૨. હસતું મન તો હસતું તન!

ચિત્રકારોએ સિકંદરનાં અનેક ચિત્રો દોર્યાં હશે અને શિલ્પીઓએ અનેક શિલ્પ પણ બનાવ્યાં હશે. કોઈએ સિકંદરનું રડતું ચિત્ર કે ઉદાસ શિલ્પ બનાવ્યાનું જાણ્યું નથી. વિજેતાને રૂદન અને ઉદાસી શોભે જ નહિ. વિજેતાનો ચહેરો હંમેશાં હસતો જ હોય. બીજી રીતે કહીએ તો રોતલ માણસ કદી વિજેતા બની શકે જ નહિ. જેણે પોતાની પ્રકૃતિને રોતલ બનાવી દીધી હોય એને વિજય ભૂલથી પ્રાપ્ત થઈ જાય તોય એ એને પચે નહિ. વિજયનું એક આગવું અને અલાયદું સ્મિત હોય છે. રોતલ ચહેરા પર એ સ્મિત માટે તસુ પણ જગ્યા હોતી નથી. એથી જ રોતલ માણસથી વિજય પણ દૂર જ ભાગે છે.            

     હસતો ચહેરો સૌને ગમે છે. રોતલ ચહેરો એક પ્રકારની જુગુપ્સા ઉપજાવે છે. ઘણા માણસોને અકારણ રડયા કરવાની ટેવ પડી હોય છે. રડવું એટલે માત્ર આંસુ સારવાં નહિ, રુદન શબ્દોથી અને હાવભાવથી પણ થઈ શકે છે. કેટલાક માણસો આનંદની લાગણી સાથે પણ દુઃખ સાથે પ્રગટ કરે છે. આવે વખતે એના અવાજમાં ઉત્સાહ, ઉત્તેજના અને ઉષ્માનો સદંતર અભાવ વર્તાય છે. આવા માણસો પોતે તો નિરુત્સાહ હોય જ છે, પરંતુ એ જેની સાથે વાત કે વ્યવહાર કરે છે એને પણ હતોત્સાહ કરે છે. હસતો માણસ પોતે ઉત્સાહમાં હોય છે અને એથી બીજાનામાં પણ ઉત્સાહ પ્રેરે છે.

      હસતો ચહેરો રાખવો એનો અર્થ એ નથી કે દુઃખની સાવ અવગણના કરવી. સુખ અને દુઃખ, આનંદ અને વિષાદ તો આપણા જીવન સાથે વણાયેલાં છે, માણસ લાગણીશીલ પ્રાણી છે. એની લાગણી પોરસાય તો ઘવાય પણ ખરી. જગતમાં બધું જ આપણને ગમતું હોય એવું બનતું નથી. અણગમતી વાત બને ત્યારે દુઃખ થાય, આ વાત સ્વાભાવિક વાત છે. પરંતુ એ દુઃખ કે ઘવાયેલી લાગણીને આપણા સમગ્ર અસ્તિત્વ પર સવાર થઈ જવા દઈએ ત્યારે જ તકલીફ થાય છે. શરીર પર ક્યારેક ઘસરકો થાય કે નાનો સરખો ઘા વાગે ત્યારે આપણે એ ઘા પર પટ્ટી લગાવીને કે દવા ચોપડીને એને ભૂલી જવો પડે છે. એની મેળે એ રૂઝાઈ જાય છે. પરંતુ ઘા પર પટ્ટી લગાવવાને બદલે કે દવા ચોપડવાને બદલે એ ઘાને પંપાળ્યા કરીએ કે ખોતર્યા કરીએ તો ઘા પહોળો થાય છે અને વકરે છે પણ ખરો. દુઃખની લાગણી આવા ઘા જેવી છે. એની પ્રાથમિક સારવાર કરીને પછી એને ભૂલી જવામાં જ મજા છે. આપણાં ક્પડાં પર મેલું પડે કે કાદવના ડાઘ પડે પછી એને સાચવી રાખવાને બદલે તત્કાળ ખંખેરીને સાફ કરી નાખીએ છીએ. તો પછી દુઃખને ગળે વળગાડીને ફર્યા કરવાનો શું અર્થ ?

      આ જગતમાં જીવન અને મરણ એક ક્રમ છે. જગતમાં એક પણ માણસ એવો નહિ હોય, જેણે પોતાનું કોઈક સ્વજન ગુમાવ્યું ન હોય. સ્વજનની વિદાય હંમેશા વસમી હોય છે. છતાં મરનારની ચિતા પર ચડી જવાતું નથી. બે-ચાર દિવસે કે બે-ચાર મહિને પણ વિદાયની એ વાસ્તવિકતાની સ્વીકારી લેવી પડે છે. એક મૃત્યુની પાછળ બીજા એક જીવની અવગણના થઈ શકતી નથી. મૃત્યુ જેવી વસમી ઘટનાને પણ ખમી લેવી પડતી હોય તો પછી બીજાં દુઃખોની શી વિસાત?

      જેમ દુઃખી અને વિષાદમય રહેવું એ આદત બની જતી હોય છે તેમ જ આનંદમાં રહેવાની પણ આદત પાડી શકાય છે. ગમે તેવી વસમી વાતને પણ હળવાશથી લેતાં આવડે તો જ આવી આદત કેળવી શકાય. આજનો સમય ચિંતા, સંઘર્ષ અને સ્પર્ધાનો સમય છે. આવા કાળમાં નિરાશા, હતાશા, ગુસ્સો, અકળામણ અને વંચિતતાના પ્રસંગો બેસુમાર બને એ ખૂબ સ્વાભાવિક છે. માણસ યાદ કરવા બેસે તો હતાશા અને અફસોસના પ્રસંગોનો મસમોટો ખડકલો એની આંખ સામે થઈ જાય. કેટલાક માણસો આવા હતાશા અને ફસોસના પ્રસંગોના ચકડોળમાં જ ફર્યા કરતા હોય છે. પરિણામે સતત એવું જ લાગે છે કે એને ચક્કર ચડયા છે અને એ બેહોશીમાં જ જીવે છે. ખરી વાત તો એ છે કે દરેક માણસના જીવનમાં જેમ હતાશા અને અફસોસના પ્રસંગો બને છે તેમ થોડાક આનંદ અને ઉત્સાહના પ્રસંગો પણ બને જ છે. કદાચ બન્ને વચ્ચે સંખ્યાનો તફાવત હોઈ શકે છે. પરંતુ દુઃખ કે હતાશાના જ પ્રસંગને વાગોળવાને બદલે સુખ અને આનંદના પ્રસંગોને શા માટે વાગોળી શકાય નહિ? જીવનના ક્યા પ્રસંગોને યાદ કરવા અને કયાને યાદ ન કરવા એ તો આપણા જ હાથમાં છે ને!

      હસતો ચહેરો પોતે જ હળવાશનું પ્રતીક છે. માનસિક પરિસ્થિતિ તંગ કે દુઃખી હોય ત્યારે નવા અને સર્જનાત્મક વિચારો આવતા નથી. હિંમત અને સ્ફૂર્તિ અનુભવાતાં નથી. પરિણામે કોઈ કામમાં ભલીવાર આવતો નથી. જે કામમાં ભલીવાર જ ન હોય એમાં વળી જીત મેળવવાની વાત કેવી? આપણામાં એટલા જ માટે કહેવાય છે કે ‘હસે તેનું ઘર વસે’ ઘર વસાવવું એટલે સિદ્ધિ પ્રાપ્ત કરવી. ઘર વસાવવાનું ભટકેલ કે રખડેલ વ્યક્તિનું કામ નહિ. ઘર વસાવવું એટલે ઠરી ઠામ થવું, રડતો રડતો માણસ ઊભડક જીવે છે. હસતો માણસ જ સ્થિર રહી શકે છે. એક એવી પણ કહેવત છે કે ‘રડતો જાય એ મૂઆની ખબર લાવે.’ રોતલ ચહેરો પોતે જ નિરાશા અને વંચિતતાનું પ્રતીક છે. એની પાસે ભાગ્યે જ સારા સમાચારની આશા રખાય, કારણ કે એ સારા સમાચારો પણ રડતાં રડતાં જ આપતો હોય છે.

      કેટલાક માણસો સતત રોદણાં જ રડતા હોય છે. એમને કાં તો સુખનો અહેસાસ થતો નથી અને કાં તો તેઓ એવો અહેસાસ પોતાની જાતને થવા દેતા નથી. એમની નજર પણ થોડી વિકૃત થઈ ગઈ હોય છે. તેઓ પોતાનાથી સુખી એવા બીજા લોકો તરફ જોઈને પોતાના દુઃખના ઘાને કોતરે છે. એ જ વ્યક્તિ જ્યારે બીજાંનાં દુઃખોને જોવાનું વલણ કેળવે છે ત્યારે જ એને સમજાય છે કે એ પોતે કેટલો સુખી છે. બીજાંનાં સુખને જોઈને પોતાનાં દુઃખોને વાગોળવાની વૃત્તિમાંથી જ ઈર્ષા અને બળાપો કરવાનું વલણ વિક્સે છે. આ બધાં વિચિત્ર વિષચક્રો છે, જે છેવટે માણસને હરાવીને જ જંપે છે.

      દુઃખની સ્વાભાવિક ઘટના વખતે ગ્લાનિ થાય કે આંસુ સરી પડે એ સ્વાભાવિક છે. એવે વખતે એને રોકવાં પણ ન જોઈએ. પરંતુ પછી બને એટલી ઝડપથી સ્વસ્થ થઈ જવામાં જ લાભ છે. ચોવીસ કલાકઆંસુ સાર્યા કરવાનું તો આપણું પણ ગજું નથી હોતું. ગજા બહારનું દુસ્સાહસ કરવા જઈએ તો એ આપણને જ નડે છે. દુઃખ કે ડંખનો આપણને ભીતર અહેસાસ રહે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ એ આપણા આખા વ્યક્તિત્વને ભરખી લે ત્યારે જ સમસ્યાઓ થાય છે. ઘણા માણસો પરગજુ હોવાના વહેમમાં જીવે છે. પોતાના મિત્રો કે આશ્રિતોને સુખી કરવાની મથામણમાં પોતે ખૂબ દુઃખ વેઠે છે. ખરી વાત તો એ છે કે આવા માણસો બીજાઓની સાથે સાથે પોતાની જાતને પણ છેતરે છે. જે પોતે સુખે નથી એ બીજાને કેવી રીતે સુખે કરી શકે? દાનવીર થવા માટે પહેલા પોતે ધનવાન થવું પડે. કોઠીમાં જારનો દાણો જ ન હોય અને ભૂખ્યાંને અન્ન આપવાની વાત કેટલી વાહિયાત છે! એટલે જ જેણે બીજાંને સુખી કરવાં હોય એણે પોતે પણ સુખી થવું પડે. આનંદ આપવો હોય તો પોતે આનંદિત રહેવું પડે.

હસતો ચહેરો વ્યક્તિત્વનો અદ્ભુત માસ્ક

      જીવન સંગ્રામમાં વિજેતા બનવું હોય તો સંઘર્ષ ખેલવા તૈયાર રહેવું પડે. તન-મનની તાકાત વિના કોઈ સંઘર્ષ કદી પાર પડે જ નહિ. ચહેરા પરના સ્મિતમાં અનેરી તાકાત હોય છે. ભલભલા જંગમાં એ તન-મનની તાકાતને ટકાવી રાખે છે. વિજ્ઞાનીઓ કહે છે કે રડતી વખતે ચહેરાના માત્ર આઠ જ સ્નાયુઓનું હલનચલન  થાય છે. હસવાથી ૭૩ સ્નાયુઓને કસરત મળે છે. આથી જ હસતો ચહેરો આકર્ષક અને પ્રફુલ્લિત લાગે છે. હસતા રહેવાની વૃત્તિ આપણે જ કેળવવી પડે છે. બ્યુટી પાર્લરમાં એનો માસ્ક મળતો નથી. હાસ્યમાં ગજબનાક શક્તિ છે એ વાતની બહુ ઓછા લોકોને ખબર છે. રડીને માણસ ક્યારેક કોઈકને પરવશ કે ઓશિયાળું બનાવી શકે, પરંતુ સમૂળગું જીતી તો ન જ શકે. એક સ્મિત કે એક મુક્ત હાસ્ય ભલભલાને જીતી લઈ શકે. રડતા બાળકને કદાચ બે ઘૂઘરા મળી પણ જાય, પરંતુ રડતા રહેવામાં બે ઘૂઘરા મેળવ્યાના આનંદને સ્થાન ન હોય.

     હાસ્યની શક્તિનો ગજબનાક પરચો તો અમેરિકાના પ્રસિધ્ધ પત્રકાર નોર્મન કઝીન્સે કર્યો અને કરાવ્યો છે. જીવનમાં બબ્બે વાર અસાધ્ય રોગનો ભોગ બનેલા નોર્મન કઝીન્સના આયુષ્ય માટે જ્યારે નિષ્ણાત ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી લીધા ત્યારે નોર્મન કઝીન્સે હાસ્યનું શરણું લીધું. હાસ્યની ફિલ્મો, હાસ્યનાં પુસ્તકો અને મિત્રો સાથે હાસ્ય-ખુશાલીની વાતોના તડાકામાં રત રહીને એણે પોતાનું સ્વાસ્થ્ય પાછું મેળવ્યું. વિજ્ઞાન પણ કહે છે કે સદા હસતા રહેતા માણસની અંતઃસ્રાવી ગ્રંથિઓ ખૂબ સક્રિય રહે છે. એટલે જ જેનું મન હસે તેનું તન પણ હસતું રહે છે. મન અને તનની તંદુરસ્તી જ ગમે તેવા સંઘર્ષમાં ટકી રહેવાનું બળ પૂરું પાડે છે.

      અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. જિંદગી હસતાં હસતાં જીવવી એ એક વાત છે અને જિંદગીને હસી કાઢવી કે હસવા સમી બનાવવી એ બીજી વાત છે. હાસ્ય પણ ગંભીર અને અર્થસભર બને ત્યારે જ એ સાર્થક નીવડે છે. નિરર્થક હાસ્ય નફ્ફ્ટાઈનું પ્રતીક છે અને નફ્ફ્ટાઈ વિજેતા બનવાના માર્ગમાંનો સૌથી મોટો અવરોધ છે. એટલે જ અંગ્રેજીમાં સરસ વાત કહી છે :

“Laugh with others, not at others.”

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: