સવારના સાડા ચાર થવા આવ્યા. રાત હવે રાત રહી ન હતી. રજાઈમાં ઊંઘને લપેટીને ગોળવાળી દીધી. બાકી જે વેરાઈ ગઈ હતી તે તપેલીમાં ચાના પાણી ભેગી સ્ટવ પર ઉકળવા મૂકી દીધી. શિયાળાની રાત હતી. છતાં મોહ ઊતરતો ન હતો. બારી ખોલી નાખી. સામે પણ બરાબર એ જ ક્ષણે બારી ખૂલી. સામે સામે બે ચહેરા એકબીજાને છેદીને, એકબીજાની વિરુધ્ધ દિશામાં કોણ જાણે કેટલે પહોંચી ગયા! એક ક્ષણ તો પાછો હઠી ગયો અને આંખની પાંપણ પરના ઝીણા ઝીણા વાળની જાળ ગૂંથીને બારી પર લટકાવી દીધી અને જાળના એક એક ચોકઠામાંથી અતીતની લાશો ઘસડવા માંડી.
આ ચાર દીવાલમાં આજે કેટલું એકાંત ભાસે છે? ગઈકાલે સુધી જ્યારે જ્યારે આ ચાર દીવાલોની વચ્ચે એને જોતો ત્યારે જાણે આ ચાર દીવાલોમાં જ જગત આખું સમાઈ જતું. Change…. Change… એ જ તો માનવ સ્વભાવ છે ને! કદાચ એ માનવ સ્વભાવને લીધે જ મારામાં, એનામાં, આ ચાર દીવાલોમાં, આ જગતમાં, આ પાંપણોમાં, પાંપણો પરના ઝીણા વાળમાં અને આ બારીમાં આજે Change લાગે છે. ઘણાં કહે છે આજનો પ્રેમ તો ઘેલછા જ છે. That is also a change! કાંઈ નહિ… સ્વભાવ બદલાશે; આ રૂમ નહીં રહે, આ ચાર દીવાલો નહીં રહે, આ જગત નહીં રહે, હું નહીં રહું, એ નહીં રહે, એ પાંપણો… ઝીણા ઝીણા વાળ, આ બારી…. Replacement…. થવાનું જ છે. પછી ચિંતા શું?
આવું વિચારવા છતાં nervousness આવી જાય છે. છેલ્લા કેટલાય સમયથી આ બારી સાથે છેડો બંધાઈ ગયો છે. અનાયાસે પણ બારીમાંથી ડોકિયું થઈ જાય છે. જેને નિષ્ફળ જ કહેવાય એની નિરર્થક ચેષ્ટાઓ પણ થતી રહે છે. સમજ નથી પડતી કે હું સજીવ થઈને આ નિર્જીવ બારીનો છેડો કેમ તોડી શક્તો નથી. મને થઈ આવે છે કે પેલી તપેલીમાં ચા ભેગી જેમ ઊંઘ ઉકળે છે તેમ મારે આ બધી ચેષ્ટાઓને પણ એમાં ઉકાળીને ગાળ્યા પછી ગળણીમાં કૂચા ભેગી જ, આ જ બારીમાંથી બહાર ફેંકી દેવી જોઈએ… પણ બહાર પડીને એ જ ચેષ્ટાઓ નીચેથી પાછી આ જ બારીમાંથી પુનઃ પ્રવેશ કરશે તો? દૂર દૂર ફેંકી આવું? … હું અકળાઈ જાઉં છું મૂંઝાઈ જાઉં છું… પાછો પલંગ પર પડું છું… ફરી ઊભો થાઉં છું… ફરી બારી પાસે જાઉં છું… હજુ પેલી ચેષ્ટાઓ ચા ભેગી ઉકળવા નથી મૂકીને, એટલે!
અત્યારે ફરી પાછી એ જ અતીતની લાશો પેલી જાળના ચોકઠામાંથી ઘસડવા માંડી છે. એક ચોકઠામાંથી નીકળતા ફરીથી એને એ જ દેખાયા. ક્યા ભાવ હતા એ ચહેરા પર? એ તો ચહેરો જ જાણે! જરા નજીક આવ્યો. પરંતુ પેલી બારી બંધ થઈ ગઈ. વાળ વિનાની પાંપણો વડે પેલું ઝીણા ઝીણા વાળ વાળું જાળું છેદી નાખ્યું અને પેલી બાવીસ વર્ષ જૂની બારી ઝપાટાભેર બંધ કરી દીધી.
ફરીથી પલંગ પર પડ્યો. મારી ચેષ્ટાઓને પેલી બારીનો અકસ્માત નડ્યો. હવે લાગે છે કે થોડા કલાકો પૂરતી ચેષ્ટાઓ ઘવાયેલી છે એટલે ઉપદ્રવ નહીં મચાવે. પછી જરા ચાદર સરખી કરીને ચાર દીવાલો પર નજર કરું છું. ચારે દીવાલો પર લખી દેવાની ઈચ્છા થાય છેઃ એનું જ નામ જિંદગી…life is like that!