૩. શરૂ કરે એ જ પૂરું કરે!

સમગ્ર પ્રકરણના સારરૂપ આ વિધાનો છે.
કોઈપણ કામ શરૂ કરવું એ જ જીવનનો આદર છે.

કોઈક માણસને કશીક સફળતા પ્રાપ્ત કરતો જોઈએ કે કોઈક સિધ્ધિ મેળવતો જોઈએ ત્યારે સામાન્ય રીતે આપણા મનમાં બે પ્રકારની લાગણી થતી હોય છે. એક તો એ કે આ માણસને જે મળ્યું એ મને નથી મળ્યું. આ પ્રકારની વંચિતતાની લાગણી ઈર્ષામાં પરિણમે છે. આપણે એમ કહીને આપણા મનને સમજાવીએ છીએ કે એને નસીબથી સફળતા મળી ગઈ છે અથવા અન્ય લોકોએ કે પરિબળોએ એને સાથ આપ્યો છે. બીજી લાગણી એવી પણ થતી હોય છે કે એમાં શું થઈ ગયું? મેં જો કર્યું હોત તો હું પણ સફળ થયો હોત. એક ત્રીજી પણ લાગણી થતી હોય છે કે એ શક્તિશાળી અને ખમતીધર છે. આપણું એ ગજું નહિ, આ ત્રીજા પ્રકારે વિચારનારાઓની વાત કરવાનો અર્થ નથી. એનું કારણ એ છે કે જે પોતાની જાતને જ નીચી નજરે જુએ છે એનાથી સફળતા આપોઆપ દૂર ભાગે છે. પહેલા પ્રકારે વિચારનાર પણ એક પ્રકારે ગ્રંથિથી જ પીડાય છે. આ રીતે જાગતી ઈર્ષા એક વિકૃતિ છે. આવું વિચારનાર બહુધા એ પછી કાવાદાવા આચરે છે, નિંદા-કૂથલીમાં સરી પડે છે અને સામાને નીચો પાડવાના પ્રયત્નોમાં લાગી જાય છે. બીજાની લીટી ભૂંસીને એ પોતાની નાની લીટીને મોટી સાબિત કરવાનો પ્રયાસ કરે છે. એ પ્રયાસોમાં એની પોતાની નાની લીટી તો નાની જ રહે છે. ખરી વાત એ છે કે આવી વ્યક્તિમાં વિકાસની ક્ષમતા હોવા છતાં એનો વિકાસ અવરોધાય છે. એ જ્યાં હોય છે ત્યાં જ રહી જાય છે, બલ્કે એનું ધોરણ ઓર નીચું ઊતરે છે.

હવે બીજા પ્રકારે વિચારનારની વાત કરવા જેવી છે. કોઈક્ની સિધ્ધિ કે સફળતાને જોઈને એમ થાય કે આ કામ મેં કર્યું હોત તો હું જરૂર સફળ થયો હોત. આવો વિચાર આવે એનો અર્થ એ થાય કે આવું વિચારનાર માને છે કે એનામાં આ જ કામ કરી શકવાની ક્ષમતા અને શક્તિ છે. એને એ વાતનો વિશ્વાસ પણ છે. કદાચ એવું પણ બને કે એ કામ જો એણે કર્યું હોય તો એ ક્દાચ વધુ સારી રીતે પણ કરી શક્યો હોય. પાયાની વાત એટલી જ છે કે આવું વિચારનારે એ કામ કર્યું નથી અને બીજાએ એ કર્યું છે. એટલે સવાલ સારું કામ કરવાનો કે ખોટું કામ કરવાનો યા સફળ થવાનો કે નિષ્ફળ જવાનો નથી, અગત્યનો સવાલ એ કામ હાથ પર લેવાનો અને એને પૂરું કરવાનો જ છે.

અમેરિકાનું એમ્પાયર સ્ટૅટ બિલ્ડિંગ મહાકાય ઈમારત છે. એ ઈમારત રાતોરાત તો નહિ જ ચણાઈ હોય. ક્યારેક એના પાયા ખોદવામાં આવ્યા હશે અને એ પાયા ખોદવા માટે પહેલી કોદાળી જમીનમાં ખૂંપી હશે ત્યારે માંડ ૧૦૦ કે ૨૦૦ ગ્રામ માટી જ ખોદાઈ હશે. નાનાથી મોટા કોઈ પણ સાહસની એક નાનકડી શરૂઆત તો હોય જ. મોટે ભાગે બને છે એવું કે કોઈ પણ કામ કે કોઈ પણ પ્રોજેકટ આપણે હાથમાં લેવા વિચારીએ એટલે એને એના સમગ્ર સ્વરૂપમાં જોવા લાગીએ છીએ અને પછી એના વિશાળ કદને નજર સામે ક્લ્પીને પાછા વળી જઈએ. આટલું મોટું કામ ક્યારેક થશે, મારાથી એ થશે કે નહિ, હું એ ક્યારેક પૂરું કરી શકીશ એવા બધા દહેશત ભર્યા સવાલો આપણને ઘેરી વળે છે. એ પછી આપણે એના વિશાળ ક્દને જ આંખ સામે રાખીએ છીએ. ‘મહાભારત’ કે ‘રામાયણ’ જેવાં મહાકાવ્યોના રચયિતાએ પણ પહેલાં કાગળ પર પહેલો અક્ષર તો લખ્યો જ હશે ને! એક અક્ષર લખ્યા પછી શબ્દ અને શબ્દો વડે વાક્યો કે શ્લોકો રચાયા હશે અને એમ જ મહાકાવ્ય રચાયું હશે. પહેલો અક્ષર જ ન પડયો હોત તો!

દરેક ચીજને એનાં બે સ્વરૂપો હોય છે. એક એનું સમગ્ર સ્વરૂપ છે અને બીજું વિભાજિત સ્વરૂપ છે. દરેક ચીજને બે રીતે જોવાય છે. એક એકદમ નિકટથી અને બીજી રીતે થોડા અંતરે રાખીને જોવાની છે. કોઈ પણ ચીજને એના સમગ્ર સ્વરૂપમાં જોતાં જોતાં જ એને વિભાજિત સ્વરૂપે જોવી પડે છે. એટલું દર્શન એક વાર થઈ જાય પછી એ વાત અઘરી કે ક્ષમતા બહારની નથી લાગતી. સવાલ અહીં દ્રષ્ટિને કેળવવાનો અને એનું સાતત્ય જાળવી રાખવાનો જ છે.

જે તે ધ્યેયનું સમગ્ર પણે વિભાજિત દર્શન કરી લીધા પછી એ દર્શનને મનમાં સ્થિર કરી લેનાર અડધો જંગ જીતી જાય છે. સિકંદરને આખી દુનિયાના વિજેતા બનવું હતું. એક સાથે આખી દુનિયા પર હલ્લો કરીને એ રાતોરાત વિજેતા બની જવાનો નહોતો. પહેલાં તો એણે દુનિયા જીતી લેવાનું ધ્યેય નક્કી કર્યું, એ પછી દુનિયા કેવી રીતે જીતવી એ નક્કી કરવા માટે વિભાગીકરણ કર્યું અને ક્યાંથી શરૂઆત કરવી એ નક્કી કર્યું અને એ પછી સૌથી અગત્યની વાત એ હતી કે એણે જીતવા માટે પહેલાં એક દેશથી શરૂઆત કરી. એ માત્ર વિશ્વવિજેતા બનવાનું સપનું જ જોઈને બેસી રહ્યો હોત અને લડાઈના મેદાનમાં ઊતર્યો જ ન હોત તો એ કદી વિજેતા બન્યો ન હોત. એક એટલી જ મહત્વની વાત એ છે કે આ વિશ્વમાં સિકંદર સિવાય બીજા ય બે-પાંચ રાજાઓ અને સમ્રાટો હશે, જેમનામાં સિકંદરની માફક જ વિશ્વવિજેતા પદનાં સમ્રગ દર્શન કરીને મેદાનમાં ઊતરવાનું રાખ્યું હોત. જેણે શરૂઆત જ ન કરી હોય, એ પૂરું ક્યાંથી કરે?

કહે છે કે એક કાળે દેશમાં રસ્તા કે ધોરી માર્ગો જેવું જ નહોતું. લોકો જંગલો અને ઝાડી-ઝાંખરાં ભેદીને એક ગામથી બીજે ગામ પહોંચતા હતા. તેઓ રસ્તા કરી કરીને આગળ વધતા હતા. આજે રસ્તા છે અને ધોરી માર્ગો પણ છે. દેશ આખામાં ખૂણે ખૂણે ઘૂમી શકાય છે. અમદાવાદથી દિલ્હી જવું હોય તો રસ્તા માર્ગે કોઈ પણ વાહન દ્વારા નીકળી શકાય છે. જેવું વાહન એટલો સમય લાગે. પરંતુ અમદાવાદના પાદરે આવીને ઊભા રહી જઈએ તો દિલ્હી પહોંચાતું નથી. રસ્તો દિલ્હી સુધી જતો હોવા છતાં એ દિલ્હી પહોંચાડતો નથી. એ માટે રસ્તા પર ચાલવું પડે છે અથવા વાહનમાં બેસી આગળ વધવું પડે છે. એટલે કહી શકાય કે રસ્તો ચાલતો નથી, આપણે જ ચાલવું પડે છે.

ધારો કે અમદાવાદના પાદરેથી ચાલતા ચાલતા હિંમતનગર પહોંચીને પાછા ઊભા રહી જઈએ અને વિચારીએ કે દિલ્હી તો હજુ બહુ દૂર છે. હજુ પહોંચતાં મહિનો નીક્ળી જશે. તો એ સંજોગોમાં દિલ્હી પહોંચાતું નથી. ન ચાલીએ તો ક્દી પહોંચાતું નથી. ચાલીએ તો મહિનેય પહોંચાશે. એવું જ કોઈ પણ કામની બાબતમાં છે. શરૂ કરેલું કામ અટકાવી દઈશું તો એ ક્દી પૂરું થવાનું નથી. ચાલુ રાખીશું તો ક્યારેક પણ પૂરું થશે. શક્ય છે કે આપણે અંદાજેલા સમયમાં એ પૂરું ન પણ થાય. પણ સાવ અટકી પડે એના કરતાં મોડું પણ પૂરું થાય એમાં ખોટું શું છે? એટલે જ કહ્યું છે, “દેર આયે દુરસ્ત આયે.”

જે લોકો કોઈક કામની શરૂઆત કરીને પછી અટકી જાય છે એમને આપણે આરંભે શૂરા કહીએ છીએ. આવા આરંભે શૂરાઓની તકલીફ પણ એ જ છે. એમણે પોતાના ધ્યેય કે પોતાની મંજિલનું સમગ્ર દર્શન કર્યું હોતું નથી. એમને એમનું અધૂરું અને વિકૃત દર્શન જ અટકાવી દે છે. સમગ્ર દર્શન કર્યા પછી વિના વિલંબે શરૂઆત થઈ જાય છે અને પછી એ ચાલતું જ રહે છે. દરમ્યાન એ પાછળ નજર કરે છે ત્યારે જેટલું કામ પત્યું હોય છે એ જોઈએ પાછું પોરસ ચડે છે એ નફામાં.

ક્લાકાર-લેખક મિત્ર રજની વ્યાસે ‘ગુજરાતની અસ્મિતા’ નામે ગુજરાતના સર્વસંગ્રહ જેવો સુંદર ગ્રંથ તૈયાર કર્યો ત્યારે મનમાં થયું હતું કે આવો ગ્રંથ તો આપણે પણ કરી શકીએ. પરંતુ સાચી વાત એ છે કે આપણે એ કામ કર્યું નથી અને એમણે કર્યું છે. એ ગ્રંથ તૈયાર કરતાં એમને ખાસ્સાં પાંચ વર્ષ લાગ્યાં હતાં. વચ્ચે વચ્ચે પોરો ખાધો હશે, પરંતુ છોડી દીધું નહિ એટલે જ પૂરું થયું. પહેલાં એક પાનું લખ્યું હશે, પછી બીજું, પછી ત્રીજું અને એમ ગ્રંથ તૈયાર થયો હશે. જેણે કામ હાથ પર લીધું નહિ, એને સમગ્ર સ્વરૂપે તપાસ્યું નહિ, શરૂ કર્યું નહિ એના માટે પૂરું કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આમ જુઓ તો આપણે ૬૦ કે ૭૦ વર્ષ કે તેથી પણ વધુ આયુષ્ય ભોગવીએ છીએ, પણ શ્વાસ લેવાની શરૂઆત કર્યા પછી પળ પળ જીવીએ છીએ. એ પળ પળ ભેગી થઈને જ ક્ષણ બને છે, મિનિટ બને છે, ક્લાક બને છે, દિવસ બને છે, મહિનો બને છે, વર્ષ બને છે અને એમ જ આખું આયખું બને છે. કોઈ પણ કામ શરૂ ન કરવું એ જીવનનો ઇન્કાર કરવા બરાબર છે અને અધવચ્ચે છોડી દેવું એ આયખાનો અનાદર કરવા સમાન છે.

જેણે વિજેતા બનવું છે, સિકંદર કહેવડાવવું છે એણે કામની શરૂઆત તો કરવી જ પડે. સફળતાની ચાવી જ શરૂઆત છે.

એટલે જ કહ્યું છે:

“The secret of success is its beginning.”

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: