(‘સેલ્ફ મેનેજમેન્ટ’ પુસ્તકનું આમુખ)

ઘણાં વર્ષો પહેલાં પ્લુકાર્ટ રચિત ‘એલેક્ઝાન્ડર ધ ગ્રેટ’ યાને વિશ્વ વિજેતા સિકંદરની જીવનકથા વાંચી હતી. સિકંદરના વ્યક્તિત્વની કેટલીક ખૂબીઓ ત્યારે સ્પર્શી ગઈ હતી. સાથે સાથે જ બાળપણથી આ જીવન એક જંગ છે અને હર પળે સંઘર્ષ ખેલવાનો છે એવી સતત અનુભૂતિ થતી રહી હતી. એ સંઘર્ષમાં સિકંદરની જીવનકથા ઘણી વાર પ્રચ્છન્ન રીતે પણ પ્રેરક બનતી હતી. સમયાંતરે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાની તક ઊભી થઈ. સિકંદરના અનેક સદ્ગુણોને મનોવિજ્ઞાનની નજરે જોવા માંડ્યા અને એમાંથી જ પોતાના જીવનનો શ્રેષ્ઠ વહીવટ કરવાની, પોતાની જાતને ‘મેનેજ’ કરવાની અને સફળતાનાં સમિકરણો રચવાની વાત મનમાં ઊગી નીકળી.
વ્યવસાય પત્રકારત્વનો હતો એટલે સમાચારો, મથાળાં, લે-આઉટ અને લેખોના સંપાદનમાં અટવાઈ જવું પડતું હતું. પરંતુ ચેન પડતું નહોતું. પત્રકારત્વ રોજી-રોટી હતું એટલે એને તો વફાદારીપૂર્વક નિભાવવાનું જ હતું. દરમિયાન મનોવિજ્ઞાનની એટલી જ ઉત્કટ અભ્યાસી સ્મિતા સાથે જીવનના સુખ-દુઃખ વહેંચવાનું થયું. અમે મનોવિજ્ઞાન માટેના અમારા રસ અને લગાવને પણ વહેંચ્યો. કેટલીક ક્લબોથી શરૂ કરીને અમે અવારનવાર મનોવૈજ્ઞાનિક તાલીમ માટે સમય ફાળવતાં રહ્યાં. ‘સેલ્ફ સર્ચ’ સંસ્થાના નેજા હેઠળ ક્લબો, સંસ્થાઓ, ઔદ્યૌગિક ગૃહો, સરદાર પટેલ ઇન્સ્ટિટયુટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવી સંસ્થાઓ, આગાખાન ઍજ્યુકેશન સર્વિસ, ઈન્ડિયા જેવી સંસ્થાઓ વગેરેમાં અવારનવાર વ્યક્તિત્વ-વિકાસ, શૈક્ષણિક માર્ગદર્શન, સ્મૃતિ વિકાસ, સમય-સંચાલન વગેરે વિષયો પર મનોવૈજ્ઞાનિક કસોટીઓની મદદ થી તાલીમી કાર્યક્રમો કરતાં ગયાં. અનેક યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે આવો વિચાર-વિમર્શ પણ કરતાં રહ્યાં. આવા કાર્યક્રમો પછી અનેક વ્યક્તિઓએ આવા વિષય પર સારા પુસ્તકની પૂછપરછ કરી. કેટલાકે તો એટલે સુધી કહ્યું કે આ કાર્યક્રમોમાં તમે જે કંઈ કહ્યું એ જ પુસ્તક રૂપે અમને કેમ ન મળે?

એમાંથી જ ‘સેલ્ફ મેનેજમેન્ટ’નું આ પુસ્તક સર્જાયું છે. વ્યક્તિત્વ- વિકાસ અને સફળતાનાં સમિકરણો વિષેની સમજનો પત્રકારત્વની સાથે વિનિયોગ કરવાની પ્રેરણાને કાર્યાન્વિત કરી શકાઈ એનો આનંદ છે. વિશ્વ વિજેતા સિકંદરને નિમિત્ત બનાવીને સફળ વ્યક્તિત્વના ગુણોની એક પછી એક કરેલી છણાવટમાં આધુનિક મનોવિજ્ઞાનને પણ જોતર્યું છે. ‘સમભાવ’ દૈનિકમાં ‘જો જીતા વહી સિકંદર’ શીર્ષક હેઠળ આ લેખમાળા પ્રસિધ્ધ થઈ ત્યારે અનેક વાચકોએ રૂબરૂ ટેલિફોન દ્વારા એને ઉમળકાભર્યો આવકાર આપ્યો હતો. એ પરથી લાગ્યું હતું કે વાચકોને આવી બધી વાતો જરૂર ગમશે.
અહીં એક-બે બીજી વાતો પણ કરવાનું મન થાય છે. આ લેખમાળાનો વિષય મૂળભૂત રીતે મનોવૈજ્ઞાનિક છે અને મનોવિજ્ઞાનને માણસને મન અને વર્તન સાથે સંબંધ છે એથી ઘણી વાર ઘણા લોકોને એવું લાગતું હોય છે કે અમુક વાત મારા સંદર્ભમાં જ છે. આવે વખતે આ કેવળ એક શુધ્ધ યોગાનુયોગ જ હોવાનો, કારણ કે આ માણસના મન અને વર્તનની વાત છે અને એથી એને માણસના મન અને વર્તનથી નિરપેક્ષ રાખી જ ન શકાય. બીજી વાત આ પુસ્તકના શીર્ષક ‘સેલ્ફ મેનેજમેન્ટ’ વિષે છે. જીવન એક જંગ હોવા ઉપરાંત જીવનના વિવિધ ક્ષેત્રોમાં પરિણામદાયી બનવું હોય તો એમાં રીતસર વહીવટી કુશળતાનો વિનિયોગ કરવો પડે. આપણું જીવન પણ એક પ્રકારે કૉર્પોરેટ માળખું જ ધરાવે છે. આપણે આપણી શક્તિઓ પાસેથી કામ લેવાનું છે. આપણી લાગણીઓ અને બુધ્ધિની સમતુલા જાળવીને સફળ થવાનું છે. સામાજિક મનુષ્ય તરીકે સાર્થકતા પ્રાપ્ત કરવાની છે. આ બધું વહીવટ વિના શક્ય બની શકે નહિ. આપણે આ રીતે આપણી શક્તિઓ, મર્યાદાઓ, આવડત અને અણઆવડત, બુધ્ધિ અને લાગણી વગેરે તમામનો વહીવટ જ કરવાનો છે. આ વહીવટ જેટલો કાર્યક્ષમ, એટલી સફળતા ઢૂંકડી. વિજેતાપદ નસીબમાં લખાઈને આવતું નથી, નસીબની કિતાબના પાના પર આપણે જ લખવાનું હોય છે. પંડિત જવાહરલાલ નેહરુ સાચું જ કહેતા હતા કે, ‘માણસ પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે.’ આ પુસ્તક નસીબના નિર્માણમાં ઇંટ અને પથ્થરની ભૂમિકા અદા કરશે તો એ લખ્યું સાર્થક.
આ તબક્કે મને મનોવિજ્ઞાનની દીક્ષા આપનારા મારા સ્વ. પ્રાધ્યાપક (અને પાછળથી શ્વસૂર) શ્રી વિ. કે. શાહને સ્મર્યા વિના રહી શકું જ નહિ. એમણે મને ‘માનસપુત્ર’ નો દરજ્જો આપ્યો હતો. મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન સહિત વિવિધ વિષયો પરનો એમની સાથેનો વાર્તાલાપ મારા જીવનની મૂડી છે. એ સાથે જ મારાં સ્વ.માતુશ્રી શારદાબેન (સૌનાં મોટીબહેન) પાસેથી મળેલા જીવન ઘડતરના પાઠ મને રુંવેરુંવે ફળ્યા છે. એક દંતકથારૂપ માતાનું સંતાન હોવાનું મને એટલું જ ગૌરવ છે. મારા મોટાભાઈ અને પિતાતુલ્ય ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી પાસેથી મળેલાં પ્રેમ, વાત્સલ્ય અને સમજદારીને મારા જીવનના શ્વાસોચ્છ્વાસમાંથી અલગ પાડીને સમજાવી શકાય તેમ નથી. મારી પત્ની ડૉ. સ્મિતા ત્રિવેદીએ કદાચ ભર્તુહરિની આદર્શ પત્નીની વ્યાખ્યા ચરિતાર્થ કરી છે. એ ઉપરાંત એણે હંમેશ મારી પ્રથમ વાચક અને નિકટતમ પરામર્શક તરીકેની અદકેરી ભૂમિકા પણ નિભાવી છે. મારાં ગૌરવક્ષમ સંતાનો ચિ. ઋત્વિક અને ચિ. ૠચાને મારું ગૌરવ છે. એ વાતનું મને ગૌરવ છે.
મને લખવાની અને લખતા રહેવાની પ્રેરણા આપનાર મારા મુરબ્બી મિત્રો રજનીભાઈ વ્યાસ, અશ્વિની ભટ્ટ, મુકુંદભાઈ પી શાહ, ધૂની માંડલિયા અને પરેશ પંડયાને મારે અહીં ભાવપૂર્વક સ્મારવા જોઈએ. પરમ મિત્ર અને મનોવિજ્ઞાનના અભ્યાસી પરેશ પંડ્યાએ પ્રસ્તાવના લખીને તથા શ્રી રજનીભાઈએ મુખપૃષ્ઠની રચનામાં મારા પ્રત્યેના એમના પ્રેમને જ અભિવ્યક્ત કર્યો છે. પુસ્તકના પ્રકાશન માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ના શ્રી મહેન્દ્રભાઈ શાહે જે પ્રેમ અને ઉત્સાહ દાખવ્યાં છે એ મારા માટે પ્રેરક બની રહ્યાં છે.
– દિવ્યેશ ત્રિવેદી
Thank you for very interesting posts and sharing your wealth of ideas and knowledge. Keep writing.
LikeLike
આપના સુંદર પ્રતિભાવ બદલ હાર્દિક આભારની લાગણી પ્રગટ કરું છું. આ રીતે અનુસંધાન સાધતાં રહીશું.
LikeLiked by 1 person