૧. સિકંદર એટલે વિજયનું પ્રતીક!

આ વિશ્વમાં વિજેતાઓ તો ઘણા થયા. પરંતુ સિકંદર જેવા વિજેતા બહુ જૂજ છે. સિકંદર સમ્રાટ હતો. એને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવું હતું એટલે જ એ લડાઈઓ લડતો હતો. એને માટે માત્ર લડાઈ લડવી એટલું જ પૂરતું નહોતું. એને મન જીત મહત્ત્વની હતી. જીતવા માટે જ લડવું એ એનો મંત્ર હતો. લડાઈ તો અનેક રાજાઓ અને સમ્રાટો લડયા છે. પરંતુ બધા જ કંઈ જીતવા માટે નથી લડયા. ઘણી બધી લડાઈઓ જાણે લડવા ખાતર જ લડાઈ છે. ક્યારેક લડાઈ આવી પડી છે અને લડવી પડી છે. જીતવાના હેતુ સાથે લડાયેલી લડાઈ હારી જવાય તો એ હારનો ઘા એટલો કારમો નથી હોતો, કારણકે એમાંથી જ ફરી જીતવા માટે લડવાની હામ પેદા થાય છે.

     લડાઈ વિના ખરેખર તો આપણી એક પળ પણ પસાર થતી નથી. હર ક્ષણ કોઈક ને કોઈક યુદ્ધ ચાલતું જ રહે છે. એટલે જ જીવનને રણસંગ્રામ કહેવામાં આવે છે. આજે સમય બદલાયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના અદ્ભુત વિકાસે એક તરફ સગવડો આપીને ઘણી સવલતો કરી આપી છે તો બીજી તરફ એ બધું જ મેળવવા માટે સંઘર્ષની જરૂરિયાત ઊભી કરી છે. મથ્યા વિના ક્શું જ મળતું નથી. બે ટંક ખાવા-પીવાથી માંડીને હરવા ફરવા માટે, બોલવા માટે, સૂવા-બેસવા માટે, સંબંધો જાળવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. વીસમી અને એકવીસમી સદીની આ જ તાસીર છે. સંઘર્ષ કર્યા વિના કશું જ મળે તેમ નથી. વિના સંઘર્ષે કદાચ ક્યારેક કશુંક મળી પણ જાય તો એની કિંમત સમજાતી નથી. એમાં જે ‘ચાર્મ’ જોઈએ તેની ગેરહાજરી અનુભવાય છે.

     એ દ્રષ્ટિએ જોઈએ તો આજના સમયમાં દરેકે સિકંદર બનીને જ જીવવું પડે તેમ છે. કોઈ નાનો સિકંદર તો કોઈ મોટો સિકંદર. જેનામાં સિકંદર બનવાની ખેવના કે ઇચ્છાશક્તિ નથી એ જીવતો નથી, માત્ર શ્વાસ લીધા કરે છે. શ્વાસ લેવો અને શ્વાસ મૂકવો એ જીવન નથી, માત્ર જૈવિક ક્રિયા છે. કીડા-મંકોડા પણ શ્વાસ લે છે. શ્વાસ પણ જીવન વડે ધબકે નહિ તો તે એક યાંત્રિક પ્રક્રિયા બની જાય છે. માણસ અહીં જ જુદો પડે છે. ઇચ્છાઓ, આકાંક્ષાઓ, સુખ અને આનંદની પરિપૂર્તિ તથા લાગણીના સંતોષ વડે જ એ પોતાની જાતને જીવતી રાખે છે. આ માટે ઝઝૂમવું પડે તો એ ઝઝૂમે છે. ઝઝૂમવાની આ જરૂરિયાત જ સિકંદર બનવા માટેની પૂર્વશરત છે.

     આપણે જે ઇચ્છીએ તેને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરીએ તથા એને પરિણામે ઇચ્છિત વસ્તુ મેળવીએ ત્યારે આપણને વિજેતા બન્યાનો અહેસાસ થાય છે. સિકંદર બનવાની એ જ ખરી ક્ષણ છે. ઘણા લોકો એવા છે જેમને ઇચ્છા તો થાય જ છે, એ માટે તેઓ સંઘર્ષ પણ કરે છે, પરંતુ એમની ઇચ્છા પૂરી થતી નથી. એ વખતે એમને પરાજિત થયાનો અનુભવ થાય છે. હતાશા ઘેરી વળે છે અને એ હતાશાનું આવરણ ફરી સંઘર્ષે ચડવાની એમની શક્તિને હણી લે છે. પછી એ સંઘર્ષ ટાળે છે અથવા હથિયાર સાવ હેઠાં મૂકી દે છે. હથિયાર હેઠાં મૂકી દેનાર માટે જીતવાની કલ્પના કે વિજયનો વિચાર પણ નકામો થઈ જાય છે. હથિયાર હેઠાં મૂકવા એટલે કે સંઘર્ષથી મોં ફેરવી લેવું એ પોતે જ પરાજય છે.

    સંઘર્ષ કરવા માટે કે યુદ્ધ ખેલવા માટે બહારથી દવાની ગોળી કે ઇન્જેક્શન આપી શકાતા નથી. એ શક્તિ અને એ તૈયારી આપણી ભીતરથી જ આવે છે. કદાચ કોઈ સંજોગ એવો થાય અને પીછેહઠ સહેવી પડે ત્યારે એવું શાથી બન્યું એ વિચારવાને બદલે હિંમત હારી જવાય તો ત્યાં જ પૂર્ણવિરામ આવી જાય. ઇતિહાસ કહે છે કે સિકંદરને પણ ઘણી જગાએ ફટકા સહેવા પડ્યા હતા. પરંતુ એણે પીછેહઠ સ્વીકારી નહોતી કે હથિયાર હેઠાં મૂક્યાં નહોતાં. એણે એવું કર્યું હોત તો એ સિકંદર ન હોત.    

     જિંદગીભર લડાઈ લડતા રહેલા સિકંદરની વિજયની ભૂખ બહુ તીવ્ર હતી. વિજેતાનું ખરું લક્ષણ જ આ છે. વિજયની એની ભૂખ કદી પૂરેપૂરી સંતોષાતી નથી. વિજયથી તૃપ્ત થવું એય પરાજયની શરૂઆત છે. સિકંદરની સામે લડાઈ લડયા કે લડવી પડી અને છેવટે હારવું પડ્યું એવા રાજા-મહારાજાઓ અને સમ્રાટોની યાદી બનાવીએ તો એમાં ઘણાં નામો મળે છે. પરંતુ એ બધાં નામોમાં એક નામ અલગ તરી આવે છે. એ હતો પોરસ. વિશ્વ વિજેતા સિકંદરે પણ પોરસને સલામ કરવી પડી હતી.

     પોરસ પણ સિકંદર સામે યુદ્ધમાં હાર્યો હતો. એને કેદ પકડીને, સાંકળે બાંધીને સિકંદરની સામે લાવવામાં આવ્યો. સિકંદરે એને પૂછ્યું, ‘બોલ, મારે તારી સાથે કેવો વ્યવહારો કરવો જોઈએ?’ પોરસ લડાઈમાં ભલે હાર્યો હતો પરંતુ એનું મન હાર્યું નહોતું. વિજેતાની ખુમારી તો એના મનમાં હજુય ધબકતી હતી. એટલે જ પોરસે વળતો ઉત્તર આપ્યો, ‘એક સમ્રાટ બીજા સમ્રાટ સાથે જે વ્યવહાર કરે એ જ વ્યવહાર તમારે મારી સાથે કરવો જોઈએ!’ ઇતિહાસ લખે છે કે સિકંદર પોરસના આ જવાબથી ખૂબ ખુશ થયો. એનાં બંધનો છોડાવી એને પોતાની લગોલગ સ્થાન આપ્યું.

     ઇતિહાસે આટલી જ વાત વિગતે નોંધી છે. એ વખતે પોરસ અને સિકંદરના મનમાં શું હતું એ નોંધ્યું નથી. પોરસ જાણે એમ કહેવા માંગતો હતો કે યુદ્ધમાં ભલે હું હાર્યો, પરંતુ એ તો સંજોગનો સવાલ છે. યુદ્ધમાં હું હાર્યો એમ તું પણ હારી શક્યો હોત, વળી આવતી કાલ કોણે જોઈ છે? શક્ય છે કે કાલે ઊઠીને આપણે ફરી યુદ્ધ કરીએ અને એમાં હું જીતું પણ ખરો એટલે જ યુદ્ધમાં હારવાથી હું સમ્રાટ મટી જતો નથી. યુદ્ધે મને પરાજિત કર્યો છે, મારા મન થકી મેં મને હજુ પરાજિત જાહેર કર્યો નથી. મારે કદાચ પરાજિત તરીકે રહેવું પડે તો મારું મન તો એ નહિ જ સ્વીકારે. સિકંદરને પણ એ વખતે થયું હશે કે જે પોતાના મનથી પરાજિત નથી એને હું શું પરાજિત કરવાનો હતો?

     પોરસે મનથી પરાજય સ્વીકાર્યો નહોતો એની પાછળ પણ ઘણું બધું હતું. કદાચ પોરસે પોતાના એ પરાજયનું પૃથક્કરણ અને વિશ્લેષણ પણ કર્યું હતું. સિકંદર અને પોરસના સૈન્ય વચ્ચે એક મૂળભૂત તફાવત હતો. સિકંદરનું સૈન્ય ઘોડા પર આવ્યું હતું અને પોરસના સૈન્યમાં હાથી હતા. યુદ્ધને લાગેવળગે છે ત્યાં સુધી હાથી કરતાં ઘોડા ચડિયાતા ગણાય. હાથી કરતાં ઘોડા ઝડપથી દોડે, વધુ સ્ફૂર્તિ દાખવે, સામી છાવણીને ઘમરોળી નાંખે અને પોતાના અસવારને પણ સાચવે. હાથી ધીમા ચાલે, બહુ દોડી શકે નહિ. ઝટ ઘાયલ થાય અને આડું અવળું વાગી જાય તો પાગલ થઈને પોતાના જ માણસને કચડી નાંખે. હાથી વરઘોડામાં, સરઘસમાં કે લગ્નની જાનમાં શોભે , યુદ્ધમાં નહિ. પોરસને સમજાઈ ગયું હતું કે આ યુદ્ધ સિકંદર અને પોરસ વચ્ચેનું નહિ, પરંતુ હાથી અને ઘોડા વચ્ચેનું હતું, જેમાં ઘોડા જીત્યા હતા અને હાથી હાર્યાં હતા. પોરસની આ સમજ જ એના માટે વિજય બની ગઈ. ઇતિહાસ શું કહે છે એ તો જાણવા મળતું નથી, પરંતુ એ પછીની એક પણ લડાઈ પોરસ હાથીઓના સૈન્યથી તો નહિ જ લડયો હોય એટલું નક્કી.

     જે પોતાના મનથી હારતો નથી એને કદી કોઈ હરાવી શકતું નથી. જે હથિયાર હેઠાં મૂકી દે છે કે મેદાન છોડીને ચાલ્યો જાય છે એના માટે વિજયની શક્યતા પર આખેઆખી ચોકડી વાગી જાય છે. વિજેતાનું લક્ષણ એ છે કે એ કદી હાર કબૂલતો નથી અને વિજયની ઇચ્છાને સતત ધબકતી રાખે છે. સાથે સાથે પરાજય વખતે પરાજયનાં કારણોની મીમાંસા કરે છે અને ક્યા પરિબળો  કે ક્યા સંજોગો પરાજયનું કારણ બન્યાં એ શોધવા મથે છે. એ જડી જાય એ પછી પરાજયને પાછો ઠેલી એ ફરી વિજયના માર્ગે અગ્રેસર થાય છે. વિજેતાનાં અનેક લક્ષણોમાં આ એક પાયાનું અને મૂળભૂત લક્ષણ છે. અંગ્રેજીમાં કહ્યું છે: 

                           “Winners never quit. Quitters never win.”      

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: