૭. પહેલ કરે એનાં પાસાં પોબારા!

વિશ્વવિજેતા સિકંદરની પ્રત્યેક જીતનું એક રહસ્ય હતું. દરેક યુધ્ધમાં સિકંદરે આક્રમણનો મોરચો ખોલ્યો હતો. પહેલો  પ્રહાર સિકંદરનો રહેતો. યુધ્ધની સિકંદરની ફિલોસોફી શાશ્વ રીતે સાચી ઠરી છે. પહેલો પ્રહાર કરનાર અડધું યુધ્ધ વખતે જીતી લે છે. બાકીના અડધા યુધ્ધને જીતવા માટે બીજી બધી આવડતોને કામે લગાડવી પડે છે. પહેલો પ્રહાર કરવાની તક ચૂકી જનારને બેવડી સમસ્યાઓ વેઠવી પડે છે. એના હાથમાંથી પ્રહારની તક ખૂંચવાઈ જતી હોવાથી એણે આરંભથી પોતાનાં અનેક સાધનોને કામે લગાડવાં પડે છે. પરિણામે સાધનો ખૂટી જવાની કે ખૂબ જલ્દી થાકી જવાની એની શક્યતાઓ વધી જાય છે. આપણે ત્યાં પણપહેલો ઘા રાણાનોએવી કહેવત છે.

પહેલ કરવાથી જ અડધી બાજી જીતી જવાય છે.

જે વ્યક્તિ પહેલ નથી કરતી કે પહેલ કરવામાં ખચકાટ અનુભવે છે એ કાં તો અડધી બાજી સામાને આપી દે છે અથવા અડધી બાજીને પોતાના હાથમાંથી સરકી જવા દે છે. પહેલ કરનાર માટે શરૂઆતથી જ પોતાની બાજી પર પોતાનો કાબૂ જાળવી રાખવાનું સરળ બને છે. પહેલ કરવી એ માત્ર યુધ્ધનો જ નિયમ નથી. કોઈ પણ કાર્યને સફળ બનાવવા માટેની આ શરત છે. રમતમાં પણ એ એટલી જ લાભદાયી બને છે. ક્રિકેટની રમતમાં ઓપનિંગ બેટ્સમેન કે ઓપનિંગ બોલરને એ જ ધોરણે અદકું મહત્ત્વ અપાય છે. ઓપનિંગ પેર સદી ફટકારે પછી મેચ જીતવાનું સરળ લાગવા માંડે છે. એવી જ રીતે ઓપનિંગ બોલર વિકેટ ખેરવે એટલે મેચનું પાસું પલટાતું જોવા મળે છે. આ જ કારણે નબળા ઓપનિંગ બેટ્સમેન કે નબળા ઓપનિંગ બોલરને ટાળવવામાં આવે છે.

પહેલ કરવાના ઘણા મનોવૈજ્ઞાનિક ફાયદા છે. સૌથી પહેલી વાત તો એ છે કે પહેલ કરનારમાં સ્વાભાવિક જ આક્રમણનું તત્વ ઊપસી આવે છે. એક વાત તો સ્પષ્ટ છે કે આક્રમણ કરનાર આક્રમણ કરતી વખતે માત્ર પ્રહાર કરવાનો જ વિચાર કરે છે, બચાવ કરવાનો નહિ. મતલબ  કે એ વખતે એની તમામ શક્તિઓ એક માત્ર આક્રમણ કરવા તરફ જ કેન્દ્રિત થયેલી હોય છે. ઊલટ પક્ષે આક્રમણનો સામનો કરનારે એક તરફ પોતાનો બચાવ કરવાનો હોય છે, બીજી તરફ આક્રમણને ખાળવાનું હોય છે અને ત્રીજી તરફ એ પછી ઊભી થનારી અણધારી પરિસ્થિતિની દહેશતને શમાવવાની હોય છે. આ ત્રણ કર્યોમાંથી એને જરાક ફુરસદ મળે તો જ એ વળતા આક્રમણનું માનસિક આયોજન કરી શકે છે. આક્રમણની પહેલ કરનારે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એનું આક્રમણ એવું હોય કે એ સામા માણસને પહેલાં ત્રણ કાર્યોમાં જ અટવાવી રાખે, પરિણામે ચોથું કાર્ય હાથ ધરવાની એને તક જ ન મળે.

આનો અર્થ એવો થાય કે માત્ર પહેલ કરવામાં આવે કે આક્રમણ આદરવામાં આવે એટલું જ પૂરતું નથી. પહેલ કરવા માટેની પણ કેટલીક અનિવાર્ય શરતો છે. ‘માર બૂધું અને કર સીધું’ એવું વલણ પહેલ નથી બનતું. ક્યારેક બૂધું મારતાં સીધું થવાને બદલે ઊંધું પણ થઈ જતું હોય છે. પહેલ કે આક્રમણ પણ પૂરતા વિચારને અંતે જન્મતી ક્રિયા છે. પહેલ કરનાર છેલ્લી ઘડીએ સંભવિત પ્રતિકાર કે અવરોધનો વિચાર નથી કરતો, પરંતુ એનો આગોતરો અંદાજ મેળવી લે છે. એનો એક સ્પષ્ટ ફાયદો એ થાય છે કે વિચાર્યા વિના આકસ્મિક પ્રતિકાર કે અવરોધ આવે ત્યારે એણે આક્રમણ ઢીલું કરીને બચાવની સ્થિતિમાં આવી જવું પડે છે અને આગોતરો વિચાર કરેલો હોય તો પ્રતિકાર કે અવરોધનો સામનો કરવાની પ્રક્રિયા પણ એના માટે આક્રમણનો જ એક ભાગ બની રહે છે.

પહેલ કરવા માટે કે આકમણ માટે સમયની પસંદગી પણ એક ખૂબ અગત્યનું પરિબળ છે. ગમે તેટલા શક્તિશાળી પ્રતિવાદીને પણ ઊંઘતો ઝડપવાની રણનીતિ આ જ સંદર્ભે અનુસરવામાં આવે છે. પહેલ કે આક્રમણ વખતે તમામ પ્રતિરોધક પરિબળો નબળી સ્થિતિમાં હોય એ જોવું જરૂરી બને છે. દુનિયાનાં મોટા ભાગનાં યુધ્ધો પરોઢ થતાં પહેલાં જ ફાટી નીકળ્યાં છે. છેલ્લે અખાતી યુધ્ધ છેડાયું ત્યારેય સંયુક્ત રાષ્ટોએ ઇરાક પર હલ્લો બોલાવવા માટે સૂર્યોદય પહેલાંનો જ સમય પસંદ કરતી વખતે વાતાવરણનો પણ વિચાર કરવો પડે છે. આપણી પોતાની ક્ષમતા અને વાતાવરણ  સાથે અનુકૂલન સાધવાની શક્તિની અવગણના કરી તો ગયા જ સમજવું. નેપોલિયને પ્રતિકૂળ ઋતુનો વિચાર કર્યો નહિ અને રશિયામાં એના સૈનિકો ઠરીને ઠીકરું થઈ ગયા.

પહેલ અને પરંપરાને આભડછેટનો સંબંધ છે. બીજી રીતે કહીએ તો પરંપરાઓની સાંકળોથી બંધાયેલી વ્યક્તિ ભાગ્યે જ પહેલ કરી શકે છે. પહેલ માટે પરંપરા બહુ મોટો અવરોધ બને છે. પરંપરાથી હટીને ચાલવા કે પરંપરા તોડવા તૈયાર થાય એ જ પહેલ કરી શકે છે. પરંપરા તોડવાની વાત આવે ત્યારે બહુધા આપણને અન્ય લોકોથી અને સમાજથી વિખૂટા પડી જવાનો ડર સતાવતો હોય છે. ‘કોઈ શું કહેશે?’ એવો સવાલ ભૂતાવળની માફક આપણને ઘેરી વળે છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આપણે જે પરંપરાને તોડતાં ખચકાઈએ છીએ એ પરંપરા ક્યારેક તો કોઈએ શરૂ કરી હશે ને! સાથે બીજી પણ એક વાત સમજી લેવા જેવી છે કે એક પરંપરા તોડયા વિના બીજી સ્થપાતી નથી. એટલે એમ કહી શકાય કે આપણે એક પરંપરા તોડવા તૈયાર થઈએ છીએ ત્યારે સાથે સાથે જ નવી પરંપરા સ્થાપવાની પણ તૈયારી થઈ જ જતી હોય છે. સાચી વાત એ છે કે પરંપરાના ભંજન અને મંડનથી જ સમાજ ગતિશીલ રહી શકે ખરી? સમૂહ લગ્નો, વિધવા વિવાહ, આંતરજ્ઞાતીય લગ્નો અને એવી બીજી અનેક પરંપરાઓ તૂટી છે. ક્યારેક કોઈએ એ તોડવાની હિંમત ન કરી હોત તો આપણે અત્યારે કઈ સદીમાં જીવતા હોત એ વિચારવા જેવું છે.

પહેલ કરનારે સૌથી મોટો માનસિક સંધર્ષ અજ્ઞાત ભય અને આકસ્મિક અવરોઘોના ડર સામે ખેલવાનો હોય છે, પહેલ કરનારનું એક જ સૂત્ર હોય છે : “Come what may!” જે થવું હોય તે થાય, યાહોમ કરીને પડો એ જ એક મંત્ર હોય છે. પહેલ કરનાર કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનો ભરપૂર મુકાબલો કરવાની મનમાં ગાંઠ વાળે છે. અને એથી જ એ સાવ અજાણ્યા સંજોગોના કુંડાળામાં કે અજાણી ભોમકામાં પગ મૂકતાં ખચકાટ અનુભવતો નથી. કોલંબસે આવો ખચકાટ અનુભવ્યો હોત તો અમેરિકા જડયું હોત? નીલ આર્મસ્ટ્રોંગે પણ આવો ખચકાટ રાખ્યો હોત તો ચન્દ્ર પર શું છે એની આપણને કેટલી ખબર પડી હોત?

કેટલાક એવો બચાવ પણ કરતા હોય છે કે પહેલ કરવા માટે તક તો ઊભી થવી જોઈએ ને? પરંતુ લાગે છે કે પહેલ નહિ કરવા માટેનું આ એક બહાનું જ છે. તક કોઈ આપવા આવતું નથી. તક આપણે ઊભી કરવી પડે છે. તક સર્જવી પડે છે. અંગ્રેજીમાં એક સરસ વાત કહેવાઈ છે. કહે છે કે તક આવે એટલે કૂદી પડો, પરંતુ સામો સવાલ કરાય છે, તક આવી એવી ખબર  ક્યારેક પડે? ખબર પડે અને કૂદવા જઈએ ત્યાં તક સરકી જાય તો? આનો જવાબ છે: ‘સતત  કૂદતા રહો.’ જેને પહેલ કરવી છે એને એવો સવાલ થાય કે તક સરકી જાય તો? આનો જવાબ છે: ‘સતત કૂદતા રહો.’ જેને પહેલ કરવી છે એણે તક શોધવા નથી જવું પડતું. તકનું નિર્માણ એ પોતે જ કરી લે છે.

કેટલાક વળી અજાણ્યા માર્ગે કોઈક બીજું સાહસ કરે એની રાહ જોતા હોય છે. એ પછી જ એના અનુભવને તેઓ અનુસરે છે. આવી રીતે રાહ જોવાનો સૌથી મોટો ગેરલાભ એ છે કે આપણી પાસેથી પહેલ કરવાની તકને આપણે જ સરકી જવા દઈએ  છીએ. અહીં કોઈ વાતે હરખપદુડા થઈને હડી કાઢવાની વાત નથી, સાહસ એકઠું કરીને ઝુકાવવાની જ વાત મહત્ત્વની છે. આ દુનિયામાં પહેલ કરીને મોટી જીત મેળવી હોય એવા અસંખ્ય દાખલા છે. પહેલ નહીં કરીને જેણે ગુમાવ્યું છે એમની સંખ્યા બહુ મોટી હોવા છતાં આપણને એની ખબર એટલા માટે નથી પડતી કે પહેલ નહિ કરનારાઓની તો ઇતિહાસ પણ નોંધ લેતો નથી.     

આપણું જીવન પોતે જ એક જંગ છે. વિજેતા બનવા નીકળનારે સતત ઝઝૂમવું પડે છે. કુટુંબ, સમાજ, વ્યવસાય અને સિધ્ધિની દરેક સફરમાં છેલ્લા મુકામ પર પહોંચવા માટે પહેલ કરવાની તૈયારી રાખવી પડે છે. પરંપરા તોડવાનો પણ એક આનંદ હોય છે. નવી પરંપરાની હંમેશાં પહેલા જ ધડાકે જીતી જાય કે વિજય હાંસલ કરે એવું ન પણ બને. કદાચ એને પછડાટ ખાવી પડે કે પીછેહઠ સહન કરવી પડે. પરંતુ પછડાટ  કે પીછેહઠ માટે પહેલ કરવાની ભૂલ જવાબદાર છે એમ વિચારવાની ભૂલ કરવી જોઈએ નહિ. પહેલ કરવાથી અડધી બાજી જીતી લેવાય છે, પરંતુ બાકીની અડધી માટે બીજાં શસ્ત્રાશસ્ત્રોને પણ કામે લગાડવાં પડે છે. પછડાટ કે પીછેહઠ હતાશ કરી દે તો ન ચાલે, એ માટેનાં કારણો એની મીમાંસા તરફ દોરી જાય તો પહેલ કદી એળે જાય નહિ.

આ દુનિયામાં દરેક ચીજ ક્યારેક ને ક્યારેક તો પહેલી વાર થઈ જ છે. કોઈએ પહેલ કરી જ ન હોત તો?    

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: