કટોકટીભર્યા વર્તમાન સમયમાં હૉસ્પિટલનું નામ પડે અને થથરી જવાય છે, ખરું ને!. કોઈ કદાચ એવો જ આશીર્વાદ ઇચ્છે કે દવાખાનું તો ક્યારેય જોવું ના પડે. પણ કોઈ એમ કહે ને કે, ઑક્યુરામાં જવાનું છે, તો એમ થાય કે ભલે સારવાર માટે નહીં પણ જો રોજ જવાનું થાય તો ય ગમ્યા જ કરે. જાણે વૃંદાવનના કોઈ બગીચામાં પ્રવેશ્યા ના હોઇએ! ઝરણાં જેવાં ફુવારા ખળખળ મૃદુ અવાજ સાથે રમ્ય દ્રશ્ય ઊભું કરતાં હોય. આંખો એક પરમ શાંતિનો અનુભવ કરે એવા વિશાળ ભવ્ય મકાનમાં જ્યારે તમે પ્રવેશ કરો અને, તે સમયે વાંસળીના મધુર સૂરો સાથે ધીમા તાલે તબલાની સંગત જાણે તમારું સ્વાગત ના કરતા હોય તેવું લાગે! આવી એક હૉસ્પિટલ છે એમ કહું તો તમને મજાક લાગે ને! ખરું ને! ઑક્યુરા નામ તો અંગ્રેજી છે, તે મૂળ ‘Occur’ શબ્દ પરથી બન્યો છે. જેનો અર્થ થાય છે.. ‘ઘટવું’ ‘બનવું’, ‘હોવું’. આપણી સામે અચાનક કંઈ બને અને તે દ્રશ્યમાન બને તે.. આંખોએ જે જોવાનું છે, તે જોતી થાય એટલે ‘ઑક્યુરા’..
અસલી ચમત્કાર તો હવે શરૂ થાય છે.
જ્યારે તમે આંખની સારવાર માટે ઍપોઇન્ટમેન્ટ લીધી હોય ત્યારે મનમાં તો નક્કી જ હોય કે પહોંચ્યા પછી પણ અડધો કલાક કે કલાક તો રાહ જોવી જ પડશે. રિસેપ્શનિસ્ટ પણ રુક્ષ અવાજમાં બોલશે, અને કહેશે કે સાઈડમાં બેસીને રાહ જુઓ. પણ એના બદલે રિસેપ્શનિસ્ટ હસતા ચહેરે મૃદુ અને ધીમા સ્વરમાં તમારું સ્વાગત કરે, આગળ વધવા માટે એક ફૉર્મ ભરવાનું કહે, તમને પેપર હોલ્ડરની સાથે એક ફોર્મ અને પેન આપીને લૉન્જમાં બેસીને લખાવાનું કહે.. લૉન્જમાં આવો એટલે તમે એ જગ્યા જોઈને જ અભિભૂત થઈ જાઓ. કોઈ થ્રી સ્ટાર હૉટલના વેઇટીંગ કોરીડૉરમાં બેઠાં હો તેવું લાગે. ભવ્ય અને આલિશાન સૉફા. નીચે ફર્શ પર મજાની જાજમ. ઉપર નજર કરો તો આંખોને આહ્લાદિત કરે તેવાં ઝુમ્મરો!! હજુ તો તમે માંડ સેટ થઇને લખવાનું શરૂ કરો ત્યાં શ્રાવ્યા નામે સુંદર કર્મચારી આવીને પૂછે કે તમને કોઈ મદદ કે સહાયની જરૂર છે? શું ફૉર્મ ભરાઈ ગયું છે? તમારી વર્તણૂંક પરથી તેમને જાણ થઈ જાય કે ફોર્મ ભરઇ ગયું છે કે, તુર્ત જ તમારું ફૉર્મ લઈ લેવામાં આવે. હવે આપણને થાય કે બીજી દસેક મિનિટ તો સાચી. હજુ તો આજુબાજુ નજર કરો ત્યાં તમને કોઈ રિસેપ્શનિસ્ટ પ્રેમથી લેવા આવે. અને પ્રિ-ચિકિત્સા વિભાગમાં જવાનું કહે. ત્યાંના ડૉક્ટર પોતાનો પરિચય આપે, અને અહીં શું સારવાર કરવામાં આવી રહી છે તે વિશે જણાવે. તમારી કેસ -હિસ્ટ્રી અંગે એક પછી એક પ્રશ્નો પૂછતા જાય અને તે શાંતિથી લખતા જાય. ક્યાંય કોઈ ઉતાવળ નહીં. અત્યંત સ્નેહ સાથે વાત કરે. એમનું નામ નિહારભાઈ હતું. સારવાર રૂમ પણ એકદમ અદ્યતન સાધનોથી સજ્જ. સ્વચ્છતાના માપદંડની કદાચ સર્વોચ્ચ સીમા. આંગળીથી સફાઈ ચકાસો તો કદાચ આપણે તેને મેલું કરતા હોઈએ તેવું લાગે.

ઑક્યુરા હૉસ્પિટલ

વેઇટિંગ લૉન્જ
હા, મૂળ વાત હવે શરૂ કરું. હું તો એ ભવ્યતામાં ખોવાઈ ગઈ હતી એટલે વાત અધૂરેથી શરૂ થઈ. મલય એટલે કે મારા નાના ભાઈને છેલ્લા ઘણા સમયથી આંજણીની તકલીફ હતી. ઘરગથ્થુ ઉપચાર સામાન્ય રીતે કરતા હોઈએ તે ચાલુ હતા. ગરમ પાણીનો શેક લેવો, જૈન દેરાસરમાંથી સુખડ/ચંદનનો લેપ લાવીને લગાવવો, વગેરે વગેરે.. પણ ભાઈ જોખમી મસ્તરામ આંખના ડૉકટરને બતાવવાનું ટાળે. હું જ્યારે જ્યારે એ વિશે ટોકુંને એટલે હળવા રમૂજમાં એમ જ કહે હજુ મને આંખે દેખાય છે, હમણાં જરૂર નથી. ત્યાં તો આ અમદાવાદી સ્વભાવવાળાને મોબાઈલમાં એક જાહેરાત જોવા મળી ગઈ. આંખના ચેક-અપ માટે ફ્રી કૅમ્પ. ભાઈએ તો એક સેકન્ડની રાહ જોયા વગર શનિવાર સવારે ૧૧વાગ્યાની ઍપોન્ટમેન્ટ લઈ જ લીધી. કૉમર્સ, એકાઉન્ટસ્ અને ટૅલીનો નખશિખ માણસ.. મને સ્પષ્ટ કહી દીધું કે, જો આ બધી માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય, આપણને કંઈ જ ન હોય ત્યારે આ લોકો તમને કશુંક થયું છે, કરીને આપણને ફસાવે પણ ખરાં. પણ આપણે એમની વાતમાં આવવાનું નહીં. મેં પણ એમાં ટાપશી પુરાવી.
અમે બરાબર સમય પર ત્યાં પહોંચી ગયા. અને ગાડી પાર્ક કરીને જ્યાં એ ભવ્ય અને આલિશાન મકાન પર નજર કરી એટલે જે માન્યતા હતી તે વધુ દ્રઢ થઈ. આટલી મોટી માત્ર આંખની હૉસ્પીટલ હોય તો દર્દીઓ ભેગા કરવા આવા પેંતરા જ કરે ને… હૉસ્પિટલમાં પ્રવેશ કરતાં પહેલાં અમારી આ મનઃસ્થિતિ હતી. અને જ્યાં પ્રવેશ કરતા કરતા ગયા ત્યાં મન બદલાવવા લાગ્યું. સ્વચ્છ અને પાણીદાર કાચના પ્રવેશ દ્વાર પર સિક્યુરિટી ગાર્ડે અમને સરસ રીતે માનપૂર્વક આવકાર્યા. જવા માટે સેનિટાઈઝ કર્યા અને અંદર જવા માટે માર્ગદર્શન આપ્યું.
આગળ જણાવ્યું તે પ્રમાણે અમે ફૉર્મ ભર્યા અને નિહારભાઈએ મુખ્ય ડૉક્ટરને મળતાં પહેલાં અમારી કેસ હિસ્ટ્રી અને આંખના નંબરની તપાસ કરી. આંખના નંબર તપાસવાનું મશીન એટલે કેવું મશીન? પેલા લોખંડના ભારેખમ ચશ્મા નહીં પહેરવાના, એવું અદ્યતન કે તેમાં એ મશીન જ જરૂરિયાત થાય તે પ્રમાણે ગ્લાસ બદલી નાંખે. તમારે દૂર અને નજીકનું વાચન કરતા જવાનું. સહેજ પણ ઉકળાટ કે કંટાળ્યા વગર જ્યાં સુધી તમને સંતોષ ન થાય ત્યાં સુધી તપાસ ચાલુ રાખે. તમને ક્યાંય પણ કન્ફ્યુઝન થાય એટલે બે વખત પૂછે અને પછી નોંધ કરે. એ પછી તેઓ છેક બહાર સુધી તેઓ મૂકવા આવ્યા, પછી રિસેપ્શનિસ્ટે અમને બીજા કોરિડૉરમાં બેસાડીને રાહ જોવાનું કહ્યું. અમને થયું હવે તો કલાક સાચો. ત્યાં જ ડૉ. મયૂરીબેન ખમાર આવ્યાં અને અમને પૂછ્યું, શું તમારું ચેક-અપ બાકી છે? અમે હા કહ્યું, એટલે તરત જ તેઓએ જાતે કાઉન્ટર પર જઇને અમારા કેસ પેપર મંગાવી લીધાં અને બેનને સૂચન કરતાં જણાવ્યું કે શા માટે આપણે તેમનો સમય બગાડવો જોઇએ. પ્રથમ મલયની તપાસ કરી. ખૂબ સ્નેહપૂર્વક વાત કરી. તબિયતની કાળજી લેવા અંગે કહ્યું. આંજણીમાં ઇન્ફેકશન થયું છે, એ માટે શેક લેવાનો, ટીપાં નાંખવાના અને એક ઓઇન્ટ્મેન્ટથી કેવી રીતે મસાજ કરવાનો તે બધું જ ત્રણ વખત સમજાવ્યું. મસાજ કેવી રીતે કરવાનો તે તો એમણે પોતે પોતાની આંખ પર મસાજ કરીને બતાવ્યું. પછી અમને કહ્યું કે, તમને ડાયાબિટિસ છે માટે પડદાનું અને મોતિયાનું પણ ચેક-અપ કરી લઈએ. એટલે અમને આંખમાં ટીપાં નંખાવ્યાં. એમાં વીસ-એક મિનિટ ટીપાં નાંખીને બેસવાનું હતું. સાથે સાથે એ પણ જણાવ્યું કે ટીપાં નાંખ્યા પછી તમને બધું ચમકતું લાગશે, આંખો અંજાઈ ગઈ હોય તેવું લાગશે. આટલી ઝીણવટભરી રીતે કોણ વાત કરે છે?
અમે આંખો બંધ કરીને બેઠાં. વાંસળી અને તબલાંની સંગત વાતાવરણને વધુ શાંત બનાવતી હતી. જાણે ધ્યાનમાં ઊંડા ઉતરતાં જતાં હોઈએ તેવો અનુભવ થયો. ત્યાં થતી અવર-જવરમાં પણ સહુ કોઈ શાંત સ્વરમાં વાતો કરતાં હતાં. કોઈ રઘવાટ નહીં, કોઈ ઉચાટ નહીં, બધું જ જાણે.. શાંત અને રમ્ય.. સાથે મોગરાના ફૂલની સુગંધ વાળો સ્પ્રે પણ વાતાવરણને મહેંકાવતો હતો.
વીસ મિનીટ પછી ડૉ. મયૂરીબહેને અમને ફરી તપાસ્યાં. અમને બંનેને પડદાની કે મોતિયાની કોઈ ખામી નથી, એવું જણાવ્યું, ત્યારે એક રાહતનો શ્વાસ લીધો. મને કોઈ જ તકલીફ નથી, પણ ડાયાબિટિસ કંટ્રોલમાં રાખવાનું સૂચવ્યું. મલયે ત્યારે મયુરીબહેનને કહ્યું કે, અમારા મનમાં હતું કે, આ કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી હશે, અને અમે ડરતાં ડરતાં આવ્યા હતા.પણ અહીં અમને ખૂબ જ માનવીય વ્યવહારનો અનુભવ થયો. ત્યારે તેઓએ જણાવ્યું કે, અહીં સાચી સારવાર જ થાય છે. કોઈ પણ ડોક્ટરને કે કર્મચારીને કોઈ ટાર્ગેટ પૂરો કરવાનો હોતો નથી. મેડિસિનના ક્ષેત્રમાં માલપ્રેક્ટિસ થતી હશે, પણ આ હૉસ્પિટલ અપવાદ છે. એટલું જ નહીં, અદ્યતન બનાવવાનો નિરંતર પ્રયાસ થાય છે. ચાર મોટાં ઓપરેશન થિયેટર્સ છે. પાંચ અનુભવી નિષ્ણાત ડોક્ટરો સેવા આપે છે. જ્યારે પણ કોઇ વિશેષ પ્રસંગ હોય કે કોઇ કેમ્પેઇનનું આયોજન હોય ત્યારે તેઓ અંધજન મંડળ સાથે મળીને તેઓના કલાકારો દ્વારા લાઈવ મ્યુઝિકનો પ્રોગ્રામ રાખે છે. સ્વચ્છતાને પ્રાધાન્ય અપાય છે. વાચન માટે લાયબ્રેરી, રિક્રિયેશન રૂમ તેમજ ભવિષ્યમાં પંચકર્મની સારવાર પણ ઉપલબ્ધ કરવાના છે. હોલિસ્ટિક દ્રષ્ટિકોણ સાથે સારવાર અપાય છે. અમારી સાથે તેઓએ એક આત્મીય સ્વજન તરીકે વાત કરી. અમારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. ત્યાં ઉપસ્થિત તેઓના આસિસ્ટન્ટ જિજ્ઞાબહેને અમને પ્રતિભાવ લખવાનું કહ્યું. ત્યાં એક સ્ટેન્ડ પર રંગબિરંગી કાગળો સાથે લખવાની સુંદર વ્યવસ્થા હતી. મેં જે અનુભવ્યું તે ત્યાં રજૂ કર્યું. તેનો ફૉટો અહીં રજૂ કરું છું.

પ્રતિભાવનો ફૉટો
એ પછી સુમન, અમૃતા એમ બે બહેનો અને ધ્રુવભાઈએ અમને હૉસ્પિટલ બતાવી. ઇનડૉર પેશન્ટ માટેના રૂમ બતાવ્યા. લાગે કે જાણે કોઈ ભવ્ય રિસોર્ટમાં રિચાર્જ થવા આવ્યા છીએ. તેઓએ કીધું કે, તમારા પ્રતિભાવની વિડિયોગ્રાફી કરીએ? અમે કીધું ભલે… પછી તો અમૃતાએ એક રૂમમાં તેની વ્યવસ્થા કરી. ત્યાં અમને જે સહજસ્ફૂર્ત હતું તે તાત્કાલિક બોલ્યા. કોઈ જ પૂર્વતૈયારી વગર… અમારા અનુભવને અમે નિઃસંકોચ જે લાગ્યું તે જણાવ્યું. મલયે સ્પષ્ટ જણાવ્યું કે, ભારતમાં અને તે પણ અમદાવાદમાં આ સ્તરની હૉસ્પિટલ હોવી એ ગૌરવની વાત છે. ઘણા લોકો પૈસા ખર્ચવા તત્પર હોય તો પણ આવી સુવિધાઓ મળતી નથી હોતી, ત્યારે તેઓ મુંબઇ અને વિદેશ જાય છે. અહીં માનવીય વ્યવહાર સાથે જે ટ્રિટમેન્ટ મળી તે માટે સો સો સલામ!
નીચેની લિંક પર તમે તે વિડિયો જોઈ શકશો.https://www.instagram.com/tv/CGOEuiJpCi2/?igshid=ibsmyyw46oba
અમને એ પણ અનુભવ થયો કે ત્યાં કામ કરતાં કર્મચારીઓ પણ એકદમ સંતુષ્ટ હતાં. તેઓએ જ એ હૉસ્પિટલમાં ઘણી જગ્યાએ ઇનોવેશન સાથે ઇન્ટિરિયર ડેકોરેશન પણ કર્યું છે. તેઓને આ સંસ્થામાં કર્મચારી હોવાનું ગૌરવ અને સ્વાભિમાન હતું.
અમે એક અલૌકિક અને દિવ્ય અનુભવ સાથે ત્યાંથી વિદાય થયાં. મનમાં એ જ થતું હતું કે, મેડિસિનનો વ્યવસાય તો માનવ સેવાનો છે, પણ તે ક્યારે ધંધામાં પરિવર્તિત થઈ ગયો તેની ખબર ન પડી. આ હૉસ્પિટલ તો છે જ.. રૂપિયાના બદલામાં સેવા છે, પણ આશ્રમ જેવો વ્યવહાર અને વાતાવરણ છે. એટલે જ ઑક્યુરા એટલે – આંખને અજવાળતો આશ્રમ!! અમે એનું નવું નામ વિચાર્યું છે “નેત્રાશ્રમ”

તમે નીચેની વેબસાઈટ પર તેના વિશે વધુ વિગતે જાણી શકશો.