આકાશ થઇને આવ,
રુઝે જનમના ઘાવ!
આ રાત વેરી છે,
સૂરજ સમીપે જાવ!
શબ્દો હવે સૂના,
કેવળ રહ્યો છે ભાવ!
દરિયા મહીં છે કોણ,
કોની વહે છે નાવ!
આ મૌનનો અવસાદ,
કોને કહું હું રાવ!
તારા વિરહનો રાગ,
કીધા કરે છે ઘાવ!
મનમાં તરસનો વાસ,
છલછલ છલકતી વાવ!
અસ્તિત્વની ઓથે,
લાગ્યા બધાના દાવ!
સપનાં થયાં સૌ રણ,
પાણી હવે તું લાવ!