૪. આત્મભાનના ખેલ

લગભગ પાંચેક વર્ષ પહેલાં એ મિત્ર મળ્યા ત્યારે એમના ચહેરા પર ગુસ્સાભરી વેદના હતી. તાજા લગ્ન જીવનમાં પ્રવેશેલા સખળડખળથી તેઓ વ્યથિત હતા. એ વખતે એમની ફરિયાદ અહમ્ના ટકરાવની હતી. તેઓ એવું માનતા હતા કે પત્નીનો અહમ્ લગ્નજીવનને છિન્નભિન્ન કરી રહ્યો છે. બીજી તરફ એમનો ગુસ્સો અને જુસ્સો પણ જેવો તેવો નહોતો. એ વખતે એમણે કહ્યું હતું કે હું એના અહંના ચૂરેચૂરા કરી નાખીશ. એને એટલું ભાન કરાવીશ કે લગ્નજીવનમાં અહમ્નું કોઈ સ્થાન નથી. હું એને રિયલાઈઝ કરાવીશ કે જો અહમ્ છોડી શકે તેમ ન હોય તો મારો પણ ‘ઈગો’ કંઈ કમ નથી. હમણાં થોડા દિવસ પહેલાં એ જ મિત્ર ફરી મળી ગયા. આ વાતનો ઉલ્લેખ થતાં એમણે સાવ બદલાઈ ગયેલા અવાજમાં કહ્યું, “મને લાગે છે એ વખતે હું ખોટી દિશામાં વિચારતો હતો આટલા સમય પછી હું જ્યાં હતો ત્યાં જ ઉભો છું. અમારા લગ્નજીવનમાં કોઈ મોટો ફેરફાર સર્જી શકાયો નથી. ખોટી વિચારધારાને કારણે અમે આજે સાવ જુદી જ વિસ્ફોટક સીમા પર આવીને ઊભા છીએ. હું એના અહંને ચૂર કરી શક્યો નથી કે એને કશું જ રિયલાઈઝ કરાવી શક્યો નથી. ઊલટું એનો અહમ્ ચૂર કરી નાખવાનો મારો જે અહમ્ હતો એ જ આજે તો ચૂરેચૂરા થઈ ગયો છે. અને મને ખુદને રિયલાઈઝ થઈ ગયું છે કે આપણે ક્યારેય કોઈને કશું જ રિયલાઈઝ કરાવી શકતા નથી”.

એમના લગ્ન જીવનની નાની-મોટી ઘટનાઓએ એમની વચ્ચેનું અંતર વધારવામાં અને આવી કંઈક સમજ પર પહોંચવામાં અગત્યનો ભાગ ભજવ્યો હશે. પરંતુ એટલી વાત ગળે ઉતરે જ છે કે કોઈનો અહમ્ તોડવાની, ચૂરચૂર કરવાની અને કોઈને કશું ભાન કરાવવાની આપણી ખેવના એ જ આપણો અહમ્ છે. આપણે ક્યારેય કોઈને કશું જ ‘રિયલાઈઝ’ કરાવી શકતા નથી. પરંતુ આપણા અહંને ચક્કરમાં આટલી સાદી વાત આપણને ક્યારેય સમજાતી નથી. જે દિવસે સમજાય એ દિવસને આપણને જ ‘રિયલાઈઝેશન’ થાય છે. આત્મસાક્ષાત્કારની પીડા અને આત્મસાક્ષાત્કારનો આનંદ આપણે એ ક્ષણે એક સાથે અનુભવીએ છીએ.

વ્યક્તિનો અહમ્ એનો પોતાનો છે. એના અહંની એક આગવી દુનિયા હોય છે. એને પોતાની એ દુનિયા હંમેશાં સોહામણી અને આહ્લાદક જ લાગે છે. એના એ લાગણીઓથી દોરવાયેલા વર્તનને કારણે એને નુકસાન કે પીડા ભોગવવાનો વખત આવે છે તો ય એને એ પોતાની જીતનો એક હિસ્સો માનીને એની મજા માણે છે. બીજી કોઈ વ્યક્તિ એને કંઈ પણ સમજાવવા, મનાવવા કે એની લાગણીઓની વિરુદ્ધની વાત ઠસાવવા પ્રયત્ન કરે તો ય એની એના પર બહુ ઓછી અસર થતી હોય છે. આવે વખતે કદાચ સામી વ્યક્તિ પ્રત્યેના પ્રેમ, માન કે આદરને કારણે ડોકું હલાવીને સંમત થાય તોય એ એનો ડોળ જ હોય છે. કોઈ પણ વાતને એ ત્યારે જ સ્વીકારે છે, જ્યારે એનું પોતાનું મન માને છે, એને પોતાને એવી કોઈક અનુભૂતિ થાય છે કે એને એવો કોઈ ધક્કો લાગ્યો છે જે એની વિચારવાની દિશાને ફંટાવી દે છે, એ સિવાય રિયલાઈઝેશન થતું નથી.

અહમ્ માટે આપણે ‘ઈગો’ શબ્દ વાપરીએ છીએ. પરંતુ એ શબ્દ બંધબેસતો લાગતો નથી. ફ્રોઈડે ઈડ, ઈગો અને સૂપરઈગોની સરસ સમજૂતી આપી છે. એ દૃષ્ટિએ જોઈએ તો જેને આપણે ‘ઈગો’ કહીએ છીએ તેમાં ચોક્કસ પ્રકારનો વિવેક સમાયેલો હોય છે. એટલું જ નહીં આ ‘ઈગો’ વ્યક્તિત્વના વિકાસનો એક તબક્કો બની રહે છે. અહમ્ શબ્દોમાં પણ આમ તો આત્મજ્ઞાનનો અર્થ સમાયેલો છે. છતાં એમાં આત્મજ્ઞાનનો અભાવ રહે છે. એટલે જ એમાંથી પોતાના વ્યક્તિત્વ વિશેના ખ્યાલની સંકુચિતતા નિષ્પન્ન થાય છે. એનો થોડાક વિકાસ થતાં એ આત્મગૌરવનું રૂપ ધારણ કરે છે. આ તબક્કો કદાપિ કોઈનો આણ્યો આવતો નથી. આત્મભાન થતાં થતાં જ એ આવે છે. એના કોઈક ઊંચા શિખરે વ્યક્તિ એવી સમજના ક્ષેત્રમાં પ્રવેશ છે કે, જ્યાં અન્ય વ્યક્તિને સભાન કરવાના કે એના અહંને ચૂર કરવાના અથવા એને કશુંક ‘રિયલાઈઝ’ કરાવવાના મિથ્યા ખ્યાલોમાંથી બહાર આવી જાય છે.

જે. કૃષ્ણમૂર્તિ આવા શિખરે પહોંચ્યા પછી પણ પોતાના અંતેવાસી સમા અસિત ચાંદમલને એકવાર કહી બેઠા હતા, “તું મારી સાથે એક અઠવાડિયું સળંગ રહીશ તો હું તારું જીવન જ બદલી નાખીશ.” ચાંદમલે કોઈ વિવાદ ન કર્યો. થોડીવાર પછી કૃષ્ણમૂર્તિ એકલા પડ્યા. એમનું વિચારચક્ર ચાલ્યું. પાછા ચાંદમલ પાસે આવ્યા અને ક્ષમાના સ્વરમાં કહ્યું, “મેં તને જે કહ્યું એ માટે હું દિલગીર છું, તારી જિંદગી બદલવાની વાત મારાથી કેવી રીતે થઈ શકે?” પેલો અહમ્ અચાનક જાગી ગયો અને કૃષ્ણમૂર્તિથી આવું કહેવાય ગયું. પરંતુ તરત જ એમનું આત્મજ્ઞાન એમની સામે આવ્યું અને એમણે પોતાની જાત સાથે સંવાદ કર્યો. કોઈની જિંદગી બદલી નાખવાની વાત નિરર્થક છે. માણસ જરૂર પરિવર્તનશીલ છે, બદલાય છે, વિકસે છે અને તેના વ્યક્તિત્વના અવનવા આયામો પ્રગટ થાય છે. પરંતુ એ જ્યાં સુધી પોતે આવું કંઈ ઈચ્છતો નથી કે પોતાની મેળે પોતાની સમજનાં દ્વાર ખોલતો નથી ત્યાં સુધી આ બધું શક્ય બનતું નથી.

તો પછી આપણે જેની સાથે કંઈક લેવાદેવા હોય એને પણ કદાપિ કંઈ જ કહેવું નહીં? એના વ્યક્તિત્વમાં ફેરફાર થાય એ માટે કોઈ સૂચન પણ કરવું નહીં? આપણે આપણા અનુભવનું જગત એની સામે ખોલીને એને આપણને સાચી લાગતી વાતનો ખ્યાલ પણ આપવો નહીં? ના, સાવ એવું પણ થઈ શકે નહીં. આપણે આપણા અહંની બંદૂક તાંકવાને બદલે સામી વ્યક્તિ માટે પરિવર્તનક્ષમ વાતાવરણ તો ઊભું કરી જ શકીએ. એ વાતાવરણ પોતે ભલે પરિવર્તનનું ચાલક બળ ન બને, પરંતુ પ્રેરકબળ જરૂર બની શકે. કદાચ ગાંધીજી એટલા જ માટે કહેતા હતા કે ‘મારું જીવન જ મારો સંદેશ છે.’ તેઓ પોતે જે વાત માનતા હતા કે, જે જીવનશૈલીમાં વિશ્વાસ ધરાવતા હતા એનો ખુદ અમલ કરીને એક વાતાવરણ તૈયાર કરતા હતા. એ વાતાવરણ જેમને અસર ન કરે તેઓને પોતાની દિશામાં વાળવાનો તેઓ ભાગ્યે જ પ્રયત્ન કરતા હતા. જેને એમાંથી કશું પ્રાપ્ત થાય અને જેને એ વાતાવરણ ગમે તે કારણે સ્પર્શે એને પછી ગાંધીજીએ પોતે કશું જ કહેવાની જરૂર રહેતી નથી.

મનોવૈજ્ઞાનિક કાર્લ રૉજર્સ પણ આવું જ કંઈક માનતા હતા. સલાહ મનોવિજ્ઞાન અથવા કાઉન્સેલિંગ સાયકોલોજીના ક્ષેત્રમાં રૉજર્સે એક નવી દિશા આપી છે. નોનડિરેક્ટિવ કાઉન્સિલિંગ તરીકે ઓળખાતી રોજર્સની મનોવૈજ્ઞાનિક સલાહ પદ્ધતિના મૂળમાં આવી જ વાત છે. રૉજર્સ કહે છે કે મનોવૈજ્ઞાનિક સલાહકારે પોતે સામી વ્યક્તિને કોઈ સીધી સલાહ આપવાની જરૂર નથી. એમની દ્રષ્ટિએ આવી સલાહથી કોઈ જ અર્થ સરતો નથી. રૉજર્સની થીયરી મુજબ મનોવૈજ્ઞાનિક સમસ્યાથી પીડાતી વ્યક્તિ પોતાની સમસ્યાનો ઉકેલ કે ઈલાજ આપમેળે જ સુધી લે છે. સલાહકારે તો ફક્ત તેની શોધમાં મદદરૂપ થવાનું છે. સલાહકાર એને આ કામમાં સરળતા રહે એવું વાતાવરણ પૂરું પાડે એ વિશેષ મહત્ત્વનું છે. એટલે જ રૉજર્સે પોતાની પદ્ધતિને અનિર્દેશાત્મક અથવા સ્વકેન્દ્રી અભિગમ જેવું નામ આપ્યું છે.

આ વાત શિક્ષણને પણ લાગુ પડે છે. આપણે આજ સુધી જે શિક્ષણ આપ્યું છે એ ખરેખર તો સલાહના સ્વરૂપમાં ઉપરથી લાદેલું શિક્ષણ જ છે. આ રીતે અપાતા શિક્ષણના હાર્દ સાથે જે વિદ્યાર્થીનું આત્મજ્ઞાન સમન્વય સાધે છે એને જ શિક્ષણ પહોંચે છે, બાકીનાઓને અડધું પડધું, નહિવત્ કે શૂન્ય માત્રામાં પહોંચે છે. આમ ન થતું હોય તો એક વર્ગમાં ભણતા પચીસ કે પચાસ વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રાપ્તિમાં કોઈ જ ફેર ન હોત. પ્રત્યેક વ્યક્તિ ભિન્ન છે અને એથી પ્રત્યેક વ્યક્તિના આત્મભાનમાં પણ ભિન્નતા જોવા મળે છે. આથી જ શિક્ષણમાં પણ કાર્લ રૉજર્સની વાતને પણ લાગુ પાડવાના રીતસરના પ્રયાસો થઈ રહ્યા છે. આ પદ્ધતિમાં શીખનારને એવું ચોક્કસ વાતાવરણ પૂરું પાડવાની વાત છે, જેથી શીખનાર પોતે પોતાની મેળે જ શીખવા માંડે. સલાહના રૂપમાં એના પર શિક્ષણનો મારો ચલાવવાની જરૂર જ ન પડે.

સહેજ જુદી રીતે આ જ વાતને દહોરાવીએ તો એમ કહેવું જોઈએ કે, સામી વ્યક્તિના આત્માભાન સાથે રમત કરવી એટલે આપણી અને સામી વ્યક્તિની લાગણીઓ વચ્ચે હિંસક છેડછાડ કરવી. મોટે ભાગે એમાંથી જ અનર્થો સર્જાતા હોય છે. આપણા કોઈ પણ સીધા પ્રયાસના સામી વ્યક્તિ એની પોતાની સમજ અને જરૂરિયાત અનુસાર અર્થો કરે છે. એવા અર્થો એને અનુકૂળ હોય ત્યાં સુધી બરાબર છે, પરંતુ અનુકૂળ ન હોય ત્યારે એ મૂક કે પ્રગટ અથડામણનું સ્વરૂપ ધારણ કરે છે. એમાંથી જ ઊગી નીકળે છે સંબંધોના અનર્થો નું જંગલ, જેના ઝાંખરાંનાં કાંટા બંનેને ઘાયલ કરતા હોય છે.

એટલે જ કદાચ સૌથી સરળ માર્ગ અને સૌથી કારગર ઈલાજ આપણા પોતાના આત્મભાનના સ્તરમાં ઊંડે ઉતારવાનું છે. કોઈનું જીવન બદલી નાખવાની કે કોઈનો અહમ્ ચૂર કરી નાખવાની વાત ઊંડે ઉતાર્યા પછી કેટલી વાહિયાત છે એ આપોઆપ સમજાઈ જાય છે.

અને એમ આપણો પોતાનો અહમ્ ઓગળી જાય ત્યારે સામી વ્યક્તિના અહંને ચૂર કરવાની જરૂરિયાત પોતે જ આપણા મનમાંથી બાષ્પ થઈને હવામાં ભળી જાય છે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: