૨૯. અકસ્માત

ભારતીએ આજે ગુરુવાર કર્યો હતો. સવારથી કંઈ જ ખાધું નહોતું. એથી જ કકડીને ભૂખ લાગી હતી. એણે સવારે જ વિહારીને આજે વહેલા આવી જવા આગ્રહ કર્યો હતો. વિહારીએ રાબેતા મુજબ હા કહી હતી. પરંતુ ભારતીને જાણે ઊંડે ઊંડે એવી ખાતરી હતી કે આજે ય વિહારી એના નિયમ મુજબ મોડું જ કરશે. એણે દીવાલ પરની ઘડિયાળમાં જોયું નવ વાગવાને પાંચ મિનિટની વાર હતી. એ મનમાં ને મનમાં ગુસ્સે પણ થતી હતી. વિહારીની આ કાયમની આદત છે. જ્યારે ને ત્યારે પોતાનાં કામ પડતાં મૂકીને એ લોકોની સેવા કરવા નીકળી પડે છે. ભારતીની નજરમાં વિહારીનો આ સૌથી મોટો અવગુણ હતો. ડાઈનિંગ ટેબલ પર થાળીઓ ગોઠવીને એ થોડી વાર ફૉન પાસે ઊભી રહી. સાત વાગ્યા એણે ફેક્ટરીએ ફોન કર્યો ત્યારે વિહારીના ક્લાર્કે ફોન ઉપાડ્યો હતો અને શેઠ તો બપોરે બારેક વાગ્યાના ક્યાંક બહાર ગયા છે એવું કહ્યું હતું. ભારતી ઊંડો શ્વાસ લઈને ધીમા પગલે બાલ્કનીમાં આવી. બે મિનિટ ઊભી રહી. પછી અંદરથી સ્ટૂલ લઈ આવી અને જાણે ફસડાઈ પડી હોય તેમ સ્ટૂલ પર બેસી ગઈ. એક તરફ ભૂખ હતી, બીજી બાજુ ગુસ્સો હતો અને ત્રીજી બાજુ રડવાનું મન થતું હતું. એ બાલ્કનીમાંથી રોડ પર નજર સ્થિર કરીને હડપચી પાળી પર ગોઠવીને બેસી ગઈ. વિહારીની કાર આવે છે કે નહીં એ જ એ જોતી હતી. બીજાં બધાં જ આવતાં – જતાં વાહનો એને અકળાવતાં હતાં.

ફૉનની ઘંડડી વાગી. કદાચ વિહારીનો જ ફોન હોય, થોડીક સ્ફૂર્તિ ભેગી કરીને એ હળવે રહીને ઊભી થઈ. તો ય એના ચહેરા પર રોષમિશ્રિત અણગમો ઊપસી આવ્યો હતો. એણે હળવેક રહીને ફોન ઉપાડ્યો. ભારતીએ ‘હલ્લો’ કહ્યું એટલે સામેથી અવાજ આવ્યો, “હલ્લો, ભાભી, કેમ છો? જન્મેજય બોલું છું. વિહારીને આપો ને! શું કરે છે એ?”

       “હજુ આવ્યા નથી. એમની જ રાહ જોઉં છું?” ભારતીએ નિરાશા સાથે કહ્યું.

       “કેમ હજુ આવ્યો નથી? એને કહો કે આટલું બધું કોના માટે કમાવવાનું છે? ખેર, આવે એટલે મને ફોન કરાવજો. કાલે ઈન્કમટેક્સનું રીટર્ન ભરવાનું છે અને એની સહી બાકી છે.”

       જન્મેજય વિહારીનો કોલેજકાળનો મિત્ર હતો. આમ તો ભારતીને વાત બહુ ગંભીર ન લાગવી જોઈએ છતાં જન્મેજયથી ‘કોના માટે કમાવવાનું છે’, એ ટકોર એને ગમી નહીં. વાત પણ સાચી હતી. કોના માટે કમાવવાનું? વિહારી સાથેના લગ્નને સત્તર વર્ષ થયાં હતાં. શરૂઆતના ત્રણેક વર્ષ તો સંતાનની આશામાં નીકળી ગયાં. પરંતુ આશા ફળી નહીં એટલે તબીબી તપાસ કરાવી ત્યારે ખબર પડી કે લગ્ન અગાઉ વિહારીને થયેલા કાર અકસ્માતને કારણે એ હવે પિતા બની શકે તેમ નહોતો. ભારતી પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. પરંતુ ખુદ વિહારી અકસ્માતની આવી આડ અસરથી વાકેફ નહોતો. એટલે એ વિહારીને પણ દોષ દઈ શકતી નહોતી. દોષ દેવો હોય તો માત્ર નસીબને જ દઈ શકાય તેમ હતો. ધીમે ધીમે એણે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો હતો.

       એ પાછી આવીને બહાર બાલ્કનીમાં સ્ટૂલ પર બેસી ગઈ. વિહારીનો સ્વભાવ આમ સાલસ અને પ્રેમાળ હતો. ભારતીના સ્વભાવમાં અજાણતાં થોડું ચિડિયાપણું આવી જતું હતું. એ ન ઈચ્છે તો ય એનાથી ઘણી વાર વિહારીને છણકો થઈ જતો હતો. પરંતુ વિહારી હસીને કે મજાક કરીને ટાળી દેતો છતાં ભારતીને ઊંડે ઊંડે એ સમજાતું હતું કે, વિહારીને પણ સંતાન નહીં હોવાનો વસવસો હતો અને ક્યારેક આવું થાય ત્યારે એને ગુનાઈત લાગણી પણ ઘણી હતી. ભારતીને પણ આવું થાય એ પછી અફસોસ થતો અને ક્યારેક પોતાની જાત પર ગુસ્સો પણ આવી જતો.

       સંતતિનો અભાવ આમ છતાં બન્નેએ વત્તેઓછે અંશે સ્વીકારી લીધો હતો. પરંતુ ભારતીને વિહારી સામેની સૌથી મોટી ફરિયાદ બીજી જ હતી. વિહારી પાસે મશીનોના સ્પેર પાર્ટસ્ બનાવવાની નાનકડી ફેક્ટરી હતી. બન્ને સુખેથી રહેતાં હતાં અને જરૂરી બધી જ સુખ સગવડો હતી. વિહારીને જાણે આટલાથી જ સંતોષ હોય તેમ એને ધંધો વિકસાવવામાં કે ફ્લૅટ વેચીને બંગલો બનાવવામાં કે ઈમ્પોર્ટેડ કાર ખરીદવામાં એને ઝાઝો રસ નહોતો. ભારતીને કદાચ એવી ઈચ્છાઓ ખરી. વિહારી વિચારતો હતો કે વધુ સમૃદ્ધિ દ્વારા ભારતી તેનો ખાલીપો પૂરવાની અજ્ઞાત કોશિશ કરે છે. એથી જ ભારતીની કેટલીક માગણીઓ એ બને ત્યાં સુધી સંતોષવાની કોશિશ કરતો હતો. પરંતુ ક્યારેક એમાં બરબાદ થઈ જતો. ભારતીને વિહારીના દાનેશ્વરી સ્વભાવ અને પરગજુ વૃત્તિ સામે જ વાંધો હતો. શરૂ શરૂમાં એ બહુ વાંધો નહોતી લેતી. પરંતુ પછી આ બાબતમાં એનો અણગમો વધતો ગયો. આ વાતની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે વિહારીએ ભારતીની ઈચ્છાઓને માન આપીને થલતેજ ગામ પાસે જમીનનો એક પ્લોટ ખરીદ્યો અને એ પ્લોટમાં ભારતીની ઈચ્છા મુજબ બંગલો બનાવવાનું નક્કી કર્યું, ભારતી ખૂબ ખુશ હતી. જાણે જીવનમાં એનું એક સ્વપ્ન સાકાર થઈ રહ્યું હતું. રાત-દિવસ એ બંગલાનું જ મનોમન આયોજન કરતી હતી. એક દિવસ એના મામાનો દીકરો ધનંજય અચાનક મુંબઈથી આવી ચઢ્યો. ધનંજય અને ભારતી બાળપણમાં ખૂબ સાથે રમ્યાં હતાં. પરંતુ ધનંજય આ વખતે પુષ્કળ ચિંતામાં હોય એવું લાગતું હતું. ત્રણેક દિવસ પછી ધનંજય મુંબઈ પાછો ફર્યો. એ પછી એકાદ અઠવાડિયે વિહારીએ ભારતીને ડરતાં ડરતાં બધી વાત કરી. ધનંજય મુંબઈમાં મોટો શેરદલાલ હતો. અચાનક બજારમાં મંદી આવી અને ધનંજયને પંદર સત્તર લાખનું જંગી નુકસાન થયું. એનો એક એક વાળ દેવાઓમાં ડૂબી ગયો હતો. જે કંઈ હતું તે બધુ જ વેચી દીધા પછી પણ એને પાંચેક લાખની જરૂર હતી. એથી જ એ વિહારી પાસે આવ્યો હતો. આવ્યો એ જ રાત્રે એણે વિહારીને કહ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ લાખ મને બે-ત્રણ દિવસમાં નહીં મળે તો આત્મહત્યા કર્યા વિના મારો છૂટકો નહી થાય. વિહારીએ એને આશ્વાસન આપ્યું અને થલતેજ પાસેનો પ્લોટ થોડા ઓછા પૈસા લઈને રોકડેથી વેચી દીધો. એ પૈસા એણે ધનંજયને આપ્યા. વિહારીએ પૈસા તો પોતાના ભાઈને આપ્યા હતા. છતાં ભારતીને આખી વાત ખટકી હતી. વિહારીએ એને સમજાવ્યું હતું કે આપણો આ ફ્લેટ તો સરસ જ છે ને! પ્લોટ ફરી ખરીદીશું. ધનંજય ખૂબ મુશ્કેલીમાં હતો … રખે એ આત્મહત્યા કરી બેસે તો આપણને બંગલો બાંધીને એમાં રહેવા જવાનું ગમે? ભારતીને વિહારીની વાત સમજાતી હતી છતાં આખી વાત પ્રત્યેનો એનો અણગમો દૂર થયો નહોતો.

       ધનંજયને તો એણે પાંચ લાખ જેટલી મોટી રકમની મદદ કરી હતી પણ એ સિવાય અસંખ્ય વ્યક્તિઓને તે નાની મોટી રકમ આપતો હતો. કોણ જાણે એમાંથી કેટલા લોકોએ રકમો પાછી વાળતા હશે? વિહારી આવી રકમોનો કદી હિસાબ પણ રાખતો નહોતો માત્ર આર્થિક મદદ જ નહીં કોઈ માંદું-સાજું હોય કે કોઈને બીજી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો વિહારી પહોંચી જ જાય. ક્યારેક તો ભારતી કહેતી પણ ખરી, “તમારી પાસે જો કુબેરનો ખજાનો આવી જાય તો તો તમને મજા જ પડી જાય. તમે બધું લોકોને વહેંચી જ નાંખો!” વિહારી હસીને એને કહેતો, “તું પ્રાર્થના કર કે મને કુબેરનો ખજાનો મળી જાય!”

અચાનક હૉર્ન વાગ્યું, અને ભારતીને સમજાઈ ગયું કે વિહારી આવી ગયો છે. અને હાશ તો થઈ, પરંતુ હજુ એનો ગુસ્સો શમ્યો નહોતો. વિહારી બેગ લઈને ઘરમાં પ્રવેશ્યો કે, તરત બોલી પડ્યો. “સોરી! રિયલ્લી સોરી!” પછી ડાઈનિંગ ટેબલ પર થાળીઓ ગોઠવેલી જોઈને બોલ્યો, “તારે જમી લેવું હતું ને?”

ભારતી પોતાનો રોષ અને કડવાશ છુપાવી શકી નહીં એ બોલી પડી, “મને ખાતરી જ છે કે તમે કોઈની સેવા કરવા ગયા હશો….. મારા કરતાં આખી દુનિયાની ચિંતા જ તમને વધારે છે ને!”

વિહારી કંઈ બોલ્યો નહીં, એ થાકેલો લાગતો હતો. એ બેગ મૂકીને સોફામાં બેઠો. ભારતી કંઈ પૂછે એ પહેલાં જ એણે કહેવા માંડ્યું. “આપણી ફેક્ટરીમાં લાલજી છે ને … એના બાપા બીમાર હતા. અહીં વિ.એસ.માં એમને દાખલ કરેલા. ગઈકાલે ડોક્ટરોએ કહ્યું કે હવે બચવાની કોઈ શક્યતા નથી. એમની છેલ્લી ઈચ્છા પૂરી કરવી હોય તો કરો…..” વિહારી સહેજ અટક્યો અને લાગ્યું કે ભારતીને એની વાત સાંભળવામાં બહુ રસ નથી. છતાં એણે વાત આગળ ચલાવી, “ડોસાની ઈચ્છા વતનમાં જઈને જ મરવાની હતી. લાલજીએ મને આવીને વાત કરી. મેં એને કહ્યું કે ઍમ્બ્યુલન્સ લઈ જા, હું તને પૈસા આપું છું….” વિહારીએ ઊંડો શ્વાસ લીધો. પછી ઉમેર્યુ, “પણ મને થયું કે … કે આમ મરતા માણસની છેલ્લી ઈચ્છાને આવી રીતે છોડી દેવા કરતાં …. એટલે હું એમને મારી ગાડીમાં એમને ગામ મૂકી આવ્યો … લુણાવાડા પાસે નાનું ગામ છે,….” ભારતી કદાચ ઘણું બધું કહેવા માંગતી હોય એમ લાગ્યું છતાં એ ચૂપ રહી. વિહારીએ ઊભા થતાં કહ્યું, “આજે મારું માથું સખત દુઃખે છે તેં ખાધું નથી એટલે — નહિતર  એમ જ ઊંઘી જાત….,” વિહારીએ હળવા થવાનો કૃત્રિમ પ્રયાસ કર્યો.

“બપોરે શું ખાધું હતું…?” ભારતીએ સવાલ કર્યો.

“કાંઈ નહીં…” વિહારીએ ટૂંકો જવાબ આપ્યો.

“તો પછી કેમ ખાવું નથી? જાવ જલ્દી નાહીને ફ્રેશ થઈ જાવ, હું થાળી પીરસું છું…”

વિહારી નાહવા જતો રહ્યો. પાંચ સાત મિનિટમાં નાહીને આવ્યો ત્યારે થાળી પીરસીને ભારતી એની રાહ જોતી હતી. એના ચહેરા પરથી લાગતું હતું કે હમણાં એ થાળી પર તૂટી જ પડશે.

વિહારી થાળી પર બેઠો, હજુ માંડ અડધી ભાખરી ખાધી હશે ત્યાં બહાર કોઈકની ચીસો સંભળાઈ, ફ્લેટમાં બધા દોડાદોડ કરતા હોય એવું લાગ્યું વિહારી ઊભો થવા ગયો, પરંતુ  ભારતીએ એને બેસાડી દીધો અને બોલી, “કંઈ નથી. પહેલા માળવાળી પેલી કુંદન ચીસો પાડે છે. એ અને એનો વર રોજ ઝઘડા કરે છે અને મારામારી કરે છે. ફ્લેટમાં કોઈ હવે એના પર ધ્યાન આપતું નથી. તમે તમારે જમી લો….”

વિહારીએ પોતાનું ધ્યાન ખાવામાં પરોવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ બહાર અવાજો વધી રહ્યા હતા અને સ્ત્રીની ચીસો હવે મોટેથી સંભળાતી હતી. “બચાવો, બચાવો” ની બૂમો સાંભળીને વિહારી ઊભો થઈ ગયો. લેંઘો અને સદરો પહેરેલી હાલતમાં જ ફટાફટ હાથ ધોઈને સ્લીપર પગમાં નાખીને એણે ચાલવા માંડ્યું. ભારતીએ એની સામે આંખ કાઢીને જોયું, પરંતુ વિહારી એ તરફ ધ્યાન આપ્યા વિના જ સડસડાટ નીચે ઊતરી ગયો.

પહેલા માળે રહેતાં કુંદનના ઘર પાસે લગભગ આખો ફ્લેટ જમા થઈ ગયો હતો. પરંતુ કોઈ અંદર જતું નહોતું. કુંદને સળગી મરવાની કોશિશ કરી હતી. વિહારી અંદર જવા જતો હતો ત્યાં કોઈક બોલ્યું, “વિહારીભાઈ, આમાં પડવા જેવું નથી. નકામી નામોશી આવશે.” પરંતુ વિહારી એ શબ્દોને ગણકાર્યા વિના અંદર ધસી ગયો. સળગતી કુંદનને જેમ તેમ કરીને બચાવી અને આગ ઓલવવા પ્રયત્ન કર્યો. વિહારી અંદર ગયો એ પછી બીજા બે -ત્રણ જણા પણ આવ્યા. ખબર પડી કે એનો પતિ અરવિંદ બહારગામ ગયો હતો. કોઈકે ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી. વિહારી એવા જ વેશે એમ્બ્યુલન્સમાં બેસી ગયો.

કુંદન પુષ્કળ દાઝી ગઈ હતી. વિહારીએ હૉસ્પિટલમાં એની સારવારની બધી વ્યવસ્થા કરી. રાતના બારેક વાગે એનો પતિ બહારગામથી આવ્યો ત્યારે એને આ ઘટનાની જાણ થઈ. એ સીધો હૉસ્પિટલે આવ્યો. વિહારી તરફ એ આભારવશ થઈ ગયો હતો. વિહારીએ તેને કહ્યું, “ખર્ચની ચિંતા કર્યા વિના સારવાર કરજો.” અરવિંદ નીચું જોઈ ગયો. એના હાથમાં ડૉક્ટરે લખેલી દવાનું લાંબુ લિસ્ટ હતું. વિહારી સમજી ગયો. એણે અરવિંદના ખભે હાથ મૂકીને કહ્યું, “ચિંતા ન કરશો. કોઈક સાથે આવે તો હું ઘરેથી પૈસા આપું છું.” સાથે કોણ આવે? અરવિંદ જ રાત્રે બે વાગ્યે વિહારની સાથે ઘરે આવ્યો. વિહારીએ કબાટ ખોલીને અરવિંદને દસ હજાર રૂપિયા આપ્યા અને બીજા જોઈએ તો સવારે આપવાનું કહ્યું. અરવિંદ આભાર માનવા જતો હતો. પરંતુ એ બોલી શક્યો નહીં. એને યાદ આવ્યું કે એક વાર ફ્લૅટના ગ્રાઉન્ડમાં વિહારની કાર પાછળથી અરવિંદનું સ્કૂટર બહાર નીકળે એમ નહોતું ત્યારે અરવિંદ એને ગમે તેમ બોલ્યો હતો. વિહારીએ આંખથી જ આશ્વાસન આપીને એને વિદાય કર્યો.

ભારતી પલંગમાં ઊંઘતી જાગતી પડી હતી. વિહારી ચૂપચાપ તેની બાજુમાં જઈને બેઠો. એણે બેડરૂમમાં જતાં જોયું તો બન્ને થાળી એમની એમ પડી હતી. છતાં “તે ખાધું” એવું પૂછવાની એની હિંમત ન ચાલી. થોડી વારમાં એને ખ્યાલ આવ્યો કે ભારતી રડતી હતી. એણે ભારતીના બરડે હાથ મૂકતાં કહ્યું, “બહુ દાઝી ગઈ છે બિચારી… કદાચ ન પણ બચે!”

ભારતી સહેજ છંછેડાઈને બોલી, “હું આખા દિવસની ભૂખી હતી અને તમને મારી ચિંતા ન થઈ. એ તમારી શું સગલી થાય છે કે એને બિચારી કહો છો?”

વિહારીને ગુસ્સો તો આવ્યો, પરંતુ તે સમસમીને ચૂપ રહ્યો. ભારતી સફાળી બેઠી થઈ ગઈ. એણે આંખો ચડાવીને વિહારીના પગ પર જોર જોરથી ટપલાં મારતાં કહ્યું, “હવે હું આ દાનેશ્વરી કર્ણવેડાથી ત્રાસી ગઈ છું. દરેક વસ્તુની હદ હોય છે. આજે મારે આ વાતનો ફેંસલો જોઈએ. આવી જ રીતે લોકોની સેવા-ચાકરી જ કર્યા કરીશું તો એક દિવસ આપણે જ ચપ્પણિયું લઈને ભીખ માગવાનો વારો આવશે…. હવે બહુ થયું, હું હવે નહીં ચલાવી લઉં….” ભારતી ખરેખર ખૂબ આક્રોશમાં બોલતી હતી. વિહારીએ ઘડીક વાર એની સામે જોયું અને પછી માથા પર ફરતાં પંખા ઉપર એની નજર સ્થિર થઈ ગઈ. થોડી વાર એને આમ જ ચૂપ બેઠેલો જોઈને ભારતી વધુ ઉશ્કેરાઈ અને બોલી, “તને લોકોની સેવા કરવાનો જ મોહ હોય તો મને મારી નાંખ. પછી તારે જેમ કરવું હોય એમ કરજે.” આટલું બોલતાં ભારતી બેબાકળી બની ગઈ અને વિહારીના બન્ને હાથ ખેંચીને પોતાના ગળા પર મૂકી દીધા. ભારતી એકદમ રડવા લાગી અને બોલી, “આજે તો મારે ફેંસલો જ જોઈએ. કાં તો હું નહીં ને કાં તો …….” અને એ છૂટ્ટા મોંએ રડી પડી.

વિહારીએ એક ઊંડો શ્વાસ લીધો અને ભારતીને બન્ને ખભાથી પકડીને હચમચાવતા ઉત્તેજના સાથે બોલ્યો, “તારે સાંભળવું જ છે ને! તો શાંતિથી સાંભળી લે. પછી તારે જે નિર્ણય કરવો હોય તે કરજે. હું તને નહીં રોકું!”

“આપણાં લગ્ન પહેલાં દોઢ બે વર્ષ અગાઉની વાત છે. ગ્રેજ્યુએટ થઈને નવો નવો ધંધામાં પડ્યો હતો. થોડા જ સમય પહેલાં મારા પપ્પાનું અવસાન થયું હતું. પપ્પાએ જે કંઈ પૈસા પાછળ મૂક્યા હતા એ બધા જ મેં ધંધામાં લગાડી દીધા હતા. એ વખતે પણ હું સમય બચાવવા માટે બને ત્યાં સુધી ગાડીમાં જ જતો આવતો હતો. એક વાર મારે કોઈક કામસર મુંબઈ જવાનું થયું. કામ પત્યું તારે રાતના અગિયારેક વાગ્યા હતા. હું રાત્રે જ અમદાવાદ આવવા નીકળ્યો. આખા દિવસના રઝળપાટનો થાક હતો. છતાં મેં સાહસ કર્યું. લગભગ એક-દોઢ  વાગવા આવ્યો હશે ત્યાં મને પૂરપાટ ગાડી ચલાવતાં એક ઝોકું આવી ગયું. પછી હું બેભાન હતો.

ત્રણ દિવસ પછી ભાનમાં આવ્યો ત્યારે હું વલસાડની કોઈક હૉસ્પિટલમાં હતો. થોડીવારમાં એક નર્સ આવી. એણે મને આખી વાત કરી. એણે કહ્યું કે મારી કાર એક ટેન્કર સાથે અથડાઈ હતી અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતાં જ ટેન્કરનો ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો. હું છૂંદાઈ ગયેલી ગાડીમાં બેભાન પડ્યો હતો. કેટલીક વાર પછી એક કાર આવતી હતી. એના ચાલકે આ અકસ્માત જોયો. એમણે ગાડી ઊભી રાખી અને બીજા લોકોની મદદ લઈને માંડ માંડ તમને બહાર કાઢ્યા. પછી એમને ય ખબર પડી કે એ તમારા ભાઈ જ હતા. મને આશ્ચર્ય થયું કે મારે તો કોઈ જ ભાઈ નથી. આ વળી કોણ? એટલામાં એ ભાઈ આવ્યા. નર્સે કહ્યું, “આ આવ્યા તમારા ભાઈ ….” હું એમને જોઈ રહ્યો. પહેલા ક્યાંય એમને જોયા હોય એવો ખ્યાલ આવતો નહોતો. એમણે તરત જ મને કહ્યું, “હવે કેમ છે? તમારો કોઈ પત્તો મળ્યો નહીં એટલે કોને ખબર આપવી? તમે તો આખા શરીરે પાટાપિંડીથી બંધાઈ ગયા છો…” હું કંઈક બોલવા જાઉં એ પહેલાં જ એમને મને ચૂપ કરી દીધો. એટલામાં ડોક્ટર આવ્યા. ડૉક્ટરે કહ્યું કે હવે હું ભયમુક્ત છું. પરંતુ ઓછામાં ઓછા પંદર દિવસ તો હૉસ્પિટલમાં રહેવું પડશે. તમારા ભાઈ બચી ગયા એ નસીબની જ બલિહારી છે. બાકી વાગ્યું હતું એવું કે બચી જ ન શકે. પાછળથી મને ખબર પડી કે મારા પર ત્રણ તો ઓપરેશન થયાં હતા.

એ પછી પેલા ભાઈ દેખાયા જ નહીં. સાંજે ડોક્ટર ફરી આવ્યા ત્યારે મેં પૂછ્યું તો ડૉક્ટરે મને કહ્યું, “તમારા ભાઈ તો બપોરે વડોદરા જવા નીકળી ગયા છે. બધા જ પૈસા આપતા ગયા છે. અને કહ્યું છે કે એ બે દિવસ પછી આવશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારી મમ્મી મામાને ત્યાં હતી અને હું અવારનવાર બે-ચાર દિવસ બહારગામ જતો હતો અને ક્યારેક આઠ-દસ દિવસ પણ બહાર રહેતો હતો એટલે એ લોકો પણ ટેવાઈ ગયા હતા. એથી જ મેં મમ્મીને ખબર ન આપી.

બે દિવસ થયા, ચાર દિવસ થયા. અઠવાડિયું થયું અને છેવટે ડૉક્ટરે ઘરે જઈને ઓછામાં ઓછો એક મહિનો આરામ કરવાની સલાહ આપીને મને રજા આપી. એ દિવસ સુધી પેલા ભાઈ આવ્યા નહીં. એ મારા ભાઈ નહોતા. એમનું નામ પણ હું જાણતો નહોતો. એ ક્યાંના છે એની પણ મને ખબર નહોતી. એમણે ત્રણ દિવસ વલસાડમાં રોકાઈને મારી કાળજી લીધી અને હું ભાનમાં આવ્યો એ પછી બધા પૈસા ચૂકવીને એ મને કહ્યા વિના જ જતા રહ્યા. એમણે મને આભાર માનવાની પણ તક ન આપી. મને એ જ વાતનો અફસોસ સૌથી વધુ હતો.

હું ધીમે ધીમે સાજો થયો. એ પછી વખતો વખત વડોદરા, સુરત, વલસાડ વગેરે શહેરોમાં તપાસ કરી. મુખ્ય રસ્તા પર કલાકો ઊભો રહીને એ ભાઈને શોધતો રહ્યો. આજ સુધી એ ભાઈ મને મળ્યા નથી.

વિહારી સહેજ રોકાયો. ફરી ઊંડો શ્વાસ લઈને એણે કહ્યું, “લગભગ એકાદ વર્ષ પછી મમ્મીને હાર્ટ એટેક આવ્યો. એ ગુજરી ગઈ એની આગલી રાત્રે હું એની પાસે બેઠો હતો. પેલા અકસ્માત વિષે મેં એને આજ સુધી ઝાઝી વાત કરી નહોતી. પરંતુ એ દિવસે બધી જ વાત કરી. મેં મમ્મીને કહ્યું, “હું ગમે તેમ કરીને એ ભાઈને શોધી કાઢીશ. એ નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે. કદાચ હવે એ ભાઈને શોધી કાઢવા એ જ મારું એક માત્ર કાર્ય રહેશે.”

મમ્મી મને સાંભળતી રહી. ક્યાંય સુધી કંઈ જ બોલી નહીં. છેવટે એણે મને કહ્યું, “દીકરા, એને શોધવામાં જિંદગી ન બગાડીશ. એ કદાચ તને ક્યારેય નહીં મળે!”

“કેમ એમ?” મે પૂછ્યું.

તો મમ્મી બોલી, “જો તને મળવું જ હોય તો એ તને એની પૂરેપૂરી ઓળખાણ આપીને જ જાત..” પછી થોડી વાર ચૂપ રહીને એણે કહ્યું, “દીકરા, કોને ખબર કે એ કોઈક સ્વરૂપમાં ભગવાન જ નહીં હોય?” ભગવાન આ સ્વરૂપે પણ આવ્યા હોય એમ બને… અને તારી આ નવી જિંદગી છે. ભગવાને તને કોઈક સારા કામ માટે જ બચાવી લીધો હોય એવું ન બને!” મને મમ્મીની વાત સમજાતી હતી અને નહોતી પણ સમજાતી.

મમ્મી સૂઈ ગઈ એ પછી હું વિચારતો રહ્યો. ખૂબ વિચાર્યા પછી મેં સંકલ્પ કર્યો કે હું મારા જીવનમાં દુઃખી અને જરૂરિયાતવાળા બધા જ માણસોને કોઈ જ ભેદભાવ રાખ્યા વિના સદા મારાથી બનતી મદદ કરીશ. હું જ્યારે પણ કોઈને મદદ કરું છું ત્યારે મને લાગે છે કે એ અજાણ્યા ભગવાનના દૂતનું જ હું ઋણ ચૂકવું છું. છતાં મને લાગે છે કે, હજુ ઘણું ઋણ ચૂકવવાનું બાકી છે. જો ભગવાન હોય તો, મમ્મી કહેતી હતી તેમ મને એણે આ માટે બચાવ્યો હોય એવું કેમ ન બને? એ અકસ્માતે જ આપણને નિઃસંતાન રાખ્યા, કદાચ એની પાછળ પણ એવું ગણિત હશે કે મારે કોઈના ય માટે બચાવવાનું કે ભેગું કરવાનું નથી….

વિહારીની આંખોમાં પાણી આવી ગયાં હતાં. ભારતી ચૂપચાપ સાંભળતી રહી. પછી એકદમ વિહારીને વળગી પડી અને એના ખભા પર માથું આડું નાખીને બોલી, “આજે મને ખરેખર ભગવાનના દર્શન થયા… મને માફ કરી દે.”

વિહારીનો હાથ ભારતીની પીઠ પર ક્યાંય સુધી ફરતો રહ્યો.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

2 comments

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: