૫. કામ એ જ પૂજા!

પ્રત્યેક કર્મ એક રણભૂમિ છે.

અર્થશાસ્ત્રીઓ બેરોજગારીને આપણા દેશની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક ગણાવે છે. એમની રીતે લોકો કદાચ સાચા હશે, પરંતુ વ્યવહાર જગત પર સહેજ ઝીણી નજર કરીએ તો એમની વાત માની લેવાનું મન થતું નથી. આટલા વિશાળ દેશમાં અને ઝડપભેર વિકસતા સમાજમાં એટલાં બધાં કામો પડેલાં છે કે બેરોજગારીનો સવાલ ઉદ્ભવે જ કઈ રીતે એવો પ્રશ્ન થાય. હજુ આજે ય વણખેડાયેલાં અનેક ક્ષેત્રો પડેલાં છે. જેને કામ કરવું છે એણે કામ શોધવા જ્વું પડે એમ નથી. બેરોજગારીની સમસ્યાના મૂળ કામ વિષેના આપણા ચોક્ક્સ અને બંધિયાર ખ્યાલો છે. કામની પસંદગીનો દુરાગ્રહ જ બેરોજગારીના મૂળમાં છે. કોઈ પણ કામ નાનું નથી કે કોઈ પણ કામ ખોટું નથી. કામ એ કામ છે. હાથ પર લીધેલા કામને નિષ્ઠા અને જવાબદારી સાથે પાર પાડવાની વૄત્તિના અભાવે જ આપણા કામમાં ભલીવાર આવતો નથી. એથી જ બહુધા એવું જોવા મળે છે કે માણસ કામથી કંટાળે છે, થાકે છે અને સતત ફરિયાદો કરતો રહે છે. મોટા ભાગના લોકો એથી જ થાકેલા અને હારેલ લાગે છે. કામ પ્રત્યેના લગાવના અભાવે ધાર્યું પરિણામે આવતું નથી અને આપણને ઢસરડો ખેંચતા હોઈએ એવું લાગ્યા કરે છે. આ એક વિષચક્રો છે, જે નિરંતર ચાલ્યા કરે છે.

જે પોતાના કામને મૂલ્યવાન સમજે છે અને પૂજા કરતા હોઈએ એટલા સમર્પણ ભાવથી કામ કરે છે એ જ વિજયપથનો પ્રવાસી છે. ગમે એટલું નાનું લાગતું કામ પણ મન મૂકીને કરવામાં આવે ત્યારે એ મોટું બની જાય છે. કામને ઢસરડો સમજનાર કદી જીતી શકે નહિ. કામ પૂરું થયા પછી ઢસરડામાંથી છુટકારો થયાનો નિશ્વાસ નખનારનું કામ છેવટે નિરર્થક પુરવાર થાય છે. કામ પૂરું કર્યા પછી સંતોષની લાગણી ફરી વળે અને એક જ ક્ષણમાં થાક ઊતરી ગયો હોય એવી સ્ફૂર્તિ અનુભવાય ત્યારે જ એ કામ થયું કહેવાય. જેનામાં પોતાના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે એ પોતે તો પોતાના કામને પૂરતો ન્યાય આપે જ છે, પરંતુ સાથે સાથે એ પોતાની આસપાસના લોકોને પણ પ્રેરણા આપે છે. સિકંદર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એનો દરેક સૈનિક મેદાનમાં ઊતરે ત્યારે સિકંદર માટે નહિ, પણ પોતાને માટે લડતો હતો. સિકંદર પણ મેદાનમાં ઊતરે ત્યારે એ સમ્રાટ મટીને સૈનિક બની જતો હતો. પ્રત્યે કામ રણભૂમિ છે અને કામ કરનાર એક સૈનિક છે. Work is worship એવું આ જ સંદર્ભમાં કહેવાયું છે. પૂજા કે પ્રાર્થના એકાગ્ર થઈને કરવામાં આવે તો જ એ પહોંચે છે એવું આપણે કહીએ છીએ. કામનું પણ એવું જ છે. સતત આશંકા કે અસંતોષ કામની અને સફળતાની ગતિને અવરોધે છે.

થોડોક આધ્યાત્મિક વિચાર કરીએ તો શાસ્ત્રી પાંડુરંગ આઠવલે કહે છે તેમ આ જગતમાં આપણું ક્શું જ નથી. આ દેહ પણ આપણો નથી. આપણું જો કંઈ હોય તો તે માત્ર કર્મ જ છે. સુખ, સંપત્તિ બધું જ છૂટી જાય છે, કારણ કે એ બધું પારકું છે. કર્મ એક જ આપણી પાસે રહે છે, કારણ કે એ જ આપણું છે. પરંતુ વિચિત્રતા એ છે કે પારકું આપણે ગળે વળગાડીએ છીએ અને આપણું છે એની ઉપેક્ષા કરીએ છીએ. આ જ ગીતાસાર છે. દુનિયાના તમામ વિજેતાઓએ આ સાર ગ્રહણ કરીને આત્મતૄપ્તિને કાર્યની અનિવાર્ય શરત બનાવી છે. એને જ work culture એટલે કે કાર્યસંસ્કૄતિ કહેવાતી હશે.

ઘરમાં, સમાજમાં કે નોકરી-વ્યવસાયમાં વ્યાપક ધોરણે કાર્યસંસ્કૄતિની અછત વર્તાય છે. ધીમે ધીમે આ રોગ વ્યક્તિગત મટીને સામાજિક અને રાષ્ટ્રીય બનતો ગયો છે. એથી જ એક વ્યક્તિની માફક સમાજ અને રાષ્ટ્ર પણ વિજયપથ પરથી ઊતરી ગયું હોય એવો અનુભવ થાય છે. આપણે જે કંઈ કામ કરીએ છીએ એ બીજાને બતાવવા માટે કે બીજાના સંતોષ માટે કરીએ છીએ. જયાં સુધી આપણને પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી બીજાનાં સંતોષનો વિચાર કરવાનો અર્થ રહેતો નથી.

કાર્ય સંસ્કૄતિના અભાવના મૂળમાં સહેલાઈથી લાભ મેળવી લેવાની આપણી વૃત્તિ જવાબદાર છે. ઓછી મહેનતે વધુ લાભ મેળવવાની પેરવીમાં રહેતા હોવાથી આપણે આપણા કાર્યને ઓછું મહત્ત્વ આપીએ છીએ. આપણી અપેક્ષા ઊંચી છે અને મહેનત નીચી રહે છે. પરિણામે આપણા અસંતોષને આપણે અવળા માર્ગ વાચા આપીએ છીએ. બહુ ઓછા લોકો પોતાના કામનું ગૌરવ કરી શકે છે. એમને બીજાનું કામ વધુ સારું અને વધુ મોટું લાગવા માંડે છે. પારકે ભાણે લાડવે મોટો લાગે ત્યારે આપણા ભાણામાં પડેલા લાડવાનો સ્વાદ બરાબર ન જ આવે. લાડુએ જ લાડુ જ છે. એવી જ રીતે એમાંથી બીજાના કામ પ્રત્યે ઇર્ષા જન્મે છે અને આપણે આપણા કામની બીજાના કામ સાથે સરખામણી કરવા બેસી જઈએ છીએ. આ જ કારણે મોટા ભાગના માણસો નસીબને કોસતા હોય કે અન્યાયની લાગણીથી પીડાતા હોય એવું જોવા મળે છે. અન્યાયની લાગણી આપણા પર સવાર થાય ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે એ અન્યાય માટે પણ આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ.

માણસ આવી બધી લાગણીઓમાં અટવાવા માંડે છે ત્યારે જ એ આળસુ અને બહાનાંબાજ બની જાય છે. એક સૌથી મોટું બહાનું સમયનું કાઢવામાં આવે છે. ‘સમય જ નથી મળતો’ એવું કહેનાર જો એક જ દિવસ પોતે કરેલાં કામોનો હિસાબ સમય સાથે કાગળ પર લખે તો એને તરત શરમ આવે. ચોવીસ કલાકનો સમય પૂરતો છે. છતાં આપણને એ ઓછો પડે છે, કારણ કે આપણે સમયનું આયોજન કર્યું નથી હોતું. અસલ સવાલ દાનતના અભાવનો છે. એટલે જ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. સમય તો સમયનું કામ કરે જ છે, આપણે આપણું કામ નથી કરતા.

 ‘સમય નથી મળતો’ એવા બહાનામાંથી જ આળસ જન્મે છે. કોઈ પણ કામને ટાળવાની વૄત્તિ જાગે છે. માણસ એ આળસને આરામનું નામ આપે છે. પરંતુ એ ખરેખર આરામ નથી, આળસ જ છે. જે કામ કરે એને જ આરામ કરવાનો અધિકાર મળે છે. ખૂબ ખાનાર વ્યક્તિ પથારીમાં જ પડી રહે અને શરીરને જરાય ક્સરત જ આપે તો એ ખોરાક પણ ઝેર બને છે. ખાવાનું પચતું નથી. કામ વિનાન આરામથી પણ અપચો થાય છે. આરામનો અપચો એ જ આળસ. મહાન વિજ્ઞાની આઈનસ્ટાઈન કહેતો હતો કે ખૂબ કામ કરવાથી પણ અપચો થાય છે. આરામનો અપચો એ જ આળસ. મહાન વિજ્ઞાની આઈનસ્ટાઈન કહેતો હતો કે ખૂબ કામ કરવાથી પણ આપણું દિમાગ થાક્તું નથી, આપણું શરીર અને એના સ્નાયુઓ થાકે છે. એટલે જ કામની ફેર બદલી આરામ બની જાય છે. Change of work is rest.

કેટલાક એવું કહીને છટકી જવાની કોશિશ કરે છે કે ‘માથે બહુ કામ ચડયું છે, શું કરવું એ જ સૂઝતું નથી.’ આમ કહીને પણ એ છેવટે તો કામને ટાળે જ છે. સાચી વાત એ છે કે કામ માથે ચડતું નથી. આપણે માથે ચડાવીએ છીએ. ઘારો કે દસ કામ ભેગાં થઈ ગયાં છે. એ દસેયને સામે રાખીને વિચાર્યા કરીએ તો એક પણ કામ થતું નથી. ઊલટું એમાં નવાં કામોનો ઉમેરો થતો જાય છે. જમતી વખતે આપણે પાંચ રોટલી ખાતા હોઈએ તો પાંચેયનો ડૂચો મોંમાં મૂકી શકાતો નથી. એક પછી એક જ ખાવી પડે છે. અને પહેલી રોટલીમાંથી પણ એક બટકું જ પહેલું ખવાય છે. કામનું પણ એવું જ છે. ભેગાં થયેલાં કામોને એમના મહત્વ અને જરૂરિયાત પ્રમાણે અગ્રતાક્ર્મ આપીને એક પછી એક કામ હાથ પર લેવામાં આવે તો તમામ કામો નહિ પતાવાનું કોઈ કારણ રહેતું નથી.

એવી જ રીતે કેટલાક માણસો કોઈ પણ કામ હાથ પર લેતાં પહેલાં જ એમાં ભૂલ થવાના વિકૃત ભયની જાળમાં ફસાય છે. અહીં યાદ રાખવા જેવું છે કે જે કામ કરે એ જ ભૂલ કરે છે. જે ભૂલ કરવાના ભયથી કામ જ ન કરે એ જ ભૂલ થવાનો ભય સેવવાની જરૂર નથી રહેતી. હકીકતમાં તો જે કામ કરે એને જ ભૂલ કરવાનો પણ અધિકાર છે. ભૂલ એ તો શીખવાની એક પધ્ધતિ છે. આ વિશ્વમાં કોઈ પરિપૂર્ણ નથી. એટલે જ પરિપૂર્ણ બનવા માટે ભૂલ થવાની ભીતી ચાલે નહિ. ભૂલ થાય તો જ એને સુધારી શકાય.

જે માણસ નિષ્ઠા, પ્રતિબદ્ધતા, જવાબદારી અને સંતોષ પ્રાપ્ત કરવાની લાગણી સાથે કામ કરે છે એ જ ઊંચો આવે છે અને પોતે ધારેલા ધ્યેય પર વિજય મેળવે છે. નોકરી-ધંધામાં પણ જે માણસ પોતાના કામને ધ્યેય સમજે છે એ જ પોતાનું ભાવિ ઘડે છે. એક મિત્ર દરરોજ સાંજે ઓફિસેથી ઘેર જતી વખતે બે મિનિટ થોભીને વિચાર કરતા હતા, “આજે મેં શું શું કર્યું? કંપની મને રોજના સો રૂપિયા આપે છે. મેં આજે કેટલા વસૂલ કર્યાં?” પછી એ ઊભડક હિસાબ માંડીને કહેતા, “આજે લગભગ દોઢસો રૂપિયાનું કામ કર્યું!” એમના ચહેરા પર ગજબનો સંતોષ વ્યાપી જતો. કોઈક દિવસ એવો જવાબ મળે કે, “આજે સિત્તેર-એંસી જ વસૂલ થયા!” તો પાછા ઓફિસમાં જઈને એકાદ-બે ફાઈલો ક્લિયર કરી નાખતા. આજે એ જનરલ મેનેજર કક્ષાએ પહોંચ્યા છે અને પંદર-વીસ હજારનો પગાર મેળવે છે.

કામથી થાકી કે ગભરાઈ જાય એ કામ કરી શકે જ નહિ. જે કામ માટે દરવાજા સતત ખુલ્લા રાખે એને સફળતા અવશ્ય મળે જ. એક મિત્ર પોતાનો વ્યવસાય કરે છે. વર્ષો પહેલાં એમણે રેડિયોની દુકાન કરી હતી. આજેય રેડિયોની જ દુકાન છે. એમણે નક્કી કર્યું હતું કે સાંજ પડયે અમુક રકમનો વકરો થાય એટલે દુકાન વધાવીને ઘર ભેગા થઈ જવું. આજ સુધી એ આ જ કારણે ઘર ભેગા રહ્યા છે. એની સામે બીજા એક મિત્રનો દાખલો લેવા જેવો છે. એમની સાઈક્લ રીપેરેંગની દુકાન હતી. એમને એમ લાગે કે આજનું કામ પૂરું થઈ ગયું અને હવે ઘેર જવાય. તો પણ એ બેસી રહે. એમને એક્નો એક દીકરો હતો. એ દીકરો ખૂબ વહાલો. કામ પૂરું થયા પછી એ વિચારતા, “આજનું કામ પૂરું થઈ ગયું. હવે એક કામ દીકરાના નામે!” અને એ પછી એક ગ્રાહક આવે અને એનું કામ થાય પછી જ ઘેર જતા. આજે એમની સ્કૂટરની એજન્સી છે અને મોટો શો રૂમ ધરાવે છે. આજની તારીખે પણ એ એક કામ છેલ્લે દીકરાના નામે કરવાનું ચૂકતા નથી.      

વહાલા દીકરાના નામે, દીકરીના નામે કે પ્રિયતમાના નામે એક વધારાનું કામ કરનાર, એક પિપરમિન્ટ વધારાની વેચનાર, એક કાગળ વધારાનો ટાઈપ કરનાર, રિક્ષાનો એક વધારાનો ફેરો કરનાર વર્ષના ૩૬૫ દિવસમાં ૩૬૫ જેટલાં વધારાના કામ કરી નાખે છે. એના લાભનો સરવાળો કરીએ ત્યારે સમજાય કે માત્ર કર્મમાં જ નહિ, ફ્ળમાં પણ આપણને અધિકાર મળી શકે છે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: