શબ્દો સરકી રહ્યા છે, પેનથી શબ્દો છટકી રહ્યા છે, પ્રકૃતિની મૌન ગીતા ભીતર સરકતી જાય છે, તેની સાથે એક દિવ્ય સાયુજ્ય સ્થપાતું જાય છે, જે માંહ્યલાને નિજાનંદથી ભરી દે છે, બહારના બધાં જ આવરણો ખરતાં જાય છે, બસ, તમે વરસોડા સ્ટેટના નેષ્ચર (Nesture – A Nest in Nature) – ઑર્ગેનિક ફાર્મના એક દરવાજાની અંદર પ્રવેશો એટલે આવી લાગણી થઈ આવે, અને પ્રકૃતિની ગોદમાં ડૂબતા જાઓ.
આ છે….ગાંધીનગર – મહુડી જતાં સાબરમતીના કોતરોમાં રચાયેલું નેષ્ચર એટલે નયનભાઈ અને વર્ષાબહેનની આંખોએ સર્જેલું ડિવાઈન ડેસ્ટિનેશન.. નયનભાઈ અને વર્ષાબહેને ૨૭ એકર જમીનમાં જંગલને અકબંધ રાખીને સામૂહિક પ્રાકૃતિક જીવન શૈલીનું અદ્ભુત સર્જન કર્યું છે. તેઓ બંને પ્રકૃતિપ્રેમી છે અને કુદરતનું સંરક્ષણ અને પરિમાર્જન કરે છે.

તા. ૨૫/૧૨/૨૦ને શુક્રવારે ક્રિસમસ દિવસની સાથે માગશર વદ અગિયારસ એટલે કે મોક્ષદા એકાદશી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને સંભળાવેલો ભગવદ્ ગીતાનો સર્વકાલીન અને સર્વદેશીય ઉપદેશ. આજે પણ તે એટલો જ પ્રાસંગિક અને શાશ્વત છે. પ્રકૃતિ આપણને સદાકાળથી પોતાના સ્વરૂપ થકી આ જ સંદેશો સમજાવી રહી છે. અસ્તિત્વ સાથે ઓતપ્રોત થઈને શાણપણ(જ્ઞાનપૂર્વક)થી જીવીને, ભક્તિના માર્ગને અનુસરતાં કર્મ કરતાં જાઓ.. જીવનની પ્રત્યેક ક્ષણ ફળ સ્વરૂપ બનતી જ રહેશે. આવી જ અનુભૂતિ ડિવાઈન ડેસ્ટિનેશન – ઑર્ગેનિક ફાર્મ હાઉસ ખાતેની મુલાકાતમાં થઈ.
બન્યું એવું કે, ધીમંતભાઈ ચોકસીનો ‘નિતાંજલિ નેસ્ટ’ નામે આ જ ફાર્મહાઉસમાં એક પ્લોટ અને બંગલો છે. એમનાં પત્ની નિતાબહેન અને એમની દીકરી અંજલિના નામ પરથી આવું સુંદર નામકરણ કર્યું છે. આ ફાર્મની મુલાકાત લેવાની વાત તો લગભગ બે મહિનાથી ચાલતી હતી. એમણે મોકલાવેલા થોડા ફૉટાઓ જોઈને જ મન ત્યાં જવા લલચાઈ ગયું હતું. પણ પ્રકૃતિની અકળ લીલાએ એકાદશીનો દિવસ મુકરર કર્યો હતો. ત્રણેક દિવસ પર ધીમંતભાઈનો ફૉન આવ્યો કે ૨૫ તારીખે ફાર્મ હાઉસ પર જઈએ. મલય અને હું તો રાજીના રેડ થઈ ગયા.
ધીમંતભાઈ સાથે ૪૦ વર્ષોનો સંબંધ છે. જીવનની તડકી છાંયડીને ભરપૂર વહેંચી છે. તેઓ સંબંધોના સ્વામી છે. સંબંધો સર્જવા, તેને મજબૂત કરવા અને ઘણું બધું જતું કરીને પણ નિભાવવા એ એમના વ્યક્તિત્વની ખાસિયતો છે. અને એટલે જ સંબંધીઓ અને સઘળા મિત્રો કંઈ પણ મુશ્કેલી સર્જાય એટલે ૧૦૮ની જેમ ધીમંતભાઈને જ ફૉન જોડી દે છે. એમની જિંદાદિલ હિંમત અને સાહસવૃત્તિ ભલભલાની પરેશાનીઓને ચૂટકીમાં હલ કરી દે છે. તેઓના કલાપ્રેમી અને કલાકાર પત્ની નિતાભાભી સાચા અર્થમાં સહધર્મચારિણી છે. બંનેએ પોતાના આગવા વ્યક્તિત્વ અને પરસ્પરની સ્વતંત્રતાને જાળવી રાખીને દામ્પત્ય જીવનને મધૂરું બનાવ્યું છે.
વર્ષો જૂનાં સંભારણાને વાગોળતાં વાગોળતાં એ સ્નેહસભર અને સાહજિક જીવનને ફરી સજીવન કર્યું. મુક્ત મને ખડખડાટ હસ્યા. પ્રકૃતિના સાન્નિધ્યમાં તેનો ભરપુર આનંદ લીધો. સવારે ૧૧ વાગ્યે એમના બંગલે પહોંચ્યા. એમના ૧૮૦૦ વારના પ્લોટમાં આજુબાજુ સુંદર હરિયાળી જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. એમના બંગલાનું બારણું ખૂલ્યું. અને મન ઓર રોમાંચિત થઈ ગયું. એટલા માટે કે બંગલામાં પ્રવેશતાં જ અંદર એક વૃક્ષ દેખાયું. બંગલામાં અંદર જ મોટું વૃક્ષ? તેઓએ મકાન બનાવતી વખતે એનું હનન ન કરતાં એને વિકસતું રાખીને એક મોટો ચૉક બનાવ્યો છે. આજુબાજુમાં બે મોટા બેડરૂમ, ખુલ્લુ રસોડું અને વિશાળ ડ્રોઇંગરૂમ સાથેનો બંગલો છે – જાણે પરિકલ્પનાનું કોઈ ડ્રિમ હાઉસ હકીકત બનીને સામે ન આવ્યું હોય! ધીમંતભાઈ પણ પોતાના બંગલાના બગીચાનું ધ્યાન રાખવા દર રવિવારે ત્યાં પહોંચી જાય છે. વૃક્ષોને પાણી સીંચીને તેની કાળજી સ્વયં રાખે છે.


થોડીવારમાં પરેશભાઈ (ડિવાઇન ડેસ્ટિનેશનના મેનેજર) આવી પહોંચ્યા. તેઓ અહીં દસ વર્ષથી કાર્યરત છે. તેઓએ અમને ‘નેષ્ચર ફાર્મ’ની મુલાકાત કરાવી. રસ્તામાં ચાલતાં ચાલતાં આ ફાર્મ હાઉસના દર્શન – વિઝન વિશે સમજ આપતા જતા હતા. ત્યાં પુસ્તકાલય, સ્વિમિંગ પુલ, યોગ અને અન્ય કાર્યક્રમો થઈ શકે તેવી વ્યવસ્થા કરી છે. તેઓએ જે સ્વિમિંગ પુલ બનાવ્યો છે તેને પણ પ્રાકૃતિક રંગ આપ્યો છે. ટેકરી પરથી જળનો કુદરતી રીતે જ અભિષેક થાય અને એ ધોધ નીચે પડતાં સ્વિમિંગ પુલ બની જાય! આહ્લાદક લાગે છે ને! જેઓને આ ફાર્મ હાઉસનો અનુભવ લેવો હોય તેઓ માટે આધુનિક બે કૉટેજ બનાવ્યા છે.


આગળ વધતા ક્યા ક્યા વૃક્ષો વાવ્યા છે તે વિશે પણ સતત બોલતા જ જતા હતા. જાણે એમના મિત્રો ન હોય! અહીં લગભગ ૫૦,૦૦૦ જેટલાં વૃક્ષો હશે. કોઈ રાસાયણિક દવાઓનો ઉપયોગ કરાતો નથી. વૃક્ષો, પ્રાણીઓ અને પક્ષીઓ મસ્તીથી પોતાની રીતે જ વિકસે અને જીવે તેવી વ્યવસ્થાના આગ્રહી છે. પક્ષીઓને ખલેલ ન પહોંચે એથી બહુ ઊંચા અવાજે બોલવાનું નહીં, એવા નમ્રતાભર્યા સૂચનનો વિશેષ આગ્રહ રાખે છે. ત્યાં એક હોમ થિયેટર અને બાળકોને રમવા માટે પ્લે એરિયા પણ બનાવ્યો છે.

પછી અમે નયનભાઈ દવેની ઑફિસે પહોંચ્યા. તેઓ સાથેની મુલાકાત પણ દિવ્ય બની રહી. તેઓ પ્રકૃતિ સાથે તન્મય થઈ ગયા છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભારતીય સંસ્કૃતિ તેઓના રગ રગમાં વસે છે. બંગલાઓને તાર કે દીવાલની વાડ નહીં કરવાની એવો એમનો આગ્રહ જ એટલા માટે છે કે, સમગ્ર વાતાવરણ એક કુટુંબ સમાન લાગે. પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો અને તેના પરિણામે માણસોને પણ અલગ હોવાનો અહેસાસ ન થાય. બધા એક જ પરિવારના સભ્યો હોય તેવું લાગે. જે પ્રકૃતિ પ્રેમી હોય, તેનો આદર કરતા હોય એટલું જ નહીં પણ તેનું કાળજીપૂર્વક જતન કરે તેવી જ વ્યક્તિઓને પસંદ કરીને આ ફાર્મહાઉસના સભ્યો બનાવે છે. તેઓ માટે આ જંગલનું સંરક્ષણ અને સંમાર્જન અગ્રતા ક્રમે છે. ભવિષ્યમાં તેઓ આધ્યાત્મિક વિકાસનું એક કેન્દ્ર પણ વિકસાવવાનું વિચારી રહ્યા છે.

ધીમંતભાઈના મિત્ર પ્રતીકભાઈના બંગલાની મુલાકાતનો અનુભવ એકદમ રોમાંચક રહ્યો. કેમ કે એક તો ટેકરી પર બંગલો, તેમાં ભોંયરામાં બિલ્યર્ડ રૂમ, સ્પ્લેશ પુલ, કાચની બારીઓમાંથી દેખાતી વનરાજી અને વેલીમાં જવા માટે ટ્રેકિંગ જેવો રસ્તો. જંગલ, બગીચો, સ્વિમિંગ, કેમ્પફાયર બધું જ એક જ છતની નીચે ઉપલબ્ધ. સ્થાપત્ય કલાનો જાણે સર્જનાત્મક નમૂનો!

ત્યાંથી આગળ જતાં ગૌ શાળાની મુલાકાત લીધી. અહીં ગીરની ગાયો છે. અહીંના જ દૂધ, દહીં અને પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. લગભગ બે વાગ્યે જમવા માટે પહોંચ્યા. તે જગ્યા પણ અદ્ભુત બનાવી છે. ઘાસના પૂળાઓ અને વાંસની મદદથી માંચડો બનાવ્યો છે. એની નીચે બેસવા માટે બેઠકો અને વાંસ ઉપર કાચની મદદથી જ ડાઇનિંગ ટેબલ બનાવ્યા છે. એનું નામ પણ બહુ સરસ છે – ‘પત્રાવલિ’. રસોઈના મહારાજ ખુમાણસિંહ હાથમાં ખરેખર જાદુ છે. દાળ, ભાત, બટાકાનું રસાદાર શાક, ફ્લાવર-વટાણા-કોબિજનું મિક્સ શાક, કટલેસ, દૂધીનો હલવો, છાશ, અને ગરમ ગરમ રોટલી.. મોંઢામાં પાણી આવી ગયું ને!! અમે પેટ ભરીને જ નહીં, આંકરાંતિયાની જેમ ખાધું. ખૂબ ચાલ્યા હતા એટલે ભૂખ પણ લાગી હતી. ત્યાંના ખેતરમાં ઊગેલા શાકભાજીની તાજી મહેંક હતી અને ભરપુર સ્વાદની લહેજત હતી. જમીને જે ઊંઘ આવી છે તેનું તો વર્ણન જ કરાય તેમ નથી.

પોણાપાંચે પરેશભાઈ અમને ફરીથી અન્ય સ્થળોની મુલાકાતે લઈ ગયા. હવે ટેકરી પર જવાનું હતું. જો કે એ રસ્તો બની રહ્યો હતો. એટલે રેતમાં ચાલતાં ઉપર પહોંચ્યા. ત્યાંથી તો ફાર્મ હાઉસનો નજારો અદ્ભુત લાગતો હતો. ત્યાં પણ પાલક, કોથમિર, મૂળા વગેરેની ખેતી કરવામાં આવી હતી. ત્યાં મોરની સાહજિક થતી અવર-જવર અને ભાતભાતના પક્ષીઓનો કલરવ વાતાવરણને સંગીતમય બનાવતો હતો.

ત્યાંથી લગભગ સાડા છ વાગ્યે ચા અને બટાકા પૌંઆનો નાસ્તો કર્યો. બપોરના ભોજનની એટલી અસર હતી કે કશું ખાવાની ઈચ્છા ન હોવા છતાં માત્ર તેના સ્વાદને કારણે નાસ્તો અને ચા પણ ઝાપટી ગયા. વિઝિટર બુકમાં અમારી લાગણીઓને વ્યકત પણ કરી. ત્યાંથી નીકળવાની સહેજ પણ ઇચ્છા થતી નહોતી. પણ ત્યાં ફરી જવું હોય તો ય તેની વિદાય તો લેવી જ પડે ને!
ભીતરના એક અલૌકિક આનંદ અને મસ્તી સાથે અમે પરત આવ્યા, એવું જ નક્કી કરીને કે, બહુ ઝડપથી આપણે ફરી આ દિવ્ય મંજિલની મુલાકાત લઈશું. જેથી શહેરમાં રહેવાની અને સહેવાની ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. દિવ્ય મંજિલે તો જીવન જીવવાના સાચા પાઠ મૌનમાં જ સમજાવી દીધાં, પણ આપણે શહેરીજનોને આ ભાષા સમજતાં હજુ યુગો નીકળી જશે, કદાચ એટલે જ કુદરતે આ વર્ષે આપણને એક ભયંકર મહામારીની લપડાક તો નહીં મારી હોય ને? જેથી આપણે પ્રકૃતિની મૌન ગીતાને સમજી શકીએ?