સ્પર્શ તારા હાથનો ચારે દિશાઓ ઝળહળી,
આંખમાં વાદળ હતાં તરસી ક્ષિતિજો ખળભળી!
ક્યાં પ્રલય ઉચ્છવાસનો ને શ્વાસના વંટોળિયા,
જળ મહીં તાંડવ થયું ને ચાંદની ભડકે બળી!
હાંફતા પાતાળમાં વરસાદ મીઠા ઝેરનો,
એ પછી આ વીજળી જળમાં ભળીને ઓગળી!
શબ્દમાં પોઢી ગયા પ્રેતો બધાં આભાસમાં,
વ્હેમના સાગર બળે શ્રધ્ધા સુંવાળી સળવળી!
જીભ સળવળતી નથી ને સ્વાદ સમજાતો નથી,
આંખમાં ખૂંચ્યા કરે એના સ્મરણની આંગળી!