આ જગત એક આડેધડ વિડંબનાનો અરીસો,
જાણે એક ભયંકર ષડયંત્રનો કોઈ કારસો.
મખમલી રજાઈની મુલાયમતા પણ ખૂંચે કોઈને,
મરતો ભિખારી ન પામ્યો ય એક જરીપૂરાણો ચોરસો.
પાણી પીવડાવ્યા પછી એક રોકડાની જ આશ હતી,
ક્યાંથી લાવું છુટ્ટા, નોટો રહી છે માત્ર પાંચસો.
એકે એક માંગ પૂરી થવાનો શ્રાપ છે,
બસ, એક વાર જરી મૃગજળને તો તરસો.
ભીતરની નિર્માલ્યતા માફક આવી ગઈ છે,
અહીં તો જોઈએ ચારેકોર ભભકો ને ઠસ્સો.
લીધાં’તાં બધાં એણે ઊંચાઈના જ માપ,
ક્યાંથી ઊભા રહી લીધાં, તે તો તપાસો.
હવેલીમાં બંને કરે આપઘાતના વિચારો,
ઝૂંપડપટ્ટીમાં થાય ચાંદની પીધાનો જલસો.