પ્રસ્તાવના ‘આનંદવન’ – ડૉ. પ્રવીણ દરજી
ઠીક ઠીક વર્ષો થયાં હશે એ વાતને કદાચ ‘સમભાવ’ દૈનિકનું એ પ્રથમ વર્ષ હતું. એ દૈનિકમાં ભૂપતભાઈએ મને કટાર લેખન માટે નિમંત્રણ આપ્યું. ‘ક્ષણનો વિરામ’ કટાર શરૂ પણ થઈ. પણ ભુપતભાઈને રૂ-બ-રૂ મળવાનું કે, ‘સમભાવ’માં જવાનું બન્યું નહોતું. પછી અમદાવાદ જવાનું કશુંક નિમિત્ત મળી આવ્યું. ‘સમભાવ’માં જવાનું પણ ત્યારે મનમાં ખરું અને એમ ઈતર કામો પતાવી ‘સમભાવ’ના કાર્યાલયમાં પહોંચી ગયો. ભૂપતભાઈને આવવાની હજુ થોડી વાર હતી. હું એમતેમ આંટા મારીને છેવટે ઉપર ગયો, પહેલે માળે. પેસેજની બાજુમાં જ એક ટેબલ ઉપર બેઠેલા ભાઈને મળ્યો. હું કટારલેખક છું એવી વાત થઈ. મારી સામે બેઠેલા ભાઈએ મારું નામ સાંભળતા ખૂબ આનંદ પ્રકટ કર્યો. આગ્રહ કરી ચા પીવરાવી. પાતળિયો દેહ, મધ્યમસરની ઊંચાઈ, વિશાળ ભાલ, શ્યામવર્ણ, ચબરાક આંખો, શુધ્ધ ઉચ્ચારો, અનેક વિષયો ઉપર ક્ષણમાં ફરી આવતી મેઘા – હું યુવકને જોતો રહ્યો. એ યુવક તે દિવ્યેશ ત્રિવેદી. સ્નેહનો તાંતણો ત્યારથી બંધાયો એ બંધાયો. એ યુવક માટે પછી સદાનો મારો પ્રેમપૂર્ણ પક્ષપાત રહ્યો છે. દિવ્યેશના પ્રથમ નિબંધ સંગ્રહ વિશે પણ તેથી જ ઉમળકાથી મેં લખ્યું.
મળવાનું નહિવત્ બને. પણ સંબંધોમાં, અંતઃસૂત્રીય લગાવમાં, કશો ફેર નહિ. વચ્ચે જાણ્યું કે તેમણે ‘સમભાવ’ છોડ્યું, તબિયત બગડી, શ્રવણ શક્તિના ચિંતાજનક પ્રશ્નો ઉભા થયા. મેં એ સંદર્ભે પૃચ્છા કરતો પત્ર લખ્યો. કેટલીક વણમાગી ઉપચાર સલાહ પણ આપી! સ્નેહભાવમાં આમ થવું સહજ પણ છે. તરવરાટવાળા, તેજસ્વી યુવકને આ બધી શારીરિક પીડાઓ શા માટે? – એવો જાતને મેં પ્રશ્ન પણ કર્યો. પણ વિધિ આપણા પ્રશ્નો ઓછા સાંભળે છે!
બરાબર ચિંતાના આવા દિવસોમાં જ દિવ્યેશનો પત્ર આવ્યો, નવા સંગ્રહની પ્રસ્તાવના માટે. મને બે રીતે આનંદ થયો. એક તો દિવ્યેશ રોગોને ઓળંગીને લખી રહ્યા છે એનો અને બીજો – જોઉં તો ખરો કે હવેની એમની નિબંધસૃષ્ટિ કેવી છે, ક્યાં તે ફંટાય છે, પેલું ઉગ્ર-ઓજસ્વી રૂપ અક્ષત છે કે કેમ – વગેરે વગેરે બાબતે.
અત્યારે મારી સામે ‘આનંદવન’ એવા શીર્ષકતળે આખી ને આખી હસ્તપ્રત પડી છે. બધા જ નિબંધો સમય ચોરી ચોરીને છેલ્લા અઠવાડિયામાં વાંચી ગયો. થયું દિવ્યેશ હજુ તાજા છે, પ્રતિક્રિયાઓની તીવ્રતા હજુ ઘટી નથી. સામા પૂરે તરવાની વૃત્તિ હજુ અકબંધ રહી છે. ‘લોકસત્તા-જનસત્તા’ કે અન્ય દૈનિકો માટે ભલે તેમણે આ લખ્યું હોય, પત્રકારત્વ ભલે એમાં કારણભૂત બન્યું હોય. દિવ્યેશના નિબંધો વાંચી નાખીને ભૂલી જવાના ગોત્રના નથી. વાંચીને તેને મમળાવતા રહેવું પડે, વિચાર સાથે અસંમત થઈએ ત્યારે પણ તેનો આદર કરવો પડે તેવું એમાનું વિચારદ્રવ્ય છે. દિવ્યેશના આ નિબંધો માત્ર તથ્યસભર જ નથી, તત્ત્વસભર પણ છે. ક્ષુબ્ધ-વિક્ષુબ્ધ કરે તેવા વિચારઅંશોને આગળ કરીને તેમણે આ નિબંધો આપ્યા છે. છાપાની શિસ્તને કારણે તેનું રૂપ સંક્ષિપ્ત પ્રકારનું, નાસાગ્ર અને ધારદાર છે. ઈતિહાસ, મનોવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર, સાહિત્ય, વિજ્ઞાન વગેરે પ્રદેશોમાં પ્રવેશવું પડે તો પણ તે પોતાના વિચારને વળ અને બળ આપવા પ્રવેશી જાય છે. એમ કરીને પોતાના વિચારની તે ધાર કાઢી આપે છે, તેને વધુ મર્મસભર કરી મૂકે છે.
જુઓ, તેમને છાપા માટે ભલે લખ્યું હોય પણ, પછી મુદ્દો જ તે એવી રીતે વિસ્તારે, એમાંથી કોઈ ચિરઅંશને એવી રીતે પકડી લે કે તત્કાલીનતા એમાં ઓગળી રહે. કશાક સ્થાયી તત્ત્વનો પછી તેમાંથી સંકેત મળી રહે. નેપાળના રાજા બિરેન્દ્ર અને રાણી ઐશ્વર્યાની હત્યા – સર્વજ્ઞાત ઘટના છે પછી એ ઘટનાને મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં મૂકી પિતૃત્વ એક અંધારો ઓરડો કેવી રીતે બનતું આવ્યું છે તે તેમણે સદ્રષ્ટાંત બતાવ્યું છે. બિપ્લવ રૉય ચૌધરીની ફિલ્મ ‘શોધ’, ગુનેગારીનું સમીકરણ, શાંતિ-અશાંતિ, વિચારોની વખારમાં લટાર, બેભાનાવસ્થા, હૃદયની કેળવણી, ભાવુકતા, વાર્ધક્ય, સ્વતંત્રતા, મૂર્છિત માણસ, લોકેષણા, વગેરે સંખ્યાબંધ વિષયો ઉપર અહીં નિબંધકારનું વિમર્શન જોવા મળે છે. વૈચારિક ભૂમિકા ઉપર વિસ્તરતા આ નિબંધો મૂળ વિષયને કેન્દ્રમાં રાખી પરિઘ ઉપર વારંવાર ફરી આવે છે. આમ કરવા જતાં વિષયની નવી નવી બારીઓ ખૂલતી જણાય. મૂળ તથ્ય, વિષય માત્ર આધાર હતો તેવું સમજાય અને એ નિમિત્તે લેખક જીવનના વ્યાપક સત્ય પાસે આપણને ખડા કરી દેવા જ આ બધું કરી રહ્યા છે તેનો પણ ખ્યાલ આવે. જૈનદીક્ષાના એ વિરોધી નથી પણ એની ઝાકમઝોળના તો તે વિરોધી છે જ. લોકેષણા છેવટે ત્યાગના વિષયમાં પણ માણસને કેવો ગુલામ બનાવી દે છે તે તેમણે ખૂબીપૂર્વક ‘લોકેષણાની ગુલામી’માં બતાવ્યું છે. ‘રહસ્યોના જાળા’માં ‘મૂર્છિત માણસ’માં જાત વિશે વિચારવાનું અને જાત માટે રહસ્ય ન બની રહેવાનું તેમનું તારણ – પણ એ પ્રકારનું છે. રાષ્ટ્રના સ્વાતંત્ર્યમાં વ્યક્તિ સ્વતંત્રતાનું મૂલ્ય ઓછું ન અંકાવવું જોઈએ, વ્યક્તિ સ્વાતંત્ર્ય પણ એટલી જ મહત્વની બાબત છે તે તેમણે ‘સ્વતંત્રતા’ જેવા નિબંધમાં બતાવ્યું છે. આશંકાઓ પણ જીવનને કેવી–રીતે ઘમરોળી નાખે છે, એવે વખતે માનવી પાસે આવેલી તક કેવી સરી જાય છે તે તેમણે ‘આશંકાનું અફીણ ને મરેલા જીવ’માં સમુચિત રીતે બતાવ્યું છે.
‘ટૂંકી નજરનું કેદખાનું’ કે ‘ગુનેગારીનું સમીકરણ’ જેવા ટૂંકા, વિચારપ્રધાન નિબંધમાં દિવ્યેશની શક્તિઓનો અપેક્ષિત આંક જોવા મળે છે. જાહેરજીવનમાં અને વ્યક્તિગત જીવનમાં માણસ કેવું છીછરું, ટૂંકું, સ્વાર્થી વિચારે છે. માણસ કેવો વિભાજિત થઈ ગયો છે તે વિશે તેમણે તીવ્રતાથી કહ્યું છે. તેમનું આ તારણ આક્રોશસભર હોવા છતાં તેમાં સત્યનો પણ એટલો જ રણકાર છે, વાંચોઃ
‘નજરની ભૌતિક સીમાઓને વિસ્તાર્યા વિના આપણે કશું જ પ્રાપ્ત કરી શકવાના નથી. ભૌતિક સીમાઓ માનસિક સીમાઓ પર પણ અસર કરે છે અને એ વિના દૂરંદેશી જેવી કોઈ વાત પ્રગટતી નથી. ટૂંકી નજરમાં કેદ થયેલા આપણે આપણી જ જાતના ગુનેગારો તરીકે જીવીએ છીએ અને ટૂંકી નજરના સંખ્યાબંધ પ્રત્યાઘાતોની સજા પણ ભોગવીએ છીએ. આપણી જ જાત પર આપણો અધિકાર નથી ચાલતો, પરિણામે આપણે આપણા પરનો અધિકાર પણ કોઈકને સોંપીને બફાતી ઈયળની માફક જીવવું પડે છે.’ નિબંધકાર અહીં વાચકને વ્યાપક સત્ય સમક્ષ મૂકી આપીને આપણી ટૂંકી નજરનાં દુષ્પરિણામો પ્રત્યે ચેતવે છે. ‘ગુનેગારીના સમીકરણ’માં નિબંધકાર એ રીતે જ પરંપરાગત વિચારોથી ફંટાઈને સપાટી પરના તથ્યોને ભેદીને તેની અંદર ઊંડા ઊતરે છે. અને એમ મૂળ તારને પકડે છે. જુઓ, એમનું અ નિદાન આજે કેટલું બધું સાચું ઠરે છે.
‘કાયદાનું શાસન, કાયદાનું પાલન અને કાયદા વિના પણ અપરાધનો અહેસાસ એ અતિશય વ્યક્તિગત બાબત છે. એને વ્યક્તિત્વના ઘડતર સાથે સંબંધ છે. વ્યક્તિ પોતાની જાત સામે ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી એ પોતાની જાતને ગુનેગાર સ્વીકારતી નથી. એની ભીતરી અદાલતને વિશુધ્ધ, ન્યાયી અને હિંમતવાન બનાવવાની આંશિક જવાબદારી કાયદા સાથે સંકળાયેલા તંત્રોની છે એને એમાં એ તંત્રો સરિયામ નિષ્ફળ નીવડ્યાં છે એટલું કબૂલવું પડશે. બાકી ખરી જવાબદારી સાંસ્કૃતિક ચેતનાની અને શિક્ષણની છે. સાંસ્કૃતિક ચેતના સુષુપ્તાવસ્થામાં છે અને શિક્ષણને વેપારી માનસનું કેન્સર ગ્રસી ગયું છે. પરિણામે અહેસાસ જાણે મરી પરવાર્યો છે.’
નિબંધકાર આમ અહીં, અથવા તો ‘આપણે પાણી જેવા’, ‘એક લટાર વિચારોની વખારમાં’, ‘આઈને એ સો ટુકડોંમેં’, ‘સણકો અને સિધ્ધિ’ વગેરે અને રચનાઓમાં વિષયના મૂળમાં જાય છે, એનાં મનોગત, મનોવૈજ્ઞાનિક કારણો વચ્ચે વિષયને મૂકે છે અને એમ તર્કશુદ્ધ તારણ ઉપર આવે છે. પ્રસંગ, ઘટના આમ અહીં માત્ર પ્રસંગ કે ઘટના નથી રહેતાં. તેનાં અન્ય સંદર્ભો, પરિપ્રેક્ષ્યો પણ વધુ સૂક્ષ્મતાથી ખૂલતાં આવે છે. પરિણામે નિબંધકારના મંતવ્યો, અભિપ્રાયો કે તારણોનું મૂલ્ય વધે છે. પત્રકારત્વને એમ અહીં લેખક અતિક્રમી રહે છે.
‘અડપલાં કરવાનો આનંદ’ જેવી કોઈક કોઈક રચના કે. પી. ગિલ કે રૂપન બજાજનો પરિચિત કિસ્સો લઈને આવતી હોવા છતાં પછી એ કિસ્સો મનોવૈજ્ઞાનિક સ્તરે પહોંચીને માનવ ચિત્તના કેટલાક સ્થાયી અંશોને પ્રકાશિત કરી આપે છે. અહીં ભાષા નર્મમર્મનું રૂપ લઈને, અન્ય નિબંધો કરતાં ફંટાતી જણાય છે, ને એમ લક્ષ્યને સિદ્ધ કરે છે. અન્ય રચનાઓ કરતા એ એની વિશિષ્ટતા રહી છે.
તો ‘વો કાગજ કી કસ્તી’ જેવી અપવાદરૂપ કૃતિ અહીં સ્મરણલીલા રૂપે રચાતી આવીને વિચારભ્રમણ નિબંધો લખનાર આ નિબંધકાર પાસે લલિતનિબંધો લખવાનું પણ સારું એવું ગજુ છે, તેનો આસ્વાદ પરિચય કરાવી રહે છે. મામા-મામીને ઘેર ગાળેલું શૈશવ, સ્વજનો અને તેમનું નિબિડ પ્રેમવર્ષણ – તેમજ સ્મૃતિની સાથે સાથે ચાલી રહેલા દિવસોનો વિષાદ પણ અહીં તેઓ પ્રકટ કરે છે. સાથે પરોક્ષપણે બદલાયેલા સમાજની તાસીર પણ તેમાંથી પ્રસ્ફુરિત થઈ રહે છે.
‘આનંદવન’ની આ સૃષ્ટિમાં બાળક થઈ જવાની વાત પણ છે. મૌનનાં નફા-નુકસાનની પણ તપાસ છે. શિક્ષણનું પણ પાંચ ‘વ’ સાથેનું સ્થિતિદર્શન છે. દિલગીરી અને દાનત વિશે પણ નુકતેચીની છે. બુદ્ધિના પકડદાવ કે ગંભીર જીવનના હળવા પ્રસંગોના કિસ્સા પણ અહીં છે. માહિતીના વિસ્ફોટની ચિંતા પણ છે, શરીરના ક્લોનિંગ સાથે મનના ક્લોનિંગની ભીતિ ને તેનાં પરિણામો વિશેની સજગતા પણ છે. વ્યવસાય ને મનગમતું કામ – વચ્ચેનો ભેદ, ડાયરી લેખન, કે નૂતન વર્ષનો ભીતરી પ્રવાસ જેવું પણ અહીં અવતર્યું છે તો પ્રેમને ચિત્તની શાશ્વત અવસ્થારૂપે જોવાનો લેખકનો અભિગમ પણ છે. કહો કે નિબંધકારની દ્રષ્ટિનો કેમેરા સતત ફરતો રહે છે – ભીતર, બહાર, સઘળે. પત્રકારત્વ નિમિત્ત બનીને પછી તેમની પાસે પ્રતિક્રિયા કરાવવા માટે તકાજો કરે છે અને એવી પ્રતિક્રિયા કેટલાક તાજા, ઊફરા જતા વિચારઅંશો ભાવકને સંક્રમિત કરી જાય છે. નર્મમર્મની ત્રેવડ પણ આ લેખકમાં છે તો લલિત નિબંધ રૂપે સ્વને વિસ્તારવાનું કૌશલ પણ છે તે પણ આપણે ઉપર જોયું.
‘આનંદવન’ની વિચારસૃષ્ટિ પરિચિત વિષયો, પ્રસંગોને આમ પૃથક રૂપે રજૂ કરે છે. પરિચિત કારણોની અહીં ફેરવિચારણા કે નવી વિચારણા પણ ક્યાંક છે. દિવ્યેશ આ બધું સહજ રીતે, હળવી રીતે કરી શકે છે તે તેમની નિબંધકાર તરીકેની વિશેષતા છે. નિબંધનો આરંભ વાર્તાની ઢબે કરે છે, વાચકના કૌતુકને જીવંત રાખે તેવા દ્રષ્ટાંતો કે કિસ્સા પણ વચ્ચે આવે, એમ વિચારદ્રવ્ય ખૂલતું જાય, છેવટે વળ લેતું લેતું તારણ ઉપર આવે, આપણને વિમર્શ કરવા ઉશ્કેરે. દિવ્યેશની આ રચનારીતિ છે. આવી રીતિમાં તેમના સરળ, સહજ, આવેશ ભર્યા ગદ્યની પણ એક ભૂમિકા રહી છે. બાળપણની સ્મરણલીલા કહેતી વખતે કે મનોવૈજ્ઞાનિક કારણોમાં ઊતરે ત્યારે પણ એમનું ગદ્ય અઘરું કે અસ્પષ્ટ બનતું નથી. ઊર્મિ અને તર્કને સંતુલિત રાખી શકે તેવું સહજ– સરળ એ ગદ્ય છે. પરિણામે તેમની વિચારદ્રવ્ય વાળી આ રચનાઓ શુષ્ક બનતી નથી. ‘આનંદવન’ મનાનંદનો તેથી પર્યાય બની શકવાની ક્ષમતાઓ દાખવે છે. દિવ્યેશ આશાઓ બંધાવતા આવે છે – સતત ને નવી નવી……
અભિનંદન અને સત્કાર….
પ્રવીણ દરજી,
લુણાવાડા.
૨૬-૧૧-૨૦૦૧
Really good essay ,yours knowledge is also useful for all people especially gujrati language and literature so much good…use of grammar also
LikeLike
તમારા પ્રતિભાવથી લેખનને પુષ્ટિ મળી. આભાર..
LikeLike
આનંદ વન માં જીવન ની વાસ્તવિકતા ના દર્શન થાય છે તેમજ માનવ ની દૂરદર્શી અને ભૌતિક ટૂંકી જોવાની રીત થઈ થતું નુકશાન પણ ખુબજ સુંદર રીતે આલેખન થયું છે જે વિચાર કરવા પ્રેરે છે. તેમજ મનોવૈજ્ઞાનિક પરીપ્રેક્ષ પણ છે.મને તો આનંદવન ખુબજ વાંચવી ગમી.
LikeLike
આપે ખૂબ ચીવટપૂર્વક અને ઊંડાણભર્યું વાંચન કર્યું છે, જે આપના પ્રતિભાવ પરથી જોઈ શકાય છે. આવી રીતે અમને પ્રોત્સાહિત કરતા રહેજો.
LikeLike