આજે બરાબર એક મહિનો થયો, પણ ગઈકાલની વાત હોય તેવું અનુભવાય છે.
જી હા, કચ્છના નાના રણની મુલાકાત લીધે એક મહિનો વીતી ગયો. તેના અનુભવની તીવ્રતા વધુ ઘૂંટાતી જતી હોય તેવું લાગી રહ્યું છે.
વાત તો એમ હતી કે, સ્વામી સચ્ચિદાનંદજીના આશ્રમ, દંતાલી ખાતે દિવાળીનો સમય જ્ઞાનના દિવ્ય પ્રકાશ સાથે વિતાવવો, એવું આયોજન હતું. પણ પ્રકૃતિને કંઇક અલગ જ મંજૂર હતું. આશ્રમમાં કૉરોનાના કારણે જવાનું બંધ રાખવું પડ્યું. શંખેશ્વર રહીને આજુબાજુના વિસ્તારોમાં ફરીશું. થોડું લેખન કાર્ય કરીશું. સ્નેહી અને લેખક મિત્ર શૈલેષભાઈ સાથે સત્સંગ કરીશું. પણ શૈલેષ પંચાલના આગ્રહને વશ ત્યાંથી બીજા દિવસે બપોરે સીધા એમના જ ઘરે, રાફુ ગામે ગયા. એમના ઘર-પરિવારે તો પળવારમાં અમને મહેમાનને બદલે પોતિકાં સ્વજનો બનાવી દીધાં.
બીજા દિવસે સવારે લગભગ નવ વાગ્યે શૈલેષભાઈના જીગરજાન મિત્ર હેમભા આવી પહોંચ્યા. પ્રથમ કુંવારકા નદીને કાંઠે સ્વયંભૂ પ્રગટ લિંગ એવા નિલકંઠ મહાદેવ મંદિરે દર્શન કર્યા. કુંવારકા નદીએ મહાદેવના પગ પખળવા પોતે પોતાનું વહેણ બદલીને ભગવાનને જે રીતે અર્ધ્ય અર્પણ કર્યું છે, તે નજારો જોયો. એટલી બધી શાંત જગ્યા! ત્યાંથી અમે બહુચરાજી માતાના મંદિરે દર્શન કરવા ગયા. પછી ચારણ બાપુની મુલાકાત લીધી. ત્યાંથી હેમભાના બે બહેનોની ત્રણ દીકરીઓએ ખોડિયાર માને શરણે પોતાનું જીવન સમર્પિત કરીને આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું છે, તે બહેનો સાથે ખાંભેલ ખાતે મુલાકાત કરી. (આ અનુભવ વિશે બીજા લેખમાં વાતો કરીશું)
અમે બહુચરાજી જતાં હતાં, એવામાં જ કચ્છ અભયારણ્યના ફૉરેસ્ટ ઑફિસર શ્રી વિજયસિંહ વાઘેલા સાહેબનો ફૉન આવ્યો કે, આજે નૈમુદ્દીન સૈયદ અને બીજા ત્રણ મિત્રો વાઇલ્ડ લાઈફ ફૉટોગાફી માટે આવી રહ્યા છે તો તમે પણ સાથે જોડાવો. અમને તો ભાવતું હતું ને વૈદ્યે કીધું અથવા કહો કે બગાસું ખાધું ને મોંમાં પતાસું આવી ગયું. અમે સહુની મુલાકાત ઝટપટ પતાવી મારતી ગાડીએ અભયારણ્ય પહોંચ્યા.
અમે ચાર વાગ્યે ત્યાં પહોંચ્યાં. સાહેબે બહુ જ ઉમળકાભેર અમારું સ્વાગત કર્યું. મને તો એમ જ ફૉરેસ્ટ ઑફિસર હોય, એટલે કડક મિજાજના હોય, હૃષ્ટપુષ્ટ અને કદાવર શરીર હોય, એમની સાથે આપણે વાત કેવી રીતે કરી શકીએ? એના બદલે એમને જોયા પછી બધા ભ્રમ ભાંગી ગયા. પાતળું, સ્ફૂર્તિલું અને સ્વસ્થ શરીર. એકદમ મૃદુ અને ભદ્ર અવાજ.
ચા પીને અમે ગાડીમાં એમની સાથે જ રણમાં પ્રવેશ્યા. હેમભા ગાડી ચલાવી રહ્યા હતા. એમની સાથે શ્રી વિજયસિંહ વાઘેલા અને પાછળ મારો ભાઈ મલય, શૈલેષભાઈ અને હું બેઠા હતા. એકાદ કિલોમિટર ગાડી ચાલી હશે પછી રણનું જે દ્રશ્ય જોયું તે કલ્પાનાતીત છે. એને દ્રશ્ય ન કહી શકાય. પ્રકૃતિનો સાક્ષાત્ અનુભવ કહી શકાય. શ્રદ્ધાપૂર્વક કોઈ મંદિરમાં જઈએ, ઈષ્ટદેવના દર્શન કરીએ અને મનોમન ઈશ્વર સાથે જે સંવાદ રચાય તેવો અનુભવ! ધરતી અને આકાશના મિલનનો અનુભવ!

ચારે બાજુ માત્ર ઘેરા કથ્થાઈ રંગની ધરતી, છાતીમાં તિરાડો લઈને અફાટ વિસ્તરતી ધરતી અને ઉપર સૂર્યના તપતાં કિરણો સાથેનું એક માત્ર આકાશ. દૂર નજર કરો તો પાણી જ પાણી છે તેવું લાગે, પણ તે તો આભાસ માત્ર. મરુભૂમિ, મરુસ્થળ એવા શબ્દો સાહિત્યમાં વાંચેલા, સાંભળેલા ખરાં, પણ પ્રત્યક્ષ અનુભવ તો ત્યારે જ થયો. જીવન પણ રણની જ જેમ એક ભ્રમ નથી શું? કદાચ મરુભૂમિ જ છે, માનીએ છીએ કે બસ, હવે તો પ્યાસ બૂઝાશે, પણ તરસ છીપાતી જ નથી અને પુનઃ તરસ સિવાય કશું હાથ લાગતું નથી. મારી બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ હતી. વિસ્ફારિત નજરે હું ચારે બાજુ જોતી હતી, દિશાઓ બિલકુલ ઓગળી ગઈ હતી. જ્યાં સુધી પણ નજરને ફેલાવો એટલે ધરતી અને આકાશની ક્ષિતિજ જ માત્ર દેખાય, વચ્ચે કોઈ જ આવરણ નહીં, કોઈ પડદો જ નહીં. બધું જ એકાકાર જાણે. ‘ધરતી કો આકાશ પુકારે.. પણ અહીં તો બંને એક જ થઈ ગયા હોય તેવું લાગે. આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, પૂર્વથી આવ્યા કે પશ્ચિમમાં જઈએ છીએ કે ઉત્તર – દક્ષિણ? બધું જ સરખું લાગતું હતું. જીપીએસની મદદથી તો બધી ખબર પડે! પણ મૂળ વાત તો એ લાગી કે, શહેરમાં આપણે દસ બાય દસના બેડરૂમમાં રહેતા હોઈએ ત્યારે ય જાણે ગર્વિષ્ઠ અને માનભેર જીવન શૈલી જીવવાનો રૉફ મારતા હોઈએ છીએ. વળી આપણા ગણિત તો પણ સ્કેવર ફૂટના! ફ્લેટ કે બંગલાને આ જ માપદંડમાં માનનારા અને એ પ્રમાણે આપણા સ્ટેટ્સને મૂલવનારા! પ્રકૃતિના આવા વિરાટ સ્વરૂપને આપણે કલ્પનામાં પણ ન કલ્પી શકીએ.
મન, બુદ્ધિ, અહંકાર બધું જ ઓગળતું જતું હતું. વાતાવરણમાંથી જાણે અજ્ઞાત રીતે સતત કોઈ સંદેશો આપી રહ્યું હતું, પણ એને ઝીલવાની તાકાત બચી જ નહોતી. વિચારો બિલકુલ સાથ છોડી રહ્યા હતા. વિસ્મયભરી નજરે આંખો માત્રને માત્ર આશ્ચર્યમાં ગરકાવ થઈ રહી હતી.
થોડીવાર પછી વાઘેલાસાહેબે ગાડી ઊભી રખાવી. અમે બાવળના એક વિશાળ જંગલમાં પ્રવેશ્યા. આવી ઉબડ-ખાબડ એકદમ ખરબચડી જમીન પર તો ક્યારેય ચાલવાનું બન્યું જ નથી. નીચે જોઈએ તો પથ્થર જેવી સખત બની ગયેલી જમીન. એમાં મોટી મોટી તિરાડો. જો નીચે જોઈને ન ચાલો તો ગબડ્યા જ સમજો. સાથે સાથે બાવળના ઝાડનું પણ ધ્યાન રાખવાનું. બાવળના એ ય મોટાં મોટાં ઝાડ. એને વટાવતાં અમે ધૃત બેટ – માતાજીના મંદિરે પહોંચ્યા. એક નાનકડી ઓરડીમાં અંદર માતાજીની મૂર્તિ. અને બહાર બાવળનું વિરાટ જંગલ. બધું ભયાનક લાગે. શરીરને કંપારી છૂટી ગઈ. પણ નિરવ શાંતિ.


વાઘેલાસાહેબે જણાવ્યું કે, રણને વિસ્તરતું અટકાવવા માટે અંગ્રેજોએ અહીં બાવળ વાવ્યા છે. લગભગ ૪૦૦૦ ચોરસ કિલોમિટરમાં ફેલાયેલા આ રણમાં આવા અનેક જંગલો આવેલા છે. મજાની વાત એ છે કે, વર્ષા ઋતુમાં આ રણ સાગરમાં ફેરવાઈ જાય છે. ત્યારે તો તેઓએ હોડીઓમાં ફરવું પડે. તેઓ અહીં દસ વર્ષથી કાર્યરત છે. તેઓએ પોતાની જીપીએસ સિસ્ટમ વિકસાવી છે. તેઓ જે તે જગ્યા પરથી વાડીલાલ બેટ (અભ્યારણ્યની ઑફિસ) કઈ તરફ અને કેટલી દૂર છે તે કહી શકતા હતા. તેઓને કારણે અમારી મુલાકાત અમને સુરક્ષિત લાગતી હતી. ધરતીમાંથી આ પાણી સૂકાઈ જાય એટલે શિયાળામાં સૂકુંભટ રણ બની જાય છે. નજર કરો ત્યાં સુધી આવી સૂકી ભટ ધરતી અને ઉપર આકાશ.
વાઘેલા સાહેબે જણાવ્યું કે, હવે આપણે તળાવે જઈશું. અમને થયું કે રણમાં તળાવ? પ્રયત્ન કરીએ તો રણ તળાવને પણ સંઘરે છે. સરકારે આવા રણમાં માનવ સર્જિત સરોવર બનાવ્યા છે. એ જાણીને તો ખરેખર સાનંદાશ્ચર્ય થયું. માનવ સર્જિત તળાવો? જંગલખાતાના ઋષિતુલ્ય એવા આ કર્મચારીઓને હાર્દિક અભિનંદન અને નતમસ્તક નમન. જો વાઘેલા સાહેબ જેવા સમર્પિત ઑફિસરો દેશને મળી જાય તો દેશની સિરત અને સૂરત બંને બદલી શકાય. અમે એવા એક તળાવ પર પહોંચ્યા. સહેજ ચઢાણવાળા ભાગ પર થઈને ઉપર જવાનું હતું. તળાવને ચારે કિનારે બાવળ અને અન્ય વનસ્પતિના ઝાડ. ખરું રહસ્ય તો હવે ઉજાગર થવાનું હતું.

વાઘેલાસાહેબે વાતની શરૂઆત કરી. અહીં સાઈબિરિયાથી લાખો કિલોમિટરનો પ્રવાસ ખેડીને લાખો ફ્લેમિંગો (ગુજરાતીમાં તેને સુરખાબ અથવા યાયાવર પક્ષીઓ કહે છે.) અને અન્ય વિદેશી પંખીઓ આ ઋતુમાં અહીં આવી જાય છે. આ પક્ષીઓ પોતાના વતનમાં ઈંડા મૂકીને આવે છે, અને અહીંથી પાછા જાય પછી પોતાના ઈંડાને ઓળખી જાય છે. અને પછી એમના બચ્ચાંઓનો ઉછેર કરે છે. બીજી નવાઈની વાત એ જણાવી કે, આ પક્ષીઓને પાકિસ્તાન થઈને આવવું સહેલું પડે, પણ તેઓની હિંસા થઈ હોવાથી હવે તેઓ અફઘાનિસ્તાન થઈને હિમાલયનો પ્રવાસ કરીને અહીં સુધી વધુ લાંબી સફર ખેડીને આવે છે.
તેઓ પાસે કઈ જીપીએસ સિસ્ટમ કામ કરતી હશે? ઋતુઓની કેવી અદ્ભુત સમજ. પોતાના અસ્તિત્ત્વ માટે લડવાની ખેવના અને પડકાર ઝીલવાનો મિજાજ! સાહેબે કહ્યું, શાંત થઈ જાઓ, સહેજ પણ અવાજ ન કરશો. શ્વાસનો અવાજ પણ ન સંભળાય! અને ધીમે ધીમે વિવિધ પક્ષીઓના મધુર કલરવો સંભળાવા લાગ્યા. આપણે શોરબકોર કરીને પૃથ્વીને કેવી ઘોંઘાટથી ભરી દીધી છે? પક્ષીઓના કલરવો તો હવે આપણે કોઈ વિડિયો કે ડિસ્કવરી ચેનલ પર જ સાંભળી શકીએ! પ્રત્યક્ષ સાંભળવાનું તો કદાચ થોડા વર્ષો પછી ઈતિહાસ બની જશે. મને ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીનું વિખ્યાત એક કાવ્ય યાદ આવી ગયું.
વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ!
વીંધાય છે પુષ્પ અનેક બાગનાં!
પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની!
જીવો તણી કાય મૂંગી કપાય છે!
કલેવરો કાનનનાં ઘવાય છે!
પ્રકૃતિમાં રમંતા એ દુભાશે લેશ જો દિલે,
શાંતિની સ્વપ્નછાયા યે કદી માનવને મળે?
સાહેબની સંવેદનશીલતા સ્પર્શી ગઈ. વધુને વધુ ભ્રમો તૂટતા જતા હતા. સરકારના કામ કરવાના અને તેના ભાવિદર્શન કે વિઝનને સાકાર કરવાના સઘન પ્રયાસો જોઇને મનોમન આભારની લાગણી જન્મી.
પક્ષીઓને પણ જીવવાનો, પોતાના હોવાનો અહેસાસ કરવાનો હક છે. આપણી હાજરીથી તેઓ મુક્તિનો અનુભવ કરી શકતા નથી. આ અભયારણ્યને પિકનિક સ્પોટ બનાવવું નથી. એના મૂળમાં પણ આ જ કારણ કે, માણસો આ પક્ષીઓને શાંતિથી જીવવા ન દે. એમને મન તો પક્ષીઓ પણ મનોરંજનનું સાધન!
સદ્ભાગ્યે એ દિવસે અમે પાંચ જણા અને બીજી ગાડીમાં નૌમુદ્દિન સૈયદ સાહેબ સાથે અન્ય બે ઑફિસર મિત્રો અને એક ગાઈડ. હજારો કિલોમિટરના ફેલાયેલા આ વિસ્તારમાં અમે માત્ર નવ જ માણસો હતા. અમે હજારો પક્ષીઓની અદ્ભુત ઉડાન જોઈ. તેઓનું મીઠું સંગીત સાંભળ્યું. પક્ષીઓની એક જાત એવી રીતે સમૂહમાં ઉડાન ભરતી હતી કે, આકાશમાં ધનૂષનો આકાર રચાય. સેનાપતિ જેવું પક્ષી આગળ ઊડે, પછી બીજા પક્ષીઓ એમાં એવી રીતે જોડાતા જાય કે અન્ય પક્ષીઓને હવા કાપવા માટે વધુ ઉર્જા ખર્ચવી ન પડે. આવું સ્વયંસ્ફૂર્ત શિક્ષણ પ્રકૃતિ તેઓને કેવી રીતે આપતી હશે? અને આપણે મનુષ્યો, કહેવાતા સંસ્કૃતિ પ્રેમીઓ શિક્ષણ લઈને પણ સુધરતાં નથી.
પાછાં ફરતાં એક સાથે છ ઘુડખરોને મદમસ્ત રીતે દોડતાં જોયાં. તેઓ અમારી ગાડીની સાથે જ જાણે હરિફાઈમાં ઊતર્યા હોય તેમ દોડતાં હતાં. આ પ્રાણીઓની એવી પ્રજાતિ છે, જે રણમાં છ મહિના પાણી વગર જીવી શકે છે. પ્રકૃતિની અદ્ભુત અને રહસ્યમય વ્યવસ્થા તો જુઓ. આ રણમાં એવા પ્રકારનું ઘાસ ઊગે છે, જેના પાંદડાઓમાં એક પ્રકારની ભીનાશ છે, જે આ ઘડખરો માટે પાણીની ગરજ સારે છે. તેઓ આ વનસ્પતિને સહારે પોતાનું ગુજરાન ચલાવી શકે છે.
હાલમાં આ ઘડખરોની સંખ્યા લગભગ સાડા છ હજાર જેટલી છે, જે ચારેક વર્ષ પહેલાં લગભગ ચાર હજાર જેટલી હતી. સાહેબ પાસે તેઓની વસ્તી ગણતરીની સંખ્યા સાલ પ્રમાણે લખેલી હતી. બીજી મહત્ત્વની વાત એ કે, સમગ્ર વિશ્વમાં અને ભારતમાં પણ આ પ્રકારના ઘુડખર માત્ર ને માત્ર કચ્છના આ જ રણમાં વસે છે.
ધીમે ધીમે સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો અને રાત્રિનો ગહન અંધકાર પોતાના અસ્તિત્ત્વને મજબૂત કરી રહ્યો હતો. દિવસનું રણ અને રાત્રિનું રણ!! માત્ર ને માત્ર શૂન્યનું જ સંગીત! આવી શૂન્યતાનો અહેસાસ ભીતરને ખળભળાવી ન મૂકે તો જ નવાઈ! નીચે ધરતીને જોઇએ કે, આકાશમાં ચમકતાં તારા જોઈએ? તારાનું અજવાળું કોને કહેવાય તે તો રણમાં જ ખબર પડે! આપણે તો કદાચ સાચા અંધકારને પણ અનુભવ્યો નથી. એક અદ્ભુત સન્નાટો છવાતો જતો હતો. જાણે સમગ્ર પ્રકૃતિને હવે આરામ કરવો હોય અને મીઠી નિંદરમાં પોઢી જવું હોય તેવું વાતાવરણ ઘેરાતું જતું હતું.
અમારા માટે તો આ દિવસ અમારા નસીબની બલિહારી જ હતી. ભર બપોરનું રણ, સંધ્યાએ તળાવનો રોમાંચ અને રાત્રે તારાઓનો મદમસ્ત અજવાસ. એ ચમકતાં તારલાંઓની વચ્ચે સરસ મજાની મઢૂલીમાં અમારા માટે બાજરીના રોટલા, અડદની દાળ, લસણની ચટણી, કાંદાનું કચુંબર અને છાશની મિજબાનીનું પણ આયોજન કર્યું હતું. અમારા જીવનમાં તો અમે આટલો મોટો રોટલો જોયો જ નહોતો. લગભગ ૫૦૦ ગ્રામ લોટનો એક રોટલો. ચૂલા પર શેકાયેલો. અમને તો એમ કે માંડ પા રોટલો ખવાય તો! પણ આશ્વર્ય વચ્ચે પોણો રોટલો અને બે વાડકી દાળ ખવાઈ ગઈ. આપણાં ઘરના તો ત્રણ કે ચાર રોટલા કહેવાય. પણ રણમાં જે ચાલ્યા હતા, તેની કસર અહીં પૂરી થઈ ગઈ. ચૂલાની રસોઈની મીઠાશ તો કંઈક ગજબની જ હોય છે. મને થતું હતું કે, આપણે શહેર કેમ પેદાં કર્યા?
ત્યાં તેઓ સોલાર પ્રકાશનો ઉપયોગ કરે છે. એક સમયે વીજળીના બલ્બ ન હોય તો એના પ્રકાશમાં રહેવા ટેવાઈ શકાય. જેથી પ્રકૃતિનું વધુ સારી રીતે રક્ષણ કરી શકાય. આપણે તો હવે એલઈડી લાઈટથી ટેવાયેલા.. આંજી દેનારી લાઈટોને આપણે વિકાસ સમજીએ છીએ. શહેરના રસ્તાઓ પર તો આંખો બંધ જ થઈ જાય તેવી હેલૉઝન લાઈટો ફેંકીને પૂરઝડપે ચાલતી ગાડીઓ સ્ટેટસ સિમ્બોલ બનતી જાય છે, પણ તેઓ પોતાની જ કબરોનું નિર્માણ કરી રહી છે તેનો સહેજ પણ અંદાજ નથી. મલય તો એ જ કારણે રાત્રે ગાડી ચલાવવાનું પસંદ જ કરતો નથી.
જમ્યા પછી ગઝલોની મહેફિલ જામી. નૈમુદ્દીન સૈયદ સાહેબ પાટણ જિલ્લાના ક્લાસ વન ઑફિસર છે. તેઓ શોખથી ફૉટોગ્રાફી કરે છે, પણ કદાચ એ તેઓની પેશન અથવા જૂનૂન છે. તેઓએ અમને એમના કેમેરામાં કેટલીક તસવીરો બતાવી. અમારા માટે તેઓ જે પક્ષીઓના નામ બોલતા હતા તે જ અજાણ્યા હતા, પહેલી વાર જ અમે એ પક્ષીઓનું નામ સાંભળી રહ્યા હતા. અને તેઓ તો એ પક્ષી નર છે કે માદા તે પણ કહી જણાવતા હતા. તેઓ તો ત્યાં રોકાઇને સવારે પાંચ વાગ્યે ફરી ફૉટોગ્રાફી કરવા જવાના હતા. તેઓ સાથે પરિચય વધતા સાહિત્યની મહેફિલ જામતી ગઈ. તેઓ એક પછી એક ગઝલ સંભળાવતા ગયા અને અમે દાદ-ઇર્શાદના દરિયામાં ડૂબતા ગયા. ઉર્દુ ગઝલોને પણ તેના નાજૂક અર્થો સાથે તેઓએ રજૂ કરી. એમ થતું હતું કે, સમયને હથકડી કે બેડીઓ પહેરાવી દઈએ.. બસ, સમય અહીં જ રોકાઈ જાય. પણ એમ તો બનતું જ હોતું નથી, નહીં તો આજે હું આ લખત પણ કેવી રીતે? અમે લગભગ નવ વાગ્યે ત્યાંથી વિદાય લીધી.
જ્યોતિ આચાર્ય, એક શિક્ષક, લેખિકા અને સ્નેહી મિત્ર અમારી આ યાત્રાથી ભડકીને એ જ દિવસે રાફુ આવી પહોંચી અને ત્રીજા દિવસે અમે ફરીથી આ જ રણનો અનુભવ લીધો. ત્યારે અમે સાથે ભાખરી, દહીં, મિક્સ શાક અને કચુંબર લેતા આવ્યા હતા. ધૃત બેટ પર અમે ભોજનનો આનંદ લીધો. અને ધરતીને અન્ન ધર્યું. થોડીવારમાં તો હજારો કીડીઓ ભોજન કરવા આવી પહોંચી. કિડિયારું પૂરવું કોને કહેવાય તે સાક્ષાત્ જોયું. ડુંગરપુરી બાબાના મંદિરે દિવ્ય સત્સંગનો લ્હાવો લીધો. આવા રણમાં નાનકડી ટેકરી પર મંદિર બનાવ્યું છે. ત્યાંથી રણને જોવું એ એક અલગ જ અનુભવ છે. ત્યાં ચડવાના માત્ર ૧૦ જેટલા પગથિયાં બનાવ્યાં છે, બાકી રણની ખરબચડી જમીન પરથી જ ચડીને જવાનો રસ્તો છે. મારા સ્વાસ્થ્યની પણ કસોટી થઈ અને એમાં પાસ થઈ તેનો આનંદ પણ અલગ. એ દિવસની મુલાકાત નિરાંતની રહી હતી. હવે રણ સાથે જાણે મિત્રતા બંધાઈ ગઈ હતી.


દરિયા જોયા, નદીઓ જોઈ, પર્વતો જોયા, મેદાનો જોયા, પણ રણ એટલે રણ. દરિયો નદીઓને પોતાની અંદર ઠાલવે છે, સમાવી લે છે. નદીઓ ઉદ્ભવ સ્થાનથી વહી પોતાને દરિયામાં સમાવી વિરાટ થઈ જાય છે. પર્વતોને તો જાણે આકાશને આંબવાની આકાંક્ષા છે, તેઓ ભરપુર, ખિચોખિચ, સખત અને ભર્યાભાદર્યા છે. પોતાના હોવાના એક ગૌરવને છલકાવે છે. મેદાનો હરિયાળીથી છલકાય છે. રણ તો સાવ ખાલી. સાવ ખાલીખમ! વર્ષા ઋતુમાં દરિયો બનીને એ પાણી ય ખાલી કરી દીધું, આકાશને પુનઃ સોંપી દીધું. પોતાની પાસે માત્ર ખાલીપો રાખ્યો. નર્યું ખાલીપણું. ભારોભાર ખાલીપો, છલોછલ ખાલીપણું. જાણે નરી ત્યાગ ભાવના સાથે નિતાંત એકલતાના અનુરાગી જોઈ લ્યો.. કશાનો જ ખપ નહીં. પ્રકૃતિના તમામ સ્વરૂપોમાં જાણે તેણે સંન્યાસ ન લઈ લીધો હોય! એટલે જ કદાચ રણ એટલે બીજું કંઈ નહીં પણ પૃથ્વીએ પોતે લીધેલો સંન્યાસ!
ખુબ સરસ રહી આપણી રણની સફર આપ સમા મોંઘેરા મહેમાનો આવે પછી શું કચાસ હોય
LikeLike
સ્નેહી હેમુભાઈ,
આ સફરના તમે જ સંગાથી અને સારથી હતા એટલે જે તે આનંદસભર બની હતી. તમે પ્રતિભાવ આપ્યો તેથી ખુશી અનેકગણી વધી ગઈ.
LikeLike
ખુબ સરસ રહી આપણી રણની સફર આપ સમા મોંઘેરા મહેમાનો આવે પછી શું કચાસ રહે
LikeLike
Smitaben Adbhut Romanchak..Ghana time thi tamari post Anusandhan ma joi na hati..I was little scared ..I love to read ur post..u r really blessed & ur writing is like I feel I myself visiting this place…
LikeLike
સ્નેહી બેલાબેન,
તમે અનુસંધાનના નિયમિત વાચક રહ્યા છો, એટલું જ નહીં, તમારા પ્રેરક પ્રતિભાવોથી ઉત્સાહ વધી જાય છે.
LikeLike