૩૦. કરમાતો ગુલમહોર

        પડદો ખસેડીને કલ્કી ટેરેસમાં આવી. ધીમો ધીમો પવન વાતો હતો. સૂર્યનાં તાજાં કિરણો ગુલમહોરના વૃક્ષ ઉપર પડતાં હતાં. કલ્કી આ ગુલમહોરને નિરખી રહી હતી. એક ક્ષણ માટે એ ૧૦ વર્ષ પાછળ જતી રહી, જ્યારે એના પિતા કેશવલાલે આ બંગલો બંધાવ્યો અને એ લોકો રહેવા આવ્યાં. કલ્કી નાની હતી. એ વખતે તેણે આ ગુલમહોર રોપ્યો હતો. એને ગુલમહોર અને ગુલાબ બન્ને ખૂબ જ ગમતાં. ૧૦ વર્ષથી આ રંગ બદલતી પહૉર પી પીને ગુલમહોરનો રંગ વધુ ઘેરો બન્યો હતો.

        કલ્કી ખુરશીમાં બેઠી. એની નજર દરવાજા તરફ ગ. માળી અંદર આવ્યો. બંગલાના ફૂલ છોડને પાણી સીંચવાના કામમાં લાગી ગયો. ગુલમહોરને જ્યારે એણે પાણી પાયું ત્યારે કલ્કી સ્વાભાવિક રીતે હસી પડી પણ આ હાસ્ય પાછળ કશુંક હતું? આ કશુંક શું હતું એનું પૃથક્કરણ કલ્કીએ કદાપિ જાત મેળે કર્યું ન હતું. કલ્કીનું ‘એ’ કશુંક મહત્વકાંક્ષાઓના પ્રતીકરૂપ ઉછેરેલા ગુલમહોરમાં સમાયેલું હતું. એની મહત્વકાંક્ષાઓ ઉપરાંત એમાં કેશવલાલ હતા, કમલ હતો અને એ પણ હતો!

        કલ્કીને ઘણી વખત એની ઉપર ગુસ્સો પણ આવતો, પણ પછી એને થતું કે એના ઉપર ગુસ્સો કરવાનો અર્થ નથી. એ ગરીબ જરૂર હતો, પણ મહત્વાકાંક્ષી હતો. કલ્કીને બેહદ પ્યાર કરતો હતો. એ પ્રેમના આવેશમાં ઘણી વખત કહી દેતો કે, “કલ્કી, તને મારા બાહુપાશમાં એક વખત એવી રીતે જકડી દેવાની ચ્છા થાય છે, કે હું હું ન રહું અને તું તું ન રહે… આપણે ફક્ત એક અનંતરૂપ બની જએ.” પણ પછી જ્યારે એ ગંભીર થ જતો ત્યારે એ કહેતો, “કલ્કી, તારા બાપુજી પાસે આવીને તારો હાથ માગવા જેટલી લાયકાત મારે કેળવવી પડશે. કલ્કી, હજુ તો મારી પોતાની કૌટુંબિક જવાબદારીઓ છે. માણસ જ્યાં સુધી પૈસા નથી કમાતો ત્યાં સુધી એને કો પૂછતું નથી. મારે હજુ પૈસા કમાવવાના છે. તારા પિતા પાસે ખૂબ જ પૈસા છે… પણ મારે એ નથી જોતા…. હું એન્જિનિયર તો બન્યો… પણ આજે જ્યાં છ આને ડઝન એન્જિનિયરો હોય ત્યાં મારા જેવાને કોણ પૂછવાનું છે? મારે તો આપ બળે ઝઝૂમીને મારા પોતાના માટે એક સ્થાન ઊભું કરવાનું છે. જો મારું જ કો સ્થાન નહીં હોય તો મને તારો હાથ પકડવાનો શો અધિકાર છે? એનો અર્થ એ નથી કે હું તને છોડવાની વાત કરું છું… કલ્કી, કદાચ આપણે જરૂર એક થશું… પણ આ માટે તારે અને મારે બન્નેએ રાહ જોવી પડશે.”

        અને કલ્કી કહી દેતી, “એટલું જોજેને કે આ રાહ જોવામાં ને જોવામાં….” અને એ કલ્કીનું મોં બંધ કરી દેતો.

        ગુલમહોરની બીજી ડાળો હતી, કલ્કીના પિતા કેશવલાલ. એક પ્રતિષ્ઠિત સજ્જન તરીકે સમાજ અમને ઓળખતો હતો. સારા એવા પૈસા ભેગા કર્યા પછી પણ એમને ચેન નહોતું. એમની એક માત્ર ચિંતા કલ્કી હતી. પત્ની એમનો સાથ છોડીને આ દુનિયામાંથી ચાલી ગ હતી. ઘરમાં બાપ, દીકરી સિવાય બે ત્રણ નોકર ચાકર હતા. એમને કલ્કી પ્રત્યે અપાર પ્રેમ હતો. એટલો બધો કે કલ્કીથી જીરવાય પણ નહીં. છેલ્લા દોઢ વર્ષથી એમને હ્રદયરોગની બીમારી હતી. ત્રણ વખત હ્રદયરોગનો હુમલો ખાળ્યો હતો. ત્રીજી વખતનો હુમલો તો અત્યંત ઘાતક હતો. છતાં એને એ ખમી ગયા. એની પાછળ પણ કદાચ એમની જિજીવિષા જ કામ કરતી હતી. એ એવા જમાની રાહ જોતા હતા કે જે સામાજિક દ્રષ્ટિએ સુસંસ્કૃત હોય અને એમની ફૂલ જેવી દીકરીને સાચવી શકે. દીકરી માટે એમણે જો કે જમા શોધી પણ રાખ્યો હતો. એમના એક નિકટના મિત્રનો દીકરો કમલ એમની નજરમાં વસી ગયો હતો. પરદેશમાં ભણતા કમલ સાથે એમનો પત્રવ્યવહાર પણ ચાલતો હતો, અને આ રીતે કમલની સંમતિ પણ મેળવી લીધી હતી. લગભગ દર મહિને કમલના સમાચાર મળતા હતા પણ એનું ભારત આવવાનું નક્કી થતું હતું. કેશવલાલ વધુ ચિંતિત બન્યા હતા… છેલ્લા ચાર મહિનાથી કમલના કોઈ જ સમાચાર ન હતા. એમની એક માત્ર ઈચ્છા હતી કે કમલ આવી જાય અને કલ્કીના હાથ પીળા થઈ જાય. કમલ એમનો કાર્યભાર સંભાળી લે પછી ચોથો હુમલો ભલે આવે.

        ગુલમહોરની ત્રીજી ડાળ હતી કમલ. ખરેખર તો કમલ કેશવલાલની સહાયથી અમેરિકા પહોંચ્યો હતો. કલ્કી કમલને ઓળખતી પણ હતી. પરંતુ પતિ તરીકે સ્વીકારવા વિષે કલ્કીએ ક્યારેય વિચાર્યું ન હતું. આમ છતાં કમલ એના પ્રત્યે આકર્ષિત જરૂર થયો હતો. ક્યારેક એ કહેતો પણ ખરો, “કલ્કી, તારી હાજરીમાં કલાકો ક્યાં જાય છે એ ખબર પણ પડતી નથી. અને તારાથી છૂટા પડ્યા પછી ક્ષણો કેમ વીતતી નથી એની સમજ નથી પડતી.” કલ્કી ચૂપ જ રહેતી.

        કલ્કી પોતે ગુલમહોરની એક ડાળ હતી. પરંતુ સાચા અર્થમાં ગુલમહોર પણ એ જ હતી. પહેલેથી કલ્કી ખૂબ જ ઓછું બોલતી. કેશવલાલના અઢળક પ્રેમના ભારથી લદાયેલી કલ્કી પોતે લાગણીઓને માત્ર ચહેરાના ભાવ સુધી સીમિત રાખતી હતી. હા, એની આંખો ક્યારેક બોલી ઊઠતી હતી. પણ એ આંખોના બોલ કલ્કી સિવાય બીજું કોઈ ભાગ્યે જ સાંભળી શકતું. કેશવલાલ જ્યારે કમલ વિષે વાત કરતા ત્યારે એ સદાય મૌન રહેતી. કેશવલાલે કલ્કીના આ જાતના મૌનને કલ્કીની સ્વીકૃતિ માની લીધી હતી. કલ્કી એના પ્રેમીને એટલું જ કહેતી કે, “મારાથી જોવાશે ત્યાં સુધી હું તારી જોઈશ, ન જોવાય તો મને માફ કરજે… કમલ આવી જશે પછી…” એ કેશવલાલને કોઈ પણ રીતે આઘાત પહોંચે એવું બોલવા તો શું પણ કરવા ય માંગતી નહોતી. એની ઝોલાં ખાતી આકાંક્ષાઓનો એક માત્ર સાક્ષી હતો – એક માત્ર ગુલમહોર. કલ્કી ગુલમહોર સાથે ઘણીવાર ચૂપચાપ ઘણી બધી વાતો કરતી. મા બાપ પોતાના બાળકોનું સુખ શોધવાને બહાને પોતાનો અહં પોષે છે. પોતાની સગવડ શોધે છે, પોતાના સંતાનમાં ભ્રમણ કરતા લોહીના સુખની ચિંતા ભાગ્યે જ કરે છે. એવું એવું ઘણીવાર વિચારતી. એકવાર તો એને કેશવલાલને એમ કહી દેવાનું મન થયું કે બાપુજી, તમે કમલ સાથે મારાં લગ્ન કરીને તમારા જ લોહીનો સોદો કરો છો… તમે તમારી સંપત્તિનો ચોકીદાર મારા પતિના રૂપમાં ખરીદી રહ્યા છો. મને ભૌતિક સંપતિને માંચડે ચઢાવીને મારી લાગણીઓનો મારા હાથે જ શિકાર કરાવી રહ્યા છો. પણ પછી એ ચૂપ રહી જતી. એને કેશવલાલના ચોથા હુમલાનો ડર હતો. લાગણીઓના અતિરેકમાં એની લાગણીઓ ચૂપ રહી જતી હતી.

        ગુલમહોરને તાકીને કલ્કી બેસી રહેતી, એક તરફ માનવનો અહં હતો. સગવડો હતી. જીવનની ક્ષમતાઓ હતી, જવાબદારીઓ પ્રત્યેની નૈતિક સભ્યતાઓ હતી, સિદ્ધાંતો હતા, અને બીજી તરફ પેલો ગુલમહોર હતો. કલ્કી આ બધાંની વચ્ચે ચૂપચાપ ઝોલાં ખાતી હતી. કદાચ એણે પાછા વળીને નહીં જોવાનો નિર્ધાર કરી લીધો હતો.

        ટેલિફોનની ઘંટડી વાગી, કેશવલાલને થયું કે કલ્કી ફોન લેશે, પણ કલ્કી બહાર જ બેસી રહી. છેવટે કેશવલાલે ફોન લીધો. કલ્કી ક્યાં ખોવાઈ ગઈ હતી, એની એને પોતાને જ ખબર રહી નહોતી. થોડીક વારમાં કેશવલાલ ટેરેસમાં આવ્યા. “કલ્કી… કલ્કી… કલ્કી ટેરેસ પાસે આવી, અચાનક ઊભી થઈ ગઈ પણ એની નજર તો પેલા ગુલમહોર ઉપર જ ચોંટી રહી હતી. કેશવલાલે ફરીને કહ્યું, “કલ્કી…”

        એમણે થોડીક વાર રાહ જોઈને કહ્યું…, “કલ્કી એક સારા સમાચાર છે.” કલ્કી જાણતી હતી, કે કેશવલાલ માટે કયા સમાચાર સારા હોય… કલ્કીએ ડોક ફેરવીને ફરીને ગુલમહોર તરફ નજર માંડી.

        “કલ્કી, કમલ આ શનિવારે આવે છે.”

       કલ્કીની આંખે ઝળઝળિયાં આવી ગયાં, પણ આંખ પર તણાઈ ગયેલા અર્ધપારદર્શક પડદામાંથી એમણે ગુલમહોરને જોવાની કોશિશ કરી, ત્યારે એને ગુલમહોર કરમાતો લાગ્યો.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

1 comment

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: