જિંદગી એક અહર્નિશ રોમાંચોથી ભરપુર રહસ્ય છે, અથવા કહો કે જિંદગી અહર્નિશ રહસ્યોથી ભરપુર રોમાંચ છે. જો માનવ સર્જિત ઇન્ટરનેટ ટેકનૉલોજી આપણને ક્યારેક એના ક્ષણોમાં થતાં વ્યવહારથી ચકિત કે સ્તબ્ધ કરી દેતી હોય તો, ઈશ્વર, કુદરત કે અસ્તિત્વના ૠણાનુબંધનું આ નેટવર્ક કેવું અદ્ભુત હશે! કેન્દ્ર પરથી વિખરાયેલા સમયાંતરે કેન્દ્ર પર જ આવી મળે. પણ આ બધું ય અનુભવે ય સમજાય એવું તો નથી જ પણ આશ્ચર્યમાં ગરકાવ જરૂર કરી દે છે!
બન્યું એવું કે, ફેસબુક પર મિત્ર બનેલા શ્રી રમેશભાઈ પટેલ વિશે જ્યારે એ જાણવા મળ્યું કે તેઓ નડિયાદની સી. બી. પટેલ આર્ટસ્ કૉલેજમાં ભણ્યા છે. એટલે જિજ્ઞાસાવશ મેં પણ એ જાણવાની કોશિશ કરી કે તેઓ કઈ સાલમાં એ કૉલેજમાં ભણ્યા હતા. કેમ કે, હું પણ એ જ કૉલેજમાં ૧૯૮૦ની સાલમાં ભણતી હતી. અને વાતનો સિલસિલો શરૂ થયો. અમે બંને એ કૉલેજમાં એક જ વર્ષમાં તો નહોતા ભણ્યા પણ નવાઈની વાત એ જાણવા મળી કે, અમે કપડવંજની નારાયણ નગર સોસાયટીમાં જે બંગલામાં રહેતા હતા તે જ બંગલો તેઓએ ખરીદ્યો હતો અને ત્યાં તેઓ સપરિવાર રહ્યા હતા. તેમજ તેઓની સાથે સુખપુરામાં પડોશમાં રહેતા એમના ખાસ જીગરી મિત્ર રસિકભાઈ મારા પિતાજી પ્રો. વિ. કે. શાહના વિદ્યાર્થી હતા. તેમજ મારા જેઠ શ્રી ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીના પણ વિદ્યાર્થી અને પરમ મિત્ર હતા. લગભગ ૩૦થી ૫૦ વર્ષ જૂના સંબંધો એકાએક પુનઃ તાજાં થઈ ગયા. રસિકભાઈએ જ રમેશભાઈને પણ ભૂપેન્દ્રભાઈને ત્યાં અંગ્રેજી શીખવા મૂક્યા હતા ત્યારે તેઓ છઠ્ઠા ધોરણમાં ભણતા હતા. પછી તેઓએ અંગ્રેજી સાથે બી.એ. પણ કર્યું.
એમની સાથે મેસેન્જર પર આ બધી વાતચીત થતી હતી અને એમણે એમના ફાર્મ હાઉસ અને ખેતર વિશે જણાવ્યું, ઉપરાંત તેઓ નમસ્કાર ગુજરાતમાં દર ગુરુવારે ‘મેઘધનુષ’ નામે એક લેખમાળા લખે છે તે અંગે પણ વાત થઈ. અને સાહિત્ય અંગે એક અલગ જ અનુસંધાન સધાયું. તેઓએ બહુ જ ઉમળકાભેર સુખપુરા આવવાનું આમંત્રણ આપ્યું. આ બધી લગભગ દોઢ મહિના પહેલાંની જ વાત! અને અમે કાલે….
અને અમે કાલે સુખપુરાની અદ્ભુત, અલૌકિક અને દિવ્ય મુલાકાતે જઈ આવ્યા. આમ તો એનું વર્ણન કરવા માટે શબ્દોનું સામર્થ્ય તો નથી જ. પણ કોશિશ તો કરવી જ પડશે. બસ, લાગણી અને આત્મીયતાથી સભર, આનંદથી તરબતર મહેમાનગતિ માણી. શનિવારે ફૉન પર નક્કી કર્યું કે રવિવારે સવારે અમે ત્યાં જઈશું. મામાના દીકરા સંકેતને પણ પ્રકૃતિને નિહાળવાનો અજબ શોખ છે. તે પણ અમારી સાથે આવ્યો.
અમે રાતે એલાર્મ મૂકીને તો ઊંધી ગયા, પણ મલય ને હું એ વાગે તે પહેલાં ઊઠી જ ગયાં. બરાબર સાતને એક મિનિટે કારને સેલ માર્યો. કપડવંજ થઈને જ અમારી સ્કૂલ સી. એન. વિદ્યાલય, કૉલેજ અને સોસાયટીને નિહાળતાં નિહાળતાં, એનાં સંસ્મરણો વાગોળતાં વાગોળતાં નવ ને એક મિનિટે રમેશભાઈના ઘરે પહોંચી ગયાં.
બહુ જ ઉમળકાભેર તેઓએ અમારું સ્વાગત કર્યું. પહેલી વાર મળતાં હોઈએ તેવું લાગ્યું જ નહીં. એમનાં પત્ની દક્ષાબહેન, સાસરેથી આવેલી દીકરી મનાલી તેમજ દીકરો ધ્રુવ બધાં સાથે બેઠાં. વાતો તો ખૂટે જ નહીં. કેવી રીતે ફેસબુક પર મળ્યા અને આજે રૂ-બ-રૂ મુલાકાત થઈ રહી છે. પછી તેઓએ એમના મકાન અને ખેતર વિશે જણાવ્યું. ૧૦૮ વર્ષ જૂની આ જમીનના મૂળ વડોદરા રાજ્યના મહારાજા શ્રીમાન ફતેહસિંહ ગાયકવાડ સાથે જોડાયેલા છે. તેઓના દાદાએ આ જમીન મહારાજા પાસેથી ખરીદી હતી. ત્યારે તો એ બિલકુલ જંગલ હતું. પિતાશ્રીની ઇચ્છાને માન આપી તેઓ એલ.આઈ.સી.ની પેન્શનેબલ નોકરી છોડીને લગભગ ૨૨ વર્ષ પહેલાં ખેતીના વ્યવસાયને પોતાનું જીવન બનાવી લીધું.
હા, અમે એમના મકાનમાં પ્રવેશ્યા ત્યારે લગભગ ૨૦ જેટલા કામદારો મગફળીના ઢગલાની સફાઈ કરતા હતા. અમે તો ક્યારેય આટલી બધી મગફળી એક સાથે જોઈ જ નહોતી. મગફળીના પર્વતો જોઈ લો. એમણે સમજાવ્યું કે તમે દુકાનમાં જે સાફ કરેલી મગફળી ખરીદો છો, તેની સફાઈ આવી રીતે થાય. ત્યારે પ્રથમ આશ્ચર્ય તો એ થયું કે, ખેડૂતનું કામ સહેજે ય સરળ નથી.
અહીં સુધી તો અમે એક ચિત્તે બધું રસપૂર્વક શાંતિથી સાંભળતાં હતાં. ચા પીને તેઓ અમને તેમના ખેતરની મુલાકાતે લઈ ગયા. અહીંથી અમારી રોમાંચક યાત્રા શરૂ થઈ. એમના ઘરની પાછળ બહુ મોટો ખુલ્લો બગીચો, અમદાવાદમાં તો ફ્લેટ કે સોસાયટીવાળા જેને કોમન પ્લોટ કહે તેનાથી પણ મોટો…એમાં ચીકુ, મીઠો લીમડો, જાંબુ વગેરેના ઝાડ. કરેણ, જાસૂદ, મોગરા વગેરે ફૂલોની મહેંક એને સુગંધિત બનાવે. અને ખેતીનો સામાન તેમજ ટ્રેક્ટર રાખવાની સગવડ.
ત્યાંથી લગભગ છસ્સો ફૂટના અંતરે એમનું ખેતર.. અમે ચાલતાં જ ત્યાં ગયા. આજુબાજુ જ્યાં નજર કરો ત્યાં ખેતરો જ ખેતરો અને હરિયાળી જ હરિયાળી. આકાશ અને ધરતીનું મિલન દેખાયા કરે. એક મોટા ઝાંપાનો દરવાજો ખોલ્યો અને ખેડાયેલી જમીનના સરસ ચાસ પાડેલા જોયા. મગફળીનો પાક લઈને ત્યાં ચણા વાવ્યાં હતાં. પછી ટપક પધ્ધતિથી કેવી રીતે પાણી પીવડાવવામાં આવે છે તે બતાવ્યું. ભૂગોળમાં ભણવામાં આવ્યું હતું, પણ પ્રત્યક્ષ જોયું આજે જ. હવે રમેશભાઈ એક વૈજ્ઞાનિક તરીકે બોલતા હતા. તેઓએ કેવી રીતે આ પદ્ધતિને સમજ્યા, કેટલી મહેનત સાથે અહીં તેને કારગર બનાવી તે જણાવ્યું. રમેશભાઈના મતે ખેડૂત પાસે ૩૬ વિષયોનું તો રસિકભાઇના મટે ૪૦ વિષયોનું જ્ઞાન હોવું જોઈએ. વીજળી, હવામાન, જમીનના પ્રકાર, બિયારણ, એન્જિનિયરિંગ, દવાઓનો છંટકાવ વગેરે.. એ બોલતા જતા હતા અને અમને અમારા અજ્ઞાન વિશે વધુ ને વધુ બોધ થતો જતો હતો. એ પછી તુવેરના છોડ જોયા. તુવેર પણ કેટલા પ્રકારની હોય તે બતાવ્યું.

પછી ‘એપલ બેર’નું ખેતર આવ્યું. એ બોર ખાઈએ એટલે સફરજન જેવો સ્વાદ આવે. એને કેવા પ્રકારની દવાનો છંટકાવ થાય, એ બોરને ઉતારવા માટે શું કરવાનું વગેરે સમજાવ્યું ત્યારે તો એમ જ થાય કે આપણે લારી પરથી કે કોઈ શાકભાજીની દુકાનમાંથી જે વસ્તુ તૈયાર ખરીદીએ છીએ એના માટે કેટલો પરિશ્રમ અને માવજત ખેડૂતોએ કરવી પડે છે. ઈયળોના પ્રકાર, ઘાસના પ્રકાર અમે તો દંગ થઈને બધું સાંભળતા જતાં હતાં અને ખુલ્લા ખેતરો અને આકાશને જોતાં જતાં હતાં.


પછી એક ઝાડ નીચે લગભગ બપોરના બાર વાગ્યે બેઠાં. કોઈ એ.સી. કે પંખાની જરુર નહીં. મસ્ત ઠંડો પવન લહેરાય. એમ થાય કે પલંગ, ખાટલો કે ગાદલાંની પણ જરૂર નથી, જો ઊંઘી જઈએ તો એવી મીઠી નિંદર આવે કે ન પૂછો વાત! બાજુમાં લગભગ ત્રણ ચાર ફૂટ નીચે પાંચેક વિઘા જેટલું ખેતર હશે. તેની જમીન ઉપર-તળે કરવામાં આવી હતી. રમેશભાઈએ કીધું કે આ જમીનને હવે આરામ આપવાનો છે. આ બાબત અમારા માટે તો સાવ નવી જ હતી. જમીનને આરામ આપવાનો? તેઓએ કહ્યું કે, જો સતત પાક લઈએ તો જમીનના રસ-કસ ઊડી જાય. તેને ફળદ્રુપ રાખવા માટે તેના પર પાક નહીં લેવાનો. એક ખેડૂત નહીં પણ કોઈ તત્ત્વજ્ઞાની અમારી સાથે વાત કરી રહ્યા હોય તેવું લાગ્યું.
ખેતરની આજુબાજુ જે રીતે તેઓએ વાડ બનાવી હતી તે પણ અચરજ પમાડે તેવું હતું. પાકની સાચવણી અર્થે એક સૈનિકની જેમ તેઓ વિચારતા હતા. ખેતરને ખેડવા માટે તેને એવો ઢાળ આપ્યો હતો કે મૂશળધાર વરસાદ પડે તો ય છોડ નંદવાઈ ન જાય. પાણી છોડને જીવંત રાખે અને ધીમે રહીને વહી જાય. જમીનનો ઢાળ કેવો હોવો જોઈએ તેમાં એક વૈજ્ઞાનિક દેખાયા.
પાણીના બોર વિશે સમજ આપી. ત્રણસો ફૂટ ઊંડે પાણી મળે છે. કૂવો પૂરાવી દેવો પડ્યો, કારણકે, કૂવામાં પાણી હવે મળતું નથી. જમીનમાં પાણીનું સ્તર નીચું જતું જાય છે. ક્યારેક રાતે પણ ખેતરને પાણી પીવડાવવાનું થાય તો લગભગ ચાર કે છ કલાક રાતે પણ કામ કરવાનું થાય. એ પણ રાતે અંધારામાં જ કામ કરવાનું. આપણે તો નિરાંતે ઘરે એ.સી.માં ઊંઘતા હોઈએ પણ આ લોકો દેશનું રક્ષણ કરવા સૈનિકો જેવી રીતે જાગે છે તેમ તેઓ આપણા ખોરાક માટે જાગે છે. મને લાગે છે કે, પ્રત્યેક નાગરિકને છ મહિના લશ્કરની અને છ મહિના ખેતીવાડીની તાલીમ ફરજિયાત આપવી જોઈએ, જેથી તે દેશ અને અન્નનું મહત્ત્વ સમજે, તેના પ્રત્યે સંવેદનશીલતા કેળવે અને તેનો બગાડ થતાં અટકાવે. ખેડૂતને ‘જગતનો તાત’ શા માટે કહે છે તેનો બોધ થયો.
ત્યાંથી ઘરે આવ્યા ત્યારે લગભગ એક વાગ્યો હતો. આટલું તો શહેરમાં ચાલવાનું જ ન થાય. અમે લગભગ ત્રણ-ચાર કિલોમિટર ચાલ્યા હોઇશું. ભૂખ પણ લાગી હતી. અને મસ્ત મજાનું, સ્વાદિષ્ટ ભોજન દક્ષાબહેન અને મનાલીએ તૈયાર રાખ્યું હતું. પુરી, ગુલાબજાંબુ, ખમણ, બટાકાનું શાક, દાળ, ભાત અને છાશ.. બધું જ ઘરે બનાવ્યું હતું. તમને પણ મોંમાં પાણી આવી ગયું ને! ખૂબ જ પ્રેમપૂર્વક અમને જમાડ્યા.
પછી હિંચકે ઝૂલતાં ઝૂલતાં અલક-મલકની વાતો કરતા હતા અને રસિકભાઈ આવ્યા. એમના ઉમળકાનું તો પૂછવું જ શું? તેઓએ મારા પિતાજી પ્રો. વિ. કે. શાહ સાથેના તેમના ભણવાના પ્રસંગો યાદ કર્યા. પપ્પાજીના જ્ઞાન, વ્યક્તિત્વ અને સ્વભાવનું એમને જે ગૌરવ હતું તેનાથી અમારી આંખો છલકાઈ ગઈ. તેઓ કહેતા હતા કે, એમની પાસેથી હું જીવનના સાચા પાઠો શીખ્યો છું. કોઈના પણ પ્રભાવમાં આવી જવાનું નહીં, એમની એ વાત મારા મનમાં એવી ઠસી ગઈ હતી અને એટલે જ હું આટલા આત્મવિશ્વાસથી જીવી શક્યો. આજે પણ કોઈ પણ ચમરબંધી સામે અડીખમ ઊભો રહીને વાત કરી શકું. એમના જ્ઞાનનો વિશેષ લાભ મળે એ માટે અમે કપડવંજ વિદ્યાર્થી સંઘમાં એક સ્ટડી સર્કલ ચલાવતા હતા. દર શનિવારે કોઇ વિશેષ વિષય પર એમને પ્રવચન માટે બોલાવતા હતા. કપડવંજને એમના જ્ઞાનનો ખૂબ લાભ મળ્યો છે. એ જ રીતે ભૂપેન્દ્રભાઈ સાથેના સંસ્મરણો પણ જાણે ગઈકાલની જ ઘટનાઓ હોય તેમ વાગોળતા હતા. એક વિદ્યાર્થી પરમ મિત્ર પણ બની શકે. તેઓએ કહ્યું કે, અંગ્રેજીના કાળ વધુ સરળતાથી શીખી શકાય તે માટે તેઓએ જાતે એક મોટા કાગળની શીટ પર આલેખ બનાવીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને ભૂપેન્દ્રભાઈએ એ માટે તેઓને શાબાશી આપી હતી. રસિકભાઈના કહેવાથી જ ભાઈએ ટ્યુશન વર્ગો શરૂ કર્યા હતા, જેમાં ધોરણ પાંચથી માંડીને કૉલેજના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગો ચાલતા હતા. એક શાળામાં ભણે તેટલા વિદ્યાર્થીઓ ભૂપેન્દ્રભાઈ પાસે એક દિવસમાં ભણવા આવતા હતા. એટલું જ નહીં, બહારગામ કે પરદેશ વસ્યા હોય અને કપડવંજ આવવાનું બને તો ભાઈને મળવા પણ જવાનું જ અને ભાઈ નામથી તેને બોલાવે.
અમારે ત્રણ વાગ્યે ત્યાંથી વિદાય લેવી હતી, જેથી અજવાળે અજવાળે અમદાવાદ પરત આવી શકાય. પણ એમનો આગ્રહ કે તમને શહેરમાં મગફળીનો તાજો ઓળો ખાવા ન મળે, એટલે મારા ખેતરે તો આવવું જ પડશે. વાંકાચૂકાં, ખાડાટેકરાવાળા રસ્તાઓ પર કાર ચલાવવાનું બહુ જ અઘરું લાગતું હતું. રસિકભાઈ તો રાજમાર્ગ પર ગાડી ચલાવતા હોય તેમ લઈ ગયા. રમેશભાઇએ અમારી ગાડી લઈ લીધી. અમે અદ્ધર શ્વાસે રસ્તાને જોતા હતા. પણ સહેજ પણ આંચકો ન આવે એ રીતે અમે એમના ખેતરે પહોંચ્યા. એટલું મોટું વિશાળ ખેતર કે જ્યાં નજર કરો ત્યાં આકાશ અને ઘરતીનું મિલન કરતી ક્ષિતિજો જ દેખાય. મગફળીના મોટાં મોટાં ડુંગરો. એમના ખેતરમાં થ્રેશરથી મગફળીના સફાઈનું કામ ચાલતું હતું. જે કચરો નીકળે તેનો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય. ખેતીમાં કોઈ વસ્તુનો બગાડ થતો નથી, છેવટે તેનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય.
બીજી આનંદની વાત એ બની કે, રસિકભાઈનાં પત્ની સુશિલાબહેન અને હું સ્કૂલમાં સાથે ભણતાં હતાં. અમે લગભગ ૪૫ વર્ષે મળ્યા. કેટકેટલી બેનપણીઓને એક સાથે યાદ કરી લીધી.
તેઓએ તો એમનું સ્વાસ્થ્ય સરસ જાળવ્યું હતું. અહીં એ પણ કહેવાનું રોકી શકતી નથી કે, ગામમાં અમે એક પણ વ્યક્તિને જાડી કે મોટી ફાંદવાળી ન જોઈ. બધા જ તંદુરસ્ત અને પ્રમાણસર કદવાળાં. રસિકભાઇ પણ લગભગ સિત્તેર વર્ષની ઉંમરે યુવાનને પણ શરમાવે તેવા તરવરાટવાળાં અને પરિશ્રમી. તેઓએ પોતાની બુદ્ધિચાતુર્યથી ઑટોમોબાઈલના વિશિષ્ટ સાધનોને જોડીને આગવું ટ્રેક્ટર બનાવ્યું છે. જે ત્રણ બાજુએથી હાઈડ્રોલિક પદ્ધતિએ ઊંચું – નીચું થઈને કાર્ય કરી શકે છે. એમનો એન્જિનિયર દીકરો એમની સાથે ખેતી કરે છે તે જાણીને આનંદ સહિત આશ્ચર્ય થયું.
ત્યાં તાજો ઓળો બનાવ્યો. ધરતીમાંથી મગફળીના છોડ લીધાં, તાજાં તાજાં માટીથી ઢંકાયેલાં કૂણા કૂણા છોડને બળતણથી શેક્યા. અને પછી ગરમ ગરમ શેકેલી મગફળી ધરતી પર નીચે બેસીને ખાધી. હાથ અને મોં કાળું ન થાય તો ઓળૉ ખાધો જ ન કહેવાય! અમે તો જમ્યા પછી પણ એટલી જ મગફળી ખાધી. વળી વધી તે પણ બાંધી આપી.
આ બધામાં રસિકભાઈની બે દીકરીઓના બે નાના બાળકો – આસ્થા અને મોક્ષ સાથે વાતો કરવાની મજા પડી ગઈ. મોક્ષ તો પોતાને બાહુબલી જ કહે છે, અને સાચેસાચ બાહુબલી જ છે. પ્રશ્ન પૂરો થાય તે પહેલાં તો તેનો જવાબ આવી જ ગયો હોય. આસ્થાને જોઈને ઇશ્વરમાં શ્રદ્ધા આવી જાય. સિત્તેર વર્ષની ઉંમરે પણ રસિકભાઈ હાર્મોનિયમ શીખે છે. અમે ફૉન કર્યો ત્યારે તેઓ ખેતરમાં બેસીને યુ-ટ્યુબ પરથી તેના પાઠ શીખતા હતા.
ત્યાંથી રસિકભાઈના ઘરે તો જવાનું જ હતું. ત્યાં જઈને આદુ-તુલસી-ફૂદિનાની ચા પીધી. અને ફરી ત્રણ-ચાર દિવસ તો રોકાવાનું જ છે, એવો પ્રોગ્રામ બનાવીને વિદાય લીધી. સાથે સાથે મગફળી ભરેલો થેલો અને વિવિધ વૃક્ષોના પાંદડાં પણ લેતાં આવ્યાં. અત્યારે આ લખી રહી છું ત્યારે પણ એ જ ભાવ છે કે, ફરીથી ક્યારે પાછા ત્યાં જઈશું? અમને પાછા ફરતાં રસ્તામાં સતત એ જ વિચાર મૂંઝવતો હતો કે, બધાંને શહેરનો મોહ કે આકર્ષણ કેમ છે? આ સવાલ અંગે આવતા લેખમાં વિગતે વાત કરીશું.
અત્યારે રમેશભાઈ અને રસિકભાઈના પરિવારના આતિથ્ય સત્કારનો આભાર માનવો નથી કેમ કે, તેઓ તો સ્વજનો છે, વળી પ્રેમ અને આનંદનો આભાર ન હોય, હ્રદયપૂર્વક અનુગ્રહ કે અમને પ્રકૃતિની ગોદમાં વસેલાં સુખપુરાનો દિવ્ય અનુભવ કરાવ્યો.
અતિ સુંદર છે રચના દિદિજી મને પણ ગામડું ખૂબજ ગમે.
LikeLike