૨૭. છેલ્લી મુલાકાત

       એ દિવસે સ્ટેશન પર તેઓ મને મળી ગયા એ છેલ્લી વાર ત્યાર પછી મેં એમને જોયા નથી. એમનું સાચું નામ તો કોને ખબર નથી. હું અહીં રહેવા આવ્યો ત્યારે એક મિત્રે મારી ઓળખાણ કરાવી હતી. અમે છૂટા પડ્યા એ પછી મિત્રે મને કહ્યું કે આ માણસ બહુ આદર્શવાદી છે. એની બધી વાતો અવાસ્તવિક લાગે છે અને ક્યારેક તો સામા માણસને કંટાળો આવે એટલી હદે એ બોલ બોલ કરે છે. ઘડીભર તો મને પણ મિત્રની વાત સાચી લાગી હતી. પરંતુ પછી ધીમે ધીમે અમારું મળવાનું વધતું ગયું એમના વિશેના અભિપ્રાયો બદલાતા રહ્યા. અમારી વચ્ચે વાતોના અનેક વિષયો હતા. રાજકારણથી સાહિત્ય અને વ્યાસ મુનિથી વાત્સ્યાયન સુધીના વિષયો પર અમે ચર્ચા કરતા. એમના અંગત જીવનમાં ડોકિયું કરવાની મને ઘણી વાર અકારણ લાલચ થઈ આવતી. પરંતુ ખબર નથી એમણે એમની આસપાસ એક અદ્રશ્ય કવચ બાંધી રાખ્યું હતું!

       એ દિવસે સ્ટેશન પર તેઓ મને છેલ્લીવાર મળ્યા ત્યારે એમના ચહેરા પર નરી ફિક્કાશ વરતાતી હતી. પહેલાં એવું નહોતું એમના ચહેરા પર રોજ નવી તેજી જોવા મળતી હતી. એમની વાતોમાં તાજગી મહોર્યા કરતી. એમની આંખોમાં નવી ચમક અનુભવાતી. સતત એમની અંદર કોઈક વલોણું ચાલતું હોય એવો અહેસાસ થતો. ત્રીસેક વર્ષની એમની ઉંમર હશે, પરંતુ ઠરેલપણું એમની ઉંમરને આંબી જતું હોય એમ લાગતું હતું. સ્કૂલમાં શિક્ષક હોવું એ ભલે હવે પ્રતિષ્ઠાનું કારણ ન ગણાતું હોય, છતાં એમણે ગામમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. પાંચ માણસ માનથી એમને કંઈક પૂછવા જતાં હોય એવું મેં ઘણીવાર જોયું હતું.

       એ દિવસે મને તેઓ છેલ્લી વાર સ્ટેશન પર મળ્યા ત્યારે મારા મનમાં આ બધું જ ફિલ્મની પટ્ટીની માફક ચકરાવો લઈ ગયું. ગામમાંથી અચાનક એમના અલોપ થઈ જવાની ઘટના સાથે આ બધું સુસંગત નહોતું તાજેતરમાં મેટ્રિક પાસ થયેલી એક મુગ્ધ બાળા પણ એમની સાથે જ અલોપ થઈ ગઈ હતી. એમના ગાયબ થઈ ગયા પછી ગામના દરેક ખૂણે, દરેક ઘરમાં અને દરેક ઘરને ઓટલે એમના વિષે જ ચર્ચાઓ ચાલતી હતી. કેટલાય લોકોએ એમના ગયા પછી પોતે લેણદાર હોવાનો દાવો કર્યો. એમની હાજરીમાં એમના ચારિત્ર્ય વિષે કદી હરફ નહીં ઉચ્ચારનાર, અરે, એમનાં વખાણ કરનાર કેટલાકે તો એમની ચારિત્ર્યહીનતાની અનેક કથાઓ કહેવા માંડી. સૌ કોઈ જાણે ખટમીઠા શરબતવાળો બરફનો ગોળો ચુસ્કીઓ લઈને ચૂસતાં હોય તેમ આ બધી વાતો માણતાં હતાં. એક હું હતો, જેને આ બધું માન્યામાં આવતું નહોતું.

       એ દિવસે મને તેઓ છેલ્લી વાર સ્ટેશન પર મળ્યા ત્યારે મેં એમને એટલી જ સાહજિકતાથી બોલાવ્યા. એમને નવાઈ ન લાગી. એમણે પણ એટલી જ સાહજિક્તાથી મારી સાથે હાથ મિલાવીને મારા ખબર-અંતર પૂછ્યા. મેં સહેજ ખચકાતા ખચકાતા કહ્યું – કે ગામમાં તમારા ગયા પછી… પણ મારા માન્યામાં આવતું નથી. તરત જ તેઓ બોલ્યા, “તમે જે કંઈ સાંભળ્યું છે એમાં જરૂર તથ્ય છે. તમે કેમ લોકોની વાત પર વિશ્વાસ ન કર્યો? કદાચ તમને  એમ હશે કે મારા જેવો આદર્શવાદીઓ માણસ આવું ન કરે! પણ શા માટે? હું ભલે આદર્શવાદી હોઉં. જિંદગી તો યથાર્થ જીવું છું ને! ખરું પૂછો સાહેબ, તો આપણે જ માણસોને અમુક ચોકઠાંમાં બેસાડી દઈએ છીએ. પછી એને એ દાયરામાંથી બહાર નીકળવા જ નથી દેતા. ભૂલેચૂકે એ આપણે નક્કી કરેલા ચોકઠાંની બહાર નીકળે તો આપણે એને ચલાવી લેતા નથી.”

       એ સહેજ અટક્યા. પછી આગળ બોલ્યા, “હું શિક્ષક છું માટે મારે આમ ન કરવું જોઈએ કે તેમ ન કરવું જોઈએ એવું સમાજ નક્કી કરી નાંખે છે. શિક્ષક તો હું સ્કૂલમાં છું. સ્કૂલની બહાર હું અલગ માણસ બનું તો ચલાવી લેવાની તમારી હિંમત નહોતી એટલે હું ચાલ્યો ગયો. એ મારી નબળાઈ છે. ફિલ્મનો હિરો કેવી અંગત જિંદગી જીવે છે એના વિષે આપણે બખાળા કરીએ છીએ. પરંતુ આપણો અધિકાર તો માત્ર ટિકિટના પાંચ-પચીસ રૂપિયા પૂરતો જ છે. એણે ફિલ્મમાં કેવો અભિનય કર્યો એ જ આપણે જોવાનું છે. અંગત જિંદગીમાં સંજોગો, વિચારો, લાગણીઓ અને તન-મનની માગણીઓને જાહેર ચશ્માથી ક્યાં સુધી જોયા કરીશું આપણે?”

       ટ્રેનની વ્હિસલ વાગી. “અચ્છા ત્યારે, સાહેબજી!” કરીને તેઓ ચાલ્યા ગયા. ટ્રેન પણ પ્લેટફોર્મ છોડી ગઈ. પાછળ બે પાટા લિસોટા જેમ દૂર દૂર સુધી લંબાતા હતા.

       એ દિવસે મને તેઓ છેલ્લી વાર સ્ટેશન પર મળ્યા હતા. એ પછી ફરી મળ્યા નથી!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: