૫. પ્રજ્ઞા પટેલનું ‘રેવા-ગ્રામ’ – સ્વથી સ્મસ્ત સુધીનું ઉર્જાકેન્દ્ર

થોડા સમય પહેલાં સાંઇરામ દવે લિખિત ‘ભગવાનને પત્ર’ નામે એક લેખ વાંચ્યો હતો. તેના અંશો રજૂ કરું છું.

પ્રતિ,
શ્રી ભગવાન,
ઈશ્વરભાઈ પરમાત્મા (શંખચક્રવાળા)
સ્વર્ગલોક, નર્કની સામે,
વાદળાની વચ્ચે,
મુ. આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ બીજાના ઘરકામ કરવા જાય છે. હું શું કામ ભણુ છું એની મારા માબાપ ને ખબર નથી. કદાચ નિશાળમાંથી મફત જમવાનું મળે છે એટલે મારા માબાપ મને રોજ નિશાળે ધકેલે છે.
ભગવાન, બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.

હું રોજ સાંજે તારા મંદિરે આવુ છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ તારા મંદીરમાં એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરું ય નથી. દર ચોમાસે પાણી ટપકે છે. આવું કેમ?

તને રોજ બત્રીસ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો ય નથી. અને હું દરરોજ બપોરે મધ્યાહ્ન ભોજન પછી ય ભૂખ્યો ઘરે જાઉં છું! આવું કેમ? મારી નાની બેનનાં ફાટેલાં ફ્રોક ઉપર કોઈ થીગડુંય મારતું નથી અને તારા નવાં- નવાં પચરંગી વાઘા!

 પ્રભુ! મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તો એમાં તો કેવા જગમગાટ ચમકો છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો’ય અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી?
શક્ય હોય બધાના જવાબ આપજે. મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે. ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે, ડોક્ટર થવું છે પણ મારા માબાપ પાસે ફીના કે ટ્યુશનના પૈસા નથી. તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું. જો હું નાપાસ થઇશ તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના પાંચના પગારથી નોકરીએ રાખી દેશે! ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ. પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ!
જલ્દી કરજે ભગવાન. સમય બહુ ઓછો છે, તારી પાસે પણ અને મારી પાસે પણ!

લિ. તારા જવાબની રાહ જોતો તારો ભક્ત.

માનવજીવનની સમસ્યાઓનો પડઘો પાડતો આ પત્ર એક પ્રતીક કરતાં વાસ્તવિકતા વધુ લાગે છે. આ પૃથ્વી પર દરેકને કોઇને કોઇ સમસ્યા છે, અને સમસ્યા વગરનું જીવન હોઇ પણ ન શકે. આ વિદ્યાર્થીના પ્રશ્નનો કોઈ જવાબ ભગવાને આપ્યો હશે ખરો? હા, આપ્યો છે, અને એવું લાગે છે કે, ભગવાન કોઈ ભેખધારી, સરળ, અને સેવાભાવી વ્યક્તિને નિમિત્ત બનાવીને આવા વિદ્યાર્થીની પ્રાર્થના સાંભળે છે, એટલું જ નહીં, એને મદદ કરવા દોડી જાય છે.

આવી એક ભેખધારી, વિદ્યાર્થીઓની બેલી એટલે પ્રજ્ઞાબેન પટેલ!!

૨૨ વર્ષોથી લાગલગાટ ‘આત્મન્ ફાઉન્ડેશન’ દ્વારા આવા વિદ્યાર્થીઓના ઉત્તમ ભવિષ્યને સાકાર કરવાના અવિરત પ્રયાસો કરી રહ્યા છે. તકવંચિત બાળકો માટે કપડાં, પુસ્તકો જેવી ભૌતિક સહાયથી માંડીને તેઓમાં સંસ્કાર ઘડતર થાય અને તેઓ દુનિયાના વિશિષ્ટ સ્થળોની મુલાકાત લઈ શકે તેવું આયોજન અવિરત કરતાં રહ્યાં છે.

શ્રમજીવી વસાહતના બાળકોના ઉત્તમ ભવિષ્યને સાકાર કરવાના તેઓના સ્વપ્નને તેઓએ પોતાનું ધ્યેય બનાવી દીધું છે, એટલું જ નહીં, તેને હકીકત બનાવવા અને એક વિરાટ સ્વરૂપ આપવા માટે તેઓએ ‘રેવા-ગ્રામ’ નામની એક સંસ્થા સ્થાપી છે. માણસા-મહુડી માર્ગ પર અંબોડ ગામ પાસે આવેલી આ સંસ્થાનું તા. ૨૬/૦૯/૨૦૨૦ને શનિવારે ભૂમિપૂજન હતું. કોઇ દૈવકૃપાએ એમાં ઉપસ્થિત રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. અમારા સ્નેહી મિત્ર શ્રી રમેશભાઈ હાલારી (આર્ટિસ્ટ અને ગ્રાફિક ડિઝાઈનર), શ્રીમતી જ્યોતિ પરેશ પંડ્યા (નિવૃત્ત કર્મચારી, યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરનસ), મારી બહેન ડૉ. સ્મિતા ત્રિવેદી (રિટાયર્ડ ઍસો. પ્રોફેસર) અને હું આ દિવ્ય અવસરના સાક્ષી બન્યા.

રેવા-ગ્રામ ભૂમિપૂજનનું નિમંત્રણ

તેઓના નિમંત્રણ પરથી કલ્પના કરી શકાય છે કે, કેટલા ઉદ્દાત્ત ભાવથી તેઓએ પોતાના સ્વપ્નને એક ધ્યેય બનાવી દીધું છે. ઉપસ્થિત સહુ આપ્તજનો માટે પણ આ એક સહિયારી મંજિલ બની ગઈ. રમેશભાઈએ કેનવાસનું આયોજન કર્યું હતું. એના પર સહુ મિત્રોએ શુભેચ્છાના રંગ પૂર્યા. ભૂમિપૂજન અને રૂદ્રયાગના સંસ્કૃત શ્લોકોના ઉચ્ચારણ વચ્ચે સહુએ ભૂમિને દિવ્ય અંજલિ અને આહૂતિ આપ્યાં.

હજારો વૃક્ષોની હાજરીએ આ સમગ્ર પ્રસંગમાં સાક્ષી પૂરી, એટલું જ નહીં, આયુર્વેદિક ઔષધિઓના વૃક્ષ અને છોડવાઓનું રોપણ પણ કરાયું. ઉપસ્થિત સર્વને ‘તેજોમયી’, ‘કલાધરી’ અને ‘સજોડે પરિક્રમા – મા રેવા’ની એમ ત્રણ પુસ્તકો ભેટ અપાયાં.

પ્રજ્ઞાબેનની સાથે સહુ કોઈ એક સથવારો બનીને જોડાઈ રહ્યા હતાં. સ્વાદિષ્ટ ભોજન-પ્રસાદ લઈને સહુ વિખરાયાં. પણ આ વિદાય હવે નક્કર ધ્યેય સાથેનું સહિયારું મિલન બનવાની છે. આવી ભાવના સહુના હ્રદયમાં સ્થિત બની રહી. ભગવાન પ્રજ્ઞાબેન જેવા નિમિત્તમાં નિરંતર દર્શન આપ્યા કરે અને આ પૃથ્વીને અજવાળતો રહે તેવો પ્રાર્થનાભાવ ચિરંતન બની રહ્યો.   

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: