‘સેલ્ફ મેનેજમેન્ટ’ – ખુદને સંભાળવાના કિમિયા

  જીવન એક નિરંતર પ્રવાહ છે, આપણે તેમાં વહેવાનું હોય છે. પણ આપણે કદાચ ખૂબ ઝડપથી તરીને સામે પ્રવાહે પહોંચી જવું હોય છે, અને એટલે જ ક્યારેક તણાઈ જઈએ છીએ, અને આપણને એમ લાગે છે કે, આપણે તો બીજા બધાથી ખૂબ આગળ નીકળી ગયા છીએ, પણ જ્યારે ગોથાં ખાઈએ અને ડૂબતાં હોઈએ ત્યારે સમજાય છે કે, એ બધી ભ્રમણાઓ હતી. આપણે આપણી જાતને સાચા અર્થમાં સંભાળી શક્યા નહોતા, મેનેજ કરી શકયા નહોતા. આ જ વિષયને કેન્દ્રમાં રાખીને દિવ્યેશ ત્રિવેદીએ જે પુસ્તકની રચના કરી તે ‘સેલ્ફ મેનેજમેન્ટ’. આ પુસ્તક નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયું હતું. આજે તેને ‘અનુસંધાન’ પર આપની સાથે વહેંચતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

         જીવનના પ્રવાહમાં સંજોગોની ચિત્ર વિચિત્ર ઊભી થતી પરિસ્થિતિઓમાં સ્વસ્થ રહીને આપણે આપણી પ્રગતિ અને વિકાસની ગતિને બરકરાર રાખી શકીએ એટલું જ નહીં, રોજે રોજ આપણે આપણા બહેતર વ્યક્તિત્વ નિર્માણ થકી આપણા જીવનને વધુ ને વધુ સફળ બનાવતા જઈએ તો સેલ્ફ મેનેજમેન્ટના પાઠ સાર્થક કર્યા તેમ કહી શકાય. આ પુસ્તક આપણા માટે રાજમાર્ગ બની શકે તેમ છે, જો તેની બાબતો પર માત્ર વિચાર ન કરતાં તેના સોપાનોને આચરણમાં મૂકીએ તો!

          દિવ્યેશ અને પરેશ પંડ્યા બંને જીગરી મિત્રો. ‘મિત્રતા’ની સાચી પરિભાષા હતા. પરેશભાઈ એક સફળ મનોવૈજ્ઞાનિક અને મેનેજમેન્ટ કન્સલટન્ટ. તેઓએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી હતી. દિવ્યેશ અને પરેશભાઈ બંને આપણી વચ્ચે સદેહે મોજૂદ નથી, પણ તેઓની દિવ્ય ચેતના અને તેઓએ અક્ષર દેહે આપેલી વિપુલ સંપત્તિ આપણો અદ્વિતીય ખજાનો છે. તેઓના વિચારો અણમોલ રત્ન સમાન છે. એનો ઉપયોગ કરવાની સૂઝ કેળવાય તો તેઓ આપણી વચ્ચે હાજરાહાજૂર છે. આજે પરેશભાઈના પત્ની જ્યોતિ પંડ્યાનો જન્મ દિવસ પણ છે. તેઓને હાર્દિક શુભેચ્છાઓ અર્પતાં એવો સંકલ્પ લઈએ કે, ‘સેલ્ફ મેનેજમેન્ટ’ થકી આપણે પોતે આજે આપણને એક નવી દિશા ચીંધીશું, કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થયા વગર સ્વસ્થતાપૂર્વક માર્ગ કાઢીને આગળ વધીશું. આપણી જિંદગીને સાર્થક કરીશું. બંને મહાનુભવોને આ જ સાચી પ્રેમાંજલિ હશે.

  • સ્મિતા ત્રિવેદી

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s