બે કદમ આગળ, એક કદમ પાછળ,
દાખલાંની રમત કરતાં રાજનીતિ વધુ છે.
બોલે એનાં બોર ને નવ બોલ્યામાં ગુણ,
ભાષાના વિરોધ કરતાં વિવેક વધુ છે.
બેની દલીલોમાં હંમેશા ત્રીજો ફાવે,
સમયે સમયે વાતનો સંદર્ભ વધુ છે.
ન સગાં વહાલા ને વહાલા સગાં નહીં,
સંબંધ કરતાં પ્રેમની ભીનાશ વધુ છે.
કોયલ અને કાગડા વચ્ચે રંગભેદ ક્યાં?
હોવા સાથે વાણીની મધુરતા વધુ છે.
સમય સમયને માન, નહીં માણસને,
માણસને સમયમાં હોવાનું ભાન વધુ છે.
લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે,
તૃપ્તિ કરતાં અતૃપ્તિની તરસ વધુ છે.
ઘેર ઘેર ચૂલા ને વાસણ તો ખખડે,
સમજ કરતાં ઠાલું આશ્વાસન વધુ છે.
દીકરી ને ગાય દોરે ત્યાં જાય,
અસ્તિત્ત્વ કરતાં આધિપત્ય વધુ છે.
દીકરી એટલે સાપનો ભારો,
ભાર કરતાં પ્રતિષ્ઠાનો ડર વધુ છે.