ગઈકાલે વૉટ્સ અપ ગ્રુપમાં અમારા મિત્ર કેતનભાઈએ એક સરસ વિડિયો મોકલ્યો હતો. જેમાં એક વિદ્યાર્થી રોજે વર્ગખંડમાં મોડો આવે છે. તે વર્ગખંડનું બારણું ખખડાવે પછી વર્ગમાં દાખલ થાય એટલે શિક્ષક ગુસ્સાથી તેને જુએ, પછી તે તેનો હાથ લાંબો કરે એટલે શિક્ષક તેની હથેળી પર જોરથી ફૂટપટ્ટી મારે, પછી તેને અપમાનિત કરતા માથાની બોચીમાં ટપલી મારીને તેને બેસવાનું કહે, તે છોકરો ચૂપચાપ આવું અપમાન સહન કરે અને તેની જગ્યાએ બેસી જાય. બધા વિદ્યાર્થીઓ પણ આ ચૂપચાપ જુએ, કોઈ કંઈ જ બોલે નહીં.
આવું ઘણો સમય ચાલ્યું હશે. શિક્ષક તેને કંઈ જ પૂછતા પણ નહીં કે, તને કેમ મોડું થયું, ઘરે તને કોઇ સમસ્યા છે, ઘરે કોઈ બીમાર છે, કોઈ કામ રહે છે, વગેરે વગેરે..
પરંતુ એક દિવસ એવું બને છે કે, શિક્ષક સાયકલ પર શાળાએ જતા હોય છે ત્યારે તેઓ એ વિદ્યાર્થીને તેના પિતાજીને વ્હિલચેર પર એક હૉસ્પિટલમાં લઈ જતા જુએ છે. એ છોકરો એના પિતાને હૉસ્પિટલમાં મૂકીને પછી દોડતો દોડતો શાળાએ પહોંચે છે. તેનો આ ક્રમ રોજનો હશે. આજે પણ એ શાળાએ મોડો પહોંચે છે. વર્ગખંડનું બારણું ખખડાવી અંદર પ્રવેશે છે. હથેળી આગળ ધરી દે છે, જેથી શિક્ષક તેને ફૂટપટ્ટી મારી દે અને તે તેની જગ્યાએ બેસી જાય. આજે શિક્ષક તેના હાથમાં ફૂટપટ્ટી મૂકી દે છે અને કહે છે તું મને માર.. પછી શિક્ષક આંખમાં આસું સાથે નીચે બેસીને તેને બાથમાં લઈ લે છે અને કહે છે મને માફ કર. હું તારો ગુનેગાર છું.
વિડિયો અહીં સમાપ્ત થઈ જાય છે. આપણું હ્રદય એક ડૂસકું લઈ લે છે અને આપણને એક સવાલ કરે છે. આવું કેટલા વિદ્યાર્થીઓ સાથે બનતું હશે? કેટકેટલા વિદ્યાર્થી આવી ગેરસમજનો શિકાર બનતા હશે.
અત્યારે એક વાત મને બીજી યાદ આવી કે, બી.ઍડ. કૉલેજમાં તાસ પૂરો થયા પછી એક તાલીમાર્થી બહેન ઝડપથી વર્ગ છોડીને દોડતી દોડતી દાદરો ઉતરી ગઈ. પ્રોફેસરને એમ જ થયું કે આ બહેન કેવા છે? રજા વગર જ કૉલેજ છોડીને જઈ રહી છે. અને એમના મનમાં આ છોકરી વિશે પૂર્વગ્રહ પણ બંધાય છે. કે આજકાલના વિદ્યાર્થીઓમાં શિસ્ત જેવું કંઈ છે જ નહીં. જવું હતું તો રજા માંગીને જવાય કે નહીં? વગેરે વગેરે.. એ સાહેબ સ્ટાફરૂમમાં આવીને બધાને બોલ્યા પણ ખરા કે પેલી વિદ્યાર્થી કેમ આવી રીતે સડસડાટ દાદર ઉતરીને જતી રહી. પછી ગેલેરીમાં તેઓ પાણી પીવા આવ્યા. ત્યાંથી કૉલેજનું આંગણું દેખાતું હતું. ત્યાં એક વૃક્ષની આગળ સિમેન્ટની બેઠક બનાવી હતી તે સ્પષ્ટ દેખાતી હતી. તેમણે જોયું કે એ તાલીમર્થી તેના લગભગ બે મહિનાના બાળકને સ્તનપાન કરાવતી હતી. તેના મમ્મી તેના ઘરેથી એ બાળકને લઈને આવ્યા હતા. જેથી એમની દીકરીનું ભણવાનું ન બગડે, અને બાળકના પોષણનું પણ ધ્યાન રખાય. એ સાહેબની આંખો ખૂલી ગઈ. તેઓએ સ્ટાફ રૂમમાં કહ્યું કે, મારી ખરેખર બહુ મોટી ગેરસમજ થઈ છે. એ છોકરીને માતા બને હજી તો બે જ મહિના થયા છે, એના નાના બાળકને મૂકીને વર્ગમાં એનું ધ્યાન કેવી રીતે રહેતું હશે? એને તો રાહ જોઈ રહેલું એનું નાનું બાળક અને મમ્મી જ દેખાતાં હશે ને!! એ સાહેબે આગળ પછી એ બહેન સાથે આ અંગે વાત કરી કે નહીં તે ખબર નથી.
પણ સવાલ કદાચ આપણને સહુને લાગુ પડે છે. આપણા સંબંધોમાં આપણે કેટલા જલ્દી બધાં વિશે નિર્ણયો લઈ લઈએ છીએ? કેવા જજમેન્ટલ થઈ જઈએ છીએ? અને એમાં મોટે ભાગે આપણી સમજ કરતાં ગેરસમજ વધુ કામ કરે છે. આ અંગે આપણે પુનર્વિચાર કરવો જોઈએ તેવું નથી લાગતું?
તદ્દન સાચી વાત. કોઈ પણ વ્યક્તિના અસ્વાભાવિક લાગતા વર્તન વિશે કોઇ ધારણા બાંધી લેતાં પહેલાં તેની પાછળનુ કારણ જાણવા પ્રયત્ન કરવો જોઈએ
LikeLike
સ્નેહી ડૉ. રમીલાબહેન, હવે તો કંઈક લખાતું હોય તો વાચક તરીકે તમે તરત જ નજર સામે આવી જાઓ છો. તમે એક સાતત્યપૂર્ણ વાચક રહ્યા છો. આભાર માનું?
LikeLike