સિકંદર દુનિયાને જીતવા નીકળ્યો ત્યારે એના મનમાં વિશ્વવિજેતા બનવાની તીવ્ર ઇચ્છા તો હતી જ, પરંતુ એથી વધારે સાચી વાત એ છે કે એના મનમાં કોઈ વાતનો ડર નહોતો. કેટલીક વાર શું હોવું એ જેટલું જરૂરી હોય છે એટલું જ જરૂરી શું ન હોવું એ પણ હોય છે. ડરનું પણ એવું જ છે. ડરની ગેરહાજરી એ પણ એક રીતે હિંમતનું જ બીજું નામ છે. ડર માણસનો સાહજિક સ્વભાવ છે. પરંતુ એના પર પ્રભુત્વ મેળવવું એ જ માણસનું લક્ષણ છે. મોટા ભાગના માણસો ડગલે ને પગલે ડરી ડરીને ચાલતા હોય છે. આવા માણસો જીવનની રેસમાં સદા પાછળ જ રહી જતા હોય છે. ડર એક અવરોધ છે, તે સ્પીડ બ્રેકર જેવું કામ કરે છે. ગમે તેવા સરળ અને સુંદર રસ્તા પર પણ સ્પીડ બ્રેકરોની સંખ્યા વધારે હોય તો ગતિ જળવાતી નથી. બલકે ઘીમી પડી જાય છે.

કદાચ એવો સવાલ પણ થાય કે ડર જો સાહજિક હોય તો પછી એની સામે વિરોધ શા માટે? એમ જોવા જઈએ તો માણસમાં અનેક સાહજિક લક્ષણો હોય છે. સાહજિક લક્ષણોને કાયમી માનીને જ ચાલવાનું હોય તો પછી માણસમાં અને પશુમાં ફેર શું? માણસ એ છે, જે સાહજિક લક્ષણો પર પણ કાબૂ મેળવે છે. એ લક્ષણોને ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં પ્રગટ કરવાં કે થવા દેવાં એ માણસે પોતે નક્કી કરવાનું છે. ડર આપણા પર સવાર થઈ જાય અને ડરપોકપણું આપણું એક લક્ષણ બની જાય ત્યારે પ્રગતિ અને વિકાસ રૂંધાય છે. વિજેતા બનવાની જેનામાં ચાહ હોય એણે પહેલો વિજય ડર પર મેળવવો પડે છે. ગબ્બરસિંહનો ફિલ્મી સંવાદ યાદ રાખવા જેવો છે, “જો ડર ગયા સો મર ગયા.”
માણસ હંમેશાં અણધારેલી પરિસ્થિતિથી ડરતો હોય છે. પરંતુ એમ જોવા જઈએ તો જીવનમાં લગભગ બધું જ અણધારેલું હોય છે. છતાં આપણે દરેક પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ. ક્યારેક કેટલાક સડસડાટ પસાર થઈ જાય છે તો કેટલાક ધડકતા હ્રદયે અને ચારેબાજુ ફાંફાં મારતાં પસાર થાય છે. સડસડાટ પસાર થનાર ગતિમાં હોય છે અને ધડકતા હ્રદયે ફાંફાં મારતાં મારતાં આગળ વધનારા મંદ ગતિએ જતાં હોઈ બહુ મોડા પહોંચે છે અથવા રસ્તામાં જ લોથ થઈ જાય છે કાં તો થાકીને પાછા વળી જાય છે.
અણધારેલી પરિસ્થિતિ અને અણધાર્યું આક્રમણ સહેજ ધડકો આપી જાય ત્યાં સુધી બરાબર છે. પરંતુ એ ડારો દે કે મૂર્છિત કરી નાખે નાંખે ત્યારે જ મુશ્કેલી થતી હોય છે. કોઈ પણ ડરામણી કે ડારો દેનારી પરિસ્થિતિ સામે અડીખમ ઊભા રહી એ પરિસ્થિતિના પ્રહારને ખાળવાની વાત જ મહત્ત્વની છે! એક રીતે પરિસ્થિતિ સામેની એ લડાઈ જ છે. એ લડાઈમાં ડરને જીતવા દે એ બધું જ હારી જાય છે. વિજેતા ક્દી ડરતો નથી, એનું કામ તો બીજાને ડરાવવાનું છે. જે ડરતો નથી એ જ ડરાવી શકે છે.
મનોવિજ્ઞાન કહે છે કે ડરને શરીરની અંતઃસ્રાવી ગ્રંથિઓ એડ્રિનલમાંથી થતાં એડ્રિનલીન નામના હોર્મોન્સના સ્રાવ સાથે સંબંધ છે. એ અંગે ઘણા પ્રયોગો પણ થયા છે. પરંતુ વિજેતા બનવા ઇચ્છનારે એમાં પડવા જેવું નથી. એડ્રિનલીનના સ્રાવ પર ઢોળી દઈને પોતાના ડરપોક સ્વભાવનો બચાવ કરવાનો અર્થ નથી. એડ્રિનલીન એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. ડરના અવરોધને દૂર કરવા માટે પહેલાં ડરની લાગણીને સમજવી પડે. એ સમજાય નહિ ત્યાં સુધી એનાથી છુટકારો મેળવવાનું કામ બહુ મુશ્કેલ છે.
માણસના મનમાં બે પ્રકારના ડર જોવા મળે છે. એક ડર સાહજિક અને બીજો વિકૃત છે. સાહજિક ડર માટે મુખ્યત્વે ત્રણ કારણો છે.
૧. અજ્ઞાત કે અજાણી પરિસ્થિતિઃ અજાણી પરિસ્થિતિ એક ડર ઊભો કરે છે. પહેલી વાર લાંબા પ્રવાસે જનારને પ્રવાસની હાડમારીઓ, નવાં સ્થળોની ભૌગોલિક પરિસ્થિતિ, નવા લોકોના સ્વભાવ અને એમની ભાષા, વિચિત્ર પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા વગેરે જેવી બાબતો સાહજિક ડર પેદા કરે છે.
૨. આશંકાઃ ડર પેદા થવાનું આ એક મહત્વનું કારણ છે. આશંકા થવી એ બહુ સ્વાભાવિક બાબત છે. જે વસ્તુ આપણે જાણતા નથી એના વિશે ઝટ આશંકા થતી હોય છે. પરંતુ કેટલાક માણસો આશંકાની સીમા વટાવી જાય છે અને જાણતા હોય એવી બાબતોમાં પણ આશંકા સેવતા થઈ જાય છે. આખા ઘર પર રૂઆબ જમાવતી અને ઘરના તમામ સભ્યોને એડી પર ઊભા રાખતી ગૃહિણી ગરોળીને જોઈને ચીસ પાડી ઊઠે છે. એને આ રીતે ગરોળીથી ડરી જતી જોઈને ઘરના સભ્યો હોઠ દબાવીને હસી લે છે. પરંતુ એ ગરોળી શું કરી શકે છે એની જાણ નહિ હોવાથી એના પ્રત્યે એ આશંકિત રહે છે. આશંકાની એની સીમા વળોટાઈ જાય છે. એ પછી એને તમે ગમે એટલું સમજાવો કે ઘરમાં જોવા મળતી ઝેરી ગરોળીથી હોતી નથી કે કરડતી નથી. છતાં એ ગરોળી જોઈને ચીસ પાડયા વિના નહિ જ રહે. પહેલી વાર પ્લેનમાં મુસાફરી કરનારને પૂછવા જેવું છે કે પ્લેનમાં બેઠા પછી કેવા વિચારો આવતા હતા? એનું મન અનેક આશંકાઓ વચ્ચે અટવાતું હતું એમ એ કહેશે. ખરી વાત એ છે કે જે પરિસ્થિતિનો આપણને પરિચય જ નથી એ પરિસ્થિતિમાં કશુંક અમંગળ જ બનશે એવી વાત આપણા મનમાં ઝટ આવે છે. એનું એક નિહિત કારણ એ છે કે કોઈ પણ અણધારી પરિસ્થિતિનો સામનો કરવાની આપણી તૈયારી હોતી નથી.
૩.લઘુતા ગ્રંથિઃ મનોવિજ્ઞાની ફ્રોઈડ કહે છે તેમ લઘુતાગ્રંથિ સહજ છે. આ દુનિયામાં એવી અનેક વસ્તુઓ છે, જેની સામે જોઈએ ત્યારે આપણને આપણી જાત નાની અને વામણી લાગે છે, તેનસિંગ અને હિલેરી એવરેસ્ટની તળેટીમાં ઊભા રહીને એવરેસ્ટની ટોચ તરફ જોતા હશે ત્યારે એમને પોતાની જાત કેટલી નાની અને વામણી લાગી હશે. પરંતુ એ બન્ને એ જ વિચારો પર અટકીને ત્યાંને ત્યાં જ ઊભા રહ્યા હોત તો કદી એવરેસ્ટ સર કર્યો ખરો? ગમે તેવી વિકટ પરિસ્થિતિને પણ પહોંચી વળી શકાય છે એવા ખ્યાલને મનમાં ઉગાડવાની જ જરૂર હોય છે. એ વિના ડર જતો નથી અને વિજય મળતો નથી. લઘુતા એ વાસ્તવિકતા છે તો ગુરુતા એ વાસ્તવિકતા પર પ્રાપ્ત કરાતી સિધ્ધિ છે.
સાહજિક ડરનાં આ ત્રણેય કારણભૂત પરિબળોમાં ઉછેર, શિક્ષણ અને વાતાવરણ અગત્યનો ભાગ ભજવે છે. બાળપણથી બાળકને બાવાની, ભૂતની કે પોલીસની બીક બતાવતાં માતા-પિતાને ખબર નથી હોતી કે છાનું રાખવા કે ઊંઘાડી દેવા માટે બાળપણમાં બતાવાયેલી આવી બીક આગળ જતાં કેવાં પરિણામો સર્જે છે. આપણા શિક્ષણમાં કેળવણીને બહુ ઓછું સ્થાન હોવાથી જ બાળકને ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની તત્પરતા પ્રાપ્ત કરવાની કેળવણી મળતી નથી. વાતાવરણનો પણ એટલો જ ફાળો હોય છે. ગામડામાં વગડાં અને ખેતરોમાં ઉછરેલા બાળકને સાપ કે વીંછીનો ડર લાગતો નથી. શહેરી બાળકે સાપ કે વીંછી ભાગ્યે જ જોયા હોય છે. એટલે એ વંદાથી પણ ડરે છે.
બીજા પ્રકારનો ડર વિકૃત પ્રકારનો છે. મનોવિજ્ઞાન એને ફોબિયા (Phobia) તરીકે ઓળખે છે. આ પ્રકારનો વિકૃત ડર ઘણી વાર પાયા વિનાનો હોય છે. કોઈ એક નાની વાતને મોટું સ્વરૂપ મળી ગયું હોય છે. મોટા ભાગના માણસોને આવો કોઈક ડર વત્તે-ઓછે અંશે લાગુ પડી ગયો હોય છે. એ બહુ હરાન ન કરે ત્યાં સુધી વાંધો નથી આવતો, પરંતુ એ વધી જાય અને હેરાન કરવા માંડે એ પછી પ્રગતિ રૂંધાય છે. મનોવિજ્ઞાનના કહેવા પ્રમાણે નાની અમથી વાત અજાગ્રત મનમાં ઊતરી જાય એ પછી એમાંથી આવો વિકૃત ડર જન્મે છે. મનોવિજ્ઞાને આવા અનેક પ્રકારના વિકૃત ભયનો પુષ્કળ અભ્યાસ કર્યો છે. આવા થોડાક વિકૃત ડરની વાત કરીએ તો ઊડવાનો ડર (એરોફોબિયા), વાહન ચલાવવાનો ડર (એમેક્ઝોફોબિયા), લોકોનો કે ટોળાંનો ડર (એન્દ્રોયોફોબિયા), પાણીનો ડર (એક્વાફોબિયા), અંધારાનો ડર (નાયકટોફોબિયા), આગનો ડર (પાયરોફોબિયા), મૄત્યુનો ડર (થેનોટોફોબિયા), અજાણી વ્યક્તિઓનો ડર (ઝેનોફોબિયા) અને ઊંચાઈનો ડર (વર્ટીગો) વગેરે અનેક પ્રકારના ડરને ગણાવી શકાય. વિકૃત ભય પ્રાથમિક તબક્કામાં હોય તો કદાચ સભાન પ્રયત્નોથી એના પર કાબૂ મેળવી શકાય. પરંતુ જો એ આગળ વધી ગયો હોય તો મનોચિકિત્સક કે મનોવિજ્ઞાનીનો સંપર્ક સાધવો પડે. મનોવિશ્લેષણ દ્વારા એ એનું મૂળ શોધી કાઢે અને વિકૃત ભયમાંથી મુક્ત થવામાં મદદરૂપ થઈ શકે. વિકૃત ભયમાંથી મુક્તિ માટે વિવિધ પ્રકારની સારવારનો વિકાસ થયો છે. કેટલાક મનોચિકિત્સકો દવાનો ઉપયોગ કરે છે. અમેરિકાના એક મનોવિજ્ઞાની ડૉ. મેન્યુઅલ ઝીઈનના કહેવા મુજબ વિકૃત ભયથી પીડાતી વ્યક્તિને વારંવાર એ જ પ્રકારની પરિસ્થિતિમાં મૂક્તા રહેવાથી ધીમે ધીમે વિકૃત ભય દૂર થાય છે.
સાહજિક ભય કરતાં વિકૃત ભય ખૂબ મોટો અવરોધ ઊભો કરે છે. માટે જ એવા ભયની લાગણી ઓળખાય કે તરત એનો ઈલાજ હાથ ધરવો હિતાવહ ગણાય. એ માટે મનોચિકિત્સક પાસે કે મનોવિજ્ઞાની પાસે જવામાં ખચકાટ દાખવ્યો કે આનાકાની કરી તો ગયા કામથી!
સાહજિક ભય કે વિકૃત ભયથી પીડાતી વ્યક્તિમાં મુખ્ય ચાર લક્ષણો જોવા મળે છે.
૧. આત્મસંશય: આવા માણસનું મન હંમેશાં પોતાના વિશે જ સંશય અને શંકા સેવ્યા કરે છે. આવી વ્યક્તિ આત્મવિશ્વાસ ધરાવતી નથી હોતી. કોઈ પણ કામ હાથ પર લેતાં પહેલાં ‘મારાથી આ નહિ થાય તો’ એમ વિચારીને અટકી જાય છે. શારીરિક અક્ષમતા પણ ક્યારેક આત્મસંશયને પોષે છે. ‘અણધારી પરિસ્થિતિમાં હું મૂર્છિત થઈ જઈશ તો’ એવું એ વિચારે છે ત્યારે જ એ અડધો તો મૂર્છિત થઈ જાય છે. વિજેતા બનવું હોય એણે આત્મસંશયની જેલ તોડીને બહાર આવી જ્વું પડે. ‘ગીતા’માં પણ કહ્યું છે: “સંશયાત્મા વિનશ્યતિ.”
૨. ફરિયાદઃ કેટલાક માણસોને બધાંની સામે અને બધી જ પરિસ્થિતિ સામે કંઈક ને કંઈક ફરિયાદ હોય છે. આ ફરિયાદવૃત્તિ પણ ડરનું એક કારણ છે. હું જે કંઈ કરીશ એનું ખોટું અર્થઘટન થશે અને મને કોઈ સમજવાનું નથી એવી લાગણીમાંથી જ ડર જન્મે છે.
૩. ગુનાઈત લાગણીઃ મનમાં ડરની લાગણી ઘર કરી જ્વાનું એક મહત્વનું કારણ ગુનાઈત લાગણી છે. ખોટું બોલ્યાની, કોઈને દુઃખ આપ્યાની, કોઈને છેતર્યાની વગેરે પ્રકારની નાની નાની ગુનાઈત લાગણીઓ અવારનવાર આપણા મનમાં જન્મતી હોય છે. ક્યારેક કોઈ મોટું ખરાબ કામ આપણા હાથે થઈ ગયું હોય તો મને જંપ વળતો નથી. આમ બનવું સ્વાભાવિક છે. પરંતુ આવી લાગણીમાંથી છૂટવું પણ એટલું જ જરૂરી છે. ગુનાની લાગણી ઘર કરી જાય એ પછી એ એક પ્રકારની કે એના જેવી કોઈ પણ પરિસ્થિતિ ડર પેદા કરે છે અને પીછે હઠ કરવા મજબૂર કરે છે. ગુનાની લાગણીમાંથી છૂટવાનો એક માત્ર ઈલાજ એને મનમાં સંઘરી રાખવાને બદલે બહાર કાઢવાનો છે. શક્ય હોય તો આપણી દ્રષ્ટિ એ આપણે જેનો ગુનો કર્યો હોય એની જ પાસે એકરાર કરીને માફી માગી લેવી શ્રેષ્ઠ છે. એમ ન બને તો મિત્ર, પતિ કે પત્ની, ભાઈ-બહેન કે એવી કોઈ પણ નિકટની વ્યક્તિ પાસે મન ખોલી નાંખવાથી પણ હળવાશ અનુભવાય છે. આ હળવાશ ડરને પેદા થવા દેતી નથી.

૪. ચિંતા: કોઈ પણ વાતની ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ કેટલાક માણસો સતત ચિંતામાં જ જીવતા હોય છે. એક સત્ય સમજી લેવા જેવું છે કે ચિંતા કરવાથી કોઈ પરિસ્થિતિ હલ થતી નથી. પરિસ્થિતિને હલ કરવા માટે પ્રયત્ન કરવા પડે છે. એથી ય આગળ એક વાત છે. જે પરિસ્થિતિની આપણે ચિંતા કરતાં હોઈએ એના પર અસર કરનારાં પરિબળો પર આપણો કાબૂ જ ન હોય ત્યારે ચિંતા જ નહિ, પ્રયત્નો કરવા એ પણ ફાંફાં મારવા જેવું બની જાય છે. એક મિત્રનાં માતા બિહારમાં રહે છે. ત્યાં એમના મોટા ભાઈ છે, જે માતાની દેખરેખ રાખે છે. માતાની તબિયત સારી રહેતી નથી. મિત્ર એમને પોતાની પાસે લાવીને રાખી શકે તેમ નથી. આ મિત્ર સતત માતાની સ્વાસ્થ્યની ચિંતામાં જ રહ્યા કરે છે. નોકરીમાંથી પણ રજા લઈ લીધી છે. સમયસર વ્યવસ્થિત જમતા પણ નથી. કોઈ હસે કે મોટેથી બોલે તો ગુસ્સે થઈ જાય છે. માતાના સ્વાસ્થ્યનું શું થશે એ ચિંતા એમના મન પર સવાર થઈ ગઈ છે. એમાંને એમાં એમના પોતાના સ્વાસ્થ્ય પર જોખમ તોળાવા માંડયું છે. ચિંતાને આટલા માટે જ ચિતા સમાન ગણાવાઈ છે ને!
આમ, ડર સૌથી મોટો દુશ્મન છે. ડર સતાવે ત્યારે એને પહેલાં ઓળખી લેવો પડે. ડરપોક માણસ યુદ્ધના મેદાનમાં ઊતરી શકે નહિ અને યુદ્ધ ખેલ્યા વિના વિજેતા બની શકાય નહિ.
વિજેતા બનવું છે એણે સૌથી પહેલો વિજય ડર પર મેળવવો પડે!