૬. ‘મોહનથી મહાત્મા’ ૧૫૦ મિટર લાંબા ચિત્ર માટે રમેશ હાલારીને વિશ્વ-ઍવોર્ડ

રમેશ હાલારીને એનાયત થતું પ્રમાણપત્ર
રમેશ હાલારીને શ્રી બાલુભાઈ પટેલના હસ્તે એનાયત થતો સુવર્ણચંદ્રક

જીવન ભાવ અને વિચાર સાથે સંલગ્ન છે, પણ એ અભિવ્યક્તિ જ ન પામે તો? કલાની વાતને બાજુએ રાખીએ તો પણ એક જ કલ્પના કરીએ કે મનમાં ઉદ્ભવતો વિચાર કે ભાવ આપણે બીજાને કહી શકતા ન હોત કે કોઈની લાગણીને સાંભળી શકતા ન હોત તો? આજે આપણે ચિત્ર, સંગીત કે ફિલ્મ જગતથી વંચિત હોત!

માનવ સંસ્કૃતિની એ જ વિશેષતા છે કે તે પોતાના ભાવવિચારને અનેક સ્વરૂપે અભિવ્યક્ત કરીને જીવનને ઇન્દ્રધનુષી રંગોથી ભરી દે છે. પછી એ ગઝલ હોય, નૃત્ય હોય, મૂર્તિ કે ચિત્ર હોય. દરેક કલાસ્વરૂપની આગવી વિશેષતાઓ છે. આજે આપણે એક વિશ્વ-રેકોર્ડ ચિત્રની વાત પૂ. મહાત્મા ગાંધીજીના સંદર્ભમાં કરવાના છીએ.

પૂજ્ય મહાત્મા ગાંધીજી સમગ્ર વિશ્વના એક યુગપુરૂષ તરીકે અવતાર પામી ગયા. તેઓએ તો કહી દીધું હતું કે, ‘મારું જીવન જ મારો સંદેશ છે.’ પણ ૧૫૦ વર્ષ પહેલાં જન્મેલા ગાંધીજીને વર્તમાન પેઢી ક્યા માધ્યમથી ઓળખે? ક્યા માધ્યમથી એમના જીવનમાંથી પ્રેરણા લે? કલા જ શ્રેષ્ઠ માધ્યમ છે. અને એમાંય કોઈ નૂતન અને સર્જનાત્મક અભિવ્યક્તિ હોય તો મન પર સીધી અસર કરી જાય છે.

આવા જ એક નાવીન્યપૂર્ણ વિચાર અને ઉમદાભાવ સાથે રમેશ હાલારીએ પોતાના કસબને એક વિશ્વ રેકોર્ડના સ્વરુપમાં દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યો. તેઓએ ગાંધીજીની જીવન યાત્રાને ૧૫૦ મિટર લાંબા કાપડના કેનવાસ પર એક જ ચિત્ર તરીકે પ્રસ્તુત કર્યું છે. તેઓ ગાંધીજીના પ્રેમાળ ચાહક છે. ગાંધીજીના જીવન અને વિચારોને વિશાળ ફલક પર રંગવાનું સ્વપ્ન તેઓએ વર્ષોથી સેવ્યું હતું. પોતાના બ્રશને જીવંત કરવાની તક તેઓએ ઝડપી લીધી અને ગાંધીજીની જીવન યાત્રાનું ૧૫૦ મિટર લાંબું આ ચિત્ર એક વાસ્તવિકતા બની ગયું. તેઓએ ગાંધીજીની યાત્રાને 02 ઓક્ટોબર, 2019ના રોજ ચિત્રિત કરવાનું શરૂ કર્યું અને 30 જાન્યુઆરી, 2020ના રોજ તેમની પુણ્યતિથિ પર એટલે કે ૧૨૦ દિવસમાં પૂર્ણ કર્યું. ગાંધીજીનું સમગ્ર જીવન 150 મીટર લાંબા કેનવાસ પર રંગાયેલું છે, જે પોતે જ એક અનોખો વિચાર છે. તેઓએ આ ચિત્રમાં ફેબ્રિક રંગો, પેસ્ટલ રંગો અને મહાત્મા ગાંધીજીના પ્રેરણાત્મક સંદેશાઓને તેઓના જ અક્ષરના સ્વરૂપમાં ચિત્રિત કર્યા છે.

આ ચિત્ર ગાંધીજીની મહાન અને સમૃદ્ધ સફરને વર્ણવે છે, મોહનદાસ કરમચંદ ગાંધીજી જેવા સરળ મનુષ્ય સત્ય સાથેના પ્રયોગો થકી મહાત્મા કેવી રીતે બન્યા તેનું ચિત્રાંકન અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રપિતા તરીકે એક ઐતિહાસિક વ્યક્તિત્વના જીવનનો માત્ર એક સ્કેચ નથી, પરંતુ તે પોતે જ એક વિકસતો વિચાર છે, જે આ પૃથ્વી પર દરેકના જીવનને પ્રેરિત કરવા માટે એક સીમાચિહ્ન બની શકશે.      

આ પેઇન્ટિંગને હાઈ રેઇન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ્માં સ્થાન મળ્યું છે. કેલિફૉર્નિયા, યુ.કે અને હૈદ્રાબાદ સ્થિત આ એક વૈશ્વિક સંસ્થા છે. ૨૦૧૪માં સ્થાપાયેલી આ સંસ્થાએ અત્યાર સુધીમાં કુલ ૩૦૦૦ એવોર્ડ એનાયત કર્યા છે. રમેશ હાલારી એમાના એક છે. તેઓના આ ચિત્રએ વિશ્વ-રૅકોર્ડ બનાવ્યો છે. તેઓને આ સંસ્થા તરફથી પ્રમાણપત્ર અને સુવર્ણચંદ્રક એનાયત કરવા માટે ગાંધીજીના જન્મદિવસથી વધુ શુભ દિવસ કયો હોઈ શકે? એવોર્ડ વિતરણ સમારંભ ‘જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલ’, નવજીવન કૅમ્પસ ખાતે બીજી ઑક્ટોબર ૨૦૨૦ના રોજ યોજાઈ ગયો.

કાર્યક્રમનો આરંભ ‘વૈષ્ણવજન તો તેને રે..’ કહીએ એ પ્રાર્થનાથી થયો. સમૂહગાનથી સભાખંડનું વાતાવરણ ઈશ્વરીય ચેતનાથી રંગાઈ ગયું.

ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનો પરિચય અને સ્વાગત થયાં. મહેમાનોને રમેશભાઈએ જ ચિત્રિત કરેલા પૂ. ગાંધીજીના પેઈન્ટિંગસ્ અને ખાદી ગ્રામોદ્યોગ નિર્મિત ધૂપ સ્મૃતિચિહ્ન તરીકે એનાયત કરાયા.  

સ્વપ્નિલ આચાર્ય (આંતરરાષ્ટ્રીય કલાકાર) હાઈ રેઇન્જ ઑફ બુક રૅકોર્ડસ્ સંસ્થાના ગુજરાતના પ્રતિનિધિ છે. તેઓના હસ્તે રમેશભાઈને પ્રમાણપત્ર એનાયત થયું. અને મુખ્ય મહેમાન શ્રી બાલુભાઈ પટેલ (નિવૃત્ત પ્રોફેસર, નવગુજરાત કૉમર્સ કૉલેજ, સહમંત્રી,  સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય મેમોરિયલ) હસ્તે સુવર્ણચંદ્રક પહેરાવવામાં આવ્યો. ઉપસ્થિત સહુના સ્ટેન્ડિંગ ઑવિએશન અને તાળીઓના ગડગડાટ વચ્ચે આ પ્રસંગ માનસપટ પર એક ચીરસ્મરણીય છાપ અંકિત કરી ગયો. સહુ કોઈ રોમાંચિત હતા.

મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી નાગજીભાઈ પ્રજાપતિ (આર્ટિસ્ટ)એ રમેશભાઈને આવા ઉત્કૃષ્ટ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા. તેઓએ એ પણ અચરજ વ્યક્ત કર્યું કે એક ગ્રાફિક ડિઝાઈનર તરીકે વિખ્યાત આર્ટિસ્ટ એક સજ્જ ચિત્રકાર છે તે આજે જ જાણ્યું. શ્રી જય પંચોલી (આર્ટિસ્ટ અને નિવૃત્ત આચાર્ય, શેઠ સી. એન. વિદ્યાલય સ્કૂલ ઑફ ફાઈન આર્ટસ્)એ સ્વપ્નિલભાઈના કાર્યોને બિરદાવીને રમેશભાઈને શાબાશી આપી અને આ ચિત્રના પ્રદર્શન તેમજ સાચવણી માટે ગાંધી આશ્રમ કે સરકારશ્રીની સહાય લેવાનો અનુરોધ કર્યો. તેઓએ આ પડકારરૂપ કાર્યને જે રીતે અંજામ આપ્યો છે તે બદલ તેઓના પરિશ્રમની સરાહના કરી.

મુરબ્બી બાલુભાઈ નખશીખ ગાંધીવાદી છે. ૧૩ વર્ષની ઉંમરથી જ સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર બાલુભાઈ અત્યંત પ્રેમાળ, સિદ્ધાંતવાદી અને ગાંધીવિચારના ચુસ્ત અનુયાયી છે. તેઓએ એમના પ્રવચનમાં રમેશભાઈની કલાને બિરદાવતા કહ્યું કે, ગાંધીજી એક શાશ્વત ચેતના છે. ૨૦૩૫ની સાલ હોય કે તે પછીનો સમય હોય, પણ ગાંધીવિચારો આટલા જ પ્રસ્તુત હશે. એક સામાન્ય માણસની નાનામા નાની ચીવટ, સમયપાલન, મૂલ્યો આપણા જીવનને એક સાચી દિશા ચીંધે છે. તેઓએ ગાંધીજીના જીવનના કેટલાક નોંધપાત્ર પ્રસંગોનો ઉલ્લેખ કરીને ઉપસ્થિત સર્વના હ્રદયને આંદોલિત કરી દીધાં. પ્રિટોરિયા જતાં ગાંધીજીને ટ્રેનમાંથી ધક્કો મારીને જે રીતે બહાર ફેંકી દેવામાં આવ્યા ત્યારથી એક સત્યાગ્રહી મહાત્માનો જન્મ થયો. તેઓએ જણાવ્યું કે ગાંધીજીએ પોતાના જીવનને એક પ્રયોગશાળા માની હતી, તે એ પ્રમાણે જ તેઓ જીવતા હતા. પોતાના જીવનની ભૂલોને તેઓએ નિખાલસતાપૂર્વક કબૂલી છે.

પવનાર ખાતે વિનોબા આશ્રમની મુલાકાતનો સ્વયંનો અનુભવ વર્ણવતા તેઓએ જણાવ્યું કે, એક મહિલાએ વિનોબાજીને પ્રશ્ન પૂછ્યો કે, વર્તમાન સમયમાં ખૂબ ઝડપથી એક મશીન હજારો મિટર કપડું વણી શકતું હોય ત્યારે રેંટિયાનો આગ્રહ તમે શા માટે કરો છો. ત્યારે વિનોબાજીએ જે જવાબ આપ્યો હતો તે વિચારવા જેવો છે. તેઓએ જણાવ્યું કે મને કોઈ એવું સાધન લાવી બતાવો જે કામ કરનારને એક દિવસમાં ૨૫ ટકા વળતર કમાવી આપતું હોય અને સામાન્ય ગરીબને પણ પરવડતું હોય! એ સમયમાં રેંટિયો ૨૫ રૂપિયામાં મળતો હતો. અને એક માણસ રેંટિયો કાંતીને સાંજે પાંચ રૂપિયા કમાઈ શકતો હતો. માટે જ ખાદી એક વસ્ત્ર નહીં પણ વિચાર છે. ખાદીના વેપારમાં લગભગ ૬૫ ટકા પૈસા મજૂરી કરનારના હાથમાં જાય છે. આજે આપણે મોટી મોટી મિલોના જે વસ્ત્રો પહેરીએ છીએ તેનો પૈસો તેઓના પ્લેનની ઉડાનમાં જાય છે. માટે ખાદીના વસ્ત્રોનો આગ્રહ રાખો. બાલુભાઈએ રમેશભાઈની કલાને બિરદાવતા એ પણ જણાવ્યું કે તેઓએ ચિત્રકામનો જે વિષય પસંદ કર્યો છે તે ઉત્તમ છે. આના થકી લોકો સુધી ગાંધીજીનો સંદેશો એક કલાના માધ્યમથી રજૂ થઈ શક્યો.

સ્વપ્નિલ આચાર્યએ પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે, રમેશભાઈનું આ કાર્ય માત્ર રાજ્ય કે દેશનું નહીં બલ્કે વિશ્વ કક્ષાનું બની ગયું છે. અને તે માટે જ તેઓને આ પ્રમાણપત્ર અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે તેઓ વિશ્વકક્ષાના કલાકાર બની ગયા છે. આ પ્રકારનું ચિત્ર વિશ્વમાં કોઈ કલાકારે બનાવ્યું નથી. અમે હવે સરકારશ્રીને સુચન કરવાના છીએ કે, આ ચિત્રના પ્રદર્શન અને તેની સાચવણી માટે સહાય કરે. જ્યાં સુધી આ કાર્ય નહીં થાય ત્યાં સુધી હું જંપીને બેસવાનો નથી.

રમેશભાઈએ પોતાની લાગણીઓને ખુલ્લા અવાજમાં સરસ રીતે વાચા આપી. તેઓ પ્રથમથી જ ગાંધીજીના વિચારથી પ્રભાવિત તો હતા જ. લગભગ ૨૦એક વર્ષોથી ગાંધીજી પર કાર્ય કરવાની તેઓની ઇચ્છા હતી. પણ એ માટેની પ્રેરણા તેઓને એમના પિતાજી પાસેથી મળી. ખાસ કરીને પોતાનું કામ પોતાની જાતે કરવું ગંધીજીના આ વિચારને તેઓના પિતાજી શ્રી રતિભાઈએ ખૂબ સારી રીતે જીવનમાં ઊતાર્યો હતો. તેઓ પાંચ મણની ઘઉંની ગુણ જાતે ખભે ઊંચકીને લઈ જતા. કોઈ પૂછે તો કહેતા કે મારું કામ જાતે કરવું જોઈએ. હું બીજા કોઈની ગુણ તો ઊંચકીને નથી લઈ જતો ને? હાલારીએ ૨૦૦૦ની સાલમાં ગાંધીજીના કેટલાક પેન્સિલ સ્કેચ બનાવ્યા હતા. અને કેનેડાના પ્રદર્શનમાં રજૂ પણ કર્યા હતા. પણ કેનેડા વસવાટ દરમ્યાન ગાંધીજી પર રચનાત્મક કાર્ય કરવાનો મારો વિચાર ખોરંભે ચડી ગયો. ૨૦૧૭માં ભારત આવ્યા બાદ પુનઃ એ વિચાર મનમાં સળવળી ઊઠ્યો. એ સમયે મારો વિચાર ગાંધીજીના સુવાક્યો પર દુનિયાની વિવિધ ભાષાઓમાં એક બુકલેટ બનાવવાનો હતો. પણ એ વિચારને હું સાકાર સ્વરૂપ આપી શક્યો નહીં. પણ જ્યારે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવવાનું નક્કી થયું ત્યારે મને પ્રથમ તો ૧૫૦ ફૂટ લાંબું ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો હતો. પણ એ વિચારને મેં ૧૫૦ મિટર લાંબા કેનવાસ પર ઊતારવાનું નક્કી કર્યું. જો કે આ કાર્ય સરળ નહોતું. સામાન્ય રીતે ૩૫ મિટર લાંબું કેનવાસ મળતું હોય છે. મેં હૈદ્રાબાદ, ચેન્નઈ વગેરે જગ્યાઓએ તપાસ કરી છેવટે ઇન્દોરથી મને ૫૦ મિટરના ત્રણ કાપડના કેનવાસ મળ્યા. કાપડના આટલા મોટા રૉલ પર પેઈન્ટિંગ કરવું સહેલું નહોતું. મોટી જગ્યા જોઈએ. મારા મિત્ર શ્રી પરેશ પંડ્યાના ઘરે હું નિયમિત જતો. ત્યાં રહીને મેં આ ચિત્ર પર કાર્ય કર્યું છે. ચોવીસે કલાક આ ચિત્ર જ મગજમાં રમ્યા કરતું. સ્વપ્નો પણ આ ચિત્ર વિશેના જ આવતાં.

રમેશભાઈ સાથેના શ્રોતાઓના સાહજિક વાર્તાલાપે એમના કલાકાર તરીકેના સંવેદનશીલ વ્યક્તિત્વનો અદ્ભુત પરિચય કરાવ્યો. પ્રશ્નોત્તરી એકદમ સહજ અને સરળ રહી. આગળ હવે શું રચનાત્મક વિચારી રહ્યા છો, એવા એક શ્રોતાના પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું કે, મારા મનમાં એક એવો વિચાર ચાલે છે કે, એક એવી ચિપ બનાવવામાં આવે કે, મહાત્મા ગાંધીજીના સુવાક્યોનું પેઈન્ટિંગ હોય અને કોઈ વ્યક્તિ એ ચિત્ર પાસે જઈને એના બટનને સ્પર્શ કરે એટલે એ ચિત્ર સુવાક્યને બોલી બતાવે. પણ આ અંગે મને મારી નાણાંકીય સ્થિતિ મૂંઝવી રહી છે. પ્રજ્ઞાબેને એવો પ્રશ્ન પૂછ્યો કે સમગ્ર ચિત્ર-પ્રક્રિયા દરમ્યાન કયો એવો પ્રસંગ તમને લાગ્યો જેણે તમને ઘેરી અસર પહોંચાડી હોય!! તરત તેઓએ કહ્યું કે, ગાંધીજીને ટ્રેનમાંથી ફેંકી દીધા હતા તે. અને તેઓની આંખોમાંથી આંસુઓ સરી પડ્યા. તેઓ એકદમ ગદગદિત થઈ ગયા. એવા સ્વરમાં તેઓએ આગળ વાત ચલાવતા કહ્યું કે, એક બેરિસ્ટર કક્ષાની વ્યક્તિને આટલી હદે અપમાનિત કરીને પ્લેટફૉર્મ પર ઉતારી દેવામાં આવે તે કઈ રીતે સહન થાય? આપણે કદાચ સમસમીને રહી જઈએ પણ એ મહામાનવે એની સામે જંગ માંડ્યો, બીજા દિવસે એમણે ફર્સ્ટકલાસ કંપાર્ટમેન્ટમાં જ મુસાફરી કરી, અને ત્યાંથી આપણને મહાત્મા મળ્યા.

જ્યોતિ પંડ્યાએ પોતાના અનુભવ જણાવતાં કહ્યું કે, રમેશભાઈ જ્યારે ચિત્રકામ કરતા ત્યારે એમાં ડૂબી જતા, અને ક્યારેક એકદમ ચિંતનમાં સરી જતા. ક્યારેક ભાવવિબોર બની જતા. એમની ગાંધીજીને જોવાની દ્રષ્ટિ અનોખી છે. તેઓએ ચિત્ર દ્વારા તેને સરસ રીતે રજૂ કરી છે. સ્મિતા ત્રિવેદીએ એવો પ્રશ્ન પૂછ્યો કે, લતા મંગેશકર ભૂલમાં પણ બેસૂરું ન ગઈ શકે, તેમ એક કલાકાર તરીકે તમે બેઢંગુ ન દોરી શકો, તો ગાંધીજીના અક્ષરોને તમે કેવી રીતે દોરી શકયા. એમણે કહ્યું કે, એ માટે મારે ખૂબ મહેનત કરવી પડી, ગુગલ પરથી એમના લખાણના ચિત્રો લીધા અને પછી તે પર મેં કાર્ય કર્યું. અને છતાં એ અક્ષરોને દોરવામાં હું પૂરેપૂરો ન્યાય આપી શક્યો નથી. તે ઉપરાંત મુશ્કેલીઓનું વર્ણન કરતા જણાવ્યું કે, આફ્રિકાના ફિનિકસ આશ્રમને રજૂ કેવી રીતે કરવો તે અંગે વિચારતા મને ત્રણ દિવસ લાગ્યા હતા. હું કોઈ જ કામ કરી શકતો નહોતો. આમ, એક રસભર ચર્ચાને અંતે કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે સંપન્ન  થયો. ઉપ્મા અને ચાનો નાસ્તો લઈ સહુ અરસપરસ સંવાદ કરતાં વિખરાયા.  

૫૦ મિટરના એક ચિત્રના થોડા અંશો જોઈ શકાય માટે ત્યાં ટેબલ ઉપર તેને ગોઠવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આપણે દીવાલ પર ચિત્ર જોવા ટેવાયેલા. પણ અહીં ટેબલ પર એક પછી એક ચિત્ર ગાંધીજીની જીવનયાત્રા દર્શાવતું હતું. કોઇ અલગ જ અનુભવ એ જોનારને થઈ રહ્યો હતો. બહાર મેજ પર વિઝિટ બુકમાં સહુ પોતાના પ્રતિભાવો પણ લખી રહ્યા હતા.    

કોરોના મહામારીના વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને માત્ર ૪૦ મહેમાનોની હાજરીમાં સામાજિક અંતર અને સ્વાસ્થ્યની સાવચેતી જાળવીને આ ગૌરવપૂર્ણ સમારંભ ખૂબ સાદગીપૂર્ણ રીતે જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલ, નવજીવન કૅમ્પસ ખાતે યોજાઈ ગયો.  

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: