‘નંદનવન’, ‘આનંદવન’ અને હવે ‘સમયવન’. વનનું એક જૂદું જ સૌંદર્ય હોય છે. બાગ-બગીચામાં તો એક વ્યવસ્થા હોય છે. વનની વ્યવસ્થામાં અરાજકતા હોય છે પરંતુ એ અરાજક્તાની આગવી વિશિષ્ટતા છે. જીવનનો ધબકાર ત્યાં અબાધ રીતે વ્યક્ત થાય છે. બંનેનું એક અનોખું સંગીત હોય છે, એ સંગીતમાં ડૂબી જવાની અને રમમાણ થઇ જવાની લાલસા શાશ્વત રીતે અનુભવી છે.
આપણી વિચાર–યાત્રા પણ સમયનું એક વિશાળ વન સર્જે છે. વિચારો છે ત્યાં સુધી જ સમય છે. જે ક્ષણે વિચારો અટકી જાય છે, એ ક્ષણે સમય પણ થંભી જાય છે અને સ્તબ્ધ બનીને ઊભો રહી જાય છે. સમયના વનમાં સમયનો જ એક સ્થિર ટાપુ રચાઈ જાય છે.
સમયનો આ ખેલ હું સતત અનુભવ તો રહ્યો છું. મારા સમયમાં અનેક ટાપુ રચાયા છે. અહીં એ ટાપુઓની સીધી વાત નથી. કેવળ સમયવનમાં લટાર જ છે, છતાં સમયના ટાપુઓ મોજૂદ છે.
કેટલાક મિત્રોનો એવો પ્રતિભાવ છે કે ‘નંદનવન’ પછી ‘આનંદવન’ની અને એ પછી ‘સમયવન’ની શૈલી બદલાય છે. કદાચ એનું કારણ એ છે કે આ વિશ્વમાં પરિવર્તન જેટલું શાશ્વત બીજું કશું જ નથી. મારી વિચાર પ્રક્રિયાએ પણ અનેક પરિવર્તનો ઝીલ્યાં છે. એથી શૈલીમાં પરિવર્તન આવવું સ્વાભાવિક છે. ‘સમયવન’માં ઘણા નિબંધોના વિષયો તો આપણને સૌને પરિચિત છે, માત્ર એ તરફ જોવાની મારી દૃષ્ટિ થોડી જુદી રહી છે. શક્ય છે કે એમાં મેં કહેલી વાતો સાથે ઘણા લોકો સંમત નહીં થાય પરંતુ આ કોઈની સંમતિ કે અસંમતિ માટેનો વ્યાયામ નથી, માત્ર અનુભૂતિની જ અભિવ્યક્તિ છે.
આ સંગ્રહની પ્રસ્તાવના લખવા માટે મેં મારા મુરબ્બી અને સહ્રદયી મિત્ર મુરબ્બી શ્રી દિલીપ રાણપુરાને વિનંતી કરી ત્યારે એ વાતથી સભાન હતો કે દિલીપભાઈ એક સારા અને સફળ નવલકથાકાર છે અને સારા નવલકથાકારનું સંવેદનજગત હંમેશાં લીલુંછમ હોય છે. દિલીપભાઈએ નિબંધ વિશે લખવામાં પ્રાથમિક ખચકાટ વ્યક્ત કર્યો ત્યારે મેં એમને યાદ અપાવ્યું કે એમના અનેક સામાજિક નિબંધો મેં વાંચ્યા છે. માટે મારે એમની પાસેથી વિવેચનાત્મક પ્રતિભાવ નથી જોઈતો માત્ર સંવેદનાનો પડઘો જ જોઈએ છે. દિલીપભાઈએ કેવળ પ્રેમને વશ તરત વાત સ્વીકારી લીધી. એમનો ઋણ-સ્વીકાર કરીશ તો એમને નહીં ગમે એથી માત્ર અનુગ્રહ વ્યક્ત કરું છું.
આ સંગ્રહના નિબંધોમાં મુખ્યત્વે લોકસત્તા જનસત્તામાં કટાર રૂપે પ્રસિદ્ધ થયા હતા. જનસત્તાના સહતંત્રી અને મારા જૂના સહકાર્યકર વિવેક દવેએ ઊલટભેર એ પ્રગટ કર્યા હતા અને કવિ મિત્ર શ્રી દેવહુમાએ એને માવજત આપી હતી. એ દિવસોમાં કેટલાક સાહિત્યકાર વડીલોએ પ્રતિભાવ આપીને મારી પીઠ થાબડી હતી એમને સૌને યાદ કરું છું.
આ નિબંધોનાં મોટાભાગના નિમિત્તો મને મારા સ્વાનુભવમાંથી મળ્યાં છે. એ નિમિત્તોને વિચારની સરાણે ચઢાવવામાં મને જે કંઈ ભાથું કામ લાગ્યું છે તેની યાદી બહુ લાંબી થાય છે, છતાં કેટલાક મિત્રોને હું યાદ કર્યા વિના રહી શકતો નથી. મારા સ્વર્ગસ્થ પ્રાધ્યાપક અને શ્વસૂર પ્રા. વિ. કે. શાહ સાથેની વૈચારિક અને સાંવેદનિક આંતરક્રિયાઓ મને સતત અજવાળતી રહી છે. મારા સ્વ. માતુશ્રી શારદાબેન ત્રિવેદીના સંસ્કાર અને શિક્ષણ મારા વ્યક્તિત્વને સતત ઘડતા રહ્યા છે. મારા વડીલબંધુ શ્રી ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી મારા માટે પ્રેરણાનો સ્રોત બન્યા છે. મારી પત્ની અને સખી શીતલ (સ્મિતા) મારી જ્યોતને સતત સંકોરતી રહી છે. મારા સંતાનો ચિ. ઋત્વિક અને ઋચાનો મારી વિચારયાત્રાને જીવંત રાખવામાં પરોક્ષ છતાં વિશિષ્ટ ફાળો રહ્યો છે.
મારે સતત લખતા જ રહેવું જોઈએ એવો આગ્રહ સેવનાર મુરબ્બી મિત્ર શ્રી રજનીભાઇ વ્યાસ અને શ્રી મુકુંદ પી શાહને હું ભૂલી શકું તેમ નથી. નવભારત સાહિત્ય મંદિરના શ્રી મહેન્દ્રભાઈ શાહ મને લખતા રહેવા માટે પ્રેરણાદાયક રહ્યા છે.
- દિવ્યેશ ત્રિવેદી