શિસ્ત અથવા અનુશાસન વ્યક્તિત્વના વિકાસ માટેની અનિવાર્ય જરૂરિયાત છે. વ્યક્તિત્વની પુખ્તતાની એ નિશાની છે કે વ્યક્તિએ શિસ્ત કેટલી આત્મસાત કર્યું છે.
જીવનનો દરેક વ્યવહાર એક પ્રકારના શિસ્તની અપેક્ષા રાખે છે. પછી તે રમતનું ક્ષેત્ર હોય કે રાજકારણનું ક્ષેત્ર હોય.
રમતો માત્ર શરીરને જ નહિ મનને પણ પ્રફુલ્લિત અને તાઝગીપૂર્ણ બનાવે છે, વ્યક્તિ રમતો વધારે ને વધારે રમે એ માટે સ્પર્ધાઓનું પણ આયોજન થાય છે. સ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરવા હરીફ વેગીલો અને પ્રબળ પ્રયત્ન કરે છે. પ્રમાણિક પ્રયત્નોથી જીતે એ આનંદની વાત છે પણ હારે તો હતાશ થાય, નિર્ણાયકોએ પક્ષપાત કર્યો એવા આક્ષેપો કરે, વિજેતા જૂથનો હુરિયો બોલાવે તો એમાં રમતગમતનો મૂળભૂત આશય ખેલદિલી – Sportsman Spirit – નું બાષ્પીભવન થઇ જય છે. પોતે કઈ નબળાઈથી હાર્યા તેનું આત્મદર્શન કરવાની તક તે ચૂકી જાય છે.
નિષ્ફળતા ક્યારેક ઉત્તમ ગુરૂની ગરજ સારે છે. પણ નિષ્ફળતા પચાવવા તો જોઈએ સહિષ્ણુતા, વિવેક, ધીરજ, આત્મ અવલોકનની સૂઝ. આ બધું શિસ્ત વિના ના આવે. ટૂંકી લીટી લાંબી લીટી છે એવું બે રીતે દેખાડી શકાય. એક લાંબી લીટીને ટૂંકી કરીને – કાપી નાંખીને અથવા પોતાની વધુ ઊંચાઈ કેળવીને. પહેલો માર્ગ વ્યક્તિત્વને અધોગામી બનાવે છે. બીજો માર્ગ વ્યક્તિત્વને ઉર્ધ્વગામી બનાવે છે.
મારું તો દ્રઢપણે માનવું છે કે શિસ્તના અભાવમાં લોકશાહીની રમત થઇ જાય છે અને શિસ્તના પાલનથી રમત લોકશાહીમાં રૂપાંતરિત થાય છે. લોકશાહી મેળવવી જેટલી અઘરી છે તેનાથી તેને નિભાવવી અને દીપાવવી વધુ કઠીન છે.
લોકશાહીમાં હું સ્વતંત્ર છું – તો માટે કોઈ બંધન શા માટે હોવું જોઇએ? શા માટે હું ટ્રિપલ સવારીમાં બાઈક ન ફેરવું? ટ્રાફિક નિયમનના બંધન સ્વતંત્ર નાગરિકને શા માટે? હું ફાવે તેમ વર્તું!! આમ જો સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેના વિવેકની સૂક્ષ્મ ભેદરેખાને વિસરી જવામાં આવે એ લોકશાહીની ગંભીર મજાક છે. શિસ્ત હોય તો જ વ્યવસ્થા, સમતુલા, Harmony – Consistency સ્થાપી શકાય અને વિકસાવી શકાય.
મહર્ષિ ટોલ્સટોયના શબ્દો યાદ કરીએ “કોઈપણ રાષ્ટ્રની મહત્તા તેના વિશાળ ક્ષેત્રફળ પર નથી પણ પોતાના રાષ્ટ્રની પ્રતિષ્ઠા ઝંખતા શિસ્તબદ્ધ નાગરિકોની સંખ્યા પર છે.
શિસ્ત આવે કેવી રીતે? શિસ્ત વર્ગની ચાર દીવાલોમાં અપાતા વ્યાખ્યાનોથી આવે? ના. દમન કે કાયદા થી આવે? ના રે ના – કદી નહીં.
શિસ્ત આવે જાગૃત અને નિષ્ઠાવાન લોકનેતાના જીવનમાંથી પ્રેરણા લઈને. જેનો નાયક અંધ તેનું લશ્કર કુવામાં. આપણા વડીલો, ગુરૂજનો, ધર્મપુરુષો અને રાજકીય નેતાઓના જીવન સ્ફટિક જેવા અણીશુદ્ધ અને ચારિત્ર્યશીલ હોય તો તેના નાગરિકોને શિસ્તના પાઠ ગળથૂથીમાંથી આવે.
શરુઆતમાં ભલે સૂચન અને અનુકરણથી શિસ્તના પાઠ બાળક ઝીલે પણ પછી તો આત્મશિસ્ત – Auto Disciplin એવી વિકસે કે તેનું દરેક વર્તન આપોઆપ ટેવરૂપ બની જાય. તેને એવી સભાનતા પણ ન હોય કે તે શિસ્તબધ્ધ વર્તે છે. શ્વસન ક્રિયાની માફક તે ચાલ્યા કરે.
આપણા રાષ્ટ્રમાં ત્યારે સોનાનો સૂરજ ઉગશે જયારે નાગરિકોના લોહીના બુંદેબુંદે શિસ્ત વ્યાપેલું હશે. લોકો સમષ્ટિના સુખમાં જ પોતાનું સુખ જોતા થશે, અને ત્યારે જ સાચા અર્થમાં આપણે લોકશાહી દીપાવી છે એમ કહેવાશે.