રદ્દે – અમલ (પ્રતિક્રિયા) ખીંટી પર ટાંગેલા વિચારો

અર્પણ

કપડવંજ આર્ટસ્ કૉલેજના પ્રોફેસર બલ્લુવાલાસાહેબને સાદર અર્પણ
રદ્દે – અમલ માટે દિવ્યેશ ત્રિવેદીનો અહેસાસ

‘રદ્દે – અમલ’ આ બે અરબી શબ્દોનો અર્થ થાય છે ‘પ્રતિક્રિયા’. આપણી બધી જ પ્રતિક્રિયાઓ સ્થૂળ હોય છે. કોઈ ઉશ્કેરે અને આપણે ગુસ્સે થઈ જઈએ છીએ એ સ્થૂળ પ્રતિક્રિયા છે. પરંતુ કોઈ ઉશ્કેરે અને આપણે શાંત રહીએ, એના પર દયા ખાઈએ અને એના પ્રત્યે કરૂણા દાખવીએ તો આવી પ્રતિક્રિયા સૂક્ષ્મ બની જાય છે. સ્થૂળ પ્રતિક્રિયાઓમાં આથી જ વૈવિધ્ય હોતું નથી. જ્યારે સુક્ષ્મ પ્રતિક્રિયા હંમેશાં વૈવિધ્યસભર હોય છે. અહીં કોઈ આવો જ ઉપક્રમ છે.

         સમયે સમયે વાંચેલી ઊર્દુ રચનાઓમાંથી ગમી ગયેલા કેટલાક શેરો પસંદ કરીને વાંચતાં વાંચતાં કે વાંચ્યા પછી જે ભાવ ઊમટ્યા એને પ્રતિક્રિયા સ્વરૂપે રજૂ કર્યા છે. આ કોઈ વિચાર વિસ્તાર નથી કે વાંચેલા શેરોનું અર્થઘટન કે વિવેચન નથી. માત્ર પ્રત્યેક શેર મારા માટે ખીંટી બન્યો છે. એ ખીંટી પર મેં મારા વિચાર-વ્યાપારને જ લટકાવ્યા છે.

             ઊર્દૂ ગઝલની એક લજ્જત એ છે કે, એમાં જે સીધી રીતે કહેવાયું હોય એ ઉપરાંત ઘણું બધું કહેવાયું હોય છે. વાચક અને ભાવક સમક્ષ એની અનેક છાયાઓ પ્રગટ થાય છે. વળી ઊર્દૂ ગઝલને અનેક સૂફી કવિઓએ પણ ઝીલી છે. સૂફી કવિઓ ઈશ્વરને કે પરમ તત્વને પ્રિયતમા સ્વરૂપે જુએ છે. એથી જ એમની કવિતામાં સ્થૂળ પ્રેમની વાતના પડદા પાછળ શાશ્વતની વાત પણ સાંભળવા મળે છે. ઊર્દૂ રચનાઓ વાંચવા અને વાગોળવાનું આ પણ એક કારણ છે.

             આમાંના કેટલાક લેખો સમયે સમયે ‘સમભાવ’ તથા ‘સમાંતર’માં પ્રગટ થયા છે. કેટલાક વાચકોને એમાં રસ પડ્યો હતો એથી જ વધુ લખવાનું મન થયું હતું. આ લઘુ -લેખોને ક્યા સાહિત્ય પ્રકાર હેઠળ મૂકી શકાય એ વિષે મેં વિચાર્યું નથી. કોઈ સાહિત્ય પ્રકાર તરીકે એનું વર્ણન ન થઈ શકે તો પણ મને વાંધો નથી. કારણકે એમાં મારે જે કહેવું હતું તે કહી શક્યાનો મને સંતોષ છે.

             આ લઘુ – લેખોના નિમિત્તે મને મારા પ્રાધ્યાપક અને સહ્રદયી વડીલ મિત્ર સમાન સ્વ. એફ. એમ. બલ્લુવાલા વિશેષ યાદ આવે છે. કૉલેજમાં ભણતો હતો ત્યારે સ્વ. ફરીદભાઇએ મને પ્રેમથી અને નિષ્કામ ભાવે ઊર્દૂ અને ફારસીના જગતમાં દીક્ષિત કર્યો હતો. એમણે જ મને ઊર્દૂ કવિતાનો નેહ લગાડ્યો હતો. એમના પ્રત્યેનું ઋણ અદા કરવા જેટલી મારામાં શક્તિ નથી. એમના પ્રત્યેના અનુગ્રહને કારણે જ આ પુસ્તક એમને અર્પણ કરું છું.

             મારી વિચારયાત્રાને સતત ઊંજણ અને માંજણ પૂરું પાડનાર મારા સ્વ. પ્રાધ્યાપક (અને પાછળથી મારા શ્વશુર) વિ. કે. શાહ તો સદૈવ મારા સ્મરણમાં જ છે. એમણે પ્રગટાવેલો પ્રજ્ઞાનો પ્રકાશ સતત મારો પથદર્શક બન્યો છે. મારી વિચારયાત્રાનો મૂળ સ્રોત મારાં સ્વ. માતુશ્રી શારદાબેન ત્રિવેદી (સૌનાં મોટીબહેન)  અને મારા વડીલબંધુ શ્રી ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી મારા સમગ્ર  અસ્તિત્વમાં ધબકે છે. મારી પત્ની અને સખી શીતલ (સ્મિતા) મારી જ્યોતને સતત સંકોરતી રહી છે. મારાં સંતાનો ચિ. ઋત્વિક અને ઋચા મને વિચારતા રહેવા માટેનું ઈંધણ પૂરું પાડતાં રહ્યાં છે.

                 મને સતત લખતા રહેવાનો આગ્રહ કરનાર મારા મુરબ્બી મિત્રો શ્રી રજનીભાઈ વ્યાસ અને શ્રી મુકુન્દભાઈ પી. શાહને હું ભૂલી શકું તેમ નથી. ખીંટી પર ટીંગાડેલા મારા આ વિચારોને તમારા સહુ સમક્ષ રજૂ કરતાં આનંદ અનુભવું છું.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: