૧૩. માગણીના મોલ

એ મિત્ર એક અર્ધ-સરકારી નિગમમાં છેલ્લા વીસેક વર્ષથી સારા હોદ્દા પર કામ કરે છે. કામ કરે છે એવું કહેવું બરાબર નથી. એનું કારણ એ છે કે તેઓ યુનિયનના આગેવાન છે અને હવે તો પ્રમુખ બની ગયા છે. જ્યારે જુઓ ત્યારે યુનિયનની જ કોઈક પળોજણ લઈને બેઠા હોય. ક્યારેક કોઈ એકલદોકલ કર્મચારીઓના પ્રશ્ન હોય, ક્યારેક સામૂહિક સમસ્યા હોય, સતત કાંઈને કાંઈ લખાપટ્ટી ચાલતી હોય, અથવા કર્મચારીઓ સાથે કે મેનેજમેન્ટ સાથે મીટીંગ ચાલતી હોય. એકવાર એમની ઓફિસમાં કલાકેક બેસવાનું થયું હતું તો એવું લાગ્યું કે જાણે તેઓ મેનેજમેન્ટ પાસે કોઈક ને કોઈક માગણી જ કરી રહ્યા હોય. કોઈ કર્મચારીને નોકરીમાં પાછો લેવાની માગણી હોય, કોઈના પગાર વધારાની માગણી હોય, એના પ્રમોશનની માગણી હોય. કોઇની બદલીની માગણી હોય, કેન્ટિનને લગતી માગણી હોય, સાઇકલ સ્કૂટર સ્ટેન્ડને લગતી માગણી હોય, પંખા-એસી કે પાણીની માંગણી હોય, બસ માગણી જ માગણી હોય. એમને  પૂછ્યું કે તમે સતત આટલી બધી માગણીઓ જ કર્યા કરો છો તો કદી થાકતા નથી? એમનો જવાબ સ્પષ્ટ હતો અને ઘણે ઊંડેથી આવતો હતો. એમનું કહેવું હતું કે માગીએ નહીં તો કશું જ મળે નહીં. આ દુનિયામાં તો સતત માગતા જ રહેવું પડે. માગ્યા વિના તો મા પણ ન પીરસે. ભગવાન જોઈતો હોય તો પણ ભગવાન પાસે માગણી કરવી પડે.

આજની દુનિયાની તાસીર જોતાં તેમની વાત તરત ગળે ઉતરી જાય એમાં નવાઈ નથી. લગભગ આપણે બધા જ આવું જ કરીએ છીએ. સતત કોઈને કોઈની પાસે આપણી માગણી ચાલુ જ હોય છે. આપણે જ્યાં નોકરી કરતા હોઈએ ત્યાં પગારની અને બીજા લાભોની માગણી ચાલુ જ હોય છે. વ્યવસાયમાં હોઈએ તો અન્ય વ્યાવસાયિકો, ગ્રાહકો કે મિત્રો વગેરે પાસે જુદા-જુદા પ્રકારની માગણી કરીએ છીએ. સરકાર અને વહીવટી તંત્ર પાસે જુદી જુદી સવલતોની માગણી કરીએ છીએ. આગળ વધીને ઘરમાં અને કુટુંબમાં પણ માગણીઓનો દોર ચાલુ જ રહે છે. સંતાનો પાસે આદર માગીએ છીએ, વડીલો પાસે કાળજી માગીએ છીએ, પતિ કે પત્ની પાસે પ્રેમ માગીએ છીએ, મિત્રો પાસે સ્નેહ અને મદદ માગીએ છીએ. જેની સાથે કંઈ જ લેવાદેવા ન હોય એની પાસે આપણી કોઈ ને કોઈ માગણી તો ઊભી જ હોય છે. સહેજ ન ગમે એવા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે આપણી સરેરાશ ઓળખાણ જ ‘માગણી’ અથવા ‘ભિખારી’ તરીકેની છે. આપણું ભિક્ષાપાત્ર હંમેશાં લંબાવાયલું હોય છે.

મજા એ વાતની છે કે આપણું ભિક્ષાપાત્ર સાવ નાનું અને છીછરું હોવાથી એ ભરાઈ જાય તો પણ ઓછું જ પડે છે. સાંજે ભરાઈ ગયેલું લાગે તો પણ બીજે દિવસે સવારે તો એ ખાલી જ હોય છે અને ફરી પાછું લાબું કરીને ઊભા થઈ જઈએ છીએ. એનું કારણ એ છે કે આપણને માગતાં પણ નથી આવડતું. આપણે પોતે જ એટલા સીમિત અને સંકુચિત છીએ કે આપણી માગણી કદી વિશાળ અને વિરાટ હોતી નથી. ક્ષુલ્લક માગણીના જવાબમાં ક્ષુલ્લક જ મળે. વિરાટ માગ્યું હોય તો જ વિરાટ મળે. પરંતુ વિરાટની માગણી કરવાની આપણી પહોંચ જ નથી હતી.

માગવાની ટેવ પડી ગઈ હોવાથી એક અનોખું સત્ય આપણી ધ્યાન બહાર રહી જાય છે કે માગીને મેળવેલું ક્ષણભંગુર હોય છે તથા એમાં કોઈ સ્વાદ પણ નથી હોતો. પરંતુ માગ્યા વિના જે મળે છે એમાં કંઈક જુદી જ મીઠાશ હોય છે અને કાળક્રમે એ જ સંપત્તિ બની જાય છે. જે માગતું નથી એનું પાત્ર પણ અસીમ અને વિરાટ હોય છે. એ કદી છલકાતું નથી કે ઢોળાતું નથી પરંતુ અસીમ પાત્રમાં એની મેળે કંઈક આવીને પડે એવી રાહ જોવાની આપણામાં ભાગ્યે જ ધીરજ હોય છે.

માગવાનો એક પાયાનો નિયમ એ છે કે જે આપે છે, એને કદી માગવું પડતું નથી. યુનિયન તરીકે પગાર, વેતન, અધિકારો બધું જ માગીએ છીએ. પરંતુ સંસ્થાને નિષ્ઠા, કાર્યક્ષમતા, નફાકારકતા વગેરે આપવાની દરકાર કરતા નથી. કોર્પોરેટ જગતમાં એવા ઘણા દાખલા છે કે કર્મચારીઓએ આવું બધું જ સંસ્થાને બિનશરતી આપ્યું છે ત્યાં સામે વગર માંગે કર્મચારીઓને અનેક ઘણું મળ્યું છે. સંતાનોને જે માતા-પિતા બિનશરતી ભરપૂર પ્રેમ આપે છે એને સામે એટલો જ આદર મળે છે. જે પતિ-પત્ની એકબીજાને બિનશરતી પ્રેમ આપે છે એ બંને તૃપ્ત બને છે પરંતુ આપણે તો આવતાં પહેલાં જ માગી લેવાનો પ્રબંધ કરી લઈએ છીએ. આથી આપણા બધા જ સંબંધો આપવા-આપવાના નહીં, પરંતુ માગવા-માગવાના બની જાય છે.

ખરી વાત એ છે કે આપણે જ્યાં સુધી માગતા જ રહીશું ત્યાં સુધી આપણી માગણી ક્ષુલ્લક જ રહેવાની. પ્રેમ માગો કે આદર, ભગવાનની કૃપા માગો કે મોક્ષ માગો બધું જ ક્ષુલ્લક રહેવાનું. એવી માગણી જ નથી કે તે સ્વયંમાં વિરાટ અને વિશાળ હોય, એટલે એમ પણ કહી શકાય કે જે વસ્તુની માગણી કરી એ ક્ષુલ્લક બની જવાની, માગણી છોડી દેવી એ ખરેખર તો બહુ અઘરી વાત છે. જે કંઈ મળ્યું છે એનાથી રાજી થઈ જવું, તૃપ્ત થઈ જવું, સંતુષ્ટ થઈ જવું અને અનુગ્રહિત થઈ જવું જરૂરી છે. એ વિના માગણી કદી અટકે જ નહીં. જે ક્ષણે માગણી કરવાની વૃત્તિ ખરી પડે છે અને નિર્વાસનાની સ્થિતિ આવે છે એ ક્ષણે વિરાટ અને વિશાળ પ્રાપ્તિનું અવતરણ થાય છે.

માગણી કરવાની અને માગ્યા વિના આપવાની એક વિશિષ્ટ મનોદશા હોય છે. જ્યારે કોઈ આપણી પાસે કશીક માગણી કરે છે ત્યારે આપણે એક મનોદશા અચૂક અનુભવીએ છીએ. માગણી સામે આવે ત્યારે મનમાં સંકુચન પેદા થાય છે અને આપણા હાથ ખચકાટ અનુભવે છે. એક પ્રકારની મજબૂરીનો તો અનુભવ થાય છે. સ્વભાવની કંજુસાઈ સપાટી પર ધસી આવે છે પરંતુ ક્યારેક કોઈએ કંઈ જ માગ્યું ન હોય અને કંઈક આપવાનું થાય ત્યારે સ્વાભાવિક મોકળાશ અને ઉદારતાનો અનુભવ થાય છે. મનમાં ખચકાટ નથી હોતો અને એક પ્રકારનો આનંદ અનુભવાય છે. કોઈ માગે અને આપવું પડે ત્યારે એવું લાગે છે કે કોઈક શોષણ કરી રહ્યું છે, પરંતુ માગ્યા વગર આપીએ ત્યારે મનમાં સમ્રાટ જેવો ભાવ થાય છે. આપણે જ્યારે કોઈની પાસે કશીક માગણી કરીએ ત્યારે સામી વ્યક્તિ આવા જ ભાવ અનુભવે છે અને એથી જ માગીને મેળવેલી ગમે તેવી કિંમતી વસ્તુ પણ ક્ષુલ્લક બની જાય છે.

આપણે જ્યારે પણ કોઈની પાસે માગણી કરીએ છીએ ત્યારે રીતસર એના મનમાં હળવી પણ ફાળ પડે છે. કોઈક કશું છીનવી રહ્યું છે એવી લાગણી થાય છે. આથી જ આપનાર કંજુસાઈના ભાવ સાથે આવે છે. આપે છે તો પણ બળજબરીથી અથવા કમને આપે છે. ભૌતિક-અભૌતિક બધી જ વસ્તુઓને આ વાત લાગુ પડે છે.

ઘણા એમ માને છે કે આપણા હકનું હોય એ જો ન મળે તો માગવું જ પડે. આ કદાચ વ્યવહારિક સત્ય લાગે, પરંતુ અહીં પણ એક ગેરસમજ પ્રવર્તે છે. જે હકનું હોય એમ આપણે માનતા હોઈએ તો વગર માગ્યે જ મળતું જ હોય છે. હકનું ત્યારે જ કહેવાય જ્યારે એ આપમેળે આવી મળે. જો એ ન મળે તો એને હકનું સમજવામાં ભૂલ છે, એમ માનવું વધારે ઉચિત છે. જેને આપણે હકનું સમજીને માંગીએ અને એ મળી જાય તો પછી એમાં હકનો સ્વાદ નથી હોતો એ ભિક્ષા જ બની જાય છે.

માગ ખરી પડે તો જ આ શક્ય બને. પરંતુ માગ ખરી પડે એ માટે જરૂરી પૂર્ણ સંતોષ, તૃપ્તિ કે અનુગ્રહ પ્રાપ્ત કરવો ખૂબ અઘરો છે. એનું કારણ એ છે કે આપણને જે કાંઇ મળે છે એ આપણી લાયકાત કરતાં ઓછું જ છે એવું હંમેશા આપણે માનીએ છીએ. આપણી ઇચ્છાઓ અને જરૂરિયાતોની સીમાઓ સદા વિસ્તરતી જ રહે છે અને આપણે સતત અતૃપ્ત રહીએ છીએ. જે કાંઈ મળ્યું અથવા જે કંઈ પાસે છે એ યોગ્ય જ છે અને પર્યાપ્ત છે એવી ભાવના વિકસાવવી બહુ અઘરી બને છે. અલબત્ત, એ અશક્ય નથી. માણસ ઈચ્છાઓનું પોટલું છે. એક પછી એક ઇચ્છા પોટલામાંથી બહાર નીકળતી જ રહે છે. પરિણામ એ આવે છે કે સુખના પછીના પગથિયાની ચાહમાં એ જે પગથિયા પર ઊભો હોય છે ત્યાં પણ સ્થિર રહી શકતો નથી. આમ દરેક પગથિયે ઉચાટ જ મળે છે. એને એ રહસ્યની જ ખબર નથી કે માગીને જે મળે છે એના કરતા નહીં માગીને અને આપીને ઘણું વધારે મળે છે. પરંતુ ઈચ્છાનું વળગણ કદી છૂટતું નથી અને એથી જ વંચિત રહેવું પડે છે અને જે મળે છે એનો સંતોષ નથી થતો.

આ જ સંદર્ભમાં એક સુખી સંત બાયજીદની વાત જાણવા જેવી છે. આ પ્રતીકાત્મક વાર્તા એવી છે કે બાયજીદ સતત પૂજા, પ્રાર્થના, નામ સ્મરણ, ભક્તિ બધું જ નિષ્ઠાપૂર્વક કરતા હતા પરંતુ ઇશ્વર પાસે કદી એમણે કશું જ માગ્યું નહોતું. બધા જ ભક્તો પ્રાર્થના કરી કરીને કંઈક ને કંઈક માગતા હોય અને આ એક ભક્ત કંઈ જ ન માગે ત્યારે ઈશ્વરને પણ થોડી અકળામણ થાય. ભગવાને પોતાના દૂત મોકલ્યા અને આ સંતને કંઈક માગવા કહ્યું. એણે કહ્યું કે, “મને માગવાનું કહ્યું એ માટે આભાર પરંતુ મારી કોઈ માગણી જ નથી.” દૂતોએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે બાયજીદએ કહ્યું, “જો ઈશ્વર મારા પર પ્રસન્ન હોય તો મને એક જ વરદાન આપે કે હું ક્યારેય એની પાસે કશું જ માનવું નહીં. મને માગવાની કદી ઈચ્છા જ ન થાય. કારણકે માગણી એની જરૂરિયાત કરતાં ઇચ્છાથી જ વધુ થતી હોય છે.

આ જ વાત મુ. કવિ શ્રી ચીનુ મોદીએ એમના એક પ્રસિધ્ધ શેરમાં કહી છેઃ

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,

એ જ ઈચ્છા છે તે એ પણ ન હો.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: