૫. વાસી જીવન

સ્કૂલમાં ભણતા હતા ત્યારે વર્ગમાં શિક્ષકે એક વાર એક પ્રશ્ન પૂછ્યો, “ધારો કે તમે ઘેરથી નીકળીને સ્કૂલે આવી રહ્યા છો. મોડું થઈ ગયું છે, અને રસ્તાઓ સૂમસામ છે, અચાનક એક રિક્ષા તમારી પાસેથી પસાર થાય છે અને એ રિક્ષામાં બેઠેલી વ્યક્તિનું પાકીટ પડી જાય છે. એ વ્યક્તિને તો ખબર નથી અને એની રિક્ષા આગળ નીકળી જાય છે. તમે એ પાકીટ ઉપાડીને જુઓ છો તો એમાં સો-સોની નોટોની થોકડી હોય છે. આવે વખતે તમે શું કરશો?” શિક્ષક પ્રશ્ન પૂછીને બધાની સામે જોઈ રહ્યા. ઘણા બધા છોકરાઓએ જવાબ આપવા આંગળી ઊંચી કરી, શિક્ષકે એક વિદ્યાર્થીને ઊભો કર્યો અને જવાબ આપવા કહ્યું. એક વિદ્યાર્થીએ ખૂબ જ ઠાવકાઈથી જવાબ આપ્યો, “હું રિક્ષાનો નંબર નોંધી લઉં અને એ પાકીટ જેનું હોય એને આપવા પાછળ દોડું.” શિક્ષકે કહ્યું જેમનો આ જ જવાબ હોય એ લોકો ડાબી બાજુ ભા રહી જાય પછી બીજા વિદ્યાર્થીઓમાંથી એકને પૂછ્યું એટલે એણે જવાબ આપ્યો, “હું કાંઈ એવો મૂર્ખ નથી કે પાકીટ આપવા પાછળ દોડું ભગવાને મારા માટે જ પાકીટ પાડયું હશે, એમ માનીને દફતરમાં મૂકી દઉં.” આ વિદ્યાર્થીનો જવાબ સાંભળીને બધા જ ખડખડાટ હસી પડ્યા. આ જવાબ સાથે સંમત થતા પાંચ સાત વિદ્યાર્થીઓને શિક્ષકે જમણી બાજુ ઊભા રાખ્યા. પરંતુ વર્ગમાં હવે એક જ વિદ્યાર્થી હતો જે બેંચ પર જ બેસી રહ્યો. શિક્ષક એને પૂછ્યું, “તું આ બેમાંથી એક પણ સાથે સંમત નથી થતો? તો બોલ આવે વખતે તું શું કરશે?”

એ વિદ્યાર્થી ઊભો થયો, પરંતુ થોડીવાર મૌન રહ્યો અને નીચું જોઈને પગના અંગૂઠાથી જમીન ખોતરતો હોય એમ ઊભો રહ્યો. શિક્ષકે ફરી એને પૂછ્યું તો એણે ધીમે રહીને જવાબ આપ્યો, “હું શું કરીશ એ અત્યારે કેવી રીતે કહું? મને ખબર નથી કે આવું પાકીટ મળે તો હું શું કરું? કદાચ એના માલિકને શોધીને આપી દઉં અને કદાચ મારી પાસે પણ રાખી લઉં.” આખા વર્ગમાં સન્નાટો હતો. શિક્ષક પણ વિચારમાં પડી ગયા છતાં મને પૂછ્યું, “તું કાંઈક તો કરેને? તું શું કરે એ જ મારે જાણવું છે!” વિદ્યાર્થી કહ્યું, “કંઈક કરું પણ ખરો અને ન પણ કરું, એનું કારણ એ છે કે એ વખતે મનમાં કેવા વિચારો ચાલતા હશે એની મને ખબર નથી. એ ક્ષણે જે થાય તે જ સાચું!” આમ કહીને એ વિદ્યાર્થી બેસી ગયો. અને બીજા બધા હસી પડ્યા. શિક્ષકે કટાક્ષ કરતાં કહ્યું, “કાં તો તું સાચું બોલતો નથી અથવા તો પછી તું તારી જાતને બહુ મહાન સમજે છે.”

એ વખતે તો એની વાત પર હસવું આવ્યું હતું, પરંતુ અત્યારે વિચારતાં એવું લાગે છે કે એ છોકરો સાવ સાચો હતો. પરંતુ આપણે સૌ લગભગ તો કાલે શું બનવાનું અને એ વખતે આપણે કેવું વર્તન કરીશું એ આજે જ વિચારીએ છીએ, પરંતુ એ ઘડી આવે છે ત્યારે જે વર્તન કરીએ છીએ એ મોટેભાગે જૂદું જ હોય છે. અપવાદરૂપ એવા માણસો હોય છે જે આવતી કાલના નિર્ણયો આજે કરતા નથી. ઊંડે ઊંડે એમને એવી પાકી સમજ હોય છે કે, કઈ ક્ષણે મન કેવું વિચારતું હશે એ કહી શકાય નહીં. કદાચ આવતીકાલે આપણે ન પણ હોઈએ. આવી સમજ ખોટી પણ નથી. આવનારો સમય સદા અજ્ઞાત છે. વળી ક્ષણે ક્ષણે સંજોગો અને મન તો બદલાતા જ રહે છે. એથી આજનો નિર્ણય કાલે સાર્થક જ હશે એમ કહી શકાય નહીં.

નાટકમાં ભજવવું એ એક વાત છે અને જીવનમાં જીવવું એ બીજી વાત છે. નાટકનાં રિહર્સલ કરી શકાય છે અને મંચ ઉપર એનું પુનરાવર્તન પણ થઈ શકે છે. પરંતુ જીવન કોનાટક નથી. છતાં નાટકની જ ભાષામાં કહેવું હોય તો જીવન એક મ્પ્રોવાઝેશન’ છે. ‘ઈમ્પ્રોવાઈઝેશન’માં લખેલા સંવાદો અને મંચ પરનું આગમન કે ગમન નિશ્ચિત હોતું નથી. બધું જ સહજસ્ફૂર્ત’ હોય છે. છતાં નાટકની દિશાનો આછોપાતળો ખ્યાલ તો હોય જ છે. જીવન પણ કંઈક આવું જ છે. પરંતુ આપણે આપણા પાછલા અનુભવોના પ્રકાશમાં આગળની યાત્રા નક્કી કરીએ છીએ. પરંતુ આગળ શું બનવાનું છે એનો કોઈ સચોટ અંદાજ આપણને હોતો નથી. ઘણી વાર તો જીવન કંઈક અણધાર્યા વળાંક પર લાવી દે છે, અને ત્યારે જે વર્તન થાય છે એ આપણી અપેક્ષાઓ અને ગણતરીઓ કરતાં જૂદું જ હોય છે.

થોડા સમય પહેલા ટીવી પર સિરિયલ જોઈ હતી. એક યુવતી લગ્નની પ્રથમ રાત્રિએ પતિની રાહ જોતી ઘૂંઘટ તાંણીને પલંગ પર બેઠી હતી. એનું મન અનેક સોનેરી સપનાંમાં ગૂંથાયેલું હતું.તિ આવશે, એની સાથે મીઠી મીઠી વાતો કરશે, એનો ઘૂંઘટ ઉઠાવશે અને એના પર પ્રેમભરી નજર નાંખશે ત્યારે એ કેવી રીતે શરમાઈ જશે. એ બધું વિચારીને મનમાં મલકાતી હતી. થોડીવાર પછી પતિ આવ્યો અને પલંગ પર બેઠો એણે હળવેકથી કહ્યું, “આપણે આજે જીવન શરૂ કરીએ છીએ ત્યારે મારે તારાથી કોઈ વાત ગુપ્ત રાખવી નથી. આજે હું મારા જીવનનું રહસ્ય તને કહેવા માગું છું.” પછી સહેજ વાર અટકીને એણે ધીમા સ્વરે ધડાકો કર્યો, “મારે તને કહી દેવું જોઈએ કે, હું બીજી સ્ત્રીને પ્રેમ કરું છું અને મારે એક બાળક પણ છે.”

જીવનની પળે પ અણધારી છે. મનુષ્ય ઈચ્છે છે કંઈક અને કુદરત કરે છે કંઈક, એ કહેવત જીવનના અણધાર્યા સ્વરૂપને જ વ્યક્ત કરે છે. આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે જીવનની દરેક પ પરિવર્તન પામે છે અને પરિવર્તન ભાગ્યે જ આપણા અંદાજ મુજબ હોય છે. એક માણસ પણ પ્રતિપળ પ્રગટ રીતે નહીં તો સૂક્ષ્મ રીતે બદલાતો હોય છે. એથી જ સંજોગો પણ અણધાર્યા હોય એમાં કોઈ નવાઈ નથી. પ્રસિદ્ધ દાર્શનિક હેરાક લાટ્સે સાચું જ કહ્યું છે કે, એક જ નદીમાં ફરી વાર ઊતરવાનું શક્ય નથી હોતું, કારણકે એટલી વારમાં તો નદીનું વહેણ આગળ નીકળી ગયું હોય છે.

એ દૃષ્ટિએ વિચારીએ તો જીવન માટેની કોઈ પણ તૈયારી નકામી છે. અગાઉથી કરેલી તૈયારી કે આગોતરી વિચારણા એટલે જ વાસી જીવન. આપણે ગઈકાલના રોટલી, દાળ, ભાત, શાક આજે નથી ખાતાં કે આવતી કાલ માટે આજે બનાવી નથી રાખતા, કારણકે એ વાસી છે. પરંતુ વાસી જીવન જીવવામાં આપણને છો નથી. આપણે અગાઉથી લીધેલા પુરાતન નિર્ણયોને જ અમલમાં મૂકીએ છીએ. જેમ વાસી ખોરાકમાંથી દુર્ગંધ આવે છે તેમ વાસી જીવન પણ દુર્ગંધદાયક બની જાય છે.

એનો અર્થ એ છે કે જે ક્ષણે જે બને એ જ સાચું. ઘણીવાર આપણને એવો અનુભવ પણ થાય છે. કોઈ એક ઘટના બનશે ત્યારે આપણે અમુક જ વર્તન કરીશું એવું પાકે પાયે નક્કી કરી લીધા પછી પણ જ્યારે એ ઘટના બને છે ત્યારે આપણે નક્કી કરેલું વર્તન બાજુ પર રહી જાય છે અને આપણે કંઈક જૂદું જ વર્તન કરીએ છીએ. એ વર્તન સહજસ્ફૂર્ત’ એટલે કે ‘સ્પોટેનિયસ’ હોય છે. ભલે ક્ષણ વીતી ગયા પછી આપણને લાગે કે આમને બદલે આમ વર્તન કર્યું હોત તો સારું થાત, પરંતુ એ વિચાર પછીનો જ હોય છે.

આપણે જુદી જુદી પરિસ્થિતિની કલ્પના કરીને આગોતરી તૈયારીઓ કરીએ છીએ એનું કારણ કદાચ એ છે કે આપણને આપણી જાતમાં જ પૂરતો ભરોસો નથી હોતો. ઈન્ટરવ્યૂ આપવા જતી વખતે જેને પોતાની જાત પર તો ભરોસો નથી હોતો એ પુષ્કળ તૈયારી કરીને જાય છે. ઈન્ટરવ્યૂ લેનાર કોઈ ચીલાચાલુ માણસ હોય તો એ બધી જ તૈયારી કામ લાગે છે, પરંતુ જો એ વ્યક્તિ સાવ જુદા જ સવાલ પૂછે તો મુશ્કેલી ઊભી થાય છે.

કેટલીક વાર આવી પૂર્વ તૈયારીનું પરિણામ આંધળું આવે છે. પરિસ્થિતિ અને સંજોગો આપણી સાથે કંઈક જુદો જ કોયડો લાવીને મૂકે છે, ત્યારે જો આપણે તૈયારીથી જ ટેવાયેલા હોઈ તો ભૂતકાળ ફંફોસવા લાગીએ છીએ. અથવા અસંગત પ્રતિભાવ આપીએ છીએ. આપણે નિશાન ચૂકી જઈએ છીએ અને આપણો વાર ખાલી જાય છે. એ પછી ગ્લાનિ અને અફસોસ જ રહી જાય છે.

તૈયારી સાથે જિવાતા વાસી જીવનમાં તાજગી નથી રહેતી. તાજગી એટલે જ ક્ષણે ક્ષણનું જીવન. કદાચ વ્યવહાર જગતમાં તૈયારી સાથે જીવનાર જ સફળ થતો દેખાય, છતાં એ હકીકત છે કે તૈયારી ભાગ્યે જ કામ લાગે છે. એથી સમજીને જ સહજસ્ફૂર્ત રહેવામાં જીવનનો અર્થ છે!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: