્રત્યેક આયામ વિશે સજ્જ અને સ્પષ્ટ હતા. ‘પરિત્રાણાય સધુનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્’ ના ધ્યેય માટે કૃષ્ણએ પોતાના કુટુંબી યાદવો, પુત્ર, પૌત્ર અને પ્રપૌત્રોને પણ સત્તાથી ભ્રષ્ટ થતા અને વિવેક ચૂકતા જોયા ત્યારે એમને માફ કર્યા નથી. કદાચ લોકહિત, માતૃભૂમિની ભક્તિ અને નિર્ભિકતાને લાગે વળગે છે ત્યાં સુધી કૃષ્ણની સમજ સૌથી ઊંચી હતી. પોતાના આ ‘ધર્મધ્યેય’ને કૃષ્ણએ ‘મહાભારત’ અને ‘ભગવદ્ ગીતા’માં ઠેર ઠેર પ્રતિપાદિત કર્યું છે. દુર્બળ, દુઃખી અને ત્રસ્તજનની રક્ષાનું વચન કૃષ્ણ સદા નિભાવતા રહ્યા. ‘મહાભારત’માં ઠેર ઠેર આના ઉદાહરણો મળી આવે છે. ‘મહાભારત’ના ઉદ્યોગપર્વમાં કૃષ્ણ જ્યારે શાંતિદૂત બનીને હસ્તિનાપુર જવાની તૈયારી કરે છે ત્યારે દ્રૌપદી એમને એમનાં વચનો યાદ અપાવે છે. ભરીસભામાં કૌરવોએ દ્રૌપદીને વસ્ત્રવિહીન કરવાની કુચેષ્ટા કરી ત્યારે કૃષ્ણએ યોગ્ય સમયે એમને દંડિત કરવાનું આશ્વાસન આપ્યું હતું. દ્રૌપદીએ એ યાદ અપાવ્યું ત્યારે કૃષ્ણએ આપેલો જવાબ એમના નિર્ધારનો સૂચક બની રહ્યો હતો.

चलेद्धि हिमवांछैलो मेदिनी शतधा भवेत्।

द्यौः पतेत सनक्षत्रान मे मोघ वचो भवेत्।

“હિમવન પર્વત હાલી જાય તો ભલે, પૃથ્વીના સો સો ટુકડા થઈ જાય તો ભલે, આકાશ નક્ષત્રો સમેત ધરતી પર તૂટી પડે તો ભલે, પરંતુ મારું આપેલું વચન નિષ્ફળ નહીં જાય.”

           કૃષ્ણનું સર્વોત્તમમાં પણ સર્વોચ્ચ રૂપ ગીતાકથનમાં ઊપસી આવે છે. યુદ્ધના આરંભે અર્જુન પોતાના જ સ્વજનો, વડીલો અને બંધુબાંધવોને મારતાં ગ્લાનિ અનુભવે છે તથા ગાત્રો શિથિલ થઈને વિરક્તિ જાગે છે તથા લડવાનો ઈન્કાર કરી દે છે ત્યારે કૃષ્ણ એના મનની જે રીતે માવજત કરે છે અને પોતાની વાત ગળે ઉતારે છે એ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના સાતસો શ્લોકો માનવજાત માટે આશીર્વાદ બની રહ્યા છે. ‘ગીતા’ની ખૂબી એ છે કે એમાં કૃષ્ણ ફિલસૂફ, જ્ઞાની અને ગુરૂ, એક મહાન યુદ્ધ નિષ્ણાત, સૃષ્ટા અને ઓશો રજનીશ કહે છે તેમ એક અનોખા મનોવિજ્ઞાની તરીકે ઉપસી આવ્યા છે. ‘ગીતા’એ માત્ર ભારતવર્ષને જ નહીં, સમગ્ર માનવજાતને ૠણિત કરી છે એમ કહીએ તો જરાય ખોટું નથી

          કૃષ્ણનું વ્યક્તિત્વ એક રાજવી, મુત્સદ્દી, યોદ્ધા કે અપ્રતિમ બુદ્ધિ અને બાહુબળના સ્વામી એવા લોકનાયક પૂરતું જ સીમિત નથી. સમગ્ર યુગના યોગેશ્વર અને મહાન વિભૂતીરૂપ હોવા ઉપરાંત તે સર્વજનવલ્લભ છે. અર્જુનના સખા અને સારથી છે, ગોકુળના ગોપ-ગોપીઓના રસરાજેશ્વર રાસરમંતા છે, રાધાના નટવર છે, પ્રેમની સાક્ષાત્ મૂર્તિ છે અને જગતનિયંતા સ્વરૂપે જ્ઞાન અને ડહાપણનો સમંદર છે. કૃષ્ણ નાદબ્રહ્મના સ્વામી છે. એમની વાંસળીના પોલાણમાંથી નીકળતા સ્વર પર્વતોને ડોલાવતા હતા, નદીઓના વહેણ થંભાવતા હતા અને માત્ર રાધા અને ગોપીઓને ન જ નહીં, ગાય તથા અન્ય પસુ-પક્ષીઓ અને વનવાસીઓને નાદના ચુંબક વડે ખેંચી લાવતા હતા. આ બધી ભલે કલ્પનાઓ હોય, છતાં માનવી અને યાદ કરવી ગમે છે.  કૃષ્ણ એટલે માધુર્યનો પર્યાય. ચૈતન્ય મહાપ્રભુના પરમ શિષ્ય રૂપ ગોસ્વામીએ કૃષ્ણના લીલામાધુર્ય, પ્રેમમાધુર્ય અને રૂપમાધુર્યને ભાવપૂર્વક ઉજાગર કર્યું છે. એ માધુર્ય થકી જ કૃષ્ણ હજુ આ રહ્યા અને અહીં જ છે એવી સતત અનુભૂતિ થાય છે. ‘સંભવામિ યુગે યુગે’ના એમના ગીતામય વચનને યાદ કરીને ‘હવે તો આવો’ એવી આજીજી કરનારાઓને કૃષ્ણની ‘પરમાં ગતિમ્’ નો અહેસાસ નથી. કૃષ્ણ તો શાશ્વત ચેતના છે. અહીં, તહીં અને સર્વત્ર. ચેતનાને આહ્વાન ન હોય, ચેતનાનો તો અનુભવ જ કરવાનો હોય. જન્માષ્ટમી એથી જ ચેતનાના અનુભવનું પર્વ છે!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

2 comments

  1. કૃષ્ણ એટલે બસ કૃષ્ણ જ…… એમને સમજવા માટે તેમના પ્રેમ માં તરબોળ થઈ કૃષ્ણમય થવું પડે……… જય શ્રી કૃષ્ણ……… રાધે રાધે

    Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: