ક્યારનું ય આકાશ ઘેરાઈને બેઠું હતું, હું ક્યારનો એ અગાશીમાં આવીને ઊભો હતો, મારી પત્ની ક્યારની ય અંદરથી બૂમો પાડતી હતી. આકાશ ઘેરાઈને જ બેસી રહ્યું મને થયું કે આકાશને ચીરી નાંખવું જોઈએ પણ તો તો હત્યા થઈ જાય! હા, આકાશની હત્યા કરી નાંખવી જોઈએ!
બૂમો બંધ થઈ ગઈ. મને આશ્વાસન મળ્યું કે હવે તો આકાશની હત્યા થઈ શકશે, કોઈ જ અવરોધ નહીં નડે. જોરથી પવન ફૂંકાયો, મારા શરીરને એક જોરદાર ધક્કો લગાવી ને જતો રહ્યો. મને ઈચ્છા થઈ આવી કે એ પવનની પાછળ દોડી જાઉં, પકડી પાડું અને એને એક જોરદાર ધક્કો લગાવીને બદલો લઈ લઉં. બદલો લેવો એ પણ એક લાગણીનું જ જોર છે ને! પણ ના, હું અટકી ગયો, કારણ મારે પહેલાં આકાશની હત્યા કરવી હતી. હા, કદાચ અકારણ, નિર્હેતુક હત્યા! અને કારણ હોય પણ ખરું, હેતુ હોય પણ ખરો, પણ તેમ છતાંય એ હેતુઓ, એ કારણો મારા અતીતની માફક જ પ્રછન્ન થઈ ગયા હતા. બસ, હવે તો એક જ ઈચ્છા થતી હતી; હત્યા કરવી છે આ આકાશની!
મારો અતીત શું ખરેખર પ્રછન્ન છે? શું ખરેખર મારે અતીત જેવું કાંઈ છે ખરું? હા, છે તો ખરું, આ થોડી ક્ષણો પૂર્વે સંભળાતી બૂમો અતીતનું જ સંસ્કરણ છે ને! નહીંતર કદાચ બૂમો તો આ જ હોત, આવી જ હોત, પરંતુ છતાં કોઈક ભેદ હોત! આવા જ ઘેરાયેલા આકાશ નીચે, પવનના સૂસવાટા વચ્ચે, ગમતાં આકાશની નીચે વહી જતું એક સ્વપ્ન જોયું હતું! આ આકાશ ગળી જાય, આ વાતાવરણ પીગળી જાય, આ ક્ષણોના ટુકડા ટુકડા થઈ જાય- તો કદાચ એ સ્વપ્ના ઘેરા જાળામાંથી બહાર નીકળી હું શ્વાસ લઈ શકું, હું જીવી શકું! પરંતુ આ આકાશ ક્યારનું યે એમને એમ જ બેસી રહ્યું છે, ગળતું જ નથી ને! અને એથી જ મને એની હત્યા કરી નાંખવાનું મન થાય છે.
મારા અતીતની પણ બલિહારી છે; હું ગઈકાલે યુદ્ધખોર હતો, હવે હત્યારો છું, જો કે તાત્ત્વિક ભેદ તો બહુ નથી જ ને! અતીતનું મહત્વ શું? ઘણું બધું….ને અંદરથી ફરી બૂમ પડે તો કશું જ નહીં….અને બૂમ પડી…. પવને ફરી ધક્કો માર્યો…. અને જઈને પડ્યો હું એના ખભા ઉપર, એની બૂમો ઉપર, હણાયેલા આકાશની નિશ્ચેત લાશ ઉપર, રૂધિરના રડતા અવાજ ઉપર….