તારા સ્મરણનો દીવો બળે છે,
આંખો ઢળે તો પાંપણ હલે છે!
પગરવ વિના પણ પડઘાય પગલાં,
ચારે દિશાઓ નભને છળે છે!
એકાંતનો હું આદર કરું છું,
તો પણ અવાજો પાછા વળે છે!
પેલી ક્ષિતિજે મૃગજળનો દરિયો,
રણની તરસમાં અગ્નિ ભળે છે!
સાંભળ સરકતી ક્ષણોનો ખુલાસો,
રસ્તો કદી ના પાછો વળે છે!
કેવા લખ્યા’તા તે લેખ મારા,
સુખની ક્ષણે પણ દિલાસા મળે છે!