આમ છતાં યે એના મોંમાંથી સિસકારો સરખો નહોતો નીકળતો. વર્ષો ગણવાની હવે એની શક્તિ ન હતી. ઘર જેવું કંઈ જ યાદ ન હતું. કેટલો રમ્ય રઝળપાટ? શિલાઓ, પથરાળ, જમીનો, ડુંગરાઓ, ખેતરો, ટેકરીઓ, કાંટાળી વાડો, કંદરાઓ, ગુફાઓ અને એવી કેટકેટલી રૂપાળી જગ્યાઓમાં એ ફર્યો હતો. એને જ્યારે ભૂખ લાગતી ત્યારે પથ્થરથી પેટ ભરતો અને લીલા ઘાસથી પ્યાસ બુઝાવતો. જ્યાં અગ્નિની ઈચ્છાએ દ્રષ્ટિ કરતો ત્યાં અગ્નિ ભાળતો અને શીતળતાની ઈચ્છાએ નજર કરતો ત્યાં શીળી છાંય અનુભવતો. હજુ વધુ રઝળવું હતું. એનું ઘણું બધું ખોવાયું હતું. બાળપણમાં ખૂબ રમ્યો હતો. કમનસીબે બાળપણ ગયું ત્યારે પણ રમત ચાલુ રહી અને એક દિવસ એ જિંદગીને ક્યાંક ખોઈ આવ્યો. હતી ત્યારે બેઠાં બેઠાં મઝા આવતી હતી. નથી ત્યારે ફરતાં ફરતાં મઝા આવે છે!
એક રાત્રે એ પથ્થર પર સૂઈ ગયો. પથ્થર અંદરથી ખળખળ વહેતો હતો. બાજુના પથ્થર સાથે વાતો કરતો હતો. એણે એનો જમણો હાથ આત્મીયતાથી એ પથ્થર પર ફેરવ્યો. એના હાથમાં ગરમાવો પેદા થયો. એ ઊંઘી ગયો. સ્વપ્નું આવ્યું. રમણીય સ્વપ્ન! પથ્થરમાં એણે ડાબા હાથના અંગૂઠાના નખ વડે એક સરોવર સજાવ્યું. સરોવરની નીચે એક મહેલ સજાવ્યો અને એ મહેલમાં અનેરા આનંદથી એ રહેવા લાગ્યો. સ્વપ્ન તૂટી ગયું. પરોઢે ઊઠ્યો. આંખો ચોળીને એ પથ્થર પરથી ઊભો થયો. પથ્થર રડતો હતો. એ પાછો બેઠો. પથ્થર હસવા લાગ્યો. બન્ને દશામાં એને તો હસવું જ આવતું હતું.
એકાએક એને કંઈક સૂઝ્યું. એણે એ પથ્થરમાંથી નાનો ટૂકડો તોડી નાખ્યો. સોનાનું પાંજરૂ લાવીને એ પથ્થરને એમાં મૂક્યો. એક લીલા ઝાડની નીચે આવાસ રચ્યો. રોજ રાત્રે એ પથ્થર સામે જોઈને સૂઈ જતો. સવારે જાગતો ત્યારે ત્યારે પથ્થરને રડતો જ નિહાળતો અને એને રડતો જોઈને એને ખચિત હસવું જ આવતું…
આજે ઘનઘોર રાત હતી. સવાર વહેલી પડી. મરી ગયેલાં પક્ષીઓના અવાજો ઠેકઠેકાણેથી ભેગા થઈને એક સામટો અવાજ કરતાં હતાં. એણે સફાળા ઊઠીને પથ્થર તરફ જોયું. પથ્થર રડતો હતો. પરંતુ એ પથ્થરને રડતો જોઈને આજે એ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો… પછી એકદમ ઊભા થઈને પાંજરૂ ખોલી નાંખ્યું… સોનાનું પાંજરૂ ખોલી નાખ્યું. પથ્થર સડસડાટ કરતો ઊડી ગયો. અને એ રડતો રડતો શાશ્વત શાંતિથી સૂઈ ગયો.
Very well didiji
LikeLike
સ્નેહી સંજયભાઈ, તમે અનુસંધાનના નિયમિત વાચક બની રહ્યા છો, તે જાણી આનંદ થયો. દિલથી આભાર માનું છું.
LikeLike
સુંદર આલેખન…
LikeLike
આદરણીય પઠાણ સાહેબ,
આપે ત્વરિત પ્રતિભાવ આપ્યો તે બદલ અનુગ્રહ વ્યક્ત કરું છું.
આભાર…
LikeLike
Khub sunder mem
LikeLike
પ્રિય સ્નેહલ,
તારા પ્રતિભાવ બદલ આભાર.. તારા મિત્રોને પણ આ વેબસાઈટ અંગે જાણ કરજે.
LikeLike