
કેટલીક વાર સાવ સીધી સાદી વાત પણ આપણા દિમાગના દરવાજાની બહાર જ ઊભી રહી જાય છે. સિકંદર શાથી વિશ્વવિજેતા બન્યો એવો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને તરત થાય કે આ તે કંઈ સવાલ છે? એ સમ્રાટ હતો, શક્તિશાળી હતો, એની પાસે મોટું સૈન્ય હતું, સૈનિકો સમર્પિત હતા, ધન અને શસ્ત્રો હતાં. એથી એ વિજેતા બની શક્યો. આ તે કંઈ પૂછવાની વાત છે? પરંતુ ખરું જોવા જઈએ તો આ બધા જવાબો સાચા હોવા છતાં અધૂરા છે. પરંતુ આપણે એ રીતે વિચારતા નથી એટલે જ એનો સાચો અને સંપૂર્ણ જવાબ દરવાજાની બહાર રહી જાય છે. વિશ્વ વિજેતા બનવા માટે આ બધાં લક્ષણો જરૂરી જણાય, પરંતુ જ્યાં સુધી મનમાં એ માટેનું ધ્યેય નક્કી ન થયું હોય ત્યાં સુધી એ બધાં જ લક્ષણો એકડા વિનાનાં મીંડાં જેવાં બની જાય છે. સૌથી મોટી વસ્તુ જ ધ્યેય છે.
જન્મ ધરીને જિંદગી જીવી નાખવી એ તો એક જૈવિક ક્રિયા છે. જીવ-જંતુઓ અને પશુઓ પણ એવી જિંદગી તો જીવી નાખે છે. એક કૂતરું ગલુડિયાંને જન્મ આપે છે ત્યારે એને એવો કોઈ વિચાર હોતો નથી કે હું આ ગલુડિયાંને સુંદર રીતે ઉછેરીશ, એને જી-હઝૂરમાંથી કપડાં અપાવીશ, કોન્વેન્ટમાં ભણાવીશ અને ડૉક્ટર બનાવીશ. એ તો ગલુડિયાં તરીકે જન્મે છે અને કૂતરા તરીકે મરે છે. આપણે જરાક આપણી આજુબાજુ નજર કરીશું તો આવાં અનેક ગલુડિયાં જ મોટાં થયેલાં જોવા મળશે. એ બે જીવન વચ્ચે તાત્ત્વિક ફેર હોતો નથી. જે માણસને કોઈ ધ્યેય જ નથી હોતું એ જીવે કે ન જીવે એથી ભાગ્યે જ કોઈ ફેર પડે છે. આપણે ઘરમાંથી બહાર નીકળીને ચાલવા જ માંડીએ તો ક્યારે અને ક્યાં પહોંચીશું અને ત્યાં જઈને શું કરીશું એ વિષે કશું જ કહી શકાતું નથી. પરંતુ નક્કી કર્યું હોય કે સ્ટેશને જવું છે, તો આપણી ચાલવાની ગતિ નક્કી થશે, ક્યું વાહન પકડવું એનો વિચાર આવશે, ક્યારે પહોંચીશું એનો અંદાજ માંડીશું અને ત્યાં પહોંચ્યા પછી શું કરીશું એનો ય વિચાર આવશે. જીવનનો પટ બહુ લાંબો છે. આખી જિંદગી રખડતા રહેવું હોય તો ધ્યેયની જરૂર નથી. મુકામ શોધવો હોય, ઠરીને બેસવું હોય કે વિજેતાનું સ્મિત માણવું હોય તો ધ્યેય જરૂરી છે. જીવન જ્યાં લઈ જાય ત્યાં જવું એ ધ્યેય વિનાનો રઝળપાટ છે અને આપણે જીવનને જ્યાં લઈ જવા માગીએ ત્યાં લઈ જઈએ ત્યારે જ એ સાચા અર્થમાં જીવતર બને છે.
ધ્યેય વિનાના રઝળપાટથી કશું જ મળતું નથી. માત્ર થાક અને હતાશા મળે છે. આજે મોટા ભાગના માણસો થાકેલા અને હતાશ દેખાય છે એનું આ જ કારણ છે. જે કોઈ પ્રવૄત્તિ એમના માથા પર આવી પડે એ યાંત્રિક રીતે કરતા રહે છે અને એ રીતે સમય પસાર કરે છે. ખરી વાત તો એ છે કે ધ્યેય અંગે મનમાં સ્પષ્ટતા ન હોય તો પ્રાપ્તિમાં પણ આનંદ મળતો નથી. ધ્યેય વિનાની પ્રવૃત્તિ કંટાળો અને બોજ બની જાય છે. એક વાર કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના એક જૂથ સાથે વાત કરવાનો પ્રસંગ બન્યો. “તમારા જીવનનું ધ્યેય શું છે?” એવા પ્રશ્નના જવાબમાં ૨૮ માંથી ૨૨ વિદ્યાર્થીઓ મૌન રહ્યા. એમણે આવું કંઈ વિચાર્યું જ નહોતું. ત્રણ વિદ્યાર્થીઓ એવા હતા જેમને સારી નોકરી મેળવી ઠરીઠામ થવું હતું. એકને પરદેશ જવું હતું અને એકને ઉદ્યોગપતિ થવું હતું. માત્ર એક વિદ્યાર્થી એવો નીકળ્યો જેને પોતાની વાત કરતાં દસ મિનિટ લાગી. એણે ખૂબ વિચાર્યું હતું અને ખૂબ ઊંચા ખ્યાલો સેવ્યા હતા. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એ વિદ્યાર્થી સતત પ્રથમ વર્ગમાં પાસ થતો આવ્યો હતો.
આપણે કઈ પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ અને કયા માર્ગે ચાલી રહ્યા છીએ એનું મહત્ત્વ આપણા આખરી હેતુ અને છેવટના ધ્યેયના આધારે જ નક્કી થાય છે. સિકંદરમાં કેવળ તાકાત હોત તો એથી એ વિશ્વવિજેતા ન બન્યો હોત. તાકાત વડે પથ્થર પણ તોડી શકાય અને દીવાલ પાડી શકાય, પરંતુ વિશ્વવિજય ન મળે. સિકંદર બહાદુર હતો. ઘોડે ચડીને તલવાર વીંઝતો વીંઝતો મેદાનમાં કૂદકા માર્યા કરતો હોત તો એ ય ગાંડો થઈ જાત. વિશ્વનો વિજય એનું ધ્યેય હતું અને એથી જ એની તલવાર ખાલી હવામાં વીંઝાતી નહોતી. ધ્યેય નક્કી થાય એ પછી જ ધ્યેય-પ્રાપ્તિના સાધનની યોગ્યતાનો વિવેક પ્રગટે છે.
અમેરિકન ચિકિત્સા મનોવિજ્ઞાની જેમ્સ સી. કોલમેન કહે છે તેમ વીસમી સદી ચિંતા અને ત્રાસની સદી છે. માણસ જન્મે છે ત્યારથી એને ચિંતા અને સંતાપની જ ગળથૂથી મળે છે. પરિણામે એના માટે જીવવું એ જ પ્રાણપ્રશ્ન બની જાય છે. આવી પરિસ્થિતિમાં માણસ જીવનનું ધ્યેય નક્કી કરવાની કડાકૂટમાં ક્યાંથી પડે? વાત તો સાચી લાગે છે. પરંતુ આગળ કહ્યું તેમ માનવી અને પ્રાણીમાં આ જ તો ફર્ક છે. અશક્યને શક્ય બનાવે અને અઘરાને સહેલ કરે એ જ માણસ. પથ્થરમાંથી પાણી કાઢવાની અને આગને પણ બાગમાં ફેરવવાની તાકાત એકલા માણસમાં જ છે. એને માટે ચાહ જોઈએ, અદમ્ય ઉત્સાહ જોઈએ, ધ્યેય નક્કી કરવા જેટલી દ્રઢતા જોઈએ.
ચિંતાના યુગમાંથી બહાર નીકળવાનું કામ એટલું સહેલું તો નથી જ. છતાં અનેક વિટંબણાઓની વચ્ચે જીવતો માણસ ઘારે તો એક પછી એક વિટંબણાને પાર કરી શકે છે. એક જ છલાંગે હનુમાન સમુદ્ર ભલે પાર કરી શક્યા હોય, આપણે એવું કરીએ તો સીધા દરિયામાં જ પડવાનું થાય. આપણા માટે તો વારાફરથી આપણી વિટંબણાઓ દૂર કરવાનો અને એક પછી એક પગથિયું ચડવાનો માર્ગ જ શ્રેષ્ઠ છે. અહીં નોંધપાત્ર વાત એ છે કે વિટંબણા દૂર કરવાની વાત પણ આપણા માટે ધ્યેય બનવી જોઈએ. આપણા પ્રયાસો તીર કે બંદૂક્ની જેમ તકાય અને ધ્યેય એ નિશાન હોય તો જ વાર ખાલી ન જાય. અને કદાચ એક વાર ખાલી જાય તો બીજો પાર પડે.
ધ્યેય નક્કી કરવાની વાત પ્રથમ નજરે જેટલી સહેલી લાગે છે એટલી જ વાસ્તવમાં અઘરી છે. ધ્યેય નક્કી કરવાની એક ચોક્ક્સ અને વૈજ્ઞાનિક પધ્ધતિ છે. આડેધડ કે પૂરતી સમજ વિના નક્કી કરાયેલું ધ્યેય નિરાશ કરે છે અને નાહક શક્તિ હણી લે છે. આપણી પાસે ૩૦૦ ફૂટના અંતર સુધી જ વાર કરી શકે એવી બંદૂક હોય અને આપણે નિશાન ૬૦૦ ફૂટ દૂરનું તાકીએ તો વાર ખાલી જ જાય. એ માટે નિશાનને નજીક ન લાવી શકાતું હોય તો આપણે નિશાનની નજીક જવું પડે છે. એથી જ વિજેતાની ધ્યેય નક્કી કરવાની પધ્ધતિ પણ વૈજ્ઞાનિક હોવી જરૂરી છે.
સામાન્ય રીતે ધ્યેયને સ્પષ્ટ બે પ્રકારોમાં વહેંચી નાખવું જરૂરી બને છે. એક ટૂંકા ગાળાનું ધ્યેય હોય તો બીજું લાંબા ગાળાનું ધ્યેય હોય. આવાં બન્ને ધ્યેય નક્કી કરતી વખતે એ વાતનો ખાસ ખ્યાલ રાખવો પડે કે ટૂંકા ગાળનું ધ્યેય પણ છેવટે તો લાંબા ગાળાના ધ્યેયને આંબવાનું પગથિયું જ બને. મતલબ કે ટૂંકા ગાળાનું ધ્યેય લાંબા ગાળાના ધ્યેય માટે પૂરક અને પ્રોત્સાહક હોય, અવરોધક તો ન જ હોય.
ધ્યેય નક્કી કરવા અંગેના વિજ્ઞાન તરફ એક નજર કરવી જરૂરી છે. ચોક્ક્સ નિશાન પાર પાડવા માટે કે ચોક્કસ પરિણામ હાંસલ કરવા માટે આપણી સર્જનાત્મક શક્તિઓને કામે લગાડવી એ જ ધ્યેયસિધ્ધિની પ્રક્રિયા છે. બધા જ માણસો આ પ્રક્રિયામાં પ્રવૃત્ત થઈ શકતા નથી. એને માટે મક્ક્મ મનોબળ અને પ્રબળ ઇચ્છાશક્તિ જરૂરી બને છે. આથી જ ધ્યેય નક્કી કરવાની વિધિ ચપટી વળગાડીને પરિપૂર્ણ કરી શકાતી નથી. એની આગળ-પાછળ અનેક વિચારોનું જાળું ગૂંથવું પડે છે. એનાં તમામ લેખાં-જોખાં તપાસવાં પડે છે, સ્વપ્નમાંથી જાગીને તરત ધ્યેય નક્કી કરતી વખતે સૌથી મોખરે રાખીને વિચારવા જેવો પ્રશ્ન એક જ છે: આપણે નક્કી કરેલું ધ્યેય વાસ્તવિક છે ખરું?
માણસ સ્વપ્નશીલ છે અને મહત્વાકાંક્ષી પણ છે. એ જ કારણે એનું ધ્યેય અવાસ્તવિક બની જવાનો સતત ડર રહેતો હોય છે. આથી જ ધ્યેયને આપણી શક્તિ, મર્યાદાઓ, આપણાં સાધનો, આગળ જતાં જરૂરી સાધનો ઊભાં કરી શકવાની ક્ષમતા, અવરોધો પાર કરવાની તાકાત અને શક્તિ મર્યાદાના સંદર્ભમાં એને મૂલવવું જરૂરી બને છે. આમાંનો એક પણ સંદર્ભ ચૂકી જવાય તો ધ્યેયસિધ્ધિ પાછી ઠેલાય છે યા હાથતાળી દઈ જાય છે.
ધ્યેય નક્કી કરતી વખતે આટલી બાબતો વિચારી લીધા પછી અગ્રતાનો સંદર્ભ પણ તપાસવો પડે છે. ધ્યેય પ્રાપ્તિનું વિજ્ઞાન સૂચવે છે તેમ કોઈ પણ ધ્યેયને વ્યવસ્થિત પગથિયાં કે તબક્કામાં વહેંચી નાખવું જરૂરી છે. એ દરેક તબક્કાને માટે ચોક્ક્સ સમય ફાળવી દઈને એ માટે જરૂરી પ્રયાસોનો નકશો તૈયાર કરવો પડે છે. દરેક તબક્કાને અંતે જેટલું પરિણામ હાંસલ થયું હોય એટલાનું મૂલ્યાંકન કરીને આગળ વધવામાં આવે તો પછીના તબક્કા આપોઆપ સરળ બનતા જાય છે.
ક્યારેક એવું પણ બને કે આ પ્રક્રિયા દરમ્યાન મોટો અવરોધ આવી જાય છે અને બધું ખોરવાઈ જતું હોય એવું લાગે છે. પરિસ્થિતિ કાબૂ બહાર નીક્ળી જતી હોય એવું લાગે છે. આવે વખતે ધ્યેયને બાજુ પર મૂકી દેવાનું મનોદબાણ પેદા થાય છે અને હતાશા એમ કરાવે છે પણ ખરી. પરંતુ આવું બને ત્યારે અર્થશાસ્ત્રના ‘પ્લાન હોલી ડે’ના ખ્યાલને કામે લગાડવો જોઈએ. કોઈ એક યોજના આડે અવરોધ આવે ત્યારે એ યોજનાને ત્યાં જ અટકાવી દઈને અવરોધને પાર કરવા માટે ટૂંકા ગાળાનું સમયબધ્ધ આયોજન કરાય છે. એ અવરોધ દૂર થાય કે તરત મૂળ યોજના આગળ ધપાવવામાં આવે છે. ધ્યેય પ્રાપ્તિના સફરમાં પણ આવો મુકામ આવી જ શકે છે. અવરોધને નિષ્ફળતા માની લેવાની ભૂલ તો કરોળિયો પણ નથી કરતો.
ધ્યેય પ્રાપ્તિ માટે કરોળિયા જેવી ધીરજ અને વંદા જેવી જીજિવિષા કેળવવી પડે. શ્વાસનો દરેક ધબકાર ધ્યેય પ્રાપ્તિના તાણાવાણા ગૂંથતો થઈ જાય એ પછી સિધ્ધિ અને વિજયની ચાદર નહિ ગૂંથવાનું કોઈ કારણ જ રહેતું નથી.