૩૨. કૉરોના કહેર

૧. કપરું થઈ ગયું

હાથથી હાથ મિલાવવો કપરું થઇ ગયું,

મારાઓથી મને મળવું અઘરું થઇ ગયું.

બારી, બારણાં કચકચાઇને થઇ ગયાં બંધ,

સેલિબ્રિટીઓ કાઢે કચરો, કેવું જબરું  થઇ ગયું.

સમયનો ખતમ થતો સિલસિલો,

ખુદમાં ડૂબી ડૂબીને ડૂબવું, અખરું થઇ ગયું.

ક્યારે અટકશે બધું, નજર પહોંચતી નથી,

તારી રચેલી દુનિયામાં જીવવું આકરું થઇ ગયું.

૨. બધાંને ભેગાં કરી દીધાં

કૉરોનાના કહેરે ખરાં બધાંને છેટાં કરી દીધાં,

દૂર દૂર રાખીને પાછાં બધાંને ભેગાં કરી દીધાં.

બૉર્ડરો થઇ ગઇ સીલ, ખૂલી ગયાં દિલ,

માસ્ક પહેરનારાઓના ચહેરા કેવા ખુલ્લા  કરી દીધાં.

સાચું શું? તો રામ જાણે ભાઇ!

અફવાઓના ગરમ બજારે  બધાંને ઘેટાં કરી દીધાં.

દીકરી નજર સામે તરફડે, લઇ શકે શ્વાસ,

લાચાર નજરો જોયા કરે, મન કેવા ખાટાં કરી દીધાં.

એક પછી એક થતાં રહ્યા વાર, બધું થયું ખુવાર જાણે,

બસ, લંબાયા કોઇના હાથ, હ્રદય ગળચટ્ટાં કરી દીધાં.

૩. આપણે જ્યાં હોઇએ ત્યાં કેમ હોતા નથી????

નોકરી પર હતા ત્યારે થાય એમ કે,

ક્યારે ઘરે પહોંચી જઇએ,

રવિવારની તો કાગડોળે રાહ જોવાય!

આજે નિરાંતે ઘેર છીએ તો,

ક્યાંય ચેન પડતું નથી!

બહાર ક્યારે નીકળીએ,

એમ મન લલચાય છે.

ઘરમાં રેશન ખૂટવાનો ડર,

ક્યાંથી બધુ લાવવું તેનો ખૉફ!

ટી.વી. પર નજરોની ટકટકી,

વૉટ્સ અપની પણ મહામારી!

ખાનપાનમાં થતો વધારો…

મમ્મી, પત્ની રસોઇ બનાવી બનાવીને પરેશાન,

વળી કામવાળી કે રસોઇયાઓ,

સતત સતત થતી ફરમાઇશો સામે લાચાર પરેશાન,

તો ઘરમાં મજા! કે પછી સજા!

આપણે જ્યાં હોઇએ ત્યાં કેમ હોતા નથી????

૪. કેદ લાગે છે

ધરતીનો છેડો ઘર આજે કેદ લાગે છે,

તારી અપરંપાર લીલાનો કોઇ ભેદ લાગે છે.

શાકભાજીની હાટડી, કરિયાણાની છે બોલબાલા,

અંતર રાખી કલાકો રાહ જોવામાં ખેદ લાગે છે

ચારેકોર ભડક્યા ધુમાડા, આગ તો લાગી છે,

એની શાનમાં ગુસ્તાખી કર્યાનો કોઇ છેદ લાગે છે

આકાશ ચૂમ્યા, દરિયા ભેદ્યા, પાતાળ ખોદ્યા,

નક્ષત્રોની પાર જવાની જીદનો મેદ લાગે છે.

૫. કૉરોના, કૉરોના, કૉરોના,

કૉરોના, કૉરોના, કૉરોના,

એનાથી બહુ ડરોના,

ઘરમાં શાંતિથી રહોને,

કૉરોના, કૉરોના, કૉરોના,

સાચી વાતો માનોને,

અફવાઓને છાની રાખોને,

મેસેજ ફૉર્વર્ડ કરોના,

કૉરોના, કૉરોના, કૉરોના,

કચરાં-પોતાં કરોને,

સફાઇ ઘરની કરોને,

ઘરમાં મદદ કરોને,

હાથ વારંવાર ધોઓને.

કૉરોના, કૉરોના, કૉરોના,

ગુસ્સો ઓછો કરોને,

વ્હાલથી વાત કરોને,

હળવાશથી થોડું રહોને.

કૉરોના, કૉરોના, કૉરોના,

સંગીત થોડું સાંભળોને,

વાંચવા જેવું વાંચોને.

પેઇન્ટીંગ કોઇ કરોને.

કૉરોના, કૉરોના, કૉરોના,

ચાલવાનું થોડું રાખોને,

ધ્યાનમાં થોડું બેસોને,

યોગ થોડા કરોને,

તબિયત જરા સાચવોને.

કૉરોના, કૉરોના, કૉરોના,

શાંતિથી ઊંઘી જાઓને,

વહેલાં ઊઠી જાઓને,

ભજન થોડા ગાઓને,

ભીતરથી હેઠાં ઊતરોને.

કૉરોના, કૉરોના, કૉરોના,

શાકભાજી વિના ચલાવોને,

ગ્રીન ટી –કૉફી પીવોને,

કો’દિ ઉપવાસ કરોને,

જે મળે તે જમોને,

વજન ઓછું કરોને.

કૉરોના, કૉરોના, કૉરોના,

પોલીસને સલામ કરોને,

નર્સને હાથ જોડોને,

ડૉક્ટર્સને પગે પડોને,

મિડિયા માટે દુઆ કરોને,

કૉરોના, કૉરોના, કૉરોના,

છેટાં – છેટાં રહોને,

સંપથી સહેજ રહોને,

જીવન હાથમાં રાખોને.

કૉરોના, કૉરોના, કૉરોના,

બહુ બોલ બોલ કરોના,

દિશાઓ થોડી બદલોને,

હવે બંધ થાઓને.

કૉરોના, કૉરોના, કૉરોના,

કૉરોના, કૉરોના, કૉરોના.

સવાર સાંજ થઇ ગઇ

સવાર સાંજ થઇ ગઇ,

લટ વાળની સફેદ થઇ ગઇ

  પડદાઓ ઊંચકાઇ ગયા,

વાત સાફ થઇ ગઇ.

બચ્ચનને તાવ આવી ગયો,

વાત વાઇરલ થઇ ગઇ.

નજર ઝૂકી ગઇ જ્યાં,

હાર જીત થઇ ગઇ.

હજુ કાલે તો મળ્યાતા,

વ્યક્તિ તસવીર થઇ ગઇ.

તમે કોણ, હું કોણ, તે કોણ?

શરમ બેશરમ થઇ ગઇ.

હોઠ સીવાઇ ગયા, બસ,

આંખ અફવા થઇ ગઇ.

કોરોના વિશ્વ સંકટે માનવજાતને નવા દ્રષ્ટિકોણથી વિચારવા અને જીવનશૈલી બદલવા મજબૂર કર્યા છે. તમામ વ્યવહારો તેનાથી ગ્રસિત છે. સંબંધોમાં આવેલો બદલાવ અકલ્પનીય છે. આર્થિક તબાહી અને પ્રકૃતિની થપ્પડ માનવને કઇ દિશામાં લઇ જશે તે કલ્પનાતીત છે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s