૧૧. મિત્રતાની મહેલાત!

એ બંને બાળપણના મિત્રો હતા. એક જ ફળિયામાં સાથે ઊછર્યા હતા, એક જ સ્કૂલમાં ભણ્યા હતા. કોલેજમાં પણ સાથે હતા અને ભણ્યા પછી એમણે ધંધો પણ સાથે જ શરૂ કર્યો, બંને મિત્રોએ ખૂબ મહેનત કરીને ધંધો જમાવ્યો. સૌ કોઈ એમની સફળતાનો યશ એમની મિત્રતાને જ આપતા હતા. આ દરમ્યાન મિત્રતાને સંબંધમાં પલટાવવાનો સંજોગ ઊભો થયો. એક મિત્રની બહેનનાં બીજા મિત્ર સાથે લગ્ન થયાં. પરિણામે બંને મિત્રો મટીને સાળા-બનેવી બન્યા. બે વ્યક્તિઓનો સંબંધ હવે બે કુટુંબોનો સંબંધ બન્યો.

ઘટના ચક્ર સતત ફરતું જ રહે છે. કોણ ક્યારે એની હડફેટે આવી જાય છે, એની ભાગ્યે જ ખબર પડે છે. જેમની મિત્રતાના સોગંદ ખાઈ શકાતા હતા એવા આ બે મિત્રોમાં તિરાડ ઊભી થઈ, આ તિરાડનું મૂળ શોધવાનો બેમાંથી એકેયે કાં તો કોઈ પ્રયાસ કર્યો નહતો અથવા તો એ વિષે તેઓ જ્ઞાત હોવા છતાં એ અંગે ચર્ચા કરવા માંગતા નહોતા. એક બીજાના ઘર સાથેના સંબંધો ઔપચારિક બન્યા, કોઈ પણ પ્રકારના ઊહાપોહ વિના ધંધામાંથી બંને જુદા પડ્યા. બે મિત્રો માત્ર સાળો-બનેવી બનીને રહી ગયા. સાહજિક બનેલા સંબંધો ઔપચારિક બની ગયા. બેમાંથી એકેય એકબીજાનું ઘસાતું બોલતા નહિ, પરંતુ એકબીજા વિષે વાત કરવાનું ટાળતા. એમની મિત્રતા જાણે ભૂતકાળની ઘટના બની ગઈ.

આ બે મિત્રો વચ્ચે ખરેખર શું બન્યું એ વિશે તેઓ મૌન હોવાથી એ માત્ર કલ્પનાનો જ વિષય બની રહે છે. એ ઘટના ધંધાકીય હોય, કૌટુંબિક હોય કે અંગત હોય, છતાં અંતે એક વાત પર આવીને અટકી શકાય કે, બંને મિત્રો કોઈ એક તબક્કે એક્બીજાની ઊંચી અપેક્ષાઓમાં ઊણા ઊતર્યા હોવા જોઇએ.

મિત્રતા એક નિઃશબ્દ વ્યવહાર છે.

જગતનાં તમામ દુ:ખોનું મૂળ અપેક્ષામાં છે. અપેક્ષા સંતોષાય નહિ ત્યારે દુ:ખ જન્મે છે. એ ક્ષણ માટે જે વ્યક્તિ પોતાને જવાબદાર માનવા તૈયાર થાય છે એ જ એના દુ:ખમાંથી બચી શકે છે. જે બીજાને જવાબદાર ઠેરવે છે, એ ત્યાં જ અટકીને નિરાશા તથા દુ:ખના જાળામાં લપેટાય છે. મિત્રતા પણ જ્યારે અપેક્ષાઓની ગુલામ બને છે ત્યારે એ મિત્રતા નથી રહેતી એક ઔપચારિક વ્યવહાર બની જાય છે.

મિત્રતા બહુ રહસ્યમય સંબંધ છે. કેવળ લાંબા સહવાસથી મિત્રતા બનતી નથી. માતા, પિતા, ભાઈ, બહેન, પતિ કે પત્ની પણ મિત્ર હોઇ શકે છે. બીજી રીતે કહીએ તો મિત્રતા વ્યાવહારિક સંબંધોથી પણ ઉપરનો સંબંધ છે. અથવા કહો કે મિત્રતા ઔપચારિક વ્યાવહારિક સંબંધ નથી, એ અનૌપચારિક આંતરક્રિયાનું ઝરણું છે. કહે છે કે માણસ પોતાનાં સગાં પસંદ કરી શકતો નથી, પણ મિત્રો જરૂર પસંદ કરી શકે છે. આ વાત પહેલી નજરે સાચી લાગતી હોવા છતાં બહુ સ્વીકાર્ય લાગતી નથી. પસંદ કરેલી મિત્રતા પણ અપેક્ષાઓનાં જાળામાં લપેટાઈને અકાળે ગુંગળાઇ જતી જોવા મળે છે.

અંગ્રેજીમાં કહે છે, ‘અ ફ્રેન્ડ ઈન નીડ, ઇઝ અ ફ્રેન્ડ ઇન્ડીડ,’ જરૂરિયાતના સમયે પડખે ઊભો રહે એ જ સાચો મિત્ર. ઘણીવાર લાગે છે કે મિત્રતાના સંબંધમાં આ વિધાનનું હાર્દ આપણે સમજ્યા જ નથી હોતા. સાચા મિત્રનું કર્તવ્ય જરૂરિયાત અથવા મુશ્કેલીના સમયે પડખે ઊભા રહેવાનું છે અને પોતાની શક્તિ, મર્યાદા તથા વિવેકબુદ્ધિ પ્રમાણે મિત્રને મદદરૂપ થવાનું છે. આ બધું એના પર જ છોડી દેવાનું હોય છે. એને બદલે આપણે ઊંધો અર્થ લઇએ છીએ. આપણી જરૂરિયાત અથવા મુશ્કેલીના સમયે આપણે જેને મિત્ર માનતા હોઈએ એની પાસે મદદની અપેક્ષા સેવીએ છીએ અને બહુધા મદદ માગીએ પણ છીએ. આવે વખતે એ ઢીલું બોલે કે ઇન્કાર કરે એટલે આપણે ‘હી ઇઝ નોટ અ ફ્રેન્ડ ઈન્ડીડ’ એમ તારવીને સમીકરણ પૂરું કરી દઈએ છીએ.

જગતની સર્વ કડીઓમાં, સ્નેહની સહુથી વડી

મિત્રતા એ કેવળ સહવાસ નથી; સહવાસથી મિત્રતાનું પોત બંધાતું નથી. સહવાસ તો મિત્રતાનું ઉંજણ છે. અપેક્ષા અને ઉપેક્ષા વ્યાવહારિક સંબધોમાં જેટલી સ્વાભાવિક લાગે છે એટલી મિત્રતામાં નથી લાગતી. મિત્રતા અનપેક્ષિત આદાન-પ્રદાન છે. એ આદાન-પ્રદાન પણ કેવું હોય છે? આપણે આર્થિક કે ભૌતિક આદાન-પ્રદાન પર જ આવીને અટકી જઈએ છીએ. મિત્રતા એ સ્નેહ અને સુખ-દુ:ખનું આદાન-પ્રદાન છે. ‘જગતની સર્વ કડીઓમાં, સ્નેહની સહુથી વડી’ એમ કહીએ છીએ ત્યારે એ સ્નેહને મિત્રતાનો પર્યાય બનાવવાનું ભૂલી જઇએ છીએ અને એથી જ વારંવાર મિત્રતાની મરણનોંધ લખવાનો વખત આવે છે.

કેટલાક માણસોનો સ્વભાવ જ એવો હોય છે કે એ હાલતાં-ચાલતાં મિત્રો બનાવી લે છે. એમાંના મોટા ભાગના મિત્રો સાથેના સંબંધો પાનના ગલ્લા, હોટેલ, સિનેમા, બર્થ ડે કાર્ડ અને ગ્રીટિંગકાર્ડ સુધી સીમિત થઈ જતા હોય છે. આ સીમાની બહારનો કોઈ પ્રસંગ આવે ત્યારે મિત્રતાનું એ વર્તુળ વિખેરાઈ જતું હોય છે, કારણ કે એ સીમાની બહાર ઊંચી અપેક્ષાઓ મોં ફાડીને બેઠેલી હોય છે. પાનના ગલ્લાથી ગ્રીટીંગ કાર્ડ સુધીના સંબંધોમાં વચ્ચે સ્નેહની કડી ખૂટતી હોય છે.

વૉનેર ઍરહાર્ડ કહે છે કે મિત્રતા એ બે વ્યક્તિનાં ‘વાઈબ્રેશન્સનું મેચિંગ’ છે. એક સરખી તરંગ લંબાઈ વિના મિત્રતા સંભવતી નથી. મહર્ષિ અરવિંદ એમાં સ્નેહની સાથે એકાત્મતાને ઉમેરીને એને જ સાચા અર્થમાં ‘જીવવું’ ગણે છે. મિત્રતા ભોગવાતી નથી, મિત્રતા જીવાય છે. જે ભોગવવા જાય છે, એ મિત્રતા ગુમાવે છે અને જીવવા જાય છે એ જ એને પામે છે.

Photo by Jennifer Polanco મિત્રોની તરંગલંબાઈ મળે ત્યારે સ્નેહનું વર્તુળ રચાય છે.

તરંગલંબાઇની વાત ક્યારેક બહુ સાચી લાગે છે. રેડિયોમાં જેમ ચોક્કસ સ્ટેશન માટે ચોકકસ તરંગ લંબાઇનાં મોજાં પકડ્યા વિના પ્રસારણ ઝીલી શકાતું નથી તેમ બે વ્યક્તિ વચ્ચે પણ એક સરખી તરંગલંબાઇ વિના ભાવ-સંવાદ સ્થપાતો નથી. આ સ્થિતિ જ ખરા અર્થમાં મિત્રતા છે. તરંગલંબાઇનો દોર છટકી જાય એવું બને, પરંતુ રેડિયોમાં જેમ ઘરઘરાટી આવે ત્યારે સહેજ ટ્યુનિંગ કરીને પાછું સ્ટેશન ગોઠવીએ છીએ એમ જ મિત્રતામાં પણ ઘરઘરાટી સંભળાવા લાગે છે ત્યારે ટ્યુનિંગ કરી લેવું પડે છે. ક્યારેક સામેથી આવતાં મોજાં નબળાં હોય અથવા હવામાનનો અવરોધ નડતો હોય ત્યારે પરિસ્થિતિને સાચવી લેવી પડતી હોય છે.

કવિઓએ મિત્રતાની બહુ મીમાંસા કરી છે. એમાં ક્યાંક કડવા-મીઠા અનુભવો છે તો ક્યાંક ફિલસૂફી અને જીવનદર્શન પણ દેખાય છે. કડવા અનુભવનો નીચોડ આપતાં સૈફ પાલનપુરી કહે છે પીઠ પાછળ ખંજર ભોંકે એ દોસ્ત હોવા જોઇએ. બ્રુટ્સ જુલિયસ સીઝરનો મિત્ર જ હતો. શેક્સપિયરે સીઝર પાસે ‘યુ ટુ, બ્રુટ્સ?’ એવો ઉદ્દગાર કઢાવીને મિત્રતાની પીડાને શાશ્વત બનાવી દીધી છે. પરંતુ આગળ વિચારવા કે બ્રુટ્સને કંઈક પૂછવા જેટલો સમય સીઝર પાસે બચ્યો નહોતો. એટલે બ્રુટ્સના એ કૃત્યનું સ્પષ્ટીકરણ સીઝરનાં ઉદ્ગારમાં જ શમી ગયું.

એક ઉર્દૂ કવિ કહે છે કે,

“દોસ્તોં કો આઝમાતે જઇએ, દુશ્મનોં સે પ્યાર હોતા જાયેગા.”

અહીં પાછી દોસ્તોને અજમાવવાની વાત આવી ગઈ છે. કડવો અનુભવ જ બોલતો સંભળાય છે. દુશ્મનનું તો કામ જ દુશ્મનાવટ કરવાનું છે, પરંતુ મિત્રો જ્યારે દુશ્મનાવટ આદરે ત્યારે દુશ્મનો પ્રત્યે પ્યાર ઊપજવાની પરાકાષ્ઠા અનુભવાય છે. શૂન્ય પાલનપુરીએ પણ દોસ્તોએ દીધેલા જખ્મોને બખૂબી શબ્દોમાં ઉતાર્યા છે. એ કહે છે:

જીવનની સમી સાંજે, જખ્મોની યાદી જોવી’તી,

બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં.

બિન-અંગતના જખ્મો ભુલાઈ જાય છે, જેની યાદી થઈ શકે એવા જખ્મો તો અંગતના જ હોય છે અને એ અંગતમાં મિત્રો મોખરે હોય છે.

છતાં એક સવાલ તો રહે જ છે. જે જખ્મ આપીને ખસી જાય છે એને મિત્ર શી રીતે કહેવો? મિત્રતાની તરંગલંબાઈ ગોઠવાઇ જ ન હોય તો એવી મિત્રતાથી મળતું સુખ એ સુખ નથી અને દુઃખ એ દુ:ખ નથી.

“શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,

પણ જેમાં સુખ-દુઃખ વામીએ, તે લાખોમાં એક.”

કવિતામાં કહેવાયેલી કદાચ આ સૌથી ઊંચી વાત હશે. જેને મિત્ર કહીએ છીએ તે નથી શેરી મિત્ર કે નથી તાળી મિત્ર – પણ જેનામાં સુખ-દુ:ખને વહેંચવાની, નીચોવી દેવાની, રેડી દેવાની એને ઓળધોળ કરવાની શક્યતા છે એ જ મિત્ર છે, એવો મિત્ર છ આને ડઝનના ભાવે ભટકતો નથી. એ લાખોમાં એક જ હોય છે.

કવિ માધવ રામાનુજ કહે છે,

“એક એવું ઘર મળે આ વિશ્વમાં, જ્યાં કોઇ પણ કારણ વિના હું જઇ શકું.

અહીં મિત્રનું જ ઘર-હૃદય-મન અપેક્ષિત છે. કારણોના વ્યવહારનો અપવાદ શોધવાની વાત છે. આખા વિશ્વમાં શોધવું પડે ત્યારે એવું ઘર મળે છે, કયારેક તો મળતું જ નથી.

મનોવિજ્ઞાની કાર્લ રોજર્સ કહે છે કે જે વ્યક્તિ પોતાની અંગતમાં અંગત લાગણીઓને કોઇકની પાસે પણ વ્યક્ત નથી કરી શકતી એ જે માનસિક સંધર્ષનો સામનો કરે છે, એને મનોપચારક કે મનોવૈજ્ઞાનિક સલાહકારની જરૂર પડે છે. રોજર્સની વાતને સહેજ જુદી રીતે કહેવી હોય તો એમ કહી શકાય કે ‘લાખોમાં એક જેવો મિત્ર’ હોય એને મનોપચારક કે મનોચિકિત્સકની ભાગ્યે જ જરૂર પડે છે. જેણે જીવનમાં મિત્ર ‘વસાવ્યો’ છે એ જગતનો સૌથી સમૃદ્ધ માણસ છે. મનોવિજ્ઞાની મિત્ર પ્રોફેસર બી. બી. સિદ્દીકી કહે છે તેમ સાચો મિત્ર એ છે જેની પાસે નગ્ન થઈ શકાય. અહીં શારીરિક નગ્નતાની વાત નથી. માનસિક નગ્નતાનો ખ્યાલ છે.

માણસ પાસે અપેક્ષા નહિ રાખવાની અપેક્ષા રાખવી એ અઘરામાં અઘરી વાત છે. પરંતુ જેમ દરેક નિયમને કોઇક અપવાદ હોય છે. તેમ મિત્રતામાં અપેક્ષાનો અપવાદ અપેક્ષિત છે. કડવા અનુભવોનું દુઃખ સાથે બયાન કરનારા કવિઓની સામે કોઈક એવા કવિઓ પણ મળી આવે છે. જેમને મન આ જિંદગીનો મકસદ જ મિત્રતા છે. શાયર સિકંદર અલી હે છે તેમ,

“ન આગહી કે લિયે હૈ, ન બેખુદી કે લિયે,

સજી હૈ બઝ્મે-જહાં, સિર્ફ દોસ્તી કે લિયે.”

આ દુનિયાની મહેફિલમાં આપણે ભેગા થયા છીએ તે જ્ઞાન (આગહી) કે મસ્તી યા આનંદ (બેખુદી) માટે નહિ, પણ દોસ્તીને માણવા અને દોસ્તીને જીવવા માટે આ દુનિયાની મહેફિલને સજાવાઈ છે.

મિત્રતા એ નિ:શબ્દ વ્યવહાર છે. એ વ્યવહાર ખોરવાઇ જાય ત્યારે, પેલી તરંગલંબાઇ તૂટી જાય ત્યારે, આદાન-પ્રદાન અપેક્ષાઓના કેન્સરની ગાંઠ બની જાય ત્યારે અને લેવડ-દેવડનાં સમીકરણો અસમતોલ દેખાવા માંડે ત્યારે નિઃશબ્દ વ્યવહાર પણ મૌન બની જાય છે અને મિત્રતાના એવા મૌનના ભાર હેઠળ જગત આખું દબાઈને ગૂંગળાતું હોય એવું લાગે છે. એ મૌન સામે આપણું બોલવાનું આપણું રહેતું નથી.

હરીન્દ્ર દવે કહે છે તેમ,

“વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો, હું શું કહી ગયો છું, મને યાદ પણ નથી !”

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: