સ્વામી અમન અને એમના માતૃશ્રી શ્રી જયાલક્ષ્મી સાથે એક દિવ્ય મુલાકાત

ઘણી વાર એવા બનાવો બને છે કે મન વિચારો અને કલ્પનાઓમાં ખોવાઈ જાય અને તમને જે પ્રશ્નો થાય તેના ઉત્તર પણ ન મળે. પણ એ અનુભવ ચીર સ્મરણીય બની જાય અને ક્યાંય સુધી તમે એને વાગોળ્યા જ કરો.

દેવાંગ રાવલ (સ્વામી અમન – ઓશો સંન્યાસી) લગભગ સોળ વર્ષોથી અમારા સ્નેહી મિત્ર છે. બહુ ઝાઝું મળવાનું બનતું નથી, પણ સ્નેહનો તાંતણો ફેવિકોલની જોડ જેવો મજબૂત છે. ત્રણ દિવસ પર સાંજે એકાએક મારો ભાઈ મલય મને કહે, આપણે દેવાંગભાઇની આર્ટ ગેલેરીની મુલાકાતે જઈ આવીએ, એમને ફૉન કરીને એમની અનુકૂળતા જાણી લઈએ. મેં પણ સ્વાભાવિક જ હા કહી. અને બીજે દિવસે સાંજે અમન સ્વામીનો મલય પર ફૉન આવ્યો કે, મેં સોબો સેન્ટર- સાઉથ બોપલ તેમજ ગોધાવીથી મારી આર્ટ ગેલેરી દેવ દર્શન બંગલા પર મારા ઘરે જ બદલી નાંખી છે. તમે અને સ્મિતાબેન આવો. અમે તો અવાક્ જ રહી ગયા. કહ્યું પણ ખરું કે, કાલે જ તમને યાદ કર્યા હતા. મનોવિજ્ઞાનમાં ટેલિપથી કહે છે તે આનું જ નામ!

અને ગઈકાલે મંગળવારે સાંજે એમને ત્યાં અમે પોણા છ વાગ્યે પહોંચી ગયા. સ્વાભાવિક જ ઘરે પહોંચતા જ કલાકારનું ઘર હોય તેવું પ્રતીત થયું. ઘરની બહાર લીલા રંગના બાંબુથી બંગલાની દીવાલો પર ચિત્રકામ કર્યું હતું, જે અન્ય બંગલાઓથી સાવ ભિન્ન તરી આવતું હતું. ઘરે પ્રવેશ્યા પછી એમના મા તુર્ત જ મળવા આવ્યા. દેવાંગભાઈએ પરિચય કરાવ્યો. મારાં મમ્મી છે, ૯૧ વર્ષના છે, અને ૧૦૦મી વર્ષગાંઠ ઉજવીએ ત્યારે તમારે બંને આવવાનું છે. અમારી ખુશીનો તો પાર ન રહ્યો. કેટલો આત્મવિશ્વાસ અને અનહદ પ્રેમ! એ પણ જણાવ્યું કે આજ સુધી મમ્મીએ દવાની એક પણ ટિકડી ખાધી નથી. મમ્મી એકદમ સ્વસ્થ, પ્રેમાળ અને પ્રસન્ન ચહેરો. ખુરશીમાં બેસીને અમારી સાથે વાતોએ વળગ્યા.

મલય શાહ, મા જ્યાલક્ષ્મી અને સ્મિતા ત્રિવેદી

એમની વાતોમાં અમે તો ડૂબતાં જ ગયાં. એમ થયું કે સમયને જો પાછળ લઈ જઈ શકાતો હોત તો! અમને જિજ્ઞાસા એ હતી કે તેઓ ગાંધીજીને મળ્યા હતા કે નહીં? પૂછવા પર જણાવ્યું કે, હા, એમની સાથે તો અમે બહેનોએ રેંટિયો કાંત્યો છે. ત્યારે એક ગામમાં ગાંધીજી મહિનો રોકાયા હતા, અને બહેનો સાથે એક કલાક કાંતણકામ ચાલતું હતું, તેમાં તેઓ નિયમિત જતાં હતાં. તેઓએ કીધું કે, આઝાદીના દિવસે તો અમદાવાદ આખી રાત જાગ્યું હતું. બધા રસ્તા પર આવીને સ્વતંત્રતાનો અનહદ આનંદ મનાવતા હતા.

સોંઘવારીની વાતો કરતાં કરતાં એમનું હૈયું ધરાતું નહોતું અને અમારા આશ્ચર્યનો પાર રહેતો નહોતો. કહેતા હતાં કે, સાણંદથી અમદાવાદની આઠ આના ટીકીટ. વિક્ટોરિયા ગાર્ડન ઊતરવાનું. ફિલ્મ જોવા જઈએ તો ચાર આના ટીકીટ. પણ એમાં ભાઈઓ અને બહેનોએ અલગ અલગ બેસવાનું. પતિ-પત્ની પણ સાથે બેસી ન શકે. મારા તો સોળ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હતાં. દેવાંગના પપ્પા શિક્ષક હતા. ૪૦ રૂપિયા પગાર હતો. દોઢ રૂપિયાનો કેરોસિનનો ડબો અને અઢી રૂપિયાનો તેલનો ડબો. દસ/વીસ પૈસાનું એટલું બધું શાક આવે. બધો ખર્ચ કરીએ તો ય મહિને ૧૫ રૂપિયા જેવું તો બચી જતું હતું.

લગ્ન પછી ૧૩ વર્ષ સુધી સંતાન ન હતાં. ત્યારે સાણંદમાં એક ડૉ. શાંતિભાઇને બતાવ્યું હતું. મને જોઈને જે એમણે કહ્યું હતું કે, ક્યારે પેંડા ખવડાવો છો? ન મારી નાડી જોઈ કે ન મને તપાસી. ત્યારના ડૉક્ટરો સમગ્ર શરીરની સારવાર કરી જાણતા હતા. શરીર જોઈને રોગ પારખી શકતા હતા. એટલે મલય બોલ્યો કે હવે તો જમણી અને ડાબી આંખના અલગ અલગ ડૉકટર જોવા મળશે.

છ સંતાન થયાં, એમાંથી બેનું અવસાન થતાં બે દીકરીઓ અને બે દીકરાઓને ભણાવ્યા, ગણાવ્યા, સેટલ કર્યા. અનેક સંઘર્ષોમાંથી પસાર થઈને પણ આજે એમના ચહેરા પર જે સંતોષ છલકાતો હતો તે કોઈ દિવ્ય શક્તિનું જ પરિણામ હતું. વિશેષ તો એ પણ ખાસિયત લાગી કે આજના જમાના માટે એમણે કોઈ જ ફરિયાદ ન કરી, ન કોઈ નકારાત્મક વાત કરી. વાતચીતના સિલસિલામાં ક્યાંય કોઈ ઉચાટ નહીં, કોઈ અણગમો નહીં. ધીમો અને સહજ સરળ અવાજ, અને નરી મમતા..

અમને થયું કે, જીવનમાં જોઈએ છે શું? કેટકેટલા ઉધામા કર્યા. કેટલા રોગોને શરીરમાં નોંતર્યા? અને હજી ય સંતોષ તો ક્યાંય દેખાતો જ નથી. દવાની એક પણ ટિકડી વગરનું જીવન પોતે જ પોતાનામાં એક સિદ્ધિ છે. આવા ‘મા’ના દર્શન સ્વયં શક્તિ સ્વરૂપ ‘મા’ના દર્શન જ કહેવાય!

અમન સ્વામી, મા જયા લક્ષ્મી અને સ્મિતા ત્રિવેદી

પછી અમે સ્વામી અમનના ચિત્રો જોવા એમના રૂમમાં ગયા. બે કલાકનો સમય ક્યાં વીતી ગયો ખબર જ ન પડી. ખાસ તો દરેક કલાકારની પોતાની આગની શૈલી અને રીતરસમો હોય છે. સ્વામીજી લગભગ ૩૪ વર્ષોથી ચિત્રકલાના ક્ષેત્રમાં કાર્યરત છે. સવારે ચાર વાગ્યે ઊઠી જ જવાનું અને ધ્યાન કરવાનું. પછી સંગીત અને ધૂપની સુગંધ સાથે મનમાં જે તરંગો ખિલે તેને કેનવાસ પર ઊતારતા જવાનું. સવારે ૮ વાગ્યા સુધીનો સમય એટલે માત્ર એમનો સમય. એમના એકે એક ચિત્ર પાછળ એક એક કથા સંકળાયેલી હતી. રંગો, ડિઝાઈન અને એમાંથી પ્રસ્ફૂટિત થતો સંદેશ બધું જ અનન્ય અને અલૌકિક હતું. એમના તમામ પ્રદર્શનોના ફૉટા, સમાચાર પત્રોના કટીંગસ વગેરેની વ્યવસ્થિત ફાઈલ.. આ બધું જ એટલું સરસ રીતે ગોઠવાયેલું હતું કે, એમ થાય કે વ્યક્તિ સાતત્યપૂર્ણ રીતે બધું આટલું વ્યવસ્થિત કેવી રીતે રાખી શકતી હશે?

એમના બનાવેલા પૉર્ટેઈટ્સ તો ખરેખર અદ્ભુત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો અને સંતોના પૉર્ટેઈટ્સ જાણે ફૉટોગ્રાફ હોય તેવું પ્રતીત થતું હતું. તેઓએ એ પણ જણાવ્યું કે, જ્યારે તેઓ કોઈ આંખનું ચિત્રકામ કરે ત્યારે લગભગ દોઢેક કિલો વજન ઊતરી જાય. કારણકે આંખો વ્યક્તિની ઓળખ છે. ખૂબ ઝીણવટપૂર્વક કામ કરવું પડે.

એમની કલા સૂઝ અનેરી છે. તેઓનું કહેવું હતું કે, વ્યક્તિના વ્યક્તિત્ત્વ સાથે સુસંગત હોય તેવા ચિત્રો પસંદ કરીને તેમણે પોતાના ઘરમાં મૂકવા જોઇએ. ચિત્રો થકી ઘરમાં શાંતિનો અનુભવ થવો જોઈએ. બુદ્ધ પરના એક ચિત્ર બનાવવાનો અનુભવ જણાવતાં કહ્યું કે, બુદ્ધ પૂર્ણિમાની સાંજે ચંદ્ર ઊગવાનું શરૂ થયું અને ત્યારથી ચિત્ર દોરવાનું શરૂ કર્યું હતું તો સવારે સૂર્ય ઊગ્યો ત્યાં સુધીની રંગછટાઓને ચિત્રમાં અંકિત કરી છે. બીજા એક ચિત્રની વાત કરતા જણાવ્યું કે, પ્રથમ માત્ર કોરા કેનવાસને જોયા કરવાનું પછી એક બિંદું દોર્યું. પછી એ બિંદુને નિરખવાનું. ધ્યાનની એક એક પ્રક્રિયામાંથી આ રીતે પસાર થતાં જવાનું અને ચિત્રનો આપમેળે વિકાસ કરતાં જવાનું. એના રંગો, ડિઝાઈન કશું જ પૂર્વ નિશ્ચિત નહીં, જેમ જેમ ચિત્ર ઉદ્ભવતું જાય તેમ તેમ તેનો વિકાસ કરતાં જવાનું. ખૂબ અદ્ભુત ચિત્ર હતું. ત્યારે થાય કે ચિત્રને જોવાની દ્રષ્ટિ પણ શીખવી પડે અને કેળવવી પડે.

અભિવ્યક્તિ મનની જરૂરિયાત છે. અને આપણા સહજ સામાજિક સંબંધોમાં વ્યક્ત થતાં સંવાદની પણ. કોઈ સાહિત્યના માધ્યમથી અભિવ્યક્તિ કરે તો કોઈ ચિત્ર, સંગીત અને નૃત્યથી પણ કરે. સ્વામીજીમાં કશું જ મૉનોટૉનસ – એકધારાપણું ન દેખાયું. દરેક ચિત્ર એક અલગ સંદેશ અને એક અલગ કથા લઈને આવતું હતું. તેઓ ધ્યાનમાં ઊઠતાં તરંગોને સહજ સ્ફૂર્ત કેનવાસ પર ઉતારતા હોવાથી દરેક ચિત્ર એક માસ્ટર પીસ બની જતો હતો. આજ સુધી તેઓએ એમના એક પણ ચિત્રની કૉપી કરી નથી અને થઈ શકે તેમ પણ નથી. પ્રત્યેક ચિત્ર કોઈ નવા જ સંદેશ અને રંગો સાથે પ્રકૃતિ સાથે સત્સંગ કરે છે.

એક દિવ્ય શક્તિ ધરાવતાં માતાના કલાકાર પુત્રમાં પણ દિવ્યતાના અંશો હોય તે સ્વાભાવિક છે. મા અને કલાકાર પુત્રને મળીને અમારી માત્ર સાંજ જ સુધરી ગઈ તેવું નહીં, પણ જીવન જીવવાનો એક અલગ દ્રષ્ટિકોણ મળ્યો.  

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: