તારી રચેલી અદ્ભુત માયાજાળ,
હરક્ષણ અચંબિત, હૈયે પડે ફાળ!
જન્મ આપી, ખડો કર્યો સંસાર!
શ્વાસ લઈ, સામો ધર્યો કાળ!
ભલે હો દૂર, કે સાવ અડોઅડ!
સતત લાગ્યા કરે તારી ઝાળ!
જ્ઞાન ફેંદું ને અજ્ઞાન લાગે હાથ,
ન આરો ઓવારો, તારા કેટલા માળ!
માથે આકાશ, પગ તળે અતુલ્ય ધરતી,
મહાકાય દીવાલો ઘડી, અમે બાંધી પાળ!