( ‘સેલ્ફ મેનેજમેન્ટ’ પુસ્તકની પ્રસ્તાવના )

વર્ષો પહેલા એક અંગ્રેજી પુસ્તક વાંચ્યું હતું. તેના પ્રથમ પ્રકરણનું નામ ખૂબ અસરકારક હતું. “Most Important Person in The World.” આ જગતની મહત્ત્વની હયાત વ્યક્તિ. તમે જાણો છો તે કોણ છે? તમે – તમે પોતે. આ વાત સ્વીકારતાં કદાચ ખચકાટ થાય. કદાચ ન પણ સ્વીકારાય. પરંતુ આ સત્ય છે. આ જગતની સૌથી અગત્યની વ્યક્તિ તમે છો – દરેકે દરેક છે. વળી, દરેક વ્યક્તિમાં કશુંક ‘શ્રેષ્ઠ’ સમાયેલું છે. પણ દરેક વ્યક્તિમાં રહેલું આ ‘શ્રેષ્ઠ’ યોગ્ય રીતે અને યોગ્ય સમયે બહાર આવતું નથી. કેટલાકને તો જીવનભર પોતાની અંદર રહેલા ‘શ્રેષ્ઠતત્ત્વ’ની ખબર જ નથી પડતી. આના કારણો શું હશે ? આના કારણો છે ખોટો ઉછેર, માતા-પિતાનો સ્વભાવ, ઘરનું સમગ્ર વાતાવરણ, શિક્ષણ અને શિક્ષણ પધ્ધતિ, સાંસ્કૃતિક વિચારધારાઓ અને તેની અસરો , રીતરિવાજો અને તેની અસરો ઉપરાંત હવેના સમયની નવી પેઢી પર ટી.વી., સિનેમા અને જાહેરાતોની ઘેરી અસર. આ અને આ સિવાયનાં અન્ય ઘણાં કારણો આમાં ભાગ ભજવે છે. આના કારણે વ્યક્તિ પોતાની અંદર છૂપાયેલી શક્તિઓ (Potentialities) પૂરેપૂરી બહાર નથી લાવી શકતી. પ્રશ્ન એ છે કે તો પછી કરવું શું? અહીંથી – આ પ્રશ્નના જવાબરૂપે આ પુસ્તક શરૂ થાય છે.
જીવનયાત્રા – જન્મથી મૃત્યુ સુધીની યાત્રા – માં અનેક પડકારો(challenges), કટોકટી (crises) અને જુદી જુદી સમસ્યાઓ તો આવતી જ રહે છે. જો આનો યોગ્ય રીતે ઉકેલ ના લાવીએ તો દુઃખ, નાની-મોટી સગવડો, નિરાશા અને અનેક પ્રકારની લાગણીઓની સમસ્યાઓ સર્જાય છે.
જીવનયાત્રા દરમિયાન સર્જાતી આ સમસ્યાઓ પાછળ મોટે ભાગે આપણે જ જવાબદાર હોઈએ છીએ. માટે આપણી જાતને સમજીને, યોગ્ય રીતે ‘મેનેજ’ કરવી ઘણી અગત્યની બની જાય છે. ઘણા સમયથી એક એવા પુસ્તકની માગ હતી જે આ પ્રકારની ‘સ્વ’ની સમસ્યાઓમાં સહાયરૂપ થાય. પોતાની જાતને અને પોતાના વડે સર્જાતી સમસ્યાઓને પૂર્ણ રીતે સમજી શકાય તે પ્રકારની એક સરસ ‘પુસ્તકીય માગ’ આ પુસ્તક ‘સેલ્ફ મેનેજમેન્ટ’ પૂરી પાડશે. આપણી અંદર છૂપાયેલી ‘શ્રેષ્ઠતા’ને બહાર લાવવા અને વ્યવહારુ જીવનમાં વધુ સફળ થવા માટે કયા મુદ્દાઓ જરૂરી છે. તેની મનોવિજ્ઞાનિક રીતે અહીં છણાવટ કરી છે. જેમ કે Winners never quit, Quitters never win; ઉપરાંત મનના ત્રણ વિભાગો અને મનને સમજવાથી થતા ફાયદા, અહંકાર અને આપણી સમસ્યાઓ, જીવનમાં અન્યના ૠણનો સ્વીકાર, સ્વભાવમાં નિખાલસતા, રમૂજવૄત્તિ, સામાજિકતા, ટ્રાફિક-સેન્સ વગેરે.
માનવ સ્વભાવ, તેના વાણી, વર્તન અને વ્યવહારો પાછળનાં મુખ્ય કારણોને ઊંડાણપૂર્વક જાણવા તે મારો શોખ ઉપરાંત વ્યવસાય પણ છે. ઘણાં વર્ષોથી તેનો અભ્યાસ કરું છું. આ પુસ્તક આ પ્રકારના અભ્યાસમાં પણ ઘણું સહાયરૂપ થાય તેવું છે.
આ પુસ્તક માત્ર વાંચવા ખાતર વાંચવા માટે નથી. આ પુસ્તક વાંચતી વખતે હાથમાં પેન-પેન્સિલ કાંઈક રાખવું જોઈએ. જે અગત્યનું લાગે ત્યાં અન્ડરલાઈન કરીને કે નિશાની કરીને આ પુસ્તક વાંચવા જેવું છે.
મારું બાળપણ નાનક્ડા ગામડાંમાં વીત્યું હતું. અમારી સ્કૂલની પાછળ મોટું ગોચરનું મેદાન હતું. ત્યાં સાપ ફરતાં. કેટલીક વાર સાપ અને નોળિયા વચ્ચે થતાં યુદ્ધો દૂરથી (ડરતાં ડરતાં) નજરે જોવા મળ્યાં હતાં. નોળિયો થોડીવાર લડે અને ભાગી જાય, વળી પાછો આવીને લડે, થોડી વાર પછી જતો રહે ત્યારે લોકો કહેતા કે નોળિયો થાકી જાય, સાપનું ઝેર ચડવા માંડે ત્યારે ભાગીને તેના દરમાં જતો રહે, ‘નોળવેલ’ સૂંઘવા એવું કહેવાય છે કે ‘નોળવેલ’ સૂંઘવાથી નોળિયામાં પાછું જોમ આવી જાય, ચડેલું ઝેર ઊતરી જાય અને વળી પાછો શક્તિશાળી બની ઉત્સાહપૂર્વક મેદાનમાં ઊતરી આવે. ત્યારથી મને થતું કે માણસને પોતાને પણ સમય આવે આવી કોઈ ‘નોળવેલ’ હોવી જોઈએ. ત્યારે તો બાળક બુધ્ધિથી વિચારતા. પણ પછીથી માનવીને જીવનના ચડાવ-ઉતાર અને આશા- નિરાશાના ચક્રમાં થાકતો જોયો. મહેણાં-ટોણાં, ઈર્ષા, ખોટી હરીફાઈઓનાં ઝેર ચડતાં જોયાં ત્યારે થયું કે ખરેખર માણસ પાસે પણ કોઈક ‘નોળવેળ’ હોવી જોઈએ. વ્યવસાયે પત્રકાર અને મનોવિજ્ઞાનના પ્રખર અભ્યાસી એવા શ્રી દિવ્યેશ ત્રિવેદીનું આ પુસ્તક ‘નોળવેલ’ ની ગરજ સારે તેવું છે. વ્યક્તિ જ્યારે વ્યાવહારિક જીવનના સંઘર્ષોમાં થાકી જાય, ત્યારે આ પુસ્તક લઈને વાંચે તો ફરી પાછો ઉત્સાહથી થનગનતો થઈ જાય તેમ મને લાગે છે.
– પરેશ પંડ્યા